તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું મહમ્મદ તઘલખ ઇન્ટેલિજન્ટ-ઇડિયટ હતો?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન.મો.એ આર્થિક મથામણને ઠીક કરવા માટે પચાસ દિવસનો સમય માગ્યો, પણ તઘલખને કોઇ પ્રજાજને એવો પ્રશ્ન પૂછ્યો હોત તો પૂછનારનો આ સાવ છેલ્લો સવાલ હોત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને હજારની ચલણી નોટો રદ કરી તેને ફાલતુ કાગળિયામાં ફેરવી નાખી એ સંદર્ભે કોઇએ સોશિયલ મીડિયામાં નુક્તેચીની કરેલી કે, ‘કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયા, મહમ્મદ તઘલખે ભારતમાં બીજો જન્મ લીધો.’ આવી ટકોર કરનાર મહમ્મદ તઘલખની પ્રશંસા કરવા ઇચ્છતો હતો કે પ્રધાનમંત્રીનાં વખાણ યા તો તેમની ટીકા કરવા માગતો હતો એની ખબર ના પડી. પણ ઇતિહાસ કહે છે કે સુલતાનુલ મુજાહિદ અબુલફજ મુહમ્મદ શાહ ઇબ્ન તુઘલિક શાહ જેવું, બોલતાં જ ગળામાં શોષ પડે એવું લાંબુંલચ નામ ધરાવનાર મહમ્મદ તઘલખ એક અસામાન્ય પુરુષ હતો.
રાજા હતો એટલે તે ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, સંગીત, તત્ત્વજ્ઞાન, ધર્મશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર-ટૂંકમાં, જેમાં પાછળ શાસ્ત્ર લખ્યું હોય એવા દરેક શાસ્ત્રમાં તે અઠંગ વિદ્વાન હતો. (અઠંગ વિશેષણ પહેલાં તો ઉઠાવગીર માટે જ વપરાતું, પરંતુ મહમ્મદ તઘલખ રાજા બન્યો ત્યારથી વિદ્વાનો માટેય આ વિશેષણ વપરાવાનું શરૂ થયું. જ્યારે ન.મો. માટે આવું કોઇ વિશેષણ ખુદ તેમણે પણ વાપર્યું નથી. પોતાને તે ચૂંટણીઓ વખતે, એક ચાવાળા તરીકે જ ઓળખાવતા ને પી. એમ. બન્યા બાદ પંડને તે કડક (પણ મીઠી નહીં એવી) ચાવાળા તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે.
આમ તો એ એમ.એ. વિથ પોલિટિકલ સાયન્સ છે, પણ તેમની આ ડિગ્રી તેમના માટે ઉપાધિ બની ગયેલી. તે એમ.એ. પાસ છે કે નહીં એ માટે શંકા કરવામાં આવી હતી. થેન્ક ગોડ કે તે એકડિયું-બગડિયું પણ પાસ થયા છે કે નહીં એ માટે કોઇએ પી.આઇ.એલ. નહોતી કરી.

મહમ્મદ તઘલખ ‘ઇન્ટેલિજન્ટ ઇડિયટ’ તરીકે ઓળખાતો. તે તરંગી હતો એ કારણે તેની ગણતરી પાગલ તરીકેની હતી. જ્યારે અર્થશાસ્ત્રના મહાન પંડિત થોમસ એડવર્ડે તેને મુદ્રા તત્ત્વજ્ઞાનનો બાદશાહ કહ્યો છે. તે અવ્વલ નંબરનો અર્થદક્ષ હતો. તેનામાં ને ન.મો.માં મુખ્ય તફાવત એ છે કે ન.મો.એ ‘આર્થિક મથામણને ઠીકઠાક કરવા માટે મને પચાસ દિવસનો સમય આપો.’ એવી પ્રજાને વિનવણી કરવી પડી છે. (આ લેખ છપાશે ત્યારે વિનવણી કર્યાને પચાસમાંથીય ઓછા દિવસો રહેશે.) જ્યારે તઘલખને કોઇ પ્રજાજને એવો પ્રશ્ન પૂછ્યો હોત તો પૂછનારનો આ સાવ છેલ્લો સવાલ હોત. લોકશાહીની આ જ તો મોકાણ છે.

