તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે પણ ન.મો. રેસનો ઘોડો છે?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે પણ ન.મો. રેસનો ઘોડો છે?
મારા ગીધુકાકાના માનવા પ્રમાણે અમેરિકન પ્રજા કરતાં ભારતની પ્રજા વધારે ઠરેલ છે. ત્યાંના લોકોએ કશું જોયા કર્યા વગર ટ્રમ્પને પ્રેસિડેન્ટ તરીકે ચૂંટી કાઢ્યો ને હવે કકળાટ કરે છે કે અમારે ટ્રમ્પ ન જોઇએ. એ રીતે આપણે પણ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીની ખુરસી પર બેસાડ્યા પછી જરાય કચકચ કરીએ છીએ? ટ્રમ્પની પેઠે ન.મો.ને પણ આંચકા આપવાની ટેવ છે. એમનામાં જાણે કોઇએ વીજ કરંટ મૂકી દીધો હોય એવું લાગે. આ ગયા નવેમ્બરની આઠમી તારીખ પછી તો ટી.વી. પર આવીને તે ફક્ત એટલું જ બોલતા કે મિત્રો યા ભાઇઓ ઔર બહેનો... ને બધાનાં શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ જતું.

ટ્રમ્પની જેમ તેમના મગજમાં શું ચાલી રહ્યું છે એની કલ્પના જ કરી શકાતી નહોતી.  એ વખતે ચાલતી રમૂજ પ્રમાણે એક જ્યોતિષીએ એક માણસને કહ્યું કે તમે મને સો રૂપિયા આપો તો તમારા મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે એની રજેરજ કહી દઉં, ત્યારે એ જાતકે જ્યોતિષીને સામે પૂછ્યું કે મારા નહીં, નરેન્દ્ર મોદીના મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ કહો તો તમને પાંચસો રૂપિયા આપી દઉં. લોકોને આંચકા આપવાની તેમની પ્રકૃતિ થઇ ગઇ છે. આ ગઇ એ લોકસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતી મેળવીને રાજકારણવિદ્ોને તેમણે ચકિત કરી દીધેલા.

પછી સર્જિકલ સ્ટ્રાઇક કરીને આખા પાકિસ્તાનને ચોંકાવી દીધું. આ બહુ જ મોટું સાહસ હતું. વિરોધીઓ તો મોદીને આ પરાક્રમ માટેનો રતિભાર યશ આપવા ય રાજી નહોતા. તેમના મતે લશ્કરે દાખવેલ બહાદુરીનો ખોટો યશ મોદી કેવી રીતે લઇ શકે? અને જો આમાં કોઇ ચૂક થઇ ગઇ હોત ને થોડા જવાનો શહીદ થયા હોત તો મોદીની ખેર ન રહેત, આંખે અંધારાં આવી જાય એટલી ચોમેરથી બદનામી તેમની જ થઇ હોત. ઇન્દિરાજીએ જનરલ માણેકશાને પાકિસ્તાન પર તૂટી પડવાની સંમતિ આપી, ભારતનો વિજય થયો ને એનો સઘળો યશ ઇન્દિરાજીને મળેલો.

એ વખતે વિરોધપક્ષની પાટલી પર બેસતા અટલબિહારી વાજપેયીએ ઇન્દિરાજીને મા દુર્ગાનું બહુમાન આપી બિરદાવેલાં. (એ જ મા દુર્ગાએ કટોકટી લાવી બધાની સાથે કંપની આપવા અટલજીનેય જેલમાં નાખી પોતાનું બીજું, કાલિકા સ્વરૂપ પણ બતાવેલું એ પાછી બીજી વાત થઇ.) ન.મો.ના આ પગલાંની પ્રશંસા કરવાને બદલે વિરોધપક્ષે તો આ સર્જિકલ સ્ટ્રાઇક સામે શંકા બતાવી લશ્કરનો નૈતિક જુસ્સો તોડી પાડેલો. હશે, વિરોધપક્ષનું તો એ કામ છે.

ત્યારબાદ મોદીએ રાતોરાત રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરી બધાને દોડવાની કસરત કરાવી દીધી. એમાંય કાળા ધનિયાઓને તો શબ્દાર્થમાં રડાવી દીધા. મોદીના આ કદમને પ્રજાએ તરત જ વધાવી લીધું ત્યારે રાહુલ ગાંધીને ખબર ન પડી કે આપણે શું કરવાનું છે, એટલે શરૂમાં તેમણે મોદીને આવી હિંમત માટે શાબાશી આપી. પછી તેમને કહેવામાં આવ્યું કે ભાઇ આ નોટો તો સત્તાપક્ષના વડાએ રદ કરી છે, એટલે આપણે એની કડક ટીકા કરવી પડે.

 એ પછી તે મોદીના આ પગલાની ટીકા કરવા લાગ્યા, પોતાનો વિરોધ દર્શાવવા એકવાર તો રૂપિયા ચાર હજાર લેવા બેંકની લાઇનમાં ઊભા રહી ગયા ત્યારે કોઇકે એવી રમૂજ કરેલી કે આ પપ્પુ તો એમની મમ્મીના કહેવાથી ‘પોકેટમની’ લેવા આવેલા. કેટલાકે તો વગર ટાઢે લાખો રૂપિયાની 500-1000ની નોટોનાં તાપણાં કરી નાખ્યાં. સમાજવાદી પક્ષના નેતાજી- મુલાયમસિંહે તો ન.મો.ને એવો પણ અનુરોધ કર્યો હતો કે ભલા માણસ, આ નોટો ડૂલ કરતાં પહેલાં અઠવાડિયાનો ટાઇમ તો આપવો હતો! (ટાઇમ ઇસ મની!).

કોઇકે મોદીના આ નોટબંધીના પગલાને કારણે તેમને મહમ્મદ તઘલખ જોડે પણ સરખાવેલા જેનો કોઇ જવાબ તેમણે આપ્યો નહીં એટલે આ તુલના યથાર્થ છે એવું પણ અમુકને લાગ્યું હશે. ચૂપ રહીને અફવાઓ ફેલાવવામાં મોદીને મજા આવતી હશે? રામ જાણે. ચૂંટણીઓનાં નગારાં માથે વાગી રહ્યાં હતાં એ ગાળામાં અમને એક લગ્નમાં મળેલ છાપાનો તંત્રી દબાતા અવાજે કહેતો હતો કે મોદી માટે ઉત્તરપ્રદેશમાં ટકવું મુશ્કેલ જણાય છે. લોકસભામાં મોદીએ બતાવેલ કરિશ્મો અહીં ચાલે એવું લાગતું નથી.

ઇન્ડિયા ટી.વી. પર રજત શર્મા ભાજપના મુખ્ય નેતા અમિત શાહનો ઇન્ટરવ્યૂ લેતા હતા એ વખતે હું અમિતભાઇની બોડી લેંગ્વેજ ધ્યાનથી જોતો હતો. ગણપતિની અદામાં બેઠેલ અમિતભાઇને રજત શર્માએ શરારતી હાસ્ય વેરતાં પૂછ્યું કે આ વખતે ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં ભા.જ.પ.ને કેટલી સીટો મળે અવું લાગે છે?  ‘ત્રણસોથી ઓછી તો નહીં જ આવે...’ અમિત શાહ બોલ્યા.
‘એટલી બધી? કંઇક વાજબી કરોને!’ રજતે કહ્યું.

‘ના, આમાં બાંધછોડને જરા પણ અવકાશ નથી.’ અમિત બિલકુલ ઠંડકથી બોલ્યા. જાણે કોઇ દુકાનદાર ને ઘરાક ભાવ-તાલ અંગે એકબીજા જોડે રકઝક કરતા હોય એવો જ ‘સીન’ હતો. 300થી ઓછી સીટો નહીં પોસાય એવો વણિકભાવ અમિતના ચહેરા પર ચમકતો હતો. તેમના ગોળમટોળ શરીરમાંથી સો ટકા આત્મવિશ્વાસ ટપકતો હતો, જાણે તેમણે આખા શરીર પર આત્મવિશ્વાસ ઓઢી લીધો હતો. ટી.વી. પરની ‘આપકી અદાલત’માં તેમની મુલાકાત જોતી વખતે મને લાગતું હતું કે પોતાની ટીમના કાર્યકરોનો ઉત્સાહ ટકી રહે એ વાસ્તે કદાચ અમિત આવું બોલ્યા હશે, પરંતુ ચૂંટણીઓ પૂરી થયા પછી જે એક્ઝિટ પોલ ટી.વી. ચેનલ્સ પર આવતા હતા એ તો સાવ જુદા જ હતા.

એમાંય ઇન્ડિયા ટી.વી.ના વડા રજત શર્માએ, ન.મો. તરફના તેમના સદ્્ભાવને લીધે, જીવ હાકોટીને, ઉદારતાપૂર્વક ભા.જ.પ.ને ખેરાતના ધોરણે-સર્વેક્ષણની સાક્ષીએ માંડ 160થી 165 બેઠકો આપી હતી.
પરંતુ ચમત્કારિક પરિણામ આવ્યાં ત્યારે અન્ય ચેનલ્સ ભોંઠી પડી હશે ને રજતની જ નહીં, તેમની ચેનલની આંખો પણ આશ્ચર્યથી પહોળી થઇ ગઇ હશે ને સ.પ.-બસપ બંનેને મૂર્છા આવી ગઇ હશે! આમાંનું કશું માન્યામાં આવે એવું ન હતું. ચૂંટણી સભાઓમાં પ્રજા દરિયાનાં મોજાંની જેમ ધસી આવતી જોઇને અખિલેશ ને માયાફોઇ ભાવવિભોર થઇ આ મેદનીને જોઇ ગર્વ અનુભવતાં હતાં.

એ બંનેએ આ ભીડને મતદાર માનવાની ગેરસમજ કરી લીધી. આ બે પક્ષોની સભાઓમાં લોકોની જબ્બર ભીડ જોઇને ભા.જ.પ.ના ટેકેદારોમાંના કોઇને હાર્ટ એટેક આવી જાય એવો માહોલ હતો. ટી.વી.માં ભીડનાં હાથીપુર જોઇને મારો એક ઓળખીતો સટોડિયો મને કહેતો હતો કે આ બધામાં માયાવતીને ભલે બોલતાં ન આવડતું હોય એટલે કોઇની પાસે લખાવેલું ભાષણ વાંચતી હોય, પણ મને તો એ આ ચૂંટણીઓમાં તે બ્લેક હોર્સ લાગે છે,

જોજો તે મેદાન મારી જશે. હું તો માયાવતી પર જ રમવાનો છું. પછી ભલેને જે થવાનું હોય તે થાય, પણ એ બ્લેક હોર્સ ઠોકર ખાઇ ગયો ને જે નહોતું થવાનું એ થઇ ગયું. મોદીનો ઘોડો બધાથી આગળ નીકળી ગયો. બાય ધ વે રિલાયન્સવાળા ધીરુભાઇએ એકવાર તેમના દીકરાઓને કહેલું કે ન.મો. રેસનો ઘોડો છે.  માયાવતીબહેને 110 મુસ્લિમોને ઊભા રાખ્યા હતા, જેમાંના મોટાભાગના ઉમેદવારોએ ઊભા રહેવાને બદલે સૂઇ જવાનું પસંદ કર્યું. બહેનજીને એ વાતે આઘાત લાગ્યો કે તેમણે મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમોને ટિકિટ આપી દીધી, તો પણ પોતાના ભાઇઓને જે તેમણે મત ન આપ્યા. સાલું લાકડાવાળાનું ગણિત પણ કામ ન લાગ્યું?

અને ઉત્તરપ્રદેશના સી.એમ. અખિલેશ યાદવ, જે એક જ દિવસમાં સી.એમ.માંથી એક્સ (વાય ને ઝેડ) સી.એમ. બની ગયા! શું ખુરસી પણ જીવન જેટલી જ ક્ષણભંગુર હશે? જોકે તેમની વેદના એ હતી કે તેમની હૈયે હૈયું દળાય એવી જોરદાર સભાઓમાં હાજર રહેતી હતી એ પ્રજા મતદાન વખતે ક્યાં ખોવાઇ ગઇ? સંતાઇ ગઇ? એ લોકો શું પિકનિક માનીને સભામાં સેલ્ફીમાં ઝડપાવા આવ્યા હશે? આ પ્રજાને મુખ્યમંત્રી જે આપવાના હતા એ આઇપેડ વિશેની જાણકારી મેળવવાય સી.એમ. પાસે ન ગયા? સી.એમ.ની બે અાંખની શરમ પણ તેને ના નડી! જે થયું તે સારું જ થયું. આ પ્રજા તો ભા.જ.પને લાયક જ છે.

અને અખિલેશને તીવ્ર પીડા થાય એવી વાત તો પાછી એ બની કે અખિલેશ સરકારની હાર થતાં જ અખિલેશના કાકા શિવપાલસિંહે મીડિયાને કહી દીધું કે અહીં તો ઘમંડનો જ પરાજય થયો છે. (બધા યુગોમાં કંઇ મામા કંસ જ નથી હોતા, કાકા શિવપાલ યાદવ પણ હોય છે. અને ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં લડતા હતા એ જ પદ્ધતિએ યાદવો નવા અવતારે આજે લડી રહ્યા છે- માત્ર લડાઇનું સ્થળ જ બદલાયું છે).  શિવાકાકા કહે છે કે અખિલેશને મોદીએ નહીં, તેના અભિમાને જ હરાવ્યો છે.

હવે ઘમંડની વાત કરીએ. ભારતના અાટલા મોટા રાજ્યનો ધણી હોય તો એ બાબત તેને ઘમંડ તો હોય કે નહીં? કદાચ પેલા અભિમાની રાજા રાવણના રાજ્યમાં પણ ન હતા એટલા બધા ગુંડા, બદમાશ અપહરણકારો, ખંડણીખોરો ને બળાત્કારીઓને જે પાળતો, પોષતો હોય ને એટલા બધા અ-સામાજિકો જેના રાજ્યમાં સુખચેનથી રહીને રાજ્યની અન્ય વસ્તીને પીડતા હોય એ બધા પણ અખિલેશ તેની પ્રજા હોય એવું માનતા હોય એનો ઘમંડ કોને ન હોય? અખિલેશ આ અર્થમાં ઘણા સમૃદ્ધ હતા.

અખિલેશની આ સમૃદ્ધિ વડાપ્રધાન જેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંખમાં છેલ્લા કેટલાય સમયથી ખૂંચતી હતી. એની જાણ થતાં અખિલેશે આ ચૂંટણીઓ ટાણે મોદી આગળ એક આકર્ષક એક્સચેન્જ ઓફર મૂકી હતી કે જો તમારો જીવ મારી ખુરસીમાં ભરાયો હોય તો બોલો, તમારી દિલ્હીની ખુરસી સામે મારી ખુરસીની અદલબદલ કરવી છે? પણ કદાચ એમને બંને ખુરસી જોઇતી હશે, એટલે તેમણે જવાબ ન આપ્યો, મોદી બહુ લોભી છે.
***

આ લખનારના મતે ઉ.પ્ર.ની પ્રજા ખરેખર પ્રામાણિક કહેવાય. આવડી મોટી ખુરસીના માલિક એવા અખિલેશ યાદવે તો ચૂંટણી વખતે, આચારસંહિતાની ઐસી તૈસી કરીને મતદારોને ખુલ્લં ખુલ્લા કહી દીધું હતું કે ભાજપવાળા વોટ માગવા સામે તમને નોટો આપે તો પ્રેમથી લઇ લેજો, પણ વોટ તો અમને જ આપજો. (અખિલેશ પરદેશ થઇ ઇજનેરીની ડિગ્રી લઇ આવ્યા છે, પણ રાજકારણમાં આવું બધું આડે આવતું નહીં). એવું પણ ઉમેરેલું કે પીવાનું આપે તો એ પણ પી લેજો, પણ દારૂના નશામાં સ.પા.ને મત આપવાનંુ ભૂલશો નહીં. પરંતુ ત્યાંની પ્રજાને થયું હશે કે એ રીતે લીધેલ હરામનો પૈસો બરકત ન આપે તે કશું આપ્યા વગર મફતમાં લીધેલ દારૂ ચડે પણ નહીં, એટલે પછી મતદારો ભા.જ.પ. ભણી વળી ગયા હશે.

આ ચૂંટણીઓમાં વિજય મેળવવા બદલ ન.મો. લાખ લાખ અભિનંદનના અધિકારી છે જ. ઉપરાંત અમિત શાહ પણ એટલા જ  યશના અધિકારી છે. અખિલેશના પિતા મુલાયમસિંહ પણ ખરા. મારા જેવા જૈફ માણસોને તેમના અનુભવથી એ બોધ મળ્યો છે કે ધીખતો ધંધો દીકરાને ન સોંપાય, ધંધો ચોપટ થઇ જાય ને રોડ પર આવી જઇએ. મારા જેવા ઘણા બાપાઓએ આ જ કારણે અખિલેશની ટીમને મત નહીં આપ્યા હોય, બાપ મટીને બેટા થવું કોને પોસાય?

અને ગુજરાતના ગર્દભો પણ ખરા. અહીં રહ્યે રહ્યે તેમણે મોદીનો પ્રચાર કરી તેમને મદદ કરી છે એ ભૂલવા જેવું નથી. ને છેલ્લે આવે છે, પણ આમ તો પહેલી જ ગણવી જોઇએ તે પ્રજાની અપેક્ષાઓની પણ જીત છે. સુજ્ઞેષુ કિમ્ બહુના...! {(લખ્યા તા. 13-03-2017)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો