તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરતનો આદર્શ ગંગા નથી, ગંગામાં નૌકા ચલાવનારો કેવટ છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુણ્યની ઘણી પરિભાષાઓ છે. ‘માનસ’માં સાત પ્રશ્નોમાં પુણ્યની વાત આવી છે. સૌથી મોટું પુણ્ય કયું? તો કાગભુશુંડિજી જવાબ આપે છે - પરમ ધર્મ શ્રુતિ બિદિત અહિંસા.

તો સૌથી મોટું પુણ્ય અહિંસા. આપણી માનસિકતાને કારણે કોઇને ઠેસ ન પહોંચે, આપણા વચનથી કોઇનું દિલ ન દુભાય અને આપણા કર્મથી કોઇને ધક્કો ન દઇએ એ પુણ્ય છે. રૂપિયા આપવા એ જ પુણ્ય નથી.
એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે, ‘બાપુ, સહનશક્તિની વાત કરીએ તો ‘રામચરિત માનસ’માં કોણે વધારે સહન કર્યું?’ સૌથી પહેલાં ઘણું બધું સહન કર્યું અહલ્યાએ. અને પારકાઓએ નહીં, પોતાનાઓએ એને ઘણું કષ્ટ આપ્યું છે! ‘માનસ’ને આધારે કહું તો મોટેભાગે તો માતૃશરીરે જ વધારે સહન કરવાનું આવે છે. માતૃશરીરને જેટલું સહન કરવું પડે છે એની તુલનામાં પુરુષને એટલું બધું સહન કરવું પડતું નથી. બીજું સહન કર્યું શબરીએ. ત્રીજું હદથી પણ વધારે સહન કર્યું કેવટે. અછૂત! તિરસ્કૃત! ઉપેક્ષિત! જેના પડછાયામાં પગ પડી જાય તો લોકો એ સમયે નાહી લેતા હતા! અને રાજપરિવારમાં જાઉં તો સૌથી વધારે સહન કર્યું છે ભગવતી ઊર્મિલાએ. અદ્્ભુત સહન કર્યું છે લક્ષ્મણનાં ધર્મપત્નીએ! અને ‘માનસ’માં જેમણે-જેમણે સહન કર્યું છે એ બધાંને સંત નહીં, ભગવંત મળ્યા છે. કોઇ ને કોઇ રૂપે એમને પરમાત્મા પ્રાપ્ત થયા છે.

કેવટ તમને હસતો દેખાશે, પરંતુ આ આખી જાતિએ સહન ઘણું કર્યું છે. રામજી જ્યારે ગંગાના તટ પર ગયા ત્યારે ગંગાજીને જોઇને રથ પરથી ઊતરી ગયા. ભરતજી જ્યારે રામને મળવા જઇ રહ્યા છે ત્યારે ગંગાને જોઇને ભરતજી રથમાંથી ઊતર્યા નથી. પરંતુ ભરતે ગુહરાજને, એક દલિતને, એક વંચિતને, જેની કોઇ ગણતરી નથી થતી એવા માણસને પોતાનો આદર્શ બનાવ્યો. મને લાગે છે કે કોણ કેટલું સહન કરે છે એ જેટલું સંત જાણે છે એટલું આ દુનિયામાં કોઇ માઇનો લાલ જાણતો નથી. એક સાધુની આંખ સહનશીલતાનું મીટર છે. એ માણસને માપે છે. કોઇ માણસ હસતો હશે તો પણ સાધુની આંખ સમજી જશે કે અંદરથી બહુ રડ્યો છે આ માણસ!
જો બાંટતા ફિરતા થા જમાને કો ઉજાલા,
ઉસ શખ્સ કે દામન મેં અંધેરા ભી બહુત હૈ.
- ‘શાદ’ મુરાદાબાદી

લોકો મને પૂછે છે કે સહન કરીએ તો કેટલું કરીએ? સહન કરવાનો સ્વભાવ બનાવી લો! જેવી રીતે હસવું એ કોઇનો સ્વભાવ હોય છે. એવી રીતે સહન કરવું એ સ્વભાવ થઇ જાય તો ઘણી આપત્તિથી આપણે બચી જઇએ છીએ. કેવટને તુલસીએ પુણ્યપુંજ કહ્યો છે.

બરસિ સુમન સુર સકલ સિહાહીં.
એહિ સમ પુન્યપુંજ કોઉ નાહીં.

તો કેવટ પુણ્યપુંજ છે. એના માટે દેવતાઓનું આ પ્રમાણપત્ર નથી, પ્રેમપત્ર છે. જ્યારે કેવટ આનંદથી છલકાઇ જઇને અત્યંત અનુરાગપૂર્વક ભગવાનના ચરણકમળને પખાળવા લાગ્યો એ દૃશ્યને જોઇને તમામ દેવગણ આકાશમાં આવી ગયા અને કેવટ પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. કેવટને તુલસીએ પુણ્યપુંજ શા માટે કહ્યો? એણે કયાં પુણ્ય કર્યાં છે? ‘ભગવદ્ ગીતા’માં જે લખ્યાં છે એ બધાં પુણ્ય કેવટે કર્યાં છે. ‘ભગવદ્ ગીતા’નો નારો અત્યંત પ્રિય શ્લોક છે-

બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ.
સમ: સર્વેષુ ભૂતેષુ મદભક્તિં લભતે પરામ્.

આ શ્લોકમાં જેટલાં લક્ષણો છે એ કેવટનાં પુણ્ય છે. એણે ઘણું સહન કર્યું એટલા માટે એ ભરતનો આદર્શ બની ગયો. ગંગાએ દુનિયાને પવિત્ર કરી પરંતુ જે લોકો એના કિનારે રહેતા હતા એમને તો પતિત રાખ્યા! હું મારી જવાબદારી સાથે કહું છું કે ભરતનો જો કોઇ આદર્શ હોય તો ગંગા નથી, ગંગામાં નૌકા ચલાવનારો કેવટ એમનો આદર્શ છે. જોકે વશિષ્ઠજી થોડા દૂર રહ્યા! સંસ્કાર સારી વસ્તુ છે, પરંતુ અતિ સંસ્કાર સારા નથી. વશિષ્ઠમાં અતિ સંસ્કાર છે એટલા માટે એ વિચારે છે કે એને કેવી રીતે સ્પર્શુ? હું તો ઊંચા કુળનો પુરોહિત છું. અતિ સંસ્કાર માણસને સમાજથી જુદા પાડી દે છે. માણસમાં સમ્યક સંસ્કાર હોવા જોઇએ. વશિષ્ઠજી તો મોટા બ્રાહ્મણ દેવતા છે, ધર્મગુરુ છે. જોકે પછી તો એમની ભ્રાંતિઓ પણ તૂટી જાય છે અને ગુહને ભાવથી ભેટે છે. એ બધા સંસ્કાર છોડે છે અને વિશિષ્ઠજી ગુહને ગળે લગાવી દે છે. ‘રામચરિત માનસ’ને આ દૃષ્ટિએ જુઓ. એણે આપ્યું શું એ ન વિચારો. એણે કેટલી ભ્રાંતિઓ તોડી એ જુઓ.

‘બ્રહ્મભૂત’નો એક અર્થ થાય છે બ્રહ્મભાવમાં સ્થિત રહેવું. હવે તમે કહેશો કે કેવટ બ્રહ્મભાવમાં સ્થિત? પહેલાં તો દેવતાઓએ એને પ્રેમપત્ર આપ્યો. પુષ્પની વૃષ્ટિ થઇ રહી છે. આંબેડકરદાદાએ ઘણું કામ કર્યું. જેટલા-જેટલા મહાપુરુષ થયા એ બધાએ આ વર્ગભેદ-વર્ણભેદ તોડ્યો. પરંતુ થોડા પાછળ જાઓ તો તુલસીએ કેટલું મોટું કામ કર્યું છે? ઉજ્જ્વળ વર્ણના નાગર ગૃહસ્થ નરસિંહ મહેતા આટલાં વર્ષો પહેલાં એક દલિતના ઘરે જઇને ભજન કરી શકે છે! તો, બ્રહ્મભાવમાં સ્થિત રહેવું એ મારી દૃષ્ટિએ એક પુણ્ય છે, જે પુણ્ય કેવટ કમાયો હતો. એ કેવી રીતે? એ નિરંતર ‘અહં બ્રહ્માડસ્મિ’ બોલતો રહ્યો? એ ધ્યાન-યોગ કરતો હતો? નહીં. છતાં પણ એ બ્રહ્મભૂત કહેવાયો. મારા ‘રામચરિત માનસ’માં લખ્યું છે, ગંગાનો પ્રવાહ એ બ્રહ્મમય વારિ છે.
ગંગામાં બ્રહ્મ વહે છે અને આ માણસ ચોવીસ કલાક ગંગામાં રહે છે એટલા માટે એ બ્રહ્મભૂત છે. ‘પ્રસન્નાત્મા’, એ માણસ અભાવમાં પ્રસન્ન છે. પ્રસન્ન ન હોત તો વિનોદ ન કરી શકત. પ્રસન્ન ન હોત તો વ્યંગ ન કરી શકત. પ્રસન્ન ન હોત તો એ માણસ રામની સામે અભય થઇને દલીલબાજી ન કરી શકત. એ પ્રસન્ન આત્મા છે. ‘ન શોચતિ ન કાંક્ષતિ,’ એને કોઇ ચિંતા નથી. એ કહે છે, તમારા ભાઇ લક્ષ્મણ ધનુષ પર તીર ચડાવીને કદાચ મને મારી નાખે તો મોતની પણ મને ચિંતા નથી. મરી જઇશ! હું પગ ધોયા વિના આપને જવા નહીં દઉં. ગુહને કોઇ ઇચ્છા નથી. ઉતરાઇનો એક પૈસો નથી લેવો. કોઇ પાસે કશી અપેક્ષા ન રાખવી એ પુણ્ય છે.

પ્રાણીમાત્રમાં જે સમાન દૃષ્ટિ રાખે છે એ પુણ્ય કરી રહ્યા છે. કેવટમાં એ પુણ્ય પણ છે. કેવટ સમદર્શી છે. એના તટ પર જે પહેલું આવે છે એને એ પહેલાં પાર કરાવે છે. પછી આવે છે એને પછી પાર કરાવે છે. ભગવાન રામે પગ ધોવડાવી દીધા પછી પ્રભુએ કહ્યું કે બસ, હવે તો નૌકામાં ચડાવી દે. ગુહ બોલ્યો, નહીં મહારાજ, અમે પંક્તિભેદ નથી કરતા. લાઇનમાં જે પહેલાં ઊભા છે એમને ઉતારું અને પછી આપનો નંબર જ્યારે લાગશે ત્યારે હું આપને લઇ જઇશ. આમ, કેવટ અમસ્તો પુણ્યપંજ નથી કહેવાયો.(સંકલન : નીિતન વડગામા)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો