કંઈ અપેક્ષા રાખ્યા વિના પ્રેમ કરવો આજના સંબધોમાં શક્ય છે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'મે રે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઇ...’ મીરાંએ લખ્યું છે. ક્યારેક નવાઇ લાગે કે પથ્થરની એક મૂર્તિ‌ સાથે આટલાં બધાં ઇમોશન્સને જોડી રાખવા કોઇ રીતે શક્ય છે ખરાં? આજના સમયમાં સ્ત્રીને જીવતા-જાગતા પતિ સામે અનેક ફરિયાદો છે - એને સમય આપતો નથી, સમજતો નથી, મદદ નથી કરાવતો, જવાબદારી નથી વહેંચતો જેવી સમસ્યાઓને કારણે આજે સંબંધોમાં તિરાડ પડે છે. વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે - ત્યારે એક વિચાર ચોક્કસ આવે કે પથ્થરની એક એવી મૂર્તિ‌, જે ક્યારેય રિએક્ટ નથી કરતી. એની પાસે સ્પર્શ નથી, સ્નેહ નથી, હૂંફ નથી, વાત સાંભળવાની કે વાત કરવાની તૈયારી નથી એવા તદ્દન નિર્જીવ 'પતિ’ સાથે મીરાં કઇ રીતે પોતાની જાતને જોડી શક્યાં હશે? આ કોઇ પ્રકારનું સાઇકોલોજિકલ ડિસ્ટર્બન્સ હશે કે પછી નરી-નકરી-નીતરેલી શ્રદ્ધા? કોઇ એક વ્યક્તિ બીજી વ્યક્તિને આવી રીતે - અનકન્ડિશનલી (બીનશરતી), કોઇ પણ પ્રકારની અપેક્ષા વિના ચાહી શકે એ સમજવું જરા અઘરું છે, ખાસ કરીને આજના સમયમાં આજે જ્યારે સંબંધો ફક્ત લેવડદેવડ પર ટક્યા છે, ત્યારે કોણ કોને શું આપે છે અથવા પોતે શું કરશે તો સામે શું મળશે એ પરિસ્થિતિમાં સંબંધોની માપણી થાય ત્યારે એવો સવાલ ઊઠે છે કે મીરાં જેવો પ્રેમ શક્ય છે? કોઇ પણ વ્યક્તિ પાસેથી પ્રતિભાવની આશા રાખ્યા વિના એને ધુઆંધાર-ધોધમાર-મુશળધાર પ્રેમ કરી શકાય? એ વ્યક્તિને આપણે મળી ન શકીએ, જોઇ ન શકીએ, તેની સાથે ફોન પર વાતચીત ન કરી શકીએ એવી સ્થિતિ હોય ત્યારે પણ શું એ પ્રેમની તીવ્રતા અને કમિટમેન્ટ એટલાં જ સાચાં રહી શકે? હિંદી સિનેમામાં આવા પ્રેમના ઘણા દાખલા આપણે જોયાં છે. હમણાં જ રજૂ થયેલી શાહિ‌દ કપૂર અને કરિનાની ફિલ્મ 'મિલેંગે મિલેંગે’ આવી જ વાર્તા લઇને બની હતી. ફિલ્મ 'કોકટેલ’માં પણ ગૌતમ સાથે છૂટી પડી ગયેલી મીરાં એના લીગલી વેડેડ પતિને કહે છે કે, 'હું આ બધું ગૌતમ સિવાય કોઇની સાથે જીવવાનું વિચારી પણ શકતી નથી...’ 'આરાધના’માં એક જ રાત પોતાની સાથે વિતાવીને ચાલી ગયેલા પતિના સંતાનને ઉછેરીને પોતાનું જીવન વિતાવી દેનાર એક માની કથા રાજેશ ખન્નાની ફિલ્મમાં કહેવાઇ હતી... આ બધી ફિલ્મો કે શબરીની કે મીરાંની કથાઓ આપણને રોજિંદા જીવનમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. જે સ્ત્રીને પરાણે વૈધવ્ય ગાળવું પડે છે એની વાત નથી... સમાજના દબાણ કે બાળકોના ઉછેર માટે 'સિંગલ વુમન’ થઇને જીવતી સ્ત્રીની આ વાત નથી, પરંતુ જેને જિંદગીમાં કશું જ નથી મળ્યું, જે કદાચ પોતાના પ્રેમની કબૂલાત પણ નથી કરી શકી અથવા પ્રેમની કબૂલાત કર્યાં પછી જેની માગણી નકારી નાખવામાં આવી છે એવી સ્ત્રીઓ કોઇ એક પુરુષના વિચારમાં કે એને ચાહવામાં કે એની પૂજા કરવામાં પોતાની આખી જિંદગી પૂરી કરી શકે એ વિચાર 'નોર્મલ’ માણસને નવાઇ પમાડે એવો તો છે જ આ વાત માત્ર સ્ત્રી પૂરતી જ મર્યાદિત નથી... ગુજરાતી નાટકોની દુનિયામાં પણ આવા કિસ્સાઓ મશહૂર છે. પરણેલી સ્ત્રી પાસેથી બીજું કંઇ ન મળતું હોય તો પણ ફક્ત એની ઝંખનામાં કે એના સ્નેહમાં જીવન ગુજારી નાખનાર પુરુષો પણ છે તો ખરા માણસ તરીકે વિચારીએ ત્યારે એવું ચોક્કસ સમજાય કે, 'સ્નેહમાં અપેક્ષા ન હોવી જોઇએ’ અથવા 'અપેક્ષા વિનાનો પ્રેમ શ્રેષ્ઠ છે.’ અથવા 'અપેક્ષાને કારણે જ સમસ્યા સર્જા‍ય છે...’ આવી ડાહી ડાહી વાતો કરવી સહેલી છે, પરંતુ સામેની વ્યક્તિ પાસેથી પ્રતિભાવની પણ આશા રાખ્યા વગર એને ચાહ્યા કરવું કે એના માટે જીવન વિતાવી દેવું સહેલું તો નથી જ. 'કિસી પત્થર કી મૂરત સે મહોબ્બત કા ઇરાદા હૈ, પરસ્તીશ કી તમન્ના હૈ, ઇબાદત કા ઇરાદા હૈ...’ જેવી કવિતાઓ લખી નાખવી સહેલી છે. જ્યારે ખરેખર એવી રીતે જીવવાનો વારો આવે ત્યારે કોઇ પણ ર્નોમલ વ્યક્તિ - જેને સ્પર્શ અને સ્નેહની ઝંખના હોય એ ક્યાંક પહોંચીને ફ્રસ્ટ્રેટ થાય છે અથવા પોતે જ આપેલાં વચનો વિશે પોતે જ અફસોસ કરવા લાગે છે. ભીષ્મની જેમ કરેલી પ્રતિજ્ઞાઓ શરૂઆતમાં બહુ ગ્લેમરસ લાગે છે... જેને ઉત્સાહમાં કહી દેવાયું છે કે, 'હવે મારી જિંદગીમાં તમારા સિવાય બીજું કોઇ નથી.’ એ વ્યક્તિની સામે પોતાનો ઇગો સાચવવા માટે પણ પરિસ્થિતિ સાથે સમાધાન કરવાની જરૂરિયાત ઊભી થાય છે. કેટલીક વાર અપાઇ ગયેલાં વચનો પાળવા અઘરાં લાગે તો પણ ક્યાંક વ્યક્તિનો અહંકાર અને ક્યાંક એની પોતાની 'ઇમેજ’ નડે છે... સામેની વ્યક્તિને પોતે જે ઉશ્કેરાટમાં, આવેશમાં કે અમુક નબળી ક્ષણે વચન આપી દીધું હતું એ હવે પગમાં બેડી બનતું જાય છે. અહીં એક રિલેશનશિપમાં બે જણાંનાં બે જુદા પોઇન્ટ ઓફ વ્યૂની વાત છે... જેણે જીવન સમર્પિ‌ત કરવાનું વચન આપ્યું એણે ભલે આપ્યું, પણ જેને ભગવાન બનાવીને પૂજવાનું એ વ્યક્તિ આટલો મોટો બોજ કે જવાબદારી કઇ રીતે ઉઠાવી શકે? કોઇ વ્યક્તિ પોતાને ભગવાનની જગ્યાએ જુએ છે એ વિચાર ડરાવી નાખનારો નથી? શું ખરેખર આપણે માણસ થઇને કોઇના ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ? જો નથી કરી શકવાના તો કોઇના ઇમોશનની જવાબદારી લેવાનો આપણને શો અધિકાર છે? હા, આ વાત આપણા ઇગોને બહુ પેમ્પર કરે છે. કોઇ વ્યક્તિ 'મારે માટે’ પોતાની જાત હોમી દેવા તૈયાર છે એ વિચાર કેટલો લોભાવનારો છે કોઇ વ્યક્તિ 'મારા સિવાય’ કશું વિચારતી નથી-બદલામાં કશું માગતી નથી-સતત આપ્યા જ કરે છે... અહંકારને પોષવા આથી વધુ આકર્ષક વિચાર બીજો હોય ખરો? આપણને પોતાના અહંકારનો અધિકાર છે, પણ કોઇને મીરાં કે દેવદાસ બનાવતાં પહેલાં એક વાર ચકાસવું જરૂરી બને છે. જે વ્યક્તિ પોતાને આપણાં ચરણોમાં ઢોળી રહી છે એ ચરણ એ વ્યક્તિના સમર્પણને લાયક છે? શું આપણે કોઇને એટલું સુખ આપી શકીએ છીએ? નહીં... તો આપણને એનું સમર્પણ સ્વીકારવાનો અધિકાર છે? પ્રેમમાં હંમેશાં બે વ્યક્તિની જરૂર હોય છે. મીરાંએ જેમાં પોતાની ભક્તિ કે પ્રેમ રેડી દીધાં એ ઇશ્વર હતો, જીવતી-જાગતી વ્યક્તિ નહોતી. પથ્થરની મૂર્તિ‌ને પ્રેમ કરવો સહેલો છે કારણ કે એ પથ્થર છે એની આપણને ખબર છે, પણ જ્યારે જીવતી-જાગતી વ્યક્તિને 'મીરાં સિન્ડ્રોમ’માં કે દેવદાસ સિન્ડ્રોમમાં સમર્પિ‌ત થઇ જવાય ત્યારે ક્ષણિક આવેશ ઓસરતા સમજાતાં સત્યો મહાભયાનક નીવડી શકે છે...