કથાકારનો કંઠ મધુર નથી હોતો, કથા જ મધુર હોય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘રામચરિત માનસ’ પંખીઓનો મેળો છે. અને પંખીઓ વધારે સારાં લાગે છે, કારણ કે પંખી આકાશમાં જાય છે તો કોઇ પગલાં છોડતાં નથી. કોઇ નવો પંથ બનાવતાં નથી. કોઇ નવી સંકીર્ણતા પેદા કરતા નથી અને નથી કોઇ અવાજ આવતો કે નથી કોલાહલ થતો. કાશીમાં ભીડ થઇ શકે છે, કૈલાસમાં નહીં. એ એકાકી માર્ગ છે. જેટલા જેટલા મહાપુરુષ થયા છે, બુદ્ધપુરુષ થયા છે એ બહુધા પોતાના કાળમાં એકાકી છે. એ બધા પક્ષી છે. વાલ્મીકિ સ્વયં પક્ષી છે. ‘વંદે વાલ્મીકિ કોકિલં.’ શુકદેવજી સ્વયં પોપટ છે, શુક છે. આ પંખીઓનો મેળો છે.
આ ‘માનસ’ મહાન છે. એ મોટામોટાના કંઠને સુધારી દે છે. કાગડાને આચાર્ય બનાવીને કેટલો બધો આદર આપ્યો!

પક્ષીનો ઘણો મહિમા છે. સાચો સાધુ કોણ છે? હું કહું છું કે જેમના જીવનનું કોઇ પણ લક્ષ્ય ન હોય એ સાચો સાધુ છે. આપણે બધાં કહીએ છીએ કે નદીનું લક્ષ્ય સાગર છે, પરંતુ નદીના દિલને ઢંઢોળીને પૂછશો કે તારું લક્ષ્ય શું છે, તો કહેશે કે મારું લક્ષ્ય કેવળ વહેવું છે. સમુદ્ર મળે કે ન મળે, મારું લક્ષ્ય કેવળ વહેવું છે. ‘સાધુ તો ચલતા ભલા.’ ભુશુંડિજી બહુ જ સારો જવાબ આપે છે. ‘ભક્ત પક્ષ હઠ નહીં સકતાઇ.’ અધ્યાત્મમાં જિદ્દ નથી હોતી. જિદ્દને કારણે આધ્યાત્મિકતા ઓછી થાય છે.

કથા પ્રગલ્ભ થવાને માટે છે. પ્રગલ્ભનો અર્થ થાય છે રોજેરોજ બમણી થતી ભીતરી તેજસ્વિતા. કથાથી રોજ નવું તેજ વધે એને પ્રગલ્ભ કહે છે. ‘રુદ્રાષ્ટક’માં શિવને પ્રગલ્ભ કહેવાયા છે. ‘રુદ્રાષ્ટક’ના વૈદ્યનાથ તેજસ્વી છે.

પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં
અખંડં અજં ભાનુકોટિપ્રકાશં.
નમામીશમીશાન નિર્વાણરૂપં
વિભું વ્યાપકં બ્રહ્મવેદસ્વરૂપં.

પ્રગલ્ભનો એક વિશેષ અર્થ છે તેજસ્વિતા. બીજાને તપાવનારું તેજ નહીં, ભીતરી તેજ. ભગવાનની કથા શ્રોતા-વક્તાને તેજથી ભરી દે એ દાહક તેજ ન હોય, પરંતુ સૌમ્ય તેજ હોય. એ શીતલ તેજ હોય. કથા પ્રગલ્ભ બનાવે છે.
કોઇએ બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે કે, ‘વાસુદેવનો મંત્ર, કૃષ્ણનો મંત્ર બોલો અને રામની પ્રાપ્તિ થઇ જાય?’ વર્ષો સુધી મનુ-શતરૂપાએ કૃષ્ણનો મંત્ર જપ્યો અને રામ મળ્યા. એ સમન્વય છે. ‘માનસ’ સેતુ બનાવે છે. ‘રામાયણ’માં લખ્યું છે, રામમંત્ર જપો અને કૃષ્ણ મળે છે. આ સમન્વયનું શાસ્ત્ર છે. નામમહિમામાં લખ્યું છે, ‘જીહ જસોમતિ હરિ હલધર સે.’ જીભ યશોદા છે અને હરિ હલધર. તમારે શાંતિ જોઇએ તો શંકરનું નામ લો. વિશ્રામરૂપી રામ પામવા હોય તો શંકરનું નામ લો. ‘જપહુ જાપ શંકર સતનામા.’

નારદ પરમ વૈષ્ણવાચાર્ય છે અને નારદને વિષ્ણુ ભગવાન શંકરનો મંત્ર આપે છે. રામ કહે છે, શંકર જપ અને શંકર પાર્વતીને કહે છે, તું રામ જપ. તુલસીદાસજીએ આ એક મોટો આધ્યાત્મિક સેતુબંધ રચ્યો છે. એને જિદ્દ કરીને તોડીએ શા માટે? વળી, આધ્યાત્મિકતામાં જ્યારે જિદ્દ આવે છે તો તેજસ્વિતા ઓછી થાય છે, પ્રગલ્ભતા ઘટે છે. તમારા આત્માને નિર્ણય કરવા દો. એની નિજતા છે. અને લાખ ઘુમાવી-ઘુમાવીને ફેરવો તો પણ સત્ય સત્ય જ રહે છે.

આ જગત પંખીનો મેળો છે. ‘માનસ’ પંખીઓનો મેળો છે. અહીં અધમમાં અધમ પક્ષીને તુલસીદાસજીએ સમ્માન આપ્યું છે. જટાયુને સમ્માન આપ્યું છે.

ગીધ અધમ ખગ આમિષ ભોગી.
ગતિ દીન્હી જો જાચત જોગી.

જટાયુને કેવો દરજ્જો આપ્યો! ‘રામાયણ’માં સૌથી મોટી વાત તો એ છે કે એક કાગડા પાસે કથા કહેવડાવવામાં આવી. કાગભુશુંડિજી પાસે કથા કહેવડાવી અને પંખીરાજ ગરુડને નીચે બેસાડ્યા. એવી રીતે બેસાડ્યા કે નીચે બેસનારને ન્યૂનતા ન લાગી અને ઉપર બેસનારને અહમ્ ન આવ્યો. કાગડાએ ક્યારેય કહ્યું નથી કે હું મોટો છું. એ તો ગરુડને જોઇને કહે છે-

નાથ કૃતારથ ભયઉં મૈં તવ દરસન ખગરાજ.
સદા કૃતારથ રૂપ તુમ્હ કહ મૃદુબચન ખગેસ.

કાગડાનો અવાજ કર્કશ હોય છે. કથાકારનો અવાજ કર્કશ હોય તો કોઇ સાંભળશે નહીં. ‘રામાયણ’માં કથાકારની એટલી બધી આલોચના થઇ છે કે દુનિયામાં આજ સુધી કથાકારની એટલી અલોચના થઇ નથી! એટલા માટે ‘માનસ’નાં રહસ્યોને પામવા હોય તો વૈદ્યનાથને સાથે રાખો.

શંકર પાસે નારદે કથા સંભળાવી અને શંકરે નારદને કહ્યું, આ કથા વિષ્ણુને ન સંભળાવવી. પરંતુ એક કાગડા પાસે કથા કહેવડાવીને અદ્્ભુત કામ કર્યું! તમે સાવધાન થઇને સાંભળજો કે કોઇ કથાકારનો કંઠ મધુર નથી હોતો. કથા જ મધુર હોય છે. કોઇ વક્તા મહાન નથી. એ ભૂલશો નહીં. આ વૈદ્યનાથ મહાન છે, આ ‘માનસ’ મહાન છે. એ મોટામોટાના કંઠને સુધારી દે છે. કાગડાને કેટલો બધો આદર આપ્યો! કાગડાને આચાર્ય બનાવ્યો એ કથાનો મહિમા છે. એ ‘રામચરિત માનસ’નો પોતાનો પ્રભાવ છે.

તો, કથા એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેય આપનારી છે, પરંતુ રામકથા ધર્મ આપે છે અને ભક્તિયુક્ત ધર્મ આપે છે. સ્નેહમય, પ્રેમમય કથા છે આ રામકથા. રામકથા જીવનનો અર્થ આપે છે, પારમાર્થિક અર્થ આપે છે. સ્થૂળ રૂપે પૈસાનો અર્થ સ્વીકારો તો પણ ઠીક, પરંતુ એ ભક્તિમય અર્થ આપે છે. રામકથાનો આશ્રય કરવાથી તમારી પાસે અર્થ-પૈસા આવશે તો પણ તમારા પૈસાની સાથે ભક્તિ પણ આવશે, જે તમારા ધનને સાર્થક કરશે. રામકથા ચારેય ફળ આપે છે, એમાં ત્રીજું સ્થાન કામનું છે. રામકથા રતિમુક્ત, ભક્તિયુક્ત કામ આપે છે.

સીતારામ ચરણ રતિ મોરે.
જે કામ પરમાત્માની વિભૂતિ છે. રામકથા એક સો આઠ મણકાની માળા છે. એ મોક્ષ આપે છે તો શુષ્ક મોક્ષ નથી આપતી, ભક્તિયુક્ત મોક્ષ આપે છે. પ્રેમશૂન્ય ધર્મથી શું લેવાદેવા? વિનોબાજી કહે છે, અમે કોઇ પણ દેશ-વિદેશના અભિમાની નથી. અમે બધાં પૃથ્વીના સંતાન છીએ. કોઇપણ ધર્મવિશેષના આગ્રહી નથી.સંપ્રદાય કે જાતિના વિષયમાં એ સંકીર્ણ નથી.

આમ, આપણે હૃદયને જોડવાનું છે. રામકથા એ જ કહે છે. શિવનું સમગ્ર ચરિત્ર ને દર્શન એ જ સિદ્ધાંતને લઇને ચાલે છે. એ સૌને જોડે છે. (સંકલન : નીિતન વડગામા)
અન્ય સમાચારો પણ છે...