ભારતીય સ્ત્રીઓની દશા વધુ કફોડી!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો કાયદાશાસ્ત્રના પીઢ નિષ્ણાતો છે અને સ્થાપિત નિયમોથી બંધાયા છે. પોતાની અંગત માન્યતાઓ કે પૂર્વગ્રહોના આધારે ચાલવાનું તેમના મતે શક્ય નથી અને કાયદા જોડે વહેવારની ટક્કર થાય ત્યારે તેમણે વહેવારની ઉપેક્ષા કરવી પડે છે. પણ સમાજની અન્ય સંસ્થાઓની માફક કાયદાની અદાલતો પણ પુરુષપ્રધાન સંસ્થાઓ છે. ભારતની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં જારી કરેલા બે તદ્દન અલગ અલગ કિસ્સાઓમાં અદાલતે ભારતીય સ્ત્રીઓની દશા વધારે કફોડી બનાવી છે. ઘરમાં માર, અપમાન અને બળાત્કાર સહન કરતી સ્ત્રીઓએ કાયદાએ આપેલી છત્રછાયા થોડી વધારે કમજોર બનાવવામાં આવી છે.
ચંદીગઢમાં રહેનાર નેપાળી કુટુંબની દસ વરસની બાળકી તેના મામાના હવસનો ભોગ બનીને સગર્ભા બની છે તે કિસ્સામાં તો સર્વોચ્ચ અદાલતે માણસાઇનું અને સાહજિક સમજદારીનું પણ ઉલ્લંઘન કર્યું છે. સગર્ભા બાળકીનાં માબાપે દાક્તરી મદદથી ગર્ભપાત કરાવીને બાળકીનો છુટકારો કરવાની અરજી અદાલતે નકારી કાઢી છે અને સર્વોચ્ચ અદાલતે આ નકાર પર મંજૂરીની મહોર લગાવી છે.
આ અરજી ઘણી મોડી કરવામાં આવી છે અને સાતમા મહિને ગર્ભપાત કરાવવામાં માતા અને બાળક બંનેના જીવતર જોખમમાં મુકાશે તેવા દાક્તરી અભિપ્રાયના આધારે અદાલતોએ માબાપની અરજી નકારી કાઢી છે.
આટલી નાની ઉંમરે ગર્ભવતી બનેલી સ્ત્રી અને તેનું બાળક ભાગ્યે જ જીવતાં રહે છે તેવો અભિપ્રાય પણ દાક્તરોએ આપ્યો છે તેથી મરણની સંભાવના તો બંને હાલતમાં લગભગ સરખી જ છે. ગર્ભપાત કરાવે કે ન કરાવે તેમાં બહુ મોટો ફરજ પડવાનો નથી. પ્રમાણ ઓછું વધતું રહેશે. આ બાળકીને પૂરા માસે સીઝેરિયન ઓપરેશનથી સુવાવડ કરાવશે અને જન્મેલા બાળકને જન્મતાની સાથે જ સરકારી અનાથાલયમાં મોકલી આપવામાં આવશે. સરકારી અનાથાલયોમાં અતિશય ત્રાસરૂપ જીવતર ગુજારવું પડે તેના કરતાં બાળક મરી જાય તો ઓછું દુ:ખી થાય છે.
દસ વરસની ઉંમરે શારીરિક સમાગમ શક્ય છે પણ બાળકી માટે અતિશય ત્રાસરૂપ થઇ પડે છે તેની વિગતો જાણવી હોય તેમણે દા. અાનંદીબાઇ જોશી અંગે લખાયેલી મરાઠી નવલકથા વાંચી જવી જોઇએ. પણ આટલી ઉંમરે માસિક ભાગ્યે જ શરૂ થાય છે તેથી ગર્ભ રહેવાની સંભાવના લગભગ નહીંવત્ હોય છે. 
આ કિસ્સામાં એક સંભાવના એવી પણ છે કે છોકરીની ઉંમર કહેવામાં આવી છે તેનાથી ઘણી વધારે હોય. છોકરી છઠ્ઠા ધોરણમાં ભણે છે. ગરીબનાં છોકરાઓ છ-સાત વરસ અગાઉ શાળાનું મોં જોવા પામતાં નથી. તેથી છોકરીની ઉંમર બાર-તેર વરસની હોય તેવું બની શકે છે. ગરીબ ઘરનાં માબાપો બાળકોની કે પોતાની ઉંમર વિશે સજાગ હોતાં નથી. આ બાળકના કિસ્સામાં ઉંમર મહત્ત્વની નથી. તાજેતરમાં પોતે ગર્ભનો ભાર ઉપાડી શકતી નથી તેવી ફરિયાદ આ બાળાએ કરી છે. સર્વોચ્ચ અદાલતે કાયદો જોયો છે પણ બાપાની યાતના તરફ દુર્લક્ષ કર્યું છે. ભારતમાં લગભગ 99 ટકા સ્ત્રીઓએ સાસરિયાઓ તરફથી અપમાન, શોષણ અને માર સહન કરવા પડે છે. શ્રીમંતોમાં તો દહેજ મેળવવા માટે સ્ત્રીઓને જીવતી સળગાવી દેવાના કિસ્સાઓ ઓછા નથી. સ્ત્રીઓના રક્ષણ માટે ઘડાયેલા કાયદા અનુસાર આવી કોઇ પણ ફરિયાદ કરવામાં આવે તો પોલીસ તાબડતોબ જવાબદાર કુટુંબીઓને અટકાયતમાં લઇ શકે છે અને ધરપકડ થશે તેવા ડરથી સ્ત્રીઓ પર થતાં જુલમોમાં ઠીકઠીક પ્રમાણમાં ઘટાડો થયો છે તેવું કેટલાક સર્વેક્ષણોમાં  જોવા મળ્યું છે.
પણ સામા પક્ષે કેટલીક શિક્ષિત અને ચાલક સ્ત્રીઓ આ કાયદાનો દુરુપયોગ કરે છે અને પોતાને ત્રાસ આપવામાં આવે છે અને ધમકી અપાય છે તેવા આક્ષેપ કરીને તદ્દન નિર્દોષ સાસુ-સસરા કે પતિને પોલીસ કસ્ટડીમાં કેદ કરાવે છે. સર્વોચ્ચ અદાલત પાસે હજુ કરવામાં આવેલી આવી બનાવટી ફરિયાદમાં સ્ત્રીએ પોતાના અપંગ અને પથારીવશ સાસુ પર મારહાણ કરવાનો આરોપ મૂકેલો. ધરપકડ કરવા ગયેલી પોલીસે સ્ત્રીની ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો તેથી આ બાબતમાં અદાલતે પહોંચી.
સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો છે કે સ્ત્રીઓની આવી ફરિયાદોના આધારે આરોપીઓની અટકાયત કરવી નહીં પણ તેની ફરિયાદની ચકાસણી કર્યા પછી, માર પડ્યાની દાક્તરી સાબિતી પછી જ આરોપીની ધરપકડના કાયદાનો અમલ શરૂ કરવો.
સર્વોચ્ચ અદાલતનો આદેશ વાજબી દેખાય છે. ખોટી ફરિયાદ કરીને પોતાનાં સગાંસંબંધીઓને ત્રાસ આપનાર સ્ત્રીને ગુનેગાર ગણીને સજા થવી જોઇએ પણ અદાલતી આદેશ કરવત જેવો છે અને બંને બાજુએ નુકસાનકારી થઇ પડે તેવો છે. ખોટી ફરિયાદ કરનાર સ્ત્રીઓની સંખ્યા ઘણી મોટી હોવાનું અદાલતે સ્વીકાર્યું છે પણ તેનો પાયો ખોટો છે. દિલ્હીમાં અખિલ ભારતીય ગુના નોંધણી નામની સરકારી સંખ્યા છે. દરેક પ્રકારના ગુનામાં કેટલી ફરિયાદ થઇ. કેટલા ખટલા ચાલ્યા અને કેટલા કિસ્સાઓમાં ગુનો સાબિત થયો તેના આંકડાઓ દર વરસે પ્રસિદ્ધ થાય છે. સ્ત્રી સંરક્ષણ કાયદાના અન્વયે થયેલી ફરિયાદોમાંથી ગુનો સાબિત થયાનું પ્રમાણ અતિશય ઓછું છે તેથી સ્ત્રીઓ ખોટી ફરિયાદ કરે છે તેવું અદાલતે કાઢેલું તારણ સાચું નથી. ગુનો સાબિત થવા માટે તો પોલીસ કારવાઇ, વકીલોની ચતુરાઇ અને પુરાવા મેળવવાની મુશ્કેલી પણ કારણભૂત હોય છે.
અદાલતે આપેલા હક મુજબ માર પડ્યાની સ્પષ્ટ નિશાની ન હોય અથવા મરણ ન થયું હોય ત્યાં સુધી પોલીસે કારવાઇ કરવી નહીં. થોડી સ્ત્રીઓની હરામખોરી માટે અગણિત નિર્દોષ સ્ત્રીઓની યાતનામાં વધારે ઉમેરો થાય તેવો આ આદેશ અતિશય ચર્ચાસ્પદ છે. 
nagingujarat@gmail.com
અન્ય સમાચારો પણ છે...