મારા તેમજ ગીધુકાકાના મતે કોઇપણ ડાહ્યો માણસ ચોવીસે કલાક ડાહ્યો નથી હોતો કે પાગલ પણ આખો વખત પાગલ નથી હોતો. ડાહ્યા પર પાગલપનના ને પાગલ પર ડહાપણના હુમલા ક્યારેક અણચિંતવ્યા આવી જાય છે, પછી તે ગાંધીજી, આઇન્સ્ટાઇન, નિત્સે, મારા ઘરની સામે રહેતો હતો એ ચીમન બાદશાહ (મૈં કૌન? દિલ્લી કા બાદશાહ) કે પછી મહમ્મદ તઘલખ જ કેમ નથી હોતો! (અહીં હું ન.મો.નું નામ પુરાવાના અભાવે નથી લખતો. સમય જ પુરાવો આપશે. જોકે બંગાળની વાઘણ C.M. મમતાદીદીએ તેમને ગુસ્સામાં એકવાર મગજ વગરના કહ્યા હતા ને ત્યાર બાદના બીજા જ અઠવાડિયે તે ન.મો.ની ચા પીવા દિલ્હી પણ ગયેલાં. (આ તે કેવી રાજનીતિ?).

કેટલાક જાણકારો પ્લેન્ચેટ દ્વારા આત્માઓ સાથે વાત કરાવતા હોય છે. જોકે હવે ઇલેક્ટ્રોનિક્સ પ્રસાધનો થકી ઇચ્છીએ એ આત્મા જોડે સંવાદ કરી શકીએ છીએ. આ માટે મારી પાસે ગીધુકાકા હાથવગા ને આંખવગા છે. તે સારા મૂડમાં હતા એટલે મેં તેમને કહ્યું કે કાકા, મારે પ્રખર અર્થશાસ્ત્રી મહંમદ તઘલખ સાથે થોડી વાત કરવી છે. કાકાએ મને પૂછ્યું: ‘ એ કઇ સાલમાં ગુજરી ગયેલો?’ ‘1351માં...’ મેં કહ્યું. ‘તો એક કામ કર...’ કાકા બોલ્યા: ‘આ ફોન પર 13નો આંકડો જોડ્યા પછી તેર વખત શૂન્ય જોડ ને એકાવન જોડીને એકાવનવાર શૂન્ય ફેરવ...’ કાકા મનોમન મહમ્મદ તઘલખને આહ્્વાન આપતા હતા. કાકાએ ઇશારો કર્યો એટલે મેં રિસીવર કાને માંડ્યું.
થોડી વારમાં સામે છેડેથી એક લાંબું બગાસું ખાવાનો અવાજ આવ્યો. પછી એક ગરમ અવાજ મારા કાનમાં રેડાયો: ‘કૌન બદતમીઝે બાદશાહ સલામતની નિંદ હરામ કરી?’ ‘હું આપની રૈયત છું.’ મારો પરિચય આપતાં મેં જણાવ્યું: ‘આપનો નાચીઝ પ્રજાજન છું. આપ ક્યાંથી બોલો છો? જહન્નતથી કે...’ ‘અરે બેવકૂફ, હમારે લિયે દિલ્હી ઔર દોલતાબાદ દોનો બરાબર હૈ... જહન્નત ઔર જહન્નુમ મેં કોઇ ફર્ક નહીં. બોલ, હમેં ક્યોં યાદ કિયા?’ તેમણે પ્રશ્ન કર્યો એટલે મેં કહ્યું: ‘જહાંપનાહ, આપ જેવો બુદ્ધિમાન અને વિચક્ષણ બાદશાહ દિલ્હીએ આજ સુધી જોયો નથી. આપને અમે હજી પણ નથી ભૂલ્યા, પરંતુ અહીંના એક અખબારમાં સમાચાર છે કે આપ અહીં ફરીવાર જન્મી ચૂક્યા છો.’
‘શું વાત કરે છે મૂર્ખ,’ તે બોલ્યા: ‘મારો તો ડુપ્લિકેટ પણ મળવો અશક્ય છે...’ આગળ બોલ... ‘મારે આપને એ સવાલ પૂછવો છે કે અમારે ત્યાં કાળાં નાણાંની જૂની બબાલને કાયમ માટે કાઢવા અમારા પી.એમ. સાહેબે રૂ. 500ને 1000ની નોટો ચલણમાંથી રદ કરી એમાં તો પ્રજા તેમના પર નારાજ થઇ ગઇ છે ને વિરોધ પક્ષવાળા કહે છે કે અમને વિશ્વાસમાં લીધા વગર આટલો મોટો નિર્ણય લઇ અમને રાતોરાત કંગાળ કરી નાખ્યા. અમારી સંમતિ વગર અમારી અમીરી લૂંટી લેવાની? તો એક સમર્થ અર્થશાસ્ત્રી તરીકે અમારા પ્રધાનમંત્રીના આ પગલાં વિશે આપનું મંતવ્ય શું છે?’ ‘અમારે ત્યાં ‘હેલ-હેવન એક્સપ્રેસ’ અખબાર આવે છે એમાં મેં આ સમાચાર વાંચેલા.
કાળું ધન સંઘરનાર બદમાશો માટે તો આ જ રસ્તો ઉત્તમ છે. આવું કામ કરવા તે કોઇને પૂછવા જવાતું હશે?’ ‘આપના સમયમાં આવી કોઇ માથાકૂટ હતી સરકાર?’ ‘આ તો સદીઓ જૂનો કકળાટ છે. સિક્કા વપરાશમાં આવ્યા એ દિવસથી લોકોએ એની નકલ કરવાની ને અસલને ઘરમાં છુપાવી રાખવાનું શરૂ કરી દીધેલું. આગળના રાજાઓએ એ નાબૂદ કરવા શાં પગલાં ભરેલાં એની તો ઇતિહાસમાં કોઇ નોંધ નથી, પણ ચંદ્રગુપ્તના વખતમાં આવા ગુના માટે દેહાંત દંડની સજા કરવામાં આવતી.’ ‘જો ચંદ્રગુપ્તના વખતમાં કાળું નાણું ને ખોટા સિક્કા હતા તો તો આપના સમયમાં પણ એ બધું હશે. એ નાબૂદ કરવામાં બલૌત આપશ્રીએ કેવા પ્રકારની કાર્યવાહી કરેલી?’
‘અમને પણ કાળાં નાણાંએ બહુ પરેશાન કરેલા. અમુક પ્રજાજનોમાં તો જન્મથી જ બદમાશી લોહીમાં ભળી ગયેલી હોય છે. આવા લોકો સોના-ચાંદીના સિક્કા સંતાડીને તાંબાના બનાવટી સિક્કાનો જ ચલણમાં ઉપયોગ કરતા. આથી અમારી અર્થવ્યવસ્થા ખોરવાઇ ગઇ. આવું કામ કરનાર લુચ્ચાઓને ફાંસીના માંચડે લટકાવી દઇએ તો અમારું અડધો અડધ રાજ્ય ખતમ થઇ જાય, તો પછી રાજ્ય કરવા બીજી પ્રજા લાવવી ક્યાંથી? ને ધોળું નાણું સાવ અદૃશ્ય થઇ જશે એવું જણાતાં બાદશાહ સલામતે અગાઉ બહાર પાડેલ તમામ સિક્કા રદ કરી, એને ગેરકાયદેસર ઠરાવીને તેની જગ્યાએ ચામડાના સિક્કા રાતોરાત ચલણમાં મૂકી દીધા. કાળું નાણું દૂર કરવાનો આ એક ઉત્તમ રસ્તો હતો.
તું જો તારા પી.એમ.ને કહી શકતો હોય તો તેને કહી દે કે આ પાંચસો ને હજાર રૂપિયાની ભેજાફોડીમાંથી જલદી બહાર નીકળવું હોય તો ચામડાના સિક્કા ચલણમાં મૂકી દે. આ સિક્કા ઘરમાં વધારે વખત રાખવામાં આવે તો આખું ઘર ગંધાઇ ઊઠે એટલે કોઇ તેની સંઘરાખોરી પણ ના કરે. તેને તરત જ વાપરી નાખે. આમ કાળું નાણું નાબૂદ કરેલું...’ ‘પણ બાદશાહ સલામત, ચામડાના સિક્કા માટેનું ચામડું આપ લાવેલા ક્યાંથી?’ ‘કેમ, અમારે ત્યાં વિરોધીઓ હતા એ બધાનાં ચામડાં ઊતરડીને એમાંથી જ ચામડાના સિક્કા તૈયાર કરાવેલા. એમાં અમને બીજો ને મોટો ફાયદો એ થયો કે કાળાં નાણાંની જોડાજોડ વિરોધીઓ પણ સાફ થઇ ગયા. જોકે વિરોધીઓને શોધવા પાછળ અમને ઘણો શ્રમ પડેલો.
તારા પી.એમ.ને વિરોધીઓની ખોટ ક્યારેય નહીં પડે. એને આ બાબત સુખ છે, પથરો શોધવા જાય તો વિરોધી હાથમાં આવે. પોતાના પક્ષમાંથીય તેને મબલખ વિરોધીઓ જડી શકે એમ છે. ચામડાના સિક્કાની ખેંચ તેને ક્યારેય નહીં પડે.’ ‘અમારાં પૂર્વ પી.એમ. ઇન્દિરાજીએ તો ગરીબી મૂળમાંથી હટાવવાનું બીડું ઝડપેલું ને તેમના એ વચન પર તો તે ચૂંટણી જીતેલાં, પણ ગરીબી હટાવતાં હટાવતાં તો તે જ હટી ગયાં. અમારા ન.મો. સાહેબે તો ગરીબોને ગરીબીરેખાથી ઉપર લાવવા જન ધન યોજના લાગુ કરી તો બેનંબરીઓએ પોતાનું કાળું ધન આ ગરીબોના બેંક ખાતાઓમાં સેરવી દીધું. ગરીબોને ક્ષણિક ધનવાન બનાવેલા ને ગરીબ પાછા ગરીબ થઇ ગયાં.
‘આપના રાજ્યમાં ગરીબીએ આપને પજવેલા?’ ‘જોને, ગરીબી તો જગતભરમાં છે, પણ અમને તે જરા પણ પજવી શકેલી નહીં. અમે તેને ચપટી વગાડીને ભગાડી મૂકેલી...’ ‘જહાંપનાહ, આ કાળમુખી ગરીબી આખા દેશનું લોહી પી ગઇ, એને આપે કેવી રીતે ભગાડેલી?’ ‘એવી રીતે કે એક ફરમાન દ્વારા અમે તેને દેશવટો આપી દીધેલો. આ બંને છેડા-ગરીબ અને તવંગરને જરા પણ અડક્યા વગર કે કરવેરાનો બોજો નાખ્યા વગર ધનિકોને રાતોરાત ગરીબ બનાવી દીધેલા ને ગરીબોને એક કાણી કોડી આપ્યા વગર શ્રીમંત બનાવી દીધેલા. શબ્દકોશમાંના ગરીબ અને તવંગર એ બંનેના અર્થની અદલાબદલી કરી નાખી. ગરીબને તવંગર ને તવંગરને ગરીબ કહેવાનું શરૂ કરી દીધું. પછી તો અમારા રાજ્યમાં ચંદ ગરીબો જ રહ્યા.’

‘જહાંપનાહ, આપશ્રીએ આપની રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડી એની પાછળ આપનો કયો તર્ક હતો?’ ‘મૂરખ, તર્ક તો એક પ્રકારનું ગાંડપણ છે. જે ગમતું હોય એ કરવા પાછળ તર્ક ના શોધાય. ફક્ત ત્રણ જ દિવસમાં અમારી રૈયતને અમે દિલ્હીથી દોલતાબાદ રહેવા જવાનું ફરમાન કર્યું ત્યારે એને લોકોએ અમારા પાગલપનમાં ખપાવેલું પણ દિલ્હીથી દોલતાબાદનું અંતર કાપતાં ઘણાને ચાલીસ દિવસ લાગ્યા.
જ્યારે વૃદ્ધ અને બીમારોએ તો એથી પણ લાંબું અંતર કાપી નાખ્યું, આ લોકમાંથી તે પરલોકમાં પહોંચી ગયા. રૈયત દોલતાબાદમાં ઠરીઠામ થઇ ના થઇ ત્યાં તો અમને જ દોલતાબાદમાં મજા ન આવી એટલે પ્રજાજનોને ફરી પાછું દિલ્હીમાં વસવાનો અમે હુકમ કર્યો. એ હેરાફેરીમાં લગભગ ચોથા ભાગના લોકો ખુદાને પ્યારા થઇ ગયા. આમ અમે કૂદકે ને ભૂસકે વધતી વસ્તીને કાબૂમાં લઇ લીધી, એટલે તેટલા પ્રમાણમાં દેશમાંથી મોંઘવારી, બેકારી તેમજ ભ્રષ્ટાચારને જાકારો આપી દીધો. ઉપરાંત ભવિષ્યની પ્રજાને દિલ્હીથી દોલતાબાદની તદ્દન મૌલિક કહેવત પણ આપી. હવે તું અટકી જા, બાદશાહને ઊંઘી આવી રહી છે.’ ને ફોન કપાઇ ગયો...
અન્ય સમાચારો પણ છે...