તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલમ્બસ પટેલ હતો?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમેરિકા શોધવા બદલ આપણે કોલમ્બસનો આભાર, ખૂબ ખૂબ આભાર માનવો જોઇએ, કારણ કે તેણે જો અમેરિકા શોધ્યું જ ન હોત તો જગતના જમાદાર જેવો દોસ્ત આપણને ન મળ્યો હોત, જેણે આપણી સામે લડવા માટે પાડોશી દેશને ભરપૂર શસ્ત્રો આપ્યાં કરેલાં, સાથોસાથ દરેક મિત્રની અંદર એક છૂપો શત્રુ પણ લપાઇને બેઠો હોવાની સમજ પણ આપી હોય.
શક્ય છે કે આવતીકાલે કોઈ શોધક એવું પણ ખોળી કાઢે કે કોલમ્બસ તો ગુજરાતી ને પાછો પટેલ હતો અને અમદાવાદનો રહીશ હતો!

કવિ હોમર માટે કહેવાય છે કે તે ગુજરી ગયો ત્યારે એથેન્સનાં સાત સાત નગરોએ એવો દાવો કરેલો કે હોમર અમારો કવિ હતો. આ બધાં જ નગરોની એક જ, અને ધારદાર દલીલ હતી કે આ કવિ જીવતો હતો ત્યારે અમારા નગરમાં ભીખ માગતો હતો. સફળતાને અનેક બાપ હોય છે એમ માતાઓ પણ હોય છે. કોમેડીના બાદશાહ ચાર્લી ચેપ્લિનને પણ તે ખૂબ જ પ્રસિદ્ધિને વર્યો પછી નવ-નવ સ્ત્રીઓએ તેની મા હોવાની જાહેરાત કરી હતી. એ જ પ્રમાણે કોલમ્બસ પર જીનેવાવાસીઓ, પોર્ટુગલ્સ તેમજ સ્પેનિશ પ્રજાનો એવો દાવો છે કે અમારા એકલાનો જ છે.
શક્ય છે કે આવતીકાલે કોઇ શોધક એવું પણ ખોળી કાઢે કે કોલમ્બસ તો ગુજરાતી ને પાછો (કડવા કે લેઉઆ) પટેલ હતો. ને અમદાવાદનો રહીશ હતો. ઇતિહાસકારો પોતાના સમર્થનમાં એવા પુરાવાઓ પણ જાહેર કરી શકે કે કોલમ્બસ બહાદુર પટેલ હતો એટલે તેની પાસે પાસપોર્ટ કે વિઝા માગવાની હિંમત કોઇ કરી શક્યું નહોતું. તે એટલો સાહસિક હતો કે દરિયાના રસ્તે કોઇને, અરે, મગરમચ્છ યા શાર્ક માછલીને રસ્તો પૂછ્યા વગર આત્મવિશ્વાસથી અમેરિકા તરફ આગળ વધ્યો હતો. (કદાચ આ જ કારણે આજે પણ પટેલ પરિવારોમાં અમેરિકાનું ઘણું આકર્ષણ હશે?)
કોઇને કદાચ એવું થાય કે જાવ, જાવ મારા ભૈ, છસો વરસ પહેલાં પટેલો અમદાવાદમાં રહેતા હશે? હા, ચોક્કસ રહેતા હશે. આમ જોવા જઇએ તો અમેરિકાને અસ્તિત્વમાં આવ્યે માંડ છસો વરસ થયાં છે. અમદાવાદ એના કરતાં ઉંમરમાં થોડાં વરસ મોટું છે. શાંતિદાસ ઝવેરી (જે ઉદ્યોગપતિ કસ્તુરભાઇ લાલભાઇની દસમી પેઢીએ વડવા થતા હતા) તે મોગલ સમયના બાદશાહ અકબરના વખતમાં અમદાવાદમાં રહેતા હતા, તો પછી એ દિવસોમાં પટેલો અમદાવાદમાં કેમ વસતા નહોય! ભલે એમ કહેવાતું કે કોલમ્બસ ઇટાલીનો રહેવાસી હતો, પણ ઇટાલીમાં રહેતો દરેક માણસ ઇટાલિયન હોય એ જરૂરી નથી, એમ તો દિલ્હીમાં પણ ઇટાલીના એકાદ-બે પરિવારો વસતા હોય એથી કંઇ તે ઇટાલિયન મટી જાય છે?- પટેલો ગમે ત્યાં વસતા હોય, જીનેવા કે ઇટાલીમાં પણ પટેલ એ પટેલ છે. (-જેમને એમનો પ્રેમ યા ગુસ્સો માણવાનો આવે તેને જ પટેલ શું છે એની ખબર પડે).

