લગ્નના પુરાવા માન્ય રહેશે કે કેમ એ કઇ રીતે ખબર પડે?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવાલ:મારાં લગ્ન યુ.એસ. સિટિઝન છોકરી સાથે આ વર્ષના ડિસેમ્બર માસમાં થવાનાં છે, પરંતુ મારી ભાવિ પત્ની હાલમાં કોઇ સામાજિક કાર્ય માટે અમદાવાદ આવેલી હોઇ અમે બંનેએ એક એજન્ટ તથા કન્સલ્ટન્સીની સલાહ પ્રમાણે લગ્ન પછી તરત જ અમેરિકા જવા માટે પૈસા આપી સલાહ લીધી. તો બંનેએ એવી સલાહ આપી કે ભલે લગ્ન ડિસેમ્બરમાં થવાનું હોય તો પણ તમારું લગ્ન લગ્નની નોંધણી કચેરીમાં રજિસ્ટર કરાવી પિટિશન ફાઇલ કરી દો. અમને તપાસ કરતાં તેમજ ચર્ચા કરતાં ખબર પડી કે એજન્ટ કે કન્સલ્ટન્ટ અમેરિકાના કાયદાના જાણકાર તો નથી જ પરંતુ તેવી સલાહ આપવાનું ઇમિગ્રેશનનું કોઇ લાઇસન્સ પણ નથી. હવે અમારે શું કરવું જોઇએ?-એક નિયમિત વાચક, અમદાવાદ જવાબ:તમે લોકોપયોગી બહુ જ સારો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. આ લગ્નને મેરેજ ઇલગિલ કહેવાય. આવું ગેરકાયદે કામ કરનારાને મુંબઇ કોન્સ્યુલેટમાં વિઝા ઇન્ટરવ્યૂ વખતે ખૂબ જ હાર્ડ ટાઇમ આપશે અથૉત્ તમને અનેક સવાલો પૂછશે અને વિઝા નહીં આપે અને તમારી પિટિશન ઓન હોલ્ડ અને અન્ડર એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ મૂકવાનો ઓર્ડર કરશે. ઉપરાંત તમને તેવો લેખિત પત્ર આપશે જેથી તમારી અમેરિકા તરત જ અને જલદી જવાની ઇચ્છા ઉપર પાણી ફરી વળશે. મુંબઇ કોન્સ્યુલેટની ઓફિસના અધિકારી તમારાં લગ્ન ખરેખર કઇ તારીખે થયાં છે અને હિન્દુ લગ્ન હિન્દુ વિધિ પ્રમાણે સપ્તપદી, ભોજન સમારંભ, રિસેપ્શન, હનિમૂનની તારીખ વગેરે માટે સ્થળ તપાસ અમદાવાદ આવીને કરશે. તે પ્રમાણે તમે ઇમિગ્રેશન સાથે ચીટિંગ કરી ફ્રોડ કર્યું છે તેવું માની તમને સ્પાઉસ વિઝા સી.આર. આપશે નહીં અને રિજેક્ટ કરશે. હવે તમે જ નક્કી કરો કે તમારે શું કરવું જોઇએ. તમે લીધેલી બંને વ્યક્તિની સલાહ તદ્દન ખોટી છે અને માત્ર પૈસા પડાવવાની છે. સવાલ: હું અને મારી પત્ની આણંદ જિલ્લાના એક નાના ગામના છીએ. મારી યુએસ સિટિઝન પત્ની અમેરિકાથી મારી સાથે લગ્ન કરવા આવી ત્યારે તેને તેની ન્યૂ જર્સીની જોબમાંથી માત્ર સાત જ દિવસની રજા મળેલી. આથી અમે આર્યસમાજમાં લગ્ન કરી મારી પત્નીએ ન્યૂ જર્સી પહોંચી મારા માટે પિટિશન ફાઇલ કરેલી. તેનો વિઝા ઇન્ટરવ્યૂ આપવા ગયો ત્યારે મને આ લગ્નની સાબિતી માટે એક લાંબો પત્ર આપી ઘણા દસ્તાવેજી પુરાવા માગ્યા અને તે પુરાવા તેમની અમદાવાદની વી.એફ.એસ. સેન્ટરની ઓફિસમાં રજૂ કરવા આદેશ આપેલો. તો શું અમારા લગ્ન કાયદેસરના છે તેવું મુંબઇ કોન્સ્યુલેટ માન્ય રાખશે કે રિજેક્ટ કરશે? હું પાંચ હજારથી ઓછી વસ્તીવાળા ગામમાં રહું છું તેથી મારું નામ તથા ગામનું નામ નહીં જાહેર કરતા. જવાબ:તમારા લગ્ન શુદ્ધ બુદ્ધિથી જેન્યુઇન અને બોનાફાઇડ હોય તો જ વિઝા કોન્સ્યુલેટ માન્ય રાખશે. તમને કોન્સ્યુલેટે આપેલા પત્રને જોઇને પછી જ કોઇ સલાહ આપી શકાય. સવાલ: હું અમેરિકાનો સિટિઝન હોઇ અમારી જ્ઞાતિની એક બાળ વિધવા સાથે ખેડા જિલ્લામાં થોડા દિવસ તેની સાથે રહી એક મહાદેવજીના મંદિરમાં માત્ર અમે બે અને મંદિરના પૂજારીની હાજરીમાં થોડી વિધિ કરી ભગવાનની સાક્ષીએ ખરેખર સાચા લગ્ન કર્યા છે. હું એટલાન્ટા, અમેરિકા જઇ પિટિશન કર્યા પછી ફરીથી ઇન્ડિયા આવ્યો છું કારણ કે મને ન્યૂ યોર્કના એક મિત્રે કહ્યું કે આવાં લગ્ન મુંબઇ કોન્સ્યુલેટ માન્ય રાખતી નથી તો શું કરું? જવાબ:મુંબઇ કોંસ્યુલેટમાં વિઝા ઇન્ટરવ્યૂ વખતે પૂરેપૂરી તૈયારી જેવી કે કયા પ્રશ્નો પૂછશે અને શું જવાબ આપવા તેમ જ ક્યા ડોકયુમેન્ટ્સ, પેપર્સ કે પુરાવા બતાવવા અને ક્યા નહીં બતાવવા તેની પૂરેપૂરી જાણકારી મેળવ્યા પછી જ તમારાં પત્નીને ઇન્ટરવ્યૂ માટે જવા દેજો. સવાલ: હું અમેરિકાની ગ્રીનકાર્ડ હોલ્ડર છું અને મેં આ વર્ષે ઇન્ડિયા મારાં માતા-પિતાને ત્રણ વર્ષ પછી થોડા સમય માટે મળવા માટે આવી ત્યારે મારાં માતા-પિતાએ પસંદ કરેલા અમારી જ્ઞાતિના જ એક સારા અને મને ગમતા યુવક સાથે સમયના અભાવે તથા નોકરીમાંથી ફાયર અથૉત્ છુટા કરી દેવાની બીકે લગ્ન, રિસેપ્શન, લગ્નની વિધિ કશું કર્યા વગર ગામના મંદિરમાં જઇ કોઇને પણ જણાવ્યા સિવાય એકબીજાને વરમાળા પહેરાવી સાચા મનથી લગ્ન કર્યા. તેના ફોટા મારા કેમેરામાં લીધા છે. શું આ લગ્ન અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા પ્રમાણે માન્ય ગણાય? જવાબ:અમેરિકન સિટિઝન કે ગ્રીનકાર્ડ હોલ્ડર સાથે વિધિસર, કાયદેસરના સ્પેશિયલ મેરેજ એક્ટ, મુસ્લિમ લો, હિન્દુ લો કે બીજા કોઇપણ પર્સનલ લો અન્વયે કે આર્ય સમાજ કે મંદિર કે હોલમાં લગ્ન કરતાં પહેલાં તેમજ તે લગ્ન રજિસ્ટર કરતાં પહેલાં ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ તમારા લગ્નને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ હોમલેન્ડ સિકયોરિટી તેમજ નેશનલ વિઝા સેન્ટર અને મુંબઇ કોન્સ્યુલેટ માન્ય રાખશે કે નહીં તે અચુક જાણી લો. સવાલ: આપના આ અગાઉના પ્રશ્નોના જવાબની કોલમમાં મેં વાંચેલું કે કેટલાક લોકો જલદી નંબર લાગી જાય તે માટે લગ્નની નોંધણી કરાવીને અમેરિકા જઇ પતિ કે પત્ની માટે પિટિશન ફાઇલ કરી દઇ તેમને નોકરી કે ધંધામાંથી જ્યારે સમય મળે ત્યારે ત્રણ મહિને કે ચાર-છ મહિને એક માસ માટે ઇન્ડિયા આવી ધામધૂમથી લગ્ન તથા રિસેપ્શન કરીને તે લગ્નના પુરાવા રજૂ કરે છે. તે માન્ય રહેતા નથી. આનું શું કારણ? જવાબ:આનાં અનેક કારણો છે જેમાંનું એક કારણ લગ્નની બે જુદી જુદી તરીખો છે. એક જ કપલના બે વાર લગ્ન સંભવિત જ નથી. ટૂંકમાં એકની એક વ્યક્તિ ત્રણ કે છ મહિનામાં બીજીવાર લગ્ન કરે તે કેવી રીતે માની શકાય? તે ગળે ઊતરે એવી વાત નથી. કોન્સ્યુલેટ ઓફિસ આવાં લગ્નને રદબાતલ ગણી લગ્નનું રજિસ્ટ્રેશન કેન્સલ કરાવી જે દિવસે સાચેસાચી વિધિસર લગ્ન થયા હોય તેવા લગ્નનું મેરેજ સર્ટિફિકેટ માગે છે, જેની શક્યતા નહીં હોવાથી ઘણા કેસમાં કોમ્પ્લિકેશન્સ થાય છે. યાદ રાખો, કોઇ પણ લેભાગુ કન્સલ્ટન્સી, એજન્ટ, સગાંવહાલાં કે મિત્ર-સંબંધીની સલાહથી આ રીતે લગ્ન કરતા નહીં. આજકાલ અમેરિકાના સિટિઝન થયેલા, ગ્રીનકાર્ડ હોલ્ડર, તેમજ વિઝિટર વિઝા મળી ગયેલી વ્યક્તિઓ જાણે કે પોતે ઇમિગ્રેશનના એટર્ની હોય તેમ સાલહ આપી ઘણાના રેકોર્ડ બગાડે છે. (લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.) kalash.immigration@gmail.com ઇમિગ્રેશન, રમેશ રાવલ