ભેગા છેડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એ સમજણ સુધી જો જઈએ ઘણું છે,
અલગ ને અલગ ના ગણીએ ઘણું છે.
ન કાશી ન કાબા ન ગંગા ન ઝમઝમ,
નજરમાં તમારી રહીએ ઘણું છે.
-ચિરાગ ઝા ‘ઝાઝી’
 
પાંચ મહિલાની માગણી, પાંચ ન્યાયાધીશની તાવણી અને પાંચ કરોડ મુસ્લિમ સ્ત્રીઓની લાગણી એટલે તલાકને તલાક. સુપ્રીમના 395 પૃષ્ઠો ઇતિહાસમાં અમર થઈ જશે. કોઈ ગમતીલા પાત્રને ત્રણ વાર I LOVE YOU કહીએ તો એની સાથે આપોઆપ લગ્ન થઈ જાય એવું હોય તો કેવું! મુહોબ્બત પર્સનલ લો બોર્ડના પ્રેમીઓએ કોર્ટમાં ધા નાખવા જેવી ખરી. સંબંધમાં ક્યાંક પ્રશ્નાર્થ સર્જાય તો તરત પૂર્ણવિરામ મૂકવાની પ્રથા માણસોમાં જ છે. કદી કોઈ પશુપ્રાણી અલગ થયાના દાખલા સાંભળ્યાં છે? ખરેખર તો સાચા સામાજિક પ્રાણી એ પ્રાણી જ છે. અનેક અમલાં-કમલાં, કાસ્પર હાઉઝરને એમની પાસે લાગણીના લાલનપાલન માટે મોકલવા જોઈએ. કોઈ મોટિવેશનલ સ્પીચ સાંભળ્યા વગર જિંદગી જીવવાની જડીબુટ્ટી એમને મળી જાય છે.
આ દેશમાં જ નારીનું સૌથી વધુ સન્માન થયું છે અને સૌથી વધુ અપમાન પણ. અહીં સ્ત્રીએ ‘સાત પગલાં આકાશ’માં ભર્યાં છે અને ‘આંગળિયાત’ પણ છે. સમજણનું સરોવર સુકાઈ જાય, કમનીયતાનું કમળ સુકાય ત્યારે ફારગતીનું ફારસ સર્જાય છે. જગતનો સૌથી પવિત્ર શબ્દ ‘લગ્ન’ શરમાઈ જાય છે. બીજા સંબંધોમાં મર્યાદા છે. લગ્નમાં પારદર્શક પ્રવાહિતા છે. અહંનો આગળિયો આડો આવે ત્યારે ડિવોર્સના દરવાજે જવું પડે છે. જોકે, તલાક અને તાલી એક હાથે ન વાગે. પાંચ વર્ષ પ્રેમમાં રહ્યા પછી પાંચ મહિનામાં જ લગ્નમાં ભંગાણ પડે ત્યારે ખોટાં વચનો અને જુઠ્ઠી જાહોજલાલી ખુલ્લી પડી જાય છે.

ઇન્સ્ટન્ટ યુગમાં ઠરેલપણું ક્યાંક ખોવાયું છે. બીજા લગ્નને મજાકમાં દાઝ્યા પર ડામ ભલે કહીએ, પણ મોટાભાગે બીજાં લગ્ન ખૂબ સુખી રહ્યાનું સંશોધન થયું છે. કદાચ બંનેમાં વધુ મેચ્યોરિટી અને ભૂલનું પુનરાવર્તન નથી થતું. વિશ્વાસનો શ્વાસ અટકી જાય ત્યારે સંબંધનું મૃત્યુ થાય છે. હેલન રોલેન્ડે કહ્યું છે કે, ‘Love, the quest, marriage, the conquest, divorce, the inquest.’ બે હૈયાં તૂટે છે ત્યારે બે પરિવાર પણ તૂટતા હોય છે. રાજકોટના એક ભાઈએ છૂટાછેડાના આનંદમાં સૌને પેંડા વહેંચેલા એ કિસ્સો સોશિયલ મીડિયામાં ખૂબ ચગેલો. છૂટા થતી વખતે ઊંધા ફેરા ફરવા જોઈએ, ચાંદલો પાછો આપવો જોઈએ. ડિવોર્સની એનીવર્સરી ઊજવવી જોઈએ. જગતનું સૌથી કરુણ દૃશ્ય કોર્ટ રૂમમાં અલગ અલગ બેઠેલાં પતિ પત્ની. સહી કરવાથી સંબંધો પૂરા થતા નથી. છૂટાછેડાની મહોર મારતા પહેલાં બંનેને એક કમરામાં આખો દિવસ પૂરી દેવામાં આવે તો કદાચ સમીકરણ જુદાં હોઈ શકે. ‘તમારી નવલકથાઓની છોકરીઓ પોતાના સત્યની શોધમાં વસેલું ઘર તોડી નાખે છે. સમાજ માટે એ હાનિકારક નથી? રેવતીશરણ શર્માએ પૂછ્યું તો અમૃતા પ્રીતમે જવાબ આપ્યો કે, ‘આજ સુધી જેટલાં ઘર તૂટતાં રહ્યાં છે એ જૂઠના હાથે તૂટતા રહ્યા છે. હવે થોડા સત્યના હાથે તૂટવા દો.’
કોર્ટમાં સ્ત્રીને 498Aમાં સંપૂર્ણ ફ્રીમાં કેશ લડવાની સગવડ છે. પુરુષો પોતાના પૈસે લડે. અહીં સ્ત્રી-પુરુષ સમાનતાની વાત ક્યાં ગઈ? જીવનનું ભરણપોષણ મળી જાય, પણ ભાવનાઓના ભરણપોષણનું શું? જોકે, આપણી પરંપરામાં પડ્યું પાનું નિભાવવામાં અનેક સ્ત્રીનું જીવન દોજખ બની ગયેલું અને જીવન ટૂંકાવેલું. રોજની રામાયણ કરતાં એક દિવસનો ક્રૌંચ વધ સારો. બધા સામે ફરેલા ચાર ફેરા ચાર દીવાલ વચ્ચે હાંફવા લાગે ત્યારે બંને પક્ષે નિરાંતની નીંદર લેવાય એ જરૂરી છે. આત્મા સાથેના છૂટાછેડાના કેસ કોઈ કોર્ટમાં નોંધાતા નથી. બાળપણ ગયું એટલે સહજતા સાથે છૂટાછેડા. ઓરડો નાનો થવા લાગે ત્યારે અંતર વધવા લાગે છે. બે તૂટતાં હૃદયને ‘ભેગછેડા’ કરવાથી ચાર તીર્થનું પુણ્ય મળે છે.
 
hardwargoswami@gmail.com
અન્ય સમાચારો પણ છે...