તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધન એ મનની નહીં, પરંતુ ખરેખર તો તનની જરૂરિયાત છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધન એ મનની નહીં, પરંતુ ખરેખર તો તનની જરૂરિયાત છે 
પ્રભુએ આપણાં શરીર, મન, બુદ્ધિ વગેરે માટે કેવી વ્યવસ્થા કરી છે? શરીર માટે અર્થની વ્યવસ્થા કરી. મન માટે કામની વ્યવસ્થા કરી. બુદ્ધિ માટે ધર્મની વ્યવસ્થા કરી અને મુક્તિ માટે આત્માની વ્યવસ્થા કરી. હવે તમારે ને મારે જોઇએ શું? અર્થ કોઇ દિવસ મન માટે ન વાપરશો. જ્યારથી જગતમાં લોકોએ અર્થને મનનો વિષય બનાવ્યો છે ત્યારથી દુનિયા અશાંત છે! અર્થ એટલે કે પૈસા શરીર માટે જરૂરી છે, મન માટે જરૂરી નથી. 

કપડાં જોઇએ એટલે પૈસા જોઇએ. રોટી જોઇએ એટલે પૈસા જોઇએ. એક સારું છાપરું જોઇએ એટલે પૈસા જોઇએ. પૈસાની બધે જ જરૂર પડે છે. પણ એ કેવળ શરીરની જરૂરિયાત છે. ધન એ મનની નહીં, તનની જરૂરિયાત છે. આ વાત દુનિયા ક્યારે સમજશે? આટલું સમજી જાઓ તો તકલીફ ન થાય. તમને જે પગાર મળે, તમારી જે આજીવિકા હોય, એ બધું ખૂબ મળવું જોઇએ, પણ એટલું મનમાં ચોક્કસ રાખજો કે ધન એ મારા શરીર માટે છે, મન માટે નથી. ધન જ્યારે મન માટે કેન્દ્રિત બને છે ત્યારે ભલભલાનાં મન બગડ્યાં છે અને એ મન મુક્તિમાં બાધક બન્યંુ છે. એ મને ભજનમાં વિઘ્નો ઊભાં કર્યાં છે. પૈસા શરીર માટે છે, મન માટે નથી. 

પૈસા બહુ હોય એટલે મન સારું થઇ જાય? ઊલટાનું બગડે! શરીર માટે પૈસા બરાબર છે કે એનાથી ઋતુ પ્રમાણે કપડાં મળે, અતિથિનો સત્કાર થાય. ‘મૈં ભી ભૂખા ના રહૂં, સાધુ ભી ભૂખા ન જાય.’ એ માટે અર્થ છે. પરંતુ આખી દુનિયાએ અર્થને મનનો વિષય બનાવ્યો અને સ્પર્ધાઓ શરૂ થઇ! સંઘર્ષ શરૂ થયા! પ્રભુએ મન માટે કામની વ્યવસ્થા કરી છે. મન વાસનાગ્રસ્ત છે. મનને કંઇક વિષયનાં સુખો જોઇએ છે. થોડોક રસ જોઇએ છે, એટલા માટે પ્રભુએ કામની વ્યવસ્થા કરી છે. 

બસ, શાસ્ત્રની મર્યાદામાં એ રસને પીતોપીતો માણસ આગળ વધે તો કંઇ ખરાબ નથી. સમ્યક કામ ખરાબ નથી. કામ એ શરીર માટે નથી, કામ એ મન માટે છે. પરંતુ આ બધું ઊલટું થાય છે! આડાઅવળું થઇ ગયું છે આ બધું! ખોટાં બટન બંધ થઇ ગયાં છે! શરીર તો સાધન બને છે. માનવીના મનમાં કામના ન હોય અને એનું શરીર ગમે તેટલું સારું હોય તોય શરીર શું એને ઉપયોગી થાય? પ્રભુએ કામના મન માટે બનાવી છે, શરીર માટે નહીં. કામનો જન્મ મનમાંથી થાય છે. એટલે એને માટે ‘મનોજ’ શબ્દ છે. એ ‘મનસિજ’ કહેવાય છે.

શરીર માટે અર્થ અને મન માટે કામ. સમ્યક કામ, ધર્મની વિરુદ્ધમાં ન હોય એવો કામ. બુદ્ધિ માટે ધર્મ. ધર્મ શરીર માટે નથી. હા, તિલક કરીએ એનો આપણને આનંદ છે. જેને ટીકા કરવી હોય એ ભલે કરે! તિલક કરવું એ આપણો આનંદ છે. શરીર માટે ધર્મ નથી. ધર્મ બુદ્ધિ માટે છે. પરંતુ તિલક કરવું એ કાંઇ ગુનો થોડો છે? અમારા સાધુ-સંતો અમુક રીતનાં કપડાં પહેરે એ કાંઇ ગુનો થોડો છે? કોઇ માળા રાખે એ કાંઇ ગુનો થોડો છે? 

