તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂર સદૂરનો સમુદ્રથી વીંટળાયેલો ટાપુ 'અરૂબા'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણી પૃથ્વી પર કેટલાયે દેશો જેમ જમીન સાથે જોડાયેલા છે તેમ અમુક દેશો અફાટ પાણીની વચમાં પણ બનેલા છે. સમુદ્રથી વીંટળાયેલા જમીનના હિ‌સ્સા એટલે ટાપુ. મોટાભાગે સાવ નાના નાના આવા દ્વીપ-દેશોની સંખ્યા પૃથ્વી ઉપર લગભગ પચાસ જેટલી છે. દ્વીપ-દેશ એટલે કાંઇ એવું નહીં કે એ એક જ ટાપુનો બનેલો હોય. ના, ના, દરેક દ્વીપ-દેશની સાગરીય સરહદની અંદર એકથી વધારે ટાપુઓ તો હોય જ. ઇન્ડોનેશિયા જેવા દ્વીપ-દેશના મુખ્ય ટાપુઓ, જેવા કે જાવા, સુમાત્રા, બાલી, લોમ્બોક તો જાણીતાં નામો છે, પણ એ બાબતની જાણ કેટલા જણને હોય કે ઇન્ડોનેશિયા દ્વીપ-દેશની માલિકીમાં અગિયાર હજારથી પણ વધારે ટાપુઓ છે? અલબત્ત, આટલી મોટી સંખ્યા તો અપવાદ રૂપ જ કહેવાય.

પૃથ્વી પર સમુદ્રો પણ ઘણા છે. એમાંના કેટલાક ઉપર વર્ષ દરમિયાન ખૂબ મોટા ઝંઝાવાત ઊઠતા હોય છે. લગભગ મે મહિ‌નાથી ઓક્ટોબર સુધીમાં પાણી પરથી એવી આંધી ચઢે, સો-દોઢસો માઇલની ઝડપે પવન એવો વીંઝાય, અને સાથે વરસાદ એટલા જોરથી પડતો હોય કે માણસો જ નહીં, ભારે વાહનો તેમજ મકાનોનાં છાપરાં પણ ઊંચકાઇને ક્યાંનાં ક્યાં ફેંકાય, ફંગોળાય. ઘણી તારાજી થાય આવા સંજોગોમાં.

પણ ભાઇ, આ તો કુદરત છે. એ ક્યારે કૃદ્ધ થાય, અને એનો ક્રોધ કેટલી હદે પહોંચે તે આગળથી કોણ કહી શકે? લોકોએ તો પોતાની સગવડ અને સમય પ્રમાણે, વિમાનની ટિકિટો ખરીદીને, અને રહેવાની હોટલો આરક્ષિત કરીને રાખી હોય. બે-ત્રણ દિવસ પહેલાંથી આ ઝંઝાવાતોના જોર-જબરાઇ વિશેના સમાચાર માધ્યમો દ્વારા જાહેર થવા માંડે, અને બધું કેન્સલ કરાવવાની ધમાલ અને ચિંતા શરૂ થાય. અસંખ્ય ફ્લાઇટો પણ આવા વખતે રદ થતી હોય છે. મારે કહેવાનું એ છે કે ઘણા દ્વીપ-દેશો પરનું વિહરણ સારું એવું આયોજન માગી લે છે. સાથે જ, સારી ઋતુ મળે તે માટે ઇશ્વરની કૃપા-યાચના પણ મનોમન કરતા રહેવાની હોય છે.

સદ્ભાગ્યે પૃથ્વી પર એવા પણ થોડાક ટાપુઓ છે કે જ્યાં ઝંઝાવાત અને ચક્રવાતનો ભય ના હોય. એ ટાપુઓ સમુદ્રના એવા ભાગમાં હોય કે એટલે દૂર સુધી પવન અને વરસાદના તોફાન પહોંચે નહીં. આવી નિરાંતના ટાપુઓમાંના એકની અહીં વાત કરું. એ ટાપુનું નામ છે અરુબા. આપણી ભાષામાં જરા વિચિત્ર અથવા હસવા જેવું લાગે આ નામ, નહીં? પણ આ ટાપુનો તેમજ એના નામનો ઇતિહાસ રસપ્રદ છે.

મારી જેમ ન્યૂર્યોકમાં રહેતા હોઇએ તો અરુબા દૂર દૂરનો ટાપુ લાગે. ન્યૂર્યોક શહેરથી વિમાનના સીધા માર્ગે એ ચાર હજારથી જરાક ઓછા માઇલ દૂર થાય. ફ્લાઇટના સાડા ચાર કલાક થાય. પણ એટલામાં તો જાણે સાવ જુદી જગ્યાએ પહોંચી જવાય. ત્યાં લોકો જુદા, જીવન જુદાં, હવા જુદી અને ઇતિહાસ પણ કેટલો જુદો. આ અરુબા ટાપુ લગભગ દસેક કરોડ વર્ષો પહેલાં સમુદ્રની અંદર રહેલા કોઇ જ્વાળામુખીના ફાટવાથી બનેલો ગણાય છે. ટાપુની વચમાં આવેલી ટેકરીઓની ઉપર આ પ્રાચીન લાવાના પાષાણી અવશેષ હજી રહેલા છે.