બસ, આટલું સમજો તો તમે સુખી છો, બોસ!

know understand this things boss
Khulli Vat Kholine

Khulli Vat Kholine

Feb 14, 2011, 07:38 PM IST
know understand this things bossબે સરખા સુખી જણાતા માણસો પણ એક સરખું સુખ અનુભવતા જોવાતા નથી. આ તફાવત જ માણસને મળતા સુખનો તફાવત છે. સુખનો અનુભવ એટલે શું? આવો પ્રશ્ન એક મિત્રએ પૂછ્યો. આવા પેચીદા પ્રશ્નનો જવાબ શું આપવો તેની મૂંઝવણ થઇ. કારણ કે સુખનાં કારણો જુદા જુદા હોઇ શકે પરંતુ સુખની અનુભૂતિ તો લગભગ એક જ સરખી હોય છે. વળી, સુખની વ્યાખ્યા દરેક ઉંમરે જુદી જુદી હોઇ શકે. આ સંદર્ભમાં (ઓશો) રજનીશજીની એક વ્યાખ્યા બહુ સરસ છે. તેમણે કહેલું કે બાવીસ વર્ષની ઉંમરે તમારી મનગમતી છોકરીના પંજાબી ડ્રેસના દુપટ્ટાનો છેડો તમને સ્પર્શી જાય તે સુખ છે. તે જ કન્યા તમારી પત્ની બને પછી બાવન વર્ષની ઉંમરે તમે તેને એમ કહો વાહ, આજે તે ભજિયાં બહુ સરસ બનાવ્યાં છે પણ એક પ્રકારનું સુખ છે અને બોંતેર વર્ષની ઉંમરે તમે તમારી એ જ પત્નીને એમ કહો કે આજે પેટ બહુ જ સરસ રીતે સાફ આવ્યું હોં! આ પણ સુખનો જ એક અનુભવ છે. ઓશોની વ્યાખ્યામાં આખાય જીવનમાં ક્રમશ: આવતાં દરેક સુખની વ્યાખ્યા આવી જાય છે. સુખ એ અંદરથી આવતી વાત છે અને તેને ઝીલતા શીખવું જોઇએ, કારણ કે ઘણીવાર માણસ પાસે સુખ હોવા છતાં એ ઝીલવાની અણઆવડતના કારણે તે પ્રાપ્ત નથી થતું. પોતે સુખી જ છે તે સમજવા માટે માણસે પોતે સમજદાર બનવું પડે કારણ કે જગતમાં માણસને જન્મથી જ સુખ અને દુ:ખ મળવાના જ છે. પરંતુ દુ:ખ મળતા માણસ બેબાકળો બની જાય છે અને એ બેબાકળાપણું, દુ:ખ જીવનમાંથી ચાલ્યા ગયા બાદ પણ લાંબા સમય સુધી ચાલે છે. પરિણામે માણસ પાસે જે સુખની ક્ષણો આવે તે માણવાનો સમય ઓછો થઇ જાય છે. હકીકત એ છે કે આપણને દુ:ખને હરાવતાં કે સુખને ભેટતાં આવડતું જ નથી અને તેને કારણે સુખની ક્ષણો જીવનમાં ઓછી થઇ જાય છે. સુખ માટેનો વિચાર કરતી વખતે સૌ પ્રથમ એ વિચારવું પડે કે, આપણને કઇ બાબત સુખી કરી શકે તેમ છે? માણસ પાસે આ વ્યાખ્યા ન હોવાને કારણે પણ તે કેટલાક દેખીતા સુખથી તે વંચિત રહેતો હોય છે. એવી અનેક ઘટનાઓ જીવનમાં બનતી હોય છે કે જે તમારા માટે સુખનો જ સંદેશો લઇને આવે છે પરંતુ તે જોવા કે માણવા માટે આપણી પાસે દ્રષ્ટિનો અભાવ હોય છે. દા.ત. એક કુટુંબમાં મા-બાપ બંને હોય, વયસ્ક હોય અને તેમનાં પાંચ સંતાનો તેમની સાથે રહેતાં હોય અને તમામ સંતાનો તથા પુત્રવધૂ કે જમાઇ પણ તેમની પ્રત્યે સન્માન અને પ્રેમથી વર્તતા હોય તો તે એક પ્રકારનું સુખ છે. પરંતુ તે માતા-પિતા જો આ વાતને સંતાનોની ફરજ રૂપે જોઇને તે બાબતને અવગણે તો તે સુખને અવગણવા જેવી વાત થઇ ગણાય. ઈશ્વર તમને કોઇ પણ મોટા રોગમાંથી આજીવન મુક્ત રાખે તેને સુખ ગણવાનો આપણે ત્યાં રિવાજ નથી. સંતાનો યૌવનમાં પ્રવેશી જાય ત્યાં સુધી કોઇ દિવસ હોસ્પિટલ ન જોવી પડે તે પણ એક પ્રકારનું સુખ છે તે સમજવાની આપણી તૈયારી નથી. લાંબા અંતરનો પ્રવાસ કરીએ અને સુખરૂપ ઘરે પાછા ફરીએ તો એ ઈશ્વરે બક્ષેલું એક સુખ છે તે સમજતાં કદાચ આપણને આવડતું નથી. સુખ એ ભાગ્ય સાથે સંકળાયેલી ઘટના પણ છે. સૌરાષ્ટ્રમાં એમ કહેવાય છે કે, કોઇક માણસના જીવનમાં સુખ ન લખ્યું હોય તો પછી તમે તેને ગમે તેટલો સુખી કરવાનો પ્રયત્ન કરો તો પણ તે સુખ ભોગવી શકતો નથી. સુખ ભોગવવાની આતુરતા પણ સુખની પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ છે. ઘણા માણસો આ રીતે સતત સુખ શોધતાં હોય છે અને તે લોકોને સુખ મળી પણ જતું હોય છે. કોઇ પરમ નિકટની વ્યક્તિના ઘરે ગમે ત્યારે જઇ શકાતું હોય અને કશા જ કારણ વગર કલાકો સુધી બેસીને ગપ્પાં મારવાનો અધિકાર હોય તો તે પણ સુખનો એક પ્રકાર છે. કોઇને કહી પણ ન શકાય અને સહી પણ ન શકાય તેવા દુ:ખને સાંભળવા અને તેમાંથી તમને બહાર કાઢવા કોઇ પરમ દોસ્ત તમારા જીવનમાં હોય તો તે પણ સુખની નિશાની છે. આવી સમજ આપણે ક્યારે કેળવીશું? સુખ પામવું હોય તો આપવું પણ જોઇએ. ઘણીવાર બીજાને સુખી કરવામાં પણ આપણને સુખનો અનુભવ થતો હોય છે. આ અનુભવ કદાચ સૌથી પવિત્ર સુખનો છે. મા-બાપ, પતિ-પત્ની, સંતાનો, સગાં-વહાલાં વગેરે માટે કશુંક કરી છૂટવું અને તે દ્વારા તેમને સુખી કરવા તે પણ આપણા જીવનમાં ભવિષ્યમાં આવનાર સુખ માટેની કેડી કંડારવા સમાન છે તેમ અનુભવીઓએ કહ્યું છે. સુખ જ્યારે આપણી સાથે હોય ત્યારે જે કંઇ ઘટનાઓ બની હોય તેને અંતર મનમાં સરસ રીતે સંગ્રહિત કરવી જોઇએ. જો આમ થાય તો ભવિષ્યમાં જ્યારે દુ:ખના દિવસો આવે ત્યારે તેનો સામનો કરવા માટે આ સ્મરણો અદ્ભુત મદદ કરતાં હોય છે. સુખની કે દુ:ખની ક્ષણોમાં તમારો તેના પ્રત્યેનો અભિગમ કેવો છે તે બહુ મહત્વનું છે. આપણી પાસે જે કંઇ છે તેનાથી સંતોષ હોવો તે પણ સુખનો એક પ્રકાર છે. ટૂંકમાં સમજણ હોય તો સુખ વિશેષ હાથવગું છે. ઈશ્વરે જ્યારે માણસને પૃથ્વી ઉપર મોકલ્યો ત્યારે તેને આંખ, કાન, નાક, હાથ, પગ વગેરે બધું જ આપ્યું, પરંતુ તેનો ઉપયોગ કરવાની આવડત બધાને અલગ અલગ આપી છે. એ જ રીતે માણસને ભગવાને સુખ પણ સાથે જ આપ્યું છે પરંતુ તેને માણવાની આવડત કદાચ જુદી જુદી આપી છે. એટલે જ ઘણીવાર બે સરખા સુખી જણાતા માણસો પણ હકીકતમાં એક સરખુંસુખ અનુભવતા જોવાતા નથી. આ તફાવત જ માણસને મળતા સુખનો તફાવત છે. ઇતિ સિદ્ધમ્: ‘પત્ર પોતાને લખી જીવ વાળવો,એ રીતે વસમા સમયને ખાળવો.- હરિશ્વંદ્ર જોષી, બોટાદ [email protected] ખુલ્લી વાત ખુલીને, મનોજ શુક્લ
X
know understand this things boss

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી