શેક્સપિયરે કોને વાંચેલો?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જો યોગ્ય સમયે વિનોદવૃત્તિની મદદ મળી જાય તો વાતાવરણ તાણમુક્ત બને છે, હળવું બને છે.
ઇશ્વરે હાસ્યવૃત્તિ મૂકીને માનવજાત પર એક મોટો ઉપકાર કર્યો છે. બાકી તેનામાં જો હસી નાખવાની વૃત્તિ ન મૂકી હોત તો તેને માટે જીવવું અકારું થઇ પડત. સોક્રેટિસને ઝેન્થિપી જેવી કર્કશા પત્ની મળેલી, પણ સાથે વિનોદવૃત્તિયે જન્મથી મળી હતી. તેનામાં જો આ વિનોદવૃત્તિ ન હોત તો દાર્શનિક થવા અગાઉ પત્નીના ત્રાસથી તેને ઝેર પીને આત્મહત્યા કરવી પડી હોત. ટૂંકમાં પહેલાં કે પછી તેને ઝેર પીવાનો વારો તો આવ્યો જ હોત. હા, વહુને લીધે તેણે વિષપાન કર્યું હોત તો અહીં તેનો નામોલ્લેખ જરૂરી બન્યો ન હોત, પણ ખુદના કારણે પોતાના વિચારોને લીધે ઝેર પીવાથી મરીને તે અમર થઇ ગયો. આમ વિનોદવૃત્તિ હોવાને લીધે માણસ જીવનનું ઝેર શંકરની પેઠે પચાવી શકે છે. માણસ જો હસી શકતો ન હોત તો તે મશીનગન લઇને રસ્તા પર ફરતો હોત. જે લોકો આજે હસવાનું ભૂલી ગયા છે તે ધર્મના નામે માનવબોંબ થઇને ચારેકોર ઘૂમી રહ્યા છે.
ધનસુખલાલ મહેતા એ અમારી કરુણતા છે કે અમારે અહીં લખવું પડે છે કે ધનસુખલાલને જ્યોતીન્દ્ર દવે બંને પહેલી હરોળના જોડિયા હાસ્ય લેખકો હતા. ધત્તુભાઇએ અનેક પરેશાનીઓ અને દવાઓની બાટલીઓ વચ્ચે જીવન જીવી નાખેલું. તેમનાં બીજીવારનાં પત્ની સરલાબહેન લગ્ન પછી પાંચ જ વર્ષમાં માનસિક સમતુલા ગુમાવી બેઠાં. ધનસુખલાલને જોયા નથી કે હાથમાંની ચીજ રોષથી તેમની તરફ ઝીંકી નથી. ‘કેચ’ કરવામાં સહેજ પણ ગાફેલ રહેવાય તો વાગી બેસે. આ ગાંડપણ એટલી હદે વકર્યું કે તેમને મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવાં પડ્યાં. દર શનિવારે ધત્તુભાઇ તેમને મળવા જાય. સાથે તેમને ભાવતો નાસ્તો પણ લેતા જાય. એકવાર જ્યોતીન્દ્ર દવેએ તેમને પૂછ્યું: ‘તમને તમારાં પત્ની ઓળખી શકે છે ખરાં?’
‘અરે, બરાબરનો ઓળખે છે. મને જુએ છે ને દોડતી આવે છે ને જે કંઇ હાથમાં આવે એ મારા પર છૂટું ફેંકવા માંડે છે...’ ધત્તુભાઇએ લાક્ષણિક હાસ્ય વેરતાં ઉત્તર વાળ્યો. માણસમાં પડેલી વિનોદવૃત્તિ જ તેને આવી પીડાકારક પરિસ્થિતિમાંથી ઉગારી શકે છે. જોકે આ હાસ્યવૃત્તિ પણ એક વરદાન છે, કોમનસેન્સ-સામાન્ય બુદ્ધિની જેમ અન-કોમન, અસામાન્ય હોય છે, બધામાં તે એક સરખી નથી હોતી, એ રીતે હાસ્યવૃત્તિ પણ દુર્લભ હોય છે- આ ગુણ લોહીમાં જ ભળેલો હોય છે, એમાંય હાસ્યવૃત્તિ ને હાજરજવાબી તો અતિ નસીબદાર માણસને જ એક સાથે મળે છે, એ બુદ્ધિબજાર સિવાયના કોઇપણ બજારમાંથી હાથ લાગે તેમ નથી. એમાંય હાસ્યવૃત્તિ ને હાજરજવાબીની વાત કરવી હોય તો હાસ્યાવતાર જ્યોતીન્દ્ર દવેને પહેલાં યાદ કરવા પડે. તે જન્મે નાગર હતા.
નાગરી ન્યાતની એક સભામાં તે પ્રમુખ હતા. વિધવાએ પુનર્લગ્ન કરવાં જોઇએ કે નહીં એ વિષય તો કવિ નર્મદના વખતથી ચર્ચામાં હતો. (બાય ધ વે, જ્યોતીન્દ્ર નર્મદના પાંચમી પેઢીએ વારસ થાય). નાગર વિધવાએ ફરી લગ્ન કરવાં કે કેમ એ વિષયની ચર્ચા વધારે ઉગ્ર થવા લાગી. નાગર પુરુષોમાં બે ભાગલા પડી ગયા. વાત ઘાંટા ઘાંટીથી છેક મારામારી સુધી પહોંચી ગઇ. વાતાવરણ અતિ સ્ફોટક બની ગયું. જ્યોતીન્દ્રભાઇએ માઇક હાથમાં લઇ જાહેરાત કરી કે ‘બહાદુર ભાઇઓ, તમે એ ન ભૂલશો કે આપણે અહીં ‘વિધવાએ પુન:લગ્ન કરવાં કે નહીં એની ચર્ચા કરવા ભેગા થયા છીએ, નવી વિધવાઓ બનાવવા નહીં...’ કહે છે કે જ્યો. દ.ની આ જાહેરાત સાંભળતાં જ ન્યાતમાં હાસ્યનું મોટું મોજું ફરી વળ્યું. લડવાનું ભુલાઇ ગયું. આ છે હાસ્યની શક્તિ. જો યોગ્ય સમયે વિનોદવૃત્તિની મદદ મળી જાય તો વાતાવરણ તાણમુક્ત બને છે, હળવું બને છે.

...

પૂર્વ જ નહીં, અપૂર્વ ક્રિકેટર વિનુ માંકડનું સન્માન એ સમયના મંત્રી જયસુખલાલ હાથીના હસ્તે થવાનું હતું. એ સભામાં હાસ્યકાર ‘મસ્તફકીર’ પણ હાજર હતા. તે બોલ્યા: ‘શું જમાનો આવ્યો છે! આજે તો હાથીના હસ્તે માંકડનું સન્માન થઇ રહ્યું છે...’ (આ રમૂજ જ્યોતીન્દ્ર દવેના નામે ચડી ગઇ છે, પરંતુ એ મસ્તફકીરની છે- આ લખનાર પણ એવું માનતો કે તે જ્યો. દ.ની છે. આજે એમના નામ પરથી ખસેડીને ‘મસ્તફકીર’ના નામ સાથે જોડીએ છીએ).

...

માણસમાં પડેલ હાસ્યવૃત્તિ અમુક કિસ્સામાં નહીં ધારેલ પરિણામ પણ આપે છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં અધિકારીઓની ભરતી માટેની જાહેરખબર જોઇ હાસ્યલેખક મિત્ર નિરંજન ત્રિવેદીએ અરજી કરી. બાયોડેટામાં પોતાના વિશેની માહિતીમાં તેણે જણાવ્યું કે રાજકારણ, સંગીત અને જ્યોતિષશાસ્ત્ર વગેરેમાં રસ. ઇન્ટરવ્યૂમાં તેને બોલાવવામાં આવ્યો. ઇન્ટરવ્યૂ પેનલનો એક સભ્ય કદાચ થોડો ટીખળી હશે. તેણે નિરંજનને પૂછ્યું કે મિ. ત્રિવેદી, તમે તો જ્યોતિષના પણ જાણકાર છો, તો એ કહો કે આ નોકરી તમને મળશે? તમારા ગ્રહો શું કહે છે? જેના જવાબમાં નિરંજને જણાવ્યું કે, ‘આ નોકરી મને મળશે કે નહીં એ બાબત કુંડળી કશું ચોખ્ખું કહેતી નથી, પરંતુ એટલું તો કહે છે કે ઇન્ટેલિજન્ટ માણસો જ મને પસંદ કરશે.’ કારણ ગમે તે હોય, બેંક ઓફિસરની નોકરી તેને તરત જ મળી ગઇ.

...

ધીંગા સર્જક ચુનીલાલ મડિયા. તેમનો વ્યંગ સૌરાષ્ટ્રનાં તીખાં મરચાં જેવો. ગમે તેને રોકડું પરખાવતા જરાય અચકાય નહીં. સુરેશ જોષીનો ‘ઉપજાતિ’ નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયેલો. થોડાંક વર્ષો પછી જોષીને એ કાવ્યો ધોરણસરનાં નહીં લાગવાથી તેમણે જાહેર કર્યંુ: ‘આથી મારો એ સંગ્રહ હું રદ કરું છું.’ આ વાંચી મડિયાથી બોલ્યા વગર ન રહેવાયું: ‘ભાઇ, અમે તો કે’દીનો રદ કરી નાખ્યો છે.’

...

કોઇ એક સાહિત્યસભામાં વાર્તાકાર ગુલાબદાસ બ્રોકર પ્રવચન આપવા ઊભા થયા. મડિયા ઓડિયન્સમાં બેઠેલા. બ્રોકર અમુક મુદ્દાઓ કાગળ પર ટપકાવી લાવેલા. થોડુંક એમાંથી વાંચતા. બાકીનું બોલતા. બોલતાં બોલતાં વચ્ચે તે અટકી ગયાને પાનું ફેરવવા લાગ્યા-કોઇ મુદ્દો શોધવા. કાગળની એક જ બાજુએ તેમણે લખેલું. પાછળની બાજુ કોરી. કદાચ એ બાજુ પર તો કશું નથી ટપકાવ્યુંને એ ચકાસવા બ્રોકર કોરી બાજુ પર નજર ફેરવવા લાગ્યા. પાસે બેઠેલ મિત્રના કાનમાં મડિયા ધીમેથી ગણગણ્યા: ‘હી ઇઝ સીઇંગ હિઝ બ્રાઇટર સાઇડ’ (તે તેમની ઊજળી (કોરી) બાજુ જોઇ રહ્યા છે).

...

છેલ્લાં લગભગ સાતેક વર્ષથી મારો પરમ મિત્ર વિનોદ જાની ખૂબ જ દૂર કદાચ તેને ગમતા પ્રદેશમાં ચાલ્યો ગયો છે. લીલોછમ હતો વિનોદ જાની. તેની કંપનીમાં જલસા પડી જતા. તેણે વાંચવાની ખાસ કુટેવ પાડી નહોતી. જોકે એનો તેને રજમાત્ર અફસોસ નહોતો, ઊલટાનો આનંદ હતો. પોતાની આ કુટેવને ગ્લોરીફાય કરવા ક્યારેક તે પ્રયત્ન પણ કરતો. અમે બંને એકવાર સાથે મુંબઇ ગયેલા. મારા એક ઓળખીતાને ત્યાં અમે મળવા ગયા. તે ભાઇ એ વખતે પ્રહસન લખી રહ્યા હતા. વિનોદ જાનીને મળીને તે ઘણા રાજી થયા. ચા-પાણી કર્યાં. ઉત્સાહમાં આવી જઇને મારા એ ઓળખીતાએ જાનીને પૂછ્યું:

‘નાટકમાં તમે શું વાંચો છો, આજકાલ?’
‘કશું જ નહીં...’ જાનીનો જવાબ.
‘તમે એમ કરો, શેક્સપિયર વાંચો. સામેથી સલાહ મળી.’
‘શો ફેર પડશે એથી?’ જાનીનો પ્રશ્ન.
‘દરેક માણસે શેક્સપિયર તો વાંચવો જ જોઇએ.’

‘તો શેક્સપિયરે કોને વાંચલો?’ જાનીએ જાણવા માગ્યું. જાનીના આ પ્રશ્ને એ ભાઇને ચૂપચાપ માથું ખંજવાળતા કરી નાખ્યા. સામા માણસને બોલતો બંધ કરી દેવાનું આ એક હથિયાર છે. અને જેનામાં વિનોદવૃત્તિ હોય તેનામાં ઇગો-અહંનો ભાર તદ્દન ઓછો હોય છે એવું હાસ્યશાસ્ત્રમાં કહેવાયું છે. હાસ્યકાર પી.જી.વુડહાઉસે એકલે હાથે હાસ્યરસની નેવું નવલકથાઓ લખી હતી, તેના જમાનામાં તે બેસ્ટ સેલર હતી. કોઇ વાતે તે મૂંઝવણ અનુભવતો નહીં. એકવાર એક ડિનર પાર્ટીમાં તેને જવાનું થયું. તેની બાજુમાં બેઠેલ એક મહિલાને એ વાતે અત્યંત આનંદ થયો કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સર્જકની બાજુમાં બેસીને તેને જમવાની સુવર્ણ તક મળી. એ મહિલાએ વુડહાઉસ માટેનો પોતાનો અહોભાવ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘હું ને મારું આખું કુટુંબ તમારી કલમના જબ્બર આશિક છીએ. હું જ્યારે ઘેર જઇને મારાં બાળકોને એ ખુશખબર આપીશ કે તમારા અતિપ્રિય લેખક એડગર વોલેસ સાથે મેં ‘ડિનર’ લીધું ત્યારે આ સાંભળીને તે આશ્ચર્યચકિત થઇ જશે.’ ‘આ સાંભળીને હું પણ આશ્ચર્યચકિત થઇ ગયો છું, બાનુ...’ વુડહાઉસનો આ માર્મિક ઉત્તર હતો.
તા. ક.: એકલવ્ય પૃથ્વી પરનો પહેલ વહેલો એક્સ્ટર્નલ સ્ટુડન્ટ હતો.- રતિલાલ બોરીસાગર
વિનોદ ભટ્ટ