કૃષ્ણ મળે તો કેજો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હું રાધા, ઓળખી મને? જગતને શાશ્વત કહો કે નાશવંત... પરંતુ આ જગત મને આજે કૃષ્ણની વામાંગિની તરીકે ઓળખે છે. કૃષ્ણની વ્રજભૂમિને લગોલગ આવેલા બરસાના નજીકના નાનકડા રાવલ નામના ગામના અગ્રણી ગોપ વૃષભાનુ અને માતા કૃતિકાની હું લાડલી પુત્રી. ધર્મપ્રેરિત વાતાવરણમાં હું ઊછરી. યૌવનના આંગણે પહેલું પગલું ભર્યું ત્યારે માતા-પિતાએ મારો વિવાહ ગોકુળના વરિષ્ઠ ગોપાલકના પુત્ર રાયન સાથે કરાવ્યો. હું પરણીને પતિગૃહે આવી. મારા રોમરોમમાં પ્રસન્નતા મલકી રહી હતી ત્યારે જ વિધાતાએ મારી ક્રૂર મજાક કરી. મારા પતિનું અકાળે અવસાન થયું ને... હું યૌવનથી ઊભરાતા કાળમાં જ વિધવા બની ગઇ.
વૈધવ્યની શોકભરી ક્ષણોએ મને વ્યથિત અને નગણ્ય કરી નાખી. મારું જીવન જ્યારે અતિ વિષમ બની ગયું ત્યારે જ... શરદ પૂર્ણિમાની એક રઢિયાળી રાત્રિએ આકાશમાંથી શુભ્ર જ્યોત્સના પૃથ્વી પર નીતરી રહી હતી. ગોકુળની ગલીઓમાંથી રેલાતા વાંસળીના ધીમા-ધીમા સૂર મારા કાને અથડાયા. ઘરનો ઉંબરો ઓળંગી મારા પગ વાંસળીના મનભાવક સૂરની દિશામાં મંડાયા. નીતરતી ચાંદનીના દૂધ જેવા અજવાળામાં હું કાલિન્દીના તટ પર આવીને ઊભી રહી. મારી નજર, સામે જ ગોપકન્યાઓ વાંસળીના સૂર રેલાવતા એક શ્યામવર્ણી કિશોરની ફરતે તાલમય રાસ રચાવી ઝૂમી રહી હતી. ગાયન, વાદન અને નૃત્યનો ત્રિવેણી સંગમ વ્રજભૂમિ પર જાણે થયો હતો!
શરદપૂર્ણિમાની અદ્્ભુત શુભ્ર રાત્રિની આહ્્લાદક ઠંડકમાં કાલિન્દીના તટ પર રચાયેલા રાસમંડળના કેન્દ્રસ્થાને મારી નજર ચોંટી ગઇ. એ શ્યામવર્ણી કિશોર આંખના પડળને બંધ કરી પગની આંટી મારીને ઊભો રહ્યો હતો. તેના રેશમી વાંકડિયા વાળમાં મોરપીંછ લગાવેલું હતું. ગુલાબની ખીલતી પાંખડીઓ જેવા તેના કોમળ અધર પર વાંસળી મૂકેલી હતી. વાંસળી વાયુની મંદ ગતિ જેવો મંદ વાયુપ્રવાહ તેના અંતરમાંથી ઉદ્્ભવતો હતો. એ ઉદ્્ભવેલો વાયુ વાંસળીના પોલાણમાં પ્રસરી મધુર સૂર બની ચાંદની નીતરતી રાત્રિમાં સ્ફૂરતો હતો. 
તેના કોમળ હાથની નાજુક આંગળીઓ વાંસળીનાં છિદ્રો પર ચઢ-ઊતર કરતી હતી અને... એક મધુર ધ્વનિ વાતાવરણને મહેકાવી રહ્યો હતો. તેની વાંસળીનો મધુર ધ્વનિ સાંભળીને કાલિન્દીનો પ્રવાહ પણ થંભી ગયો! હું પણ કાલિન્દીના પ્રવાહની જેમ મુગ્ધ બની ગઇ! આંખના પડળ આપોઆપ બંધ થઇ ગયા... ને હું રેલાતા વાંસળીના સૂરમાં ડોલવા લાગી. ક્યારે સમાધિ લાગી ગઇ તેનું ભાન મને પણ ન રહ્યું. 
