વધતી વય સાથે જાતીય સમસ્યા વધુ જોવા મળે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇપણ વ્યક્તિ અથવા તો યુગલ જાતીય ક્રિયાના કોઇપણ તબક્કે જાતીય સુખના આનંદથી વંચિત રહે તો તેને જાતીય સમસ્યા કહી શકાય. જાતીય પ્રતિભાવની પ્રક્રિયાના ચાર તબક્કા છે- ઉત્તેજના, સ્થિરતા, ચરમસીમા અને સંતોષ. વિવિધ સંશોધનો અનુસાર જાતીય બિનકાર્યક્ષમતા એ સામાન્ય (43 ટકા મહિલાઓ અને 31 ટકા પુરુષો કોઇ ને કોઇ પ્રકારની મુશ્કેલી અનુભવે છે) હોવા છતાં આ મુદ્દે મોટાભાગના લોકો વાત કરવાનું ટાળે છે. સદ્નસીબે જાતીય બિનકાર્યક્ષમતાની સમસ્યાના મોટાભાગના પ્રકારો સારવાર થકી ઉકેલી શકાય છે. આથી તમારે આ મુદ્દે તમારા સાથી અને ડોક્ટર્સ સાથે ચર્ચા કરવી આવશ્યક છે.
પુરુષ અને સ્ત્રી બંનેને જાતીય સમસ્યાઓથી અસર થાય છે. વધતી જતી વયની સાથે નબળું આરોગ્ય થવાને કારણે પ્રૌઢ લોકોમાં જાતીય સમસ્યા વધુ જોવા મળે છે

શારીરિક કારણો: જાતીય કાર્યક્ષમતા પર વિવિધ શારીરિક અથવા તબીબી વિષમતાઓની માઠી અસર પડી શકે છે. જેમાં ડાયાબિટીસ, હૃદય અને રક્તવાહિનીઓને લગતા રોગ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર, હોર્મોનલ ઇમ્બેલેન્સ, કિડની અથવા લિવર ફેઇલ થવા જેવી બીમારી, શરાબનું સેવન, નશીલી દવાઓની આદત વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક ઉપચારોની આડઅસર પણ સમસ્યાઓ સર્જે છે. જેમાં તણાવ દૂર કરવા લેવાતી એન્ટિડિપ્રેસન્ટ ડ્રગ્સ, એન્ટિહાઇપર ટેન્શન ડ્રગ્સ ખાસ કરીને બીટા બ્લોકર તમારી જાતીય ક્ષમતા અને કામગીરી પર માઠી અસર ઉપજાવે છે.

માનસિક કારણો: કામ-કાજને લગતી ચિંતા, બેચેની, જાતીય કાર્યક્ષમતાને લગતી ચિંતા, લગ્ન સંબંધો અથવા અન્ય સંબંધોમાં ખટરાગ, ડિપ્રેશન, ગુનાહિત લાગણી અને ભૂતકાળની જાતીય સમસ્યાઓનો સમાવેશ થાય છે.
જાતીય સમસ્યાઓથી કોને અસર થાય છે?
પુરુષ અને સ્ત્રી બંનેને જાતીય સમસ્યાઓથી અસર થાય છે. પુખ્ત વયની દરેક વ્યક્તિ તેનો ભોગ બની શકે છે. સામાન્ય રીતે તો વધતી જતી વયની સાથે નબળું આરોગ્ય થવાને કારણે પ્રૌઢ લોકોમાં જાતીય સમસ્યા વધુ જોવા મળે છે.

પુરુષોને કેવી રીતે અસર કરે છે?
પુરુષોમાં સ્ખલનની અનિયમિતતા, શિશ્નોત્થાનની સમસ્યા, જાતીય ઇચ્છાઓ મંદ પડી જવી વગેરેનો સમાવેશ થાય છે.
સ્ખલનની અનિયમિતતા એટલે શું?
અપરિપક્વ અથવા કવેળાએ થતું સ્ખલન: યોનિમાં શિશ્નપ્રવેશ સાથે અથવા તો તે પહેલાં જ સ્ખલન થઇ જવું.
અધોગામી સ્ખલન: જાતીય ક્રિયાની પરાકાષ્ઠા દરમિયાન સ્ખલન મૂત્રનળીમાં થઇ શિશ્ન માર્ગે બહાર આવવાને બદલે મૂત્રશાયમાં પરત ધકેલાય છે. કેટલાક કિસ્સાઓમાં જાતીય સાથી પ્રત્યેના ઓછા આકર્ષણ, ભૂતકાળના આઘાતજનક પ્રસંગો અને સેક્સને પાપ માનતી રૂઢિચુસ્ત ધાર્મિક પૃષ્ઠભૂમિ, માનસિક કારણો જવાબદાર બને છે. ડાયાબિટીસ ધરાવતા ખાસ કરીને ડાયબેટિક ન્યુરોપથી (જ્ઞાનતંતુઓને નુકસાન)થી પીડાતા પુરુષોમાં અધોગામી સ્ખલન વિશેષ અનુભવાય છે. મૂત્રાશયના જ્ઞાનતંતુઓ અને બ્લેડર નેક કે જે સ્ખલનના પ્રવાહને પાછળની બાજુ અને મૂત્રાશયમાં મોકલવાની કામગીરી કરે છે. આ અંગોમાં થયેલી સમસ્યાને કારણે પણ સ્ખલનમાં સમસ્યા થાય છે. અન્ય પુરુષોમાં પ્રોસ્ટેટના ઓપરેશન પછી સામાન્ય રીતે અધોગામી સ્ખલનની સમસ્યા જોવા મળે છે.

શિશ્નોત્થાનની સમસ્યા શું છે?
નપુંસકતા અથવા ઇડી તરીકે પણ ઓળખાતી શિશ્નોત્થાનની સમસ્યા એટલે સંભોગ માટે આવશ્યક પ્રમાણમાં લિંગની ટટ્ટાર થવાની નિષ્ફળતા, શિશ્નોત્થાનની સમસ્યા માટે જવાબદાર રોગોમાં લોહીના પ્રવાહને અસર કરતા એથરોસ્ક્લેરોસિસ (જે સામાન્ય રીતે તમાકુ અને ધૂમ્રપાનથી થાય છે.) નર્વ ડિસઓર્ડર્સ, માનસિક પરિબળો જેમ કે તણાવ, ચિંતા અને સેક્સ અંગેના દેખાવની ચિંતા તથા શિશ્નને થયેલી ઇજા વગેરેનો સમાવેશ થાય છે.
જાતીય સમસ્યા માટે ડોક્ટરનો સંપર્ક ક્યારે કરું?
ઘણા પુરુષો વારે ઘડીએ જાતીય સમસ્યાઓ અનુભવે છે. આ સમસ્યાઓથી પુરુષ અને તેના સાથીમાં તણાવ પેદા થાય છે, તેમના સંબંધો પર નકારાત્મક અસર થાય છે. તમે આ સમસ્યાઓથી પીડાતા હોવ તો તમારે તપાસ કે સારવાર માટે સેક્સોલોજિસ્ટની સલાહ લેવી જોઇએ.
તંદુરસ્ત જાતીય જીવન જીવવાનાં સૂચનો:
ડોક્ટરની સારવારને અનુસરો, આલ્કોહોલનું સેવન બંધ કરો, ધૂમ્રપાન બંધ કરો, તણાવ, ચિંતા વગેરેને દૂર કરો. આવશ્યક હોય તો તેની સારવાર કરાવો.
અન્ય સમાચારો પણ છે...