હરિગુણ ગાવા એ કાંઇ ગુનો છે? રામનું નામ લેવું એ ગુનો છે? ‘પંજાબ કેસરી’ના એક પત્રકાર બહુ સારું લખે છે. એ કહે છે કે તમે કોઇ દરગાહ ઉપર ચાદર ઓઢાડો તો તમે બિનસાંપ્રદાયિક અને રામનું નામ લો એટલે સાંપ્રદાયિક! દરગાહ ઉપર ચાદર ઓઢાડવી જોઇએ. એની કોણ ના પાડે છે? હુંયે અજમેરમાં ગયો હતો તો દરગાહ પર ગયો હતો. નિઝામુદ્દીન ઓલિયા ને એ બધા સૂફી સંતો છે એ મને ગમે. હું જઉં દરગાહ પર. 

એમાં આપણને તકલીફ શું? કોઇ મૌલાનાના હાથે પાઘડી બંધાવો તો તમે બિનસાંપ્રદાયિક. પાઘડી બંધાવવી જોઇએ. બધા આપણા જ છે. એમાં તકલીફ શું? પણ મુશ્કેલી એ છે કે અેવું બધું તમે કરો તો બિનસાંપ્રદાયિક અને રામનું નામ લો એટલે તમે સાંપ્રદાયિક! એ તે કેવું! આવી દાંભિક બિનસાંપ્રદાયિકતા દેશમાં ન ચાલી શકે. આ દંભ છે! આ લોકોને છેતરવાના ધંધા છે! તમે રામનું નામ લો એટલે સાંપ્રદાયિક? પેલું બધું કરો તો તમે બિનસાંપ્રદાયિક! એ તો કરવું જ જોઇએ. અમે તો સાથે બેસીએ છીએ ને સાથે બોલીએ છીએ. ક્યાં તકલીફ છે? કોને ભેદ છે? 

ઘણા લોકો તો મારી કથામાં નથી આવતા કારણ કે રામનું નામ છે ને? મારી વ્યાસપીઠ તો બધાથી સરખું ડિસ્ટન્સ રાખીને બેઠી છે. મારે કોઇની સાથે શું લેવા-દેવા! કોઇ તિલક કરે, કોઇ ભગવાં કે સફેદ પહેરે તો એ કંઇ ગુનો થોડો છે? ઘણા લોકો કહે, ‘કપાળ રંગે, કાળજાં તો રંગાતાં નથી!’ પણ હું આપને એમ કહેવા માગું છું કે કપાળ રંગાય, કાળજાં ન રંગાય! કાળજું તો ઇશ્વરે આપ્યું હોય ને એવું જ હોય. કબીરસાહેબે કીધું છે તેમ, જેવી તેં આપી હતી એવી ચાદર તને પાછી આપી દેવી છે. એને રંગ ન હોય. અંત:કરણને ન રંગાય. સ્વભાવને તો કેમ બદલી શકાય? કાલિનાગે ભગવાન કૃષ્ણને કહ્યું કે તું મને-સર્પને મારી નાખે એમાં કોઇ મોટી વાત નથી હરિ! 

તું અવતાર છે ને અમે તો જીવ છીએ. જ્યારે કાલિનાગને નાથ્યો ત્યારે કૃષ્ણને કહ્યું કે તું મને મારી નાખે અથવા તો તું મને અહીંથી કાઢી મૂકે એમાં કોઇ મોટી મર્દાનગી નથી! તું મારા સ્વભાવને બદલી નાખે તો માનું કે તું ગોવિંદ છે! ભગવાને કાલિનાગનું મુખ પકડ્યું હતું એ મૂકી દીધું ને કીધું કે સ્વભાવને બદલવાનું મારું કામ નથી, એ તો સાધુ બદલી શકે. ધર્મ બુદ્ધિપૂર્વક સ્વીકારાય. ‘વિચાર’ એ શાસ્ત્રનો કેટલો મહાન શબ્દ છે! તુલસીદાસજી ‘રામાયણ’ શરૂ કરે તો વિચારથી શરૂ કરે. કોને વિચાર કહેવાય એ ‘રામાયણ’માંથી શીખવા જેવું છે. 

વિચાર ઉપર આખી કથા થઇ શકે એટલો બધો વિચારનો મહિમા તુલસીદાસજીએ ‘માનસ’માં દર્શાવ્યો છે. જે લોકો ‘રામાયણ’ વાંચતા નથી એ ખોટી ટીકા કરે છે ને અપરાધી થાય છે! ‘સરસઇ બ્રહ્મ બિચાર રચાઇ.’ આમ ‘રામાયણ’માં વિચાર પ્રદેશનું ઉદ્દઘાટન છે. ‘રામાયણ’ તમને અંધશ્રદ્ધા ન આપે. ‘રામાયણ’ તમને વિચાર આપે, દૃષ્ટિ આપે. આ વિચારનો ગ્રંથ છે, વિવેકનો ગ્રંથ છે, વૈરાગનો ગ્રંથ છે. {
(સંકલન : નીતિન વડગામા)
અન્ય સમાચારો પણ છે...