‘રાધા!’... સાવ સહસા જ મારા કાનમાં મારા જ નામનો ધ્વનિ ગુંજી ઊઠ્યો. આંખના પડળને ખોલીને મેં જોયું તો મારી સન્મુખ કાલિન્દીનો તટ ખાલીખમ હતો. રચાયેલું રાસમંડળ અને મંડળનો શ્યામવર્ણી નાયક અદૃશ્ય થઇ ગયા હતા. તટ પરનાં વૃક્ષોની ડાળીઓમાં પંખીઓ મીઠી નીંદર લઇ રહ્યાં હતાં. હું એકલી કાલિન્દીના તટ પર ઊભી-ઊભી વિસ્મયભાવે બધું જોઇ રહી હતી. સ્વચ્છ આકાશમાંથી સોળે કળાએ ખીલેલો ચંદ્રમા પણ ધીરે ધીરે ગૃહસ્થાન તરફ ગતિ કરી રહ્યો હતો. ક્ષણભર હું કંઇ જ સમજી ન શકી પરંતુ બીજી જ ક્ષણે મને થયું કે મેં કાલિન્દીના તટ પર આવી કોઇ અદ્્ભુત સ્વપ્ન જોયું કે શું? કાલિન્દીના પ્રવાહમાં ઉદ્્ભવતાં વમળો જેવાં જ વમળો મારા મનમાં ઉદ્્ભવવા લાગ્યાં. હું કંઇ જ સમજી ન શકી અને આખરે વિચલિત મનોવ્યથા સાથે મેં મારા પગ ઘર તરફ માંડ્યા, ત્યાં જ હું ચોંકી ગઇ!
‘રાધા!’... ફરી મારા જ નામનો ધ્વનિ મારા કાને અથડાયો. ગરદન ઘુમાવી મેં ધ્વનિની દિશામાં નજર કરી તો... કાલિન્દીના તટ પરની એક શિલા પર કાલિન્દીના શ્યામ જળ જેવો જ, થોડી ક્ષણો પહેલાં રચાયેલો રાસમંડળનો નાયક ઊભો હતો. તેના કોમળ હોઠ પર મનમોહક સ્મિત રેલાઇ રહ્યું હતું. હાથમાંની વાંસળીને તેણે કમર પર ટેકવી હતી. માથાના વાંકડિયા રેશમ જેવા કાળા વાળ અને તેમાં ખોંપેલું મોરપીંછ પવનની મંદમંદ ગતિમાં લહેરાતાં હતાં. હું મંત્રમુગ્ધ બની તેના તરફ આકર્ષાઇ. મારાં પગલાં ધીમે-ધીમે તેની નજીક સરકવા લાગ્યાં ને... હું એકદમ તેની સન્મુખ આવી ઊભી રહી. અપલક નેત્રે તેને જોઇ રહી, પછી સહસા જ મારા બંધ હોઠમાંથી શબ્દો સરી પડ્યા,... ‘તમે... તમે... કૃષ્ણ જ... ને?’
‘હા, રાધા! હું જ કૃષ્ણ.’ બસ, કૃષ્ણનો આ મધુર સ્વર તે દિવસે જ મારામાં મળી ગયો. દિવસો વીતતા ગયા. હું અને કૃષ્ણ એકબીજાના પૂરક બની ગયા. એક વિધવા ગોપસ્ત્રી રાધાને કૃષ્ણનો સંસ્પર્શ થયો અને જીવન મધુરતામાં પલટાઇ ગયું. આ કાલિન્દીના તટ પર પછી તો અસંખ્ય રાસમંડળ રચાયાં અને તેના આનંદાબ્ધિમાં હું અને મારા કૃષ્ણ મનભરીને નાહ્યાં.
કરુણાસાગર કૃષ્ણના આસક્તિરહિત પ્રેમના પ્રવાહમાં હું એટલી તરબોળ થઇ કે કૃષ્ણ જ મારું જીવન બની ગયા! કૃષ્ણને સમર્પણ થઇને હું પરમાનંદને પામી. મારું વૈધવ્યપણું ભૂલી હું એક સુહાગણની જેમ જ શંૃગાર સજવા લાગી. ગોકુળવાસીઓ મને ગાંડી અને ઘેલી કહેવા લાગ્યા, ...પરંતુ મારા પરમ સખા કૃષ્ણના સંસ્પર્શથી મારું વૈધવ્ય ટળી ગયું હતું. હું સંપૂર્ણ સ્વસ્થ અને પરમ ચેતનાથી સભર કૃષ્ણમય બની ગઇ હતી. બાહ્ય જગતનો કોઇ સ્પર્શ હવે મને થઇ શકે તેમ ન હતો ત્યારે... જ કૃષ્ણએ ગોકુળ છોડવાનો નિર્ણય લીધો. મને અંતિમ મિલન માટે શરદપૂર્ણિમાની રાત્રિએ કાલિન્દીના તટ પર બોલાવી. હું ઉઘાડા પગે બહાવરી બની દોડી ગઇ.
પૂનમની મધ્યરાત્રિના ચંદ્રને કાલિન્દીના શાંત જળમાં પ્રતિબિંબિત થતો જોઇ કૃષ્ણ તટ પરની એક શિલા પર બેઠા હતા. સહેજ વિચલિત થયેલી હું કૃષ્ણનાં ચરણોમાં ઝૂકી. મારી આંખમાં પ્રગટેલાં આંસુ કૃષ્ણના ચરણ પર પડ્યાં તે જ ક્ષણે મારી જીભ પરથી શબ્દો સરી પડ્યા, ‘શ્યામ! મિલનની અંતિમ પળે એક જ ઝંખના છે! મને તારાં ચરણોમાં આંસુનો અભિષેક કરવા દે! બસ, પછી તારી આ રાધા અશરીરી બની જશે અને એને તારાથી કોઇ જ અલગ કરી નહીં શકે.’
કૃષ્ણ અપલક નેત્રે ક્યાંય સુધી મને જોઇ રહ્યા, પછી બોલ્યા, ‘રાધા! યુગકર્મના પ્રારંભનો આ એક સંકેત છે. મને હસતા મુખે વિદાય આપ. મથુરાગમન પછી હું ક્યારેય ગોકુળમાં પુનરાગમન નહીં કરું. જે ક્ષણે હું ગોકુળ છોડીશ તે જ ક્ષણથી મારો વ્યાપ તારા અસ્તિત્વમાં સમાઇ જશે. બસ, ... પછી રાધાને ક્યારેય કોઇ કૃષ્ણથી વિખૂટી નહીં કરી શકે!’... ને કદાચ પૂનમની મધ્યરાત્રિએ મારા કૃષ્ણનો આ અંતિમ સંવાદ સાંભળી કાલિન્દી પણ ક્ષણવાર માટે થંભી ગઇ હતી!
સૂર્યોદય સાથે રડી રહેલી મને, નંદ, યશોદા અને સમગ્ર ગોકુળને છોડી મારા પ્રાણનાથ કૃષ્ણએ મથુરાગમન કર્યું. તેઓ ગયા... તે ગયા! પૂરાં સવાસો વર્ષ વીતી ગયાં. મારા કૃષ્ણની રાહ જોઇને હું ગોકુળની ગલીઓમાં વૃદ્ધત્વને પામી. ગોધૂલીવેળાએ હું સ્વગૃહે પાછી ફરતી ગાયોની ખરીઓના ધ્વનિમાં મારા કૃષ્ણને શોધતી રહી. કાલિન્દીના તટ પર જઇને તેના શ્યામપ્રવાહમાં હું મારા કૃષ્ણને શોધતી રહી. સવાર-સાંજે ગાયોના ભાંભરણોમાં અને વાછરડાંઓના વલવલાટમાં હું મારા કૃષ્ણને શોધતી રહી. મારા કૃષ્ણ એક દિવસ અચૂક આવશે તેવી અમર આશાથી હું વૃદ્ધત્વમાં પણ શણગાર સજીને ગોકુળની ગલીઓમાં, કાલિન્દીના તટ પર અને વૃંદાવનમાં ભટકી-ભટકી કૃષ્ણની પ્રતીક્ષા કરતી રહી,... પરંતુ કૃષ્ણ ન આવ્યા.
એક દિવસ સંધ્યાકાળે હું કાલિન્દીના તટ પર તેના શ્યામજળમાં મારા કૃષ્ણનાં દર્શન કરી રહી હતી ત્યારે... ‘રાધા!’... મારા જ નામનો ધ્વનિ મને ફરી સંભળાયો, પરંતુ તેમાં વર્ષો પહેલાં જે મીઠાશ હતી તેવી મીઠાશનો મને અનુભવ ન થયો. મેં મારી વૃદ્ધકાયાને ધ્વનિની દિશામાં ફેરવી અને હથેળીની છાજલી કરી મારી સામે ઊભેલા વૃદ્ધ પુરુષને જોઇ રહી. તેને હું ઓળખી ગઇ તે સાથે જ એક ચેતના મારામાં પ્રગટી અને હું આનંદભેર બોલી,- ‘કોણ,... ઉદ્ધવજી?’ 
‘હા, રાધા! હું ઉદ્ધવ. ફરી એકવાર હું કૃષ્ણનો સંદેશ લઇને આવ્યો છું.’ કહીને વિષાદભાવે ઉદ્ધવ મારી સામે જોઇ રહ્યા.
‘બોલો... બોલો,... ઉદ્ધવજી! તમને હવે વૃદ્ધત્વએ ગ્રસી લીધા છે. તમે કૃષ્ણનો સંદેશો વીસરી તો ગયા નથી ને?’ મારા મુખેથી પ્રગટેલા શબ્દોથી ઉદ્ધવજી કાલિન્દીની શિલા પર બેસી ગયા. તેમની આંખોમાં ભીનાશ પ્રગટતી મેં જોઇ. ભીની આંખને કોરી કરી તેમણે કહ્યું, ‘રાધા! આ વખતે હું કૃષ્ણનો અંતિમ સંદેશ લઇને આવ્યો છું.’‘અંતિમ?... ઝટ બોલો, ઉદ્ધવજી! કૃષ્ણનો સંદેશ કહેવામાં વિલંબ ન કરો.’ મારા કંઠમાંથી કાલિન્દીના પ્રવાહ જેવો જ વાકપ્રવાહ વહી ગયો. 
‘રાધા! કૃષ્ણે.... કૃષ્ણે... કહ્યું છે કે રાધા... હવે મારી પ્રતીક્ષા ન કરે!!’ અતિશય ભારપૂર્વક ઉદ્ધવજી બોલીને મારી સામે નત મસ્તક થઇ ગયા.
‘પણ... શા માટે?’ કહીને હું ખડખડાટ હસી પડી.
‘રાધા! તું...ઉં...ઉં... હાસ્ય ન કરીશ! હવે... હવે...’
‘શું... હવે? બોલો ઉદ્ધવજી... ઝટ બોલો!’
‘રાધા! જીભ ઊપડતી નથી, પરંતુ સત્યને છુપાવવું કઠિન છે. હા, ... રાધા! સત્ય એ જ છે કે કૃષ્ણ હવે જીવિત નથી, તેમણે જગતમાંથી તારા જ નામના સ્મરણ સાથે મહાપ્રયાણ કર્યું છે!! પ્રભાસના ત્રિવેણી સંગમતટે સ્વયં અર્જુને કૃષ્ણનો અંતિમ સંસ્કાર કરી, કૃષ્ણનો અંતિમ સંદેશ તને કહેવા મને મોકલ્યો છે.’ 
