ભગવતીચરણ વોહરા : મહાન વિચારક, ઉત્તમ વ્યવસ્થાપક અને ક્રાંતિકારી

Indian Martyrs Bhagvati charan vohra : great Thinker

Smita Druv

Apr 19, 2015, 07:02 PM IST
-ભગવતીચરણે ભગતસિંહ સાથે મળીને તૈયાર કરેલા પ્રતિજ્ઞાપત્રમાં હિન્દુસ્તાનના નાગરિકોને ‘સેવા, સહનશીલતા, બલિદાન’ દ્વારા આઝાદી’ મેળવવા માટે અપીલ કરી હતી.

ભગવતીચરણ વોહરાનો જન્મ 4 જુલાઈ, 1904ના રોજ લાહોરમાં રહેતા ગુજરાતી કુટુંબમાં થયો હતો. ભગતસિંહ જેવા અસંખ્ય ક્રાંતિવીરોના તેઓ આદર્શ સમાન હતા. હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ નાટ્યકાર અને વિવેચક ઉદયશંકર ભટ્ટજીએ તેમના વ્યક્તિત્વનું વર્ણન કરતા લખ્યું હતું, ‘ઊંચું કદ, હૃષ્ટ-પુષ્ટ શરીર, ગોળ ચહેરો અને ઘઉંવર્ણો વાન- આવા ભગવતીચરણ મિત્રો સાથે હંમેશાં મજાકમસ્તી અને વાદવિવાદ કરતા રહેતા.’

1921માં અસહકારની ચળવળમાં ભગવતીચરણ જોડાયા અને તે ચળવળ પાછી ખેંચાતાં પોતાનું અધૂરું ભણતર પૂરું કરીને લાહોરની નેશનલ કોલેજમાંથી તેમણે બીએની ડિગ્રી મેળવી. નાની ઉંમરે જ તેમના લગ્ન દુર્ગાદેવી સાથે થઈ ગયા. દુર્ગાદેવી પોતે પણ ક્રાંતિકારી દળ સાથે જોડાયેલાં હતાં. 1926માં નૌજવાન ભારત સભા નામના ક્રાંતિકારી દળની સ્થાપના કરવામાં આવી, ત્યારે તેના પ્રચારક તરીકેની જવાબદારી ભગવતીચરણને શિરે હતી.

1929માં ઘર ભાડે રાખીને તેમણે બોમ્બ બનાવવાની ફેક્ટરી ખોલી હતી. ચંદ્રશેખર આઝાદની પરવાનગી લઈને કેટલાક સાથીદારોની મદદથી નાના-સૂના અંગ્રેજ અમલદારોને મારવાને બદલે ખુદ વાઈસરોય લોર્ડ ઈરવીનને મોતને ઘાટ ઊતારવાનું નક્કી કર્યું. આ નિર્ણય સાથે સ્વાભાવિક રીતે સૌ ક્રાંતિકારીઓ સહમત ન હતા. 23 ડિસેમ્બરે, વાઈસરોયની ટ્રેનની નીચે બોમ્બ મૂકીને તેને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ એ નિષ્ફળ ગયો. આ ઘટનાની ગાંધીજીએ ખુદ ટીકા કરી હતી અને વાઈસરોયની સલામતીની ચિંતા કરી હતી.

એના જવાબમાં ભગવતીચરણે ચંદ્રશેખર આઝાદ સાથે મળીને ‘બોમ્બની ફિલસૂફી’ નામનો લેખ લખ્યો હતો, જેનો છેલ્લો ફકરો આ પ્રમાણે હતો-
‘અંગ્રેજોએ ભારતની પ્રજા ઉપર એક પણ ગુનો કરવાનો બાકી રાખ્યો નથી. પૂરેપૂરી જાણકારીપૂર્વકની રાજનીતિ વડે આપણને ભિખારી બનાવ્યા છે અને આપણું શોષણ કર્યું છે. આથી હિન્દુસ્તાનની પ્રજા અપમાનિત થઈને રોષે ભરાઈ છે. શું આપણે આ બધું ભૂલી જઈને માફ કરી દેવું જોઈએ? અમે આનો બદલો લઈને બતાવી આપીશું. કાયરો ભલે સુલેહની યાચના કરે, અમે દયા માગતા નથી. અંતે જીત અથવા મોત!’

થોડા સમય પછી ભગવતીચરણ અને તેમના પત્ની દુર્ગાદેવી ક્રાંતિવીરોના સાચા સાથી નથી, એવી વાત કેટલીક વ્યક્તિઓ દ્વારા ફેલાવવામાં આવી હતી, પણ સૌ સાથીદારોને જ્યારે તેમનાં ત્યાગ અને ડગલે ને પગલે આપેલા સહકારની જાણ થઈ ત્યારે સૌ શરમિંદા થઈ ગયા હતા. ત્યાર બાદ ચંદ્રશેખર આઝાદ ભગવતીચરણને મળ્યા, ત્યારે તેઓ એકબીજાના પૂરક બની ગયા અને તેમની સંસ્થાનું કામ સફળતાપૂર્વક ચાલવા લાગ્યું. એસેમ્બલી બોમ્બ કેસમાં ભગતસિંહ અને સાથીઓ ગિરફ્તાર થયા હતા. દરમિયાન તેમને છોડાવવાની યોજનાઓ ઘડાઈ રહી હતી.

આ યોજનાઓના ભાગ રૂપે બોમ્બ બનાવવા જરૂરી હતા. આવા એક બોમ્બની અસરકારકતાને તપાસવા જતાં 28 મે, 1930ના દિવસે ભગવતીચરણના હાથમાં જ તે બોમ્બ ફાટ્યો, જે તેમના માટે જીવલેણ નીવડ્યો. એક મહાન વિચારક અને ક્રાંતિવીરોના આગળ પડતા નેતા હોવા છતાં અંગ્રેજ પોલીસના ડરથી તેમનું મૃત્યુ જાહેર કરી શકાયું નહીં અને તેમને જંગલમાં દફનાવી દેવા પડ્યા. દેશને માટે પોતાની જાન કુરબાન કરનારા વીર શહીદ ભગવતીચરણને આપણાં સૌનાં
કોટિ કોટિ વંદન!
X
Indian Martyrs Bhagvati charan vohra : great Thinker
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી