મૌનનું પણ ગીત?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં વ્યાખ્યાન હતું. મેં વિષય આપેલો: ‘આપણે ધાર્મિક ખરા પણ નૈતિક નહીં.’ ગાંધીની જન્મભૂમિ, સવિતાદીદીની નૃત્યભૂમિ, નાનજી કાલિદાસની સાહસભૂમિ, સાંદીપનિની હરિભૂમિ પર પૂર્ણતાના આયોજક સુરેશ કોઠારીએ સંદેશો આપ્યો કે: ‘આજે ગુરુવાર છે, ભાઇશ્રી રમેશભાઇ ઓઝા વર્ષોથી ગુરુવારે મૌન રાખે છે, પણ તેઓએ કહેવડાવ્યું છે કે તેઓશ્રી તમારી સાથે સંવાદ નહીં કરી શકે પણ શ્રોતા બની ઉપસ્થિત જરૂર રહેશે.’ એક સામાન્ય માનવજીવ તરીકે રાજી થોઇ જવાયું પણ પછી સાંજે વ્યાખ્યાન બાદ હાવભાવના શારીરિક ભાવોથી ભાઇશ્રીની પ્રસન્નતા શતશ: વ્યક્ત થતી અનુભવી.
એ સમયે એટલું ઉચ્ચારી શકાયું હતું કે: ‘હું આપના મૌનનાં ગીતને સાંભળી રહ્યો છું, અને આ મૌન શ્રવણ મને ધન્યતા બક્ષી રહ્યું છે!!’
આપણો આદર, આપણો પ્રેમ, આપણી લાગણી માત્ર બોલીએ તો જ વ્યક્ત થાય એવો ઠાલો ભ્રમ બહુ ભરાઇ ગયો છે આપણામાં! ન બોલનારા અતડા તો ઓછું બોલનાર મીંઢા તો વળી વધુ બોલનારા બોલકા-વાતોડિયા-ફડાકેબાજ! કેવા કેવા માનાંકો બાંધી મૂક્યા છે આપણે?! બોલવા ઉપરથી તે કંઇ માણસ મપાય? બાળક જન્મે ત્યારે પહેલાં જોતાં થવાનું, પછી સાંભળતા ને ત્રીજા ક્રમે બોલતા! પ્રકૃતિના સર્જનને દૃશ્યમય માણવું હોય તો મૌન રહેવું પડે. સૃષ્ટિના નાના ધ્વનિને ઊંડાણથી સાંભળવો હોય તો શબ્દહીન થવું પડે. નિ:શબ્દતા પચે પછી જે વાણી ઉચ્ચરે તે નાદ બને અને એ નાદને શાસ્ત્રો નાદબ્રહ્મ કહે છે. નાભિમાંથી ઊઠે તે નાદ. મૂંગા રહેવું કે ચૂપ રહેવું શક્ય બને જિહ્્વાથી, પણ મૌનની સુગંધ પ્રગટે નાભિમાંથી! બહારના શબ્દો શાંત થાય ત્યારે નાભિનો નાદ પણ વિરામ લે અને તો તથા ત્યારે જ મૌન પ્રગટે.
મૌનનું પણ ગીત હોય. એકવાર ઉનાળુ છુટ્ટીમાં વિશિષ્ટ પ્રવાસી સુભાષા ભટ્ટની આંગળી પકડીને ઉત્તર ભારતના એકલવાયા ડુંગરાળ પ્રદેશમાં રહેવાનું બનેલું. સુભાષે કહેલું કે અહીં રાત આખી જાગવાનું અને ઘનઘોર અંધારામાં ખુલ્લા આકાશ નીચે મૌન બેસવાનું. આ મૌન આપણને કુદરતનું ગીત સાંભળવાની ભેટ આપશે... ખરેખર એ ત્રણ રાત્રી અમે સૃષ્ટિની દિવ્યતા માણી ત્યારે અનભૂતિ થઇ કે મૌનનું પણ ગીત હોય છે! હા, ત્યાં ગાઢ જંગલમાં પર્વતો પર ઊંચાં વૃક્ષો પર સોથી વધુ પ્રકારની જાતિના નોક્ટોરિયલ બર્ડ્ઝ વસે છે, જે રાત્રીના પ્રગાઢ અંધકારમાં જ જાગે છે અને પોતાનો કલરવ તાલબદ્ધ કરે છે. રાત્રે જ જાગતાં આ પક્ષીઓ દૂર દૂર બેઠેલા પોતાના પ્રિયતમને સાદ દે છે અને પ્રતિસાદની પ્રતીક્ષા કરવા મૌન થઇ જાય છે! મૌનનું પણ ગીત હોય અને તે માણીએ ત્યારે અલૌકિક આનંદ તમને તરબતર કરી દે! આ મૌનનો મહિમા નથી, મૌનની દિવ્યાનુભૂતિ છે. અધ્યાત્મ પુરુષ ગુરુ દયાલ મલ્લિકજીનું ભજન-પ્રસાદ પુસ્તક હાથમાં આવ્યું ત્યારે આશ્ચર્યનો પાર ન રહ્યો, કારણ તેમાં પહેલી જ રચનાનું શીર્ષક હતું: Song of Silence! કુલ છવ્વીસ પરિમાણો દ્વારા Silenceને હાથીની અંબાડીએ પોંખતાં આ ગીતનું સૌંદર્ય અદ્્ભુત છે. 
Silence is a stream, not a statue. Silence is a sign-post, not a shrine.
Silence is the whisper of God’s voice. Silence is Love’s speech in code.
Silence is the love of infinity, the infinity of love.
Silence is the lord of logic and logic of the lord.
Silence is the empathy and embrace of the Eternal.
Silence is the praise and prayer of truth. Silence is the Himalayas of the Holy and the whole.
Silence is the science and art of aspiration and achievement.
Silence is the mother and matrix of Meditation.
અહીં રજૂ કરેલાં માત્ર અગિયાર પરિમાણોને ખોલવા બેસું તો વર્ષોનાં વરસ લાગે! પણ મલ્લિકજીએ Song of Silenceમાં છેલ્લે શ્રેષ્ઠત્તમ પર આપણને મૂક્યા અને તે ધ્યાન. મૌનનું ગીત ધ્યાનસ્થ કરી મૂકે ત્યારે આસપાસ-ચોપાસનું બધું ખરી જાય. ખુલ્લી આંખે ખુલ્લા કાને બધું જ ચળાઇને ગળાઇને અંદર જાય અને શાંત થઇ જાય. નાભિમાં સમાઇ જાય ત્યારે મૌનનું ગીત સર્જાય અને આ ગીત અંદરથી ગવાય અને આત્માની શ્રવણેન્દ્રિયને સ્પષ્ટ સંભળાય. {
bhadrayu2@gmail.com
અન્ય સમાચારો પણ છે...