‘શું કહ્યું ઉદ્ધવજી! કૃષ્ણ જીવિત નથી? મારા સ્મરણ સાથે તેમણે મહાપ્રયાણ કર્યું?... ખોટું!... તદ્દન ખોટું ઉદ્ધવજી!’ કહીને હું ખડખડાટ હસવા લાગી. ક્યાંય સુધી હસતી રહી, પછી ફરી બોલી, ‘ઉદ્ધવજી! કોણે કીધું કે કૃષ્ણ જીવિત નથી? જુઓ...! આ વૃંદાવનની ગલીઓમાં કૃષ્ણ છે,... આ કાલિન્દીના પ્રવાહમાં કૃષ્ણ છે,... આ ગોવર્ધનની શિલાઓમાં કૃષ્ણ છે,... આ ગાયોના ભાંભરણોમાં કૃષ્ણ છે,... આ વાછરડાંઓના વલવલાટમાં કૃષ્ણ છે,... આ મોરપીંછના રંગોમાં ને... આ અનંત આકાશમાં કૃષ્ણ છે! કૃષ્ણ ક્યાં નથી?... કૃષ્ણ તો સર્વ વ્યાપક છે, ઓધવજી!’
‘હા, રાધા! કૃષ્ણનું અસ્તિત્વ તો બધે જ છે, … પણ કૃષ્ણ હવે સદેહે આ જગતમાં નથી જ.’
સહસા જ મારું ખડખડાટ હાસ્ય વિરમી ગયું. મેં ઉદ્ધવજીની આંખમાં આંખ પરોવી, પછી તેના મુખેથી કહેવાયેલું સનાતન સત્ય અને વાસ્તવિકતાને મેં સ્વીકારી લીધી. મારો શ્યામ,... મારો પ્રાણનાથ હવે આ જગતમાં સદેહે નથી. છતાં પણ હું મારા શ્યામની પ્રતીક્ષામાં બેઠી છું. આજે પણ હું એટલી જ કૃષ્ણમય છું,... અરે! કૃષ્ણમાં જ ઓતપ્રોત થયેલી છું. એટલે જ જગતના કૃષ્ણપ્રેમીઓએ મને કૃષ્ણની વામાંગિની બનાવી દીધી. મારા અનાસ્તક નિષ્કામ પ્રેમે જ મને આ પરમ પદ અપાવ્યું છે. કૃષ્ણના સંસ્પર્શથી મારું જીવન ધન્ય બની ગયું છે.
કૃષ્ણનો ગોકુળ ત્યાગ જગતના કલ્યાણનું પહેલું પગલું હતું. કૃષ્ણને, તેમના મોરપીંછને અને વાંસળીના સૂરને સર્વવ્યાપક કરવામાં હું માત્ર નિમિત્ત બની ગઇ. આજે આખું જગત મને ગોપીઓના અનુરાગથી જન્મેલી ઇર્ષ્યાનું સ્વરૂપ સમજે છે. કોઇ મને મહામાયા, મહાશક્તિ અને કૃષ્ણને પામવાની એક સીડી સ્વરૂપે સમજે છે. કોઇ મને નિષ્કામ પ્રેમનું એક પ્રતીક સમજે છે... તો કોઇ મને એક કલ્પનામૂર્તિ સમજી મારા અસ્તિત્વનો અસ્વીકાર કરે છે. જગત મને જે સમજે તે ખરું,... પરંતુ હવે મને આ કૃષ્ણથી કોઇ અલગ કરી શકે તેમ નથી.
દર વર્ષે મારા કૃષ્ણની જન્મતિથિ જગતના કૃષ્ણપ્રેમીઓ ધામધૂમથી ઊજવે છે,... ત્યારે મારી અંતરની ઓરડીમાં દિવ્ય આનંદનો દિવ્ય પ્રકાશ રેલાય છે. આ પ્રકાશની દિવ્યતામાં હું પાવન બની,... મારી જેમ જ કૃષ્ણને શોધી રહેલા જગતના તમામ કૃષ્ણપ્રેમીઓને હાથ જોડી વિનંતી કરું છું: ‘હે કૃષ્ણપ્રેમીઓ! તમને ક્યાંય,... કોઇ પણ સ્થળે,... કોઇ પણ સ્વરૂપમાં કૃષ્ણ મળે તો કહેજો... કે રાધા તમારી પ્રતીક્ષા કરે છે.’ 
અન્ય સમાચારો પણ છે...