‘ભાગવતજી’ અને ‘માનસ’ પ્રત્યેક ઇન્દ્રિયને દીક્ષિત કરે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ભાગવતજી’ અને ‘માનસ’ પ્રત્યેક ઇન્દ્રિયને દીક્ષિત કરે છે
ગોદાવરીની વિશેષતા એ છે કે એની આસપાસનાં જે કેટલાંક સ્થાનો છે ત્યાં એક-એક વટ છે. અને લગભગ એ એક-એક વટની નીચે કથા કહેવાય છે. અને તાત્ત્વિક દૃષ્ટિએ જોઇએ તો એ પણ સારું છે કે વટની નીચે જ કથા થાય. કેમ કે વટ વિશ્વાસનું પ્રતીક છે, ધ્રુવતાનું પ્રતીક છે. એટલા માટે કથા તો વિશ્વાસની છાયામાં જ થવી જોઇએ. સંશય અને સંદેહની છાયામાં તો કથા કથા નથી રહેતી, વ્યથા નિર્મિત કરે છે. વટવૃક્ષની પસંદગી બહુ જ આધ્યાત્મિક છે. એક તો વિશ્વાસની છાયામાં કથા થાય છે.
 
બીજું, તુલસીદાસજીએ વિશ્વાસની વ્યાખ્યા કરતા ‘માનસ’માં લખ્યું છે, ધ્રુવવિશ્વાસ. ઉત્તર દિશામાં ધ્રુવના તારાને જોઇને આપણે દિશાનિર્દેશન પ્રાપ્ત કરીએ છીએ, દિશાનું માર્ગદર્શન પ્રાપ્ત કરીએ છીએ. તો એ પણ અચલતાનું પ્રતીક છે. ધ્રુવનો તારો આમ-તેમ નથી થતો. અને અચલતાનું પ્રતીક છે એટલે કે એ અચલ વિશ્વાસનો સંકેત કરે છે. અક્ષયવટનો સીધોસાદો અર્થ છે કે એનો ક્ષય નથી થતો, એનો નાશ નથી થતો. પ્રયાગમાં જે અક્ષયવટ છે, એની એ ઘટના ઘટી છે કે નહીં, એની ખબર નથી પરંતુ મેં એ સાંભળી જરૂર છે. અંગ્રેજોને થયું કે નહીં બાર વર્ષે આટલો મોટો કુંભ થાય છે અને આખો દેશ એકઠો થાય છે. તો અંગ્રેજોને થોડી જલન થઇ.

એટલે કહેવાય છે કે અક્ષયવટને નિર્મૂળ કરવા માટે એના મૂળમાં તેજાબ નાખ્યો હતો. પરંતુ ફરી પાછો એને કૂંપળો ફૂટતી રહેતી હતી. એને મિટાવી ન શકાયું. તો વટનું વૃક્ષ ક્યારેક આપણી પાત્રતા સિદ્ધ કરે છે. સાધકની અચલતા તરફ ઇંગિત કરે છે વટનું વૃક્ષ. આ ભજન આપણે કરીશું તો આપણો ક્ષય નહીં થાય. આ વટનું વૃક્ષ પરમાત્માએ આપણને જે દિશા અને દશા આપી હોય એમાં આપણી સ્થિરતા આપણે નહીં ચૂકીએ, એવો સંકેત કરે છે. એ પણ વટવૃક્ષનો કોઇ ને કોઇ રૂપમાં તાત્ત્વિક સંકેત છે.
 
ગોદાવરીના એક-એક અક્ષરનો અર્થ કરીએ તો ‘ગો’ એટલે ઇન્દ્રિય. અંત:કરણ ચતુષ્ટય મેળવી દો તો ચૌદ ઇન્દ્રિયો થાય. દશ બહિર અને ચાર આંતરિક. ‘દા’નો અર્થ છે દાતારી. દાતારીનો અર્થ છે ઉદારતા. કોની સામે દાતાર થવું છે? મારી રીતે એની વ્યાખ્યા કરું તો મારાં યુવાન ભાઇ- બહેનો, આ દાતારી સાધકને પોતાની ઇન્દ્રિયો પર કરવાની છે. આપણી ઇન્દ્રિયો પર ઉદાર થવાનું છે. આપણી ઇન્દ્રિયો સાથે દગો કરવાનો નથી. આપણને શીખવવામાં આવ્યું છે કે ઇન્દ્રિયોને દબાવો! એ ઇન્દ્રિયો પર ઉદારતા નથી. તો ઇન્દ્રિયોનું શોષણ ન કરવું. ઇન્દ્રિયોને કાપીએ નહીં, કષ્ટ આપીએ નહીં. ‘ભાગવતજી’ અને ‘રામચરિત માનસ’ પ્રત્યેક ઇન્દ્રિયને દીક્ષિત કરે છે.

કાન છે તો આનંદ આવે એવું સાંભળ. જીભથી સારું બોલ. ઇન્દ્રિયોને કષ્ટ ન આપો. કોઇ સ્ત્રીને જોઇએ અને આંખો ફોડી નાખવી? શું આંખ ફોડવાથી સ્ત્રી અંદરથી ચાલી જશે? આપણે ત્યાં એક કથા બહુ જ પ્રસિદ્ધ છે કે ગુરુ અને ચેલો જઇ રહ્યા હતા. અને એ બંનેને સ્ત્રી સાથે વાત કરવાની મનાઇ હતી. સ્ત્રીને જોવાની પણ મનાઇ હતી. બંને જઇ રહ્યા હતા. નદીને પાર કરીને બીજે ગામ જવું હતું. વર્ષાઋતુ હતી. પૂર આવ્યું હતું તો કેવી રીતે જવું? એક ઘરડી મા હતી તો એણે કહ્યું કે હું તો અહીં રહી જઇશ, પરંતુ આ યુવાન સ્ત્રી છે એનો પુત્ર પેલી બાજુ છે. એને કેવી રીતે પચોંચાડવી? અને કહેવાય છે કે ગુરુ તો તરીને પાણીમાંથી નીકળી ગયા.

પેલી બહેન રડી રહી છે. યુવકને કરુણા જન્મી. જોકે એને સ્ત્રીને સ્પર્શ કરવાની મનાઇ હતી. પરંતુ એ યુવક સાધુએ ક્રાંતિ કરી અને એ યુવાન સ્ત્રીને ખભા પર બેસાડીને પાણીમાંથી નીકળી સામે કિનારે પહોંચાડી દીધી. બહેને કહ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. આપે મારી જાન બચાવી. હવે મારાં બાળકો મને મળી જશે. હવે ગુરુ-ચેલા આગળ ચાલવા લાગ્યા તો જે ઘરડા ગુરુ હતા એ શિષ્યને ટોણાં મારે છે કે તેં ધર્મને ભ્રષ્ટ કરી દીધો! આપણા ધર્મની પરંપરા તોડી નાખી! તેં ખભા પર સ્ત્રીને બેસાડી! સત્યાનાશ કરી દીધો ધર્મનો! ગુરુ એક જ વાત કરતા રહ્યા ત્યારે ચેલાએ કહ્યું કે ગુરુજી, મેં તો નદીના પેલા કિનારાથી આ કિનારા સુધી સ્ત્રીને ખભા પર રાખી હતી અને તરત ઉતારી દીધી.

હું તો ભૂલી પણ ગયો પરંતુ આપ પાંચ કિલોમીટર સુધી હજી એ સ્ત્રીને ઉઠાવી જ રહ્યા છો! હજી એ સ્ત્રી તમારા દિમાગમાંથી ખસી નથી! મેં તો ક્યારની છોડી દીધી છે. એ કોણ હશે, શું ખબર? અને તમે હજી એના વિચારમાં છો!

મજા દેખા મિયાં સચ બોલને કા?
જિધર તૂ હૈ ઉધર કોઇ નહીં!

બધાં બીજી દિશામાં બેઠાં છે! તો ઇન્દ્રિયો પર ઉદાર રહેવું. બુદ્ધે કહ્યું છે, સમ્યક રહેવું. એની માત્રાનું ધ્યાન રાખવું. તો પરંપરાએ, માતા-પિતાએ,  વડીલોએ લોકોને દબાવી રાખ્યા છે. એમાંથી વિવેકપૂર્વક બહાર આવવું જોઇએ. એક સમય હતો કે જ્યારે લોકો સાધના કરવા માટે ખીલા પર ચાલતા હતા! લોહીલોહાણ થતા હતા! ઘણા મહાત્માઓ શૂળની શૈયા પર સૂતા હતા! એ બધું કોઇ કાળમાં હશે. આ એકવીસમી સદી છે. સાધના એવી હોવી જઇએ કે જોનારને બીભત્સ ન લાગે.

ઉજ્જૈનમાં ભોગ કેટલા પ્રસિદ્ધ છે! ત્યાં લોકો શરાબ ચઢાવે છે! અમે પણ દર્શન કરવા ગયા હતા ત્યારે થોડી જિજ્ઞાસા કરી કે થાય છે શું? તો બહુ મોટા દર્શનીય પૂજારી બેઠા હતા. એવો કીમિયો કરવામાં આવતો હતો કે મૂર્તિના મુખ પર રાખવાથી અરધી બોટલ મૂર્તિ ખાલી કરી દે છે અને એ પછી જે વધે છે એ પ્રસાદના રૂપમાં પૂજારી વહેંચે છે! મને કહ્યું, બાપુ, પ્રસાદ છે? મેં કહ્યું, તું પી! હું આ નથી પી શકતો. તો આ બધું જે છે એ એકવીસમી સદીમાં યોગ્ય નથી. અને મેં ઘણા તાંત્રિકોને જોયા છે અને તાંત્રિકોનો અંત પણ જોયો છે. ભયંકર! અલ્લાહ કરે, એવો અંત કોઇનો ન હોય. તુલસી કહે છે, આખરે એનો નિર્વાહ નથી થતો.
શરીને તોડી ન નાખો.

શરીર પરમાત્માના ભજનનું સર્વશ્રેષ્ઠ સાધન છે, દેવદુર્લભ સાધન છે. પછી ગોદાવરીનો ત્રીજો અક્ષર ‘વ’. ‘વ’નો અર્થ છે કે ગોદાવરી વર્ગભેદ, વર્ણભેદ નથી કરતી. ગોદાવરી એમ નહીં કહે કે દલિત
લોકો સ્નાન ન કરે અને બ્રાહ્મણો જ સ્નાન કરે. એમ નહીં કહે કે સંન્યાસી જ સ્નાન કરે. ગોદાવરી વર્ણમુક્ત છે, વર્ગમુક્ત છે. મારા ખેતરમાં  ફસલ પાકે અને બીજાના ખેતરમાં ન પાકે, એવું કોઇ કહે તો ગોદાવરી શું બીજાની ફસલ નહીં પકાવે? જો ગોદાવરીનાં તાત્ત્વિક સૂત્રોને આપણે આપણા ઘરમાં વસાવીએ તો ઘર પંચવટી બની શકે છે.

અલબત્ત, પંચભૂતનું બનેલું શરીર તાત્ત્વિક રૂપમાં ઓલરેડી પંચવટી છે જ. ‘રી’નો અર્થ છે કે એ બીજાને રાજી રાખવાનો, પ્રસન્ન કરવાનો જ સંદેશ આપે છે. નદીનો સ્વભાવ છે બીજાને પ્રસન્ન કરવા. અને બીજા લોકો પ્રસન્ન થઇ જાય એનો મતલબ એ કે એમનાં પાપ ખતમ થઇ ગયાં છે, કેમ કે અંદર પાપ હોય ત્યાં સુધી આપણે પ્રસન્ન નથી થઇ શકતા. આપણને રોજ રાજી રાખે એવી ગોદાવરી છે. {
(સંકલન : નીતિન વડગામા)
 
અન્ય સમાચારો પણ છે...