ક્યારેક ન ધારેલું બની જતું હોય છે. આંચલના કેસમાં એવું જ થયું. 28 વર્ષની આંચલ શાહ જ્યારે પહેલી વાર મારી પાસે આવી ત્યારે એના હાથમાં ચાર-પાંચ ગાયનેકોલોજિસ્ટ્સની ફાઇલોનો મોટો દળદાર થોકડો હતો. મેં કેસપેપરમાં જરૂરી વિગતો ટપકાવીને પછી એને પૂછ્યું, ‘આંચલ, શેના માટે મારી પાસે આવવું પડ્યું?’
‘મેડમ, મારા મેરેજને પાંચ વર્ષ પૂરાં થયાં છે પણ મને પ્રેગ્નન્સી રહેતી નથી.’
જ્યારે યોનિમાં તમામ શુક્રાણુઓ નાશ પામે એવા કેસમાં આઇ.યુ.આઇ. કરવાથી પરિણામ મેળવી શકાય છે
‘એક વાર પણ ગર્ભ રહ્યો નથી?’ મારો સવાલ ‘રિલેવન્ટ’ હતો. પ્રેગ્નન્સી રહેતી હોય છે પણ ટકતી હોતી નથી. બે-અઢી મહિને એબોર્શન થઈ જાય છે. આ બંને પરિસ્થિતિઓનાં કારણો અને સારવાર અલગ પડે છે.
‘ના, મેડમ! મને એક વાર પણ પ્રેગ્નન્સી રહી જ નથી.’ મેં આંચલની શારીરિક તપાસ કરી અને પછી બધી ફાઇલોમાં રહેલા રિપોર્ટ્સ વાંચી લીધા. એણે જે છેલ્લા ડોક્ટરની સલાહ લીધી હતી તેણે ‘આઇ.વી.એફ’ની સારવાર માટે ભારપૂર્વક દબાણ કર્યું હતું. ‘બોલ, આંચલ! તારો શો વિચાર છે?’ મેં પૂછ્યું.
‘મારે આઇ.વી.એફ. નથી કરાવવું.’
‘કેમ? એ સારવાર ખર્ચાળ છે એટલા માટે?’
‘ના, રૂપિયા ખર્ચવાનું તો અમને પરવડે તેમ છે, પણ આઇ.વી.એફ. માટે જતા પહેલાં મારે એક ‘ચાન્સ’ લેવો છે. મેં ગયા મંગળવારે જ ‘મધુરિમા’માં તમારો લેખ વાંચ્યો હતો. તેમાં તમે ‘પોસ્ટ કોઇટલ ટેસ્ટ’ની વાત લખી હતી. એમાં તમે લખ્યું હતું કે ક્યારેક એવું બનતું હોય છે કે પતિના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા બરાબર જ હોય છે, તેમ છતાં જ્યારે પતિ-પત્ની સમાગમ કરે છે ત્યારે પત્નીની યોનિમાં એના તમામ શુક્રાણુઓ નાશ પામે છે. આવા કેસમાં આઇ.યુ.આઇ. કરવાથી પરિણામ મેળવી શકાય છે.’ મને યાદ આવી ગયું, ‘હા, પણ એ વાત તારા કિસ્સામાં સાચી છે તેવું કોણે કહ્યું?’
‘તો તમે ટેસ્ટ કરી લોને, મેડમ!’ આંચલે જીદ પકડી. હું હસી પડી, ‘તું સાવ ભોળી છે, પણ મારું તો એવું માનવું છે કે દર્દીઓ જ હંમેશાં સાચા હોય છે.’
‘તો તમે એ ટેસ્ટ...?’
‘ના, ટેસ્ટ કરવાની જરૂર નથી, એના કરતાં હું તને સીધું આઇ.યુ.આઇ. જ કરી આપીશ. આજે હું તને ગોળીઓ લખી આપું છું. હું જે દિવસે તને બોલાવું તે દિવસે તું અને તારો પતિ આવી જજો.’ મેં આંચલને અમુક સારવાર ‘પ્રિસ્ક્રાઇબ’ કરી આપી. પછી જે દિવસે સ્ત્રીબીજ છૂટું પડવાની શક્યતા હતી તે દિવસે એ બંનેને ક્લિનિકમાં આવી જવાની સલાહ આપી. નિર્ધારિત દિવસે આંચલ અને અનિકેત આવી પહોંચ્યાં. અનિકેતે વીર્યનું સેમ્પલ આપ્યું, જે મેં એની પત્નીનાં ગર્ભાશયમાં મૂકી આપ્યું. યોનિમાર્ગ પૂર્ણપણે ‘બાયપાસ’ થઈ ગયો. એ બંને ગયાં.
મારા મનમાં એવું હતું કે ત્રણ-ચાર મહિના સુધી હું આ જ સારવાર આંચલને આપીશ, કાં તો એને ગર્ભધારણ થશે અથવા તે થાકી-હારીને આઇ.વી.એફ. ટ્રીટમેન્ટના શરણે જશે. બરાબર વીસમા દિવસે આંચલનો ફોન આવ્યો, ‘મેડમ, તારીખ ઉપર પાંચ દિવસ થઈ ગયા છે. આજે સવારે મેં યુરિન ટેસ્ટ કરી જોયો.’
‘શું રિઝલ્ટ આવ્યું?’
‘પોઝિટિવ છે.’ આંચલનો અવાજ કહી આપતો હતો કે તે કેટલી ખુશ હતી! એના અવાજનો ઉછાળ મારા કાનને પણ સ્પર્શી રહ્યો હતો અને અંતરને ભીંજવી રહ્યો હતો. આજે પણ આંચલ મારી પાસે જ ‘ચેકઅપ’ માટે આવે છે અને એ વાતની યાદ અપાવતી રહે છે કે પેશન્ટ ઇઝ ઓલ્વેઝ રાઇટ!