મિલ્ટનની એક કૃતિ છે: ‘પેરેડાઇઝ લોસ્ટ’ (સ્વર્ગ ગુમાઇ ગયું). પરંતુ સર્જક હોવાના નાતે તેના હાથની જ વાત હતી એટલે તેણે બીજી કૃતિ સર્જી: ‘પેરેડાઇઝ રિગેઇન્ડ.’ પણ આપણા બાપડા કોલમ્બસની બધી જ મહેનત (દરિયાના) પાણીમાં ગઇ. તેણે આખેઆખું અમેરિકા ગુમાવી દીધું. જોકે આપણી કમનસીબી એ છે કે આપણે તેના વિશે શાળામાં જે કંઇ ભણી ગયા એ સિવાયની તેના વિશેની ખાસ કોઇ માહિતી આપણી પાસે નથી. તે કુંવારો હતો, પરણેલો હતો કે પછી નિર્દોષ (!) ડાયવોર્સી હતો એનો ઉલ્લેખ પણ કોઇ પુસ્તકમાં મળી આવતો નથી.
એ જમાનામાં ઘરભાડાં કદાચ બહુ ઊંચાં હશે ને એકવાર ઘર ભાડે મળ્યા પછી ભાડૂતો પૈસા લીધા વગર ઘર ખાલી નહીં કરતાં હોય કે ગમે તે કારણ હોય, કોલમ્બસ વહાણમાં જ રહેતો હતો એવી માહિતી એક પુસ્તકમાંથી મળી આવે છે. કોલમ્બસને કેટલો વસ્તાર હતો એની કોઇ વિગત જડી આવતી નથી. તેણે આત્મકથા કે એવું કશું લખ્યું હોત તો તેના વિશેની જાણવા જેવી ને ખાસ તો નહીં જાણવા જેવી ઘટનાઓ આપણે જાણી શક્યા હોત ને અમેરિકા સૌથી પહેલાં તેણે જ શોધેલું એ અંગે તે પ્રકાશ પાડી શક્યો હોત. આ કારણે અમેરિકાએ હવે કોલમ્બસ વગર ચલાવી લેવું પડશે, કોલમ્બસ અને અમેરિકા બંને એકબીજાને ગુમાવી બેઠાં છે.

જેમનું કામ શોધાયેલાંને ખોઇ કાઢવાનું ને ગુમ થયેલાંઓને ખોળી કાઢવાનું છે એવા શોધકો કહે છે કે કોલમ્બસે તો હજી હમણાં, 1492માં અમેરિકાની ધરતી પર પગ મૂક્યો. પણ શોધકોના મત મુજબ અમેરિકાની ધરતી પર અમેરિકાને શોધનાર કોલમ્બસ કંઇ પહેલો ન હતો. તેનાથી પણ હજારો વર્ષ અગાઉ રોમન નાગરિકો પહોંચી ગયા હતા. આ ઉપરાંત જેનું સામાન્ય પ્રજાએ નામ પણ સાંભળ્યું નહીં હોય એ વીકિંગ્સનો પણ દાવો છે. આ સિવાય પોલીનેશિન્સ અને ચીન પણ અમેરિકા, અમેરિકા નહોતું ત્યારે તેના પગ (હા, માત્ર પગ જ, માથું નહીં) ટેકવી આવેલું. એટલું વળી સારું છે કે ખુદ ચીનને પણ આ હકીકતની માહિતી નથી. પણ જો ચીનને ખબર પડશે તો તે વ્હાઇટ હાઉસ સમેત સમગ્ર અમેરિકા તેમજ કેનેડાનો અમુક – નાયગ્રાધોધ કબજે કરવાના કામે લાગી ગયું હોત. ચીનનું તો કશું કહેવાય નહીં, ક્યારે શું કરી શકે.

કેટલીક સદીઓ પૂર્વે ચીને હ્યુએન-સાંગ જેવા કેટલાક મુસાફરોને હિન્દુસ્તાન ખાતે મોકલી આપ્યા હતા. આપણે તો ભોળાભટ એટલે એ વખતે ખાતરી પણ નહોતી કરી કે તે ફુલટાઇમ મુસાફર હતા કે ચીની જાસૂસ પણ હતા! કદાચ તેમને એ વિગતો જાણવા મોકલ્યા હોય કે ઇન્ડિયાએ આપણું દિલ્હી તો હડપ નથી કરી લીધુંને! જાવ, પાકી તપાસ કરી લાવ, પરંતુ એ મુસાફરોને ત્યાંની તત્કાલીન સરકારે ટી.એ.ડી.એ. વગેરે આપવાનો ઇનકાર કર્યો એટલે તે માહિતી એકઠી કરવા દિલ્હી ન ગયા, આ કારણે દિલ્હી તો જાણે બચી ગયું, પણ મુંબઇની કોઇ ગેરંટી આપી શકાય નહીં. આતંકીઓની પેઠે ચીનને પણ કદાચ એમાં રસ પડે.

ચીનના રાષ્ટ્રપ્રમુખ ન.મો.ને મળવા ભારત આવ્યા ત્યારે ન.મો.એ તેમને હીંચકે ઝુલાવેલા ને એ જ રાષ્ટ્રપ્રમુખ હવે આખા ભારતને ચકડોળમાં બેસાડી, ચક્કર આવી જાય એવી ફુલ સ્પીડે ચકડોળ ચલાવી રહ્યું છે. સરદાર વલ્લભભાઇ પટેલે એ દિવસોમાં પંડિત નહેરુને લેખિતમાં જણાવેલું કે ચીન પર તલભાર ભરોસો પણ રાખવા જેવો નથી, પરંતુ શાહુકાર અને નામચીન જેવા ગુજરાતી શબ્દો પણ નેહરુચાચાએ કદાચ સાંભળ્યા નહીં હોય. ઉપરાંત તેમને કોઇ સગો ભાઇ પણ નહોતો એટલે ચીનને પિતરાઇ ભાઇ માની હિન્દી-ચીની ભાઇ ભાઇ બોલતાં એમનું ગળું સુકાતું હતું.
સૌરાષ્ટ્રમાં કોઇ પરિવારમાં એક દીકરો હોય ને તેને ત્યાં બીજો દીકરો જન્મે ત્યારે મોટા દીકરાને પાસપડોસવાળા આજે પણ ચેતવે છે કે લ્યા પ્રેમજી, તારે ત્યાં ‘ભય’ આવ્યો. અને અહીં તો ચીને ભાઇ મટી, કાકા બની આપણી ઘણી જમીન પોતાની કરી લીધી. ને આપણે જોતા જ રહી ગયા. ન.મો.ને કદાચ આ હકીકતની ખબર છે એટલે તે ક્યારેય નથી બોલતા કે હિન્દી-ચીની, ભાઇ-ભાઇ. (ન.મો. તો તેમના સગાભાઇનેય ભેટીને મનમાં પણ એવું નહીં બોલ્યા હોય કે, ‘સોમ-નરુ’ (સોમાભાઇ-નરેન્દ્રભાઇ) ભાઇ-ભાઇ. (આ મારા ગીધુકાકાનો મત છે-ભૂલ-ચૂક લેવી દેવી).

શોધક પુલિત્ઝરને રોમન સમયનું એક હથિયાર અમેરિકા ખાતેથી મળી આવ્યું એના આધારે તેણે તારણ કાઢ્યું છે કે રોમનો કોલમ્બસથી પણ પહેલાં અહીં આવી ગયા હશે ને તેમનું, રોમન સામ્રાજ્યમાં ‘સ્મોકિંગ ગન’ તરીકે ઓળખાતું આ હથિયાર જહાજમાંથી પડી ગયું હશે. ફક્ત આ પડી ગયેલા હથિયારને જ પુરાવો ગણી શોધક પુલિત્ઝર છાતી ઠોકીને કહે છે કે આ હથિયાર પહેલી સદીનું છે એટલે એવું માનવાને કારણ છે કે આ હથિયાર સાથે લઇને રોમનો અહીં આવ્યા હોવા જોઇએ. આ માત્ર તેનું અનુમાન જ છે.

અમેરિકામાં પણ અમુક દિવસે ગુજરી ભરાય છે એ અમે સગી આંખે જોયું છે. ન્યૂજર્સીમાં ભરાયેલા એ ગુજરીમાં અમે એક કવિમિત્ર જોડે ગયા હતા. કવિને તેમના બિલાડાના ગળે બાંધવા ચામડાનો પટ્ટો જોઇતો હતો. ત્યાં હતો પણ ખરો. પૂછ્યું કે આ પટ્ટાનો ભાવ શો છે? જવાબ મળ્યો: ‘દસ ડોલર’ કવિના મોંમાંથી ચીસ નીકળી ગઇ કે આટલો પુસ્કાર તો અમને કવિતા વાંચવાનોય નથી મળતો. પછી કુતૂહલ ખાતર ગુજરી-બોયને કવિએ પૂછ્યું કે આવડા અમથા પટ્ટાનો ભાવ દસ ડોલર તે હોતો હશે? આ સાંભળી પેલાએ જણાવ્યું કે તમને ખબર છે?- આ પટ્ટો તો ગુરુત્વાકર્ષણનો નિયમ શોધનાર ન્યૂટન તેની વહાલી બિલાડીઓને પહેરાવતો. ‘મારે ત્યાં તો બિલાડી નહીં, બિલાડો છે.’ કહી કવિએ ચાલવા માંડ્યું.

જોકે કોલમ્બસના પિતા ડોમેનિક કોલમ્બોની એ કાયમી ફરિયાદ હતી કે કોલુ ભૂગોળમાં ઘણો નબળો હતો. એકવાર તેને ઘેર મહેમાન આવેલા. તેના પિતાશ્રીએ આજ્ઞા કરી કે કોલુ, જા, જ્હોન અંકલને રશિયા જતા વહાણમાં બેસાડી આવ ને જ્હોન અંકલને તેણે રશિયાને બદલે પ્રશિયા જતા વહાણમાં ચડાવી દીધેલા.

કોલમ્બસને બીજો કોઇ પ્રદેશ નહીં, પણ ઇન્ડિયા જ શોધવાની તાલાવેલી લાગેલી. તેણે અમેરિકા શોધ્યું છતાં તે ગુજરી ગયો ત્યાં સુધી એ જ ભ્રમમાં હતો કે તેણે ઇન્ડિયા શોધ્યું છે.
જેમણે કોલમ્બસને ગુજરતો નથી જોયો એ લોકો કહે છે કે તે 1506ના મે માસની 20મી તારીખે મૃત્યુ પામ્યો છે. પરંતુ મારા ગીધુકાકાના મતે તે મૃત્યુ નથી પામ્યો, પણ પોતાની પાંચમી ને છેલ્લી સફરે, ઇશ્વરની ખોજમાં નીકળી પડ્યો છે. હવે આપણે એની જ રાહ જોવાની રહે કે તે શું શોધી લાવે છે.

યાદ આવ્યું: ગૂજરાત વિદ્યાપીઠમાં સેવા આપનાર વિદ્યાગુરુ (પ્રો) કનુભાઇ જાનીસાહેબના દીકરાનું ભરયુવાન વયે, લગ્ન થયાના લગભગ અઠવાડિયામાં જ અવસાન થયું. તેના બેસણામાં હું ગયો. બેસણું પત્યું એટલે પગરખાં પહેરવા જતો હતો. ત્યાં કનુભાઇસાહેબ મારા ખભે હાથ મૂકતાં બોલ્યા: ‘તમે સારું લખો છો.’ આપણે કેવું લખીએ છીએ એની તો આપણા સિવાય કોને ખબર હોય! પણ આટલી બધી સ્થિતપ્રજ્ઞતા! હું ગદ્્ગદ થઇ ગયો. તેમની સ્વસ્થતાને મેં મનોમન સલામ કરી દીધી. આ મારું ગજું નહીં. આવા પ્રસંગે હું તો સાત જન્મેય આટલો સ્વસ્થ રહી શકું કે કેમ એ સવાલ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો