પીડ પરાઈ જાણે રે...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૃદયના ઘાવ ભૂલીને વિચારે તો વિચારી જો,
બધો સંતાપ ખંખેરી પધારે તો વિચારી જો.
કદી પણ કોઈ પૂછે કે પરસ્પરની વ્યથા શી છે?
અને મનમાં જ મનની વાત મારે તો વિચારી જો.
- નૈષધ મકવાણા

પીડા નામના પ્રદેશમાં ટહેલવા માટે છપ્પનની છાતી અને છપ્પનિયા દુષ્કાળ જેવી હિંમત જોઈએ. ‘માનવીની ભવાઈ’માં ભયંકર ભૂખની ક્ષણોમાં પણ ‘ભૂખ કરતાં ભીખ ભૂંડી છે’ના ઉદ્્ગારની પાછળ પડઘાતી ખુમારીને સો સો સલામો. પોતાની પીડાને જાણે એ વણિકજન પણ બીજાની પીડાને જાણે એ વૈષ્ણવજન છે. મીરાંબાઈ જેમ ઝેરનો કટોરો પાણીનો પ્યાલો હોય એ સહજતાથી પીવાની તૈયારી હોય ત્યારે જ કૃષ્ણને પામી શકાતા હોય છે.
પીડાના ગર્ભમાં જ ખુશીની પળો રહેલી છે. ખૂબ મહેનત પછી આવેલી ખુશીની ચમક સૂર્યથી વધુ ચમકીલી હોય છે. જે ખુશી પાછળ પીડા નથી એનો આનંદ ફિક્કો પડી જતો હોય છે. સંઘર્ષની રાત્રિ પછી થયેલી સવારની મજા કંઈ ઓર હોય છે. કેટલીક પીડાઓ પણ આનંદ આપનારી હોય છે. કોઈ સ્નેહાળ વ્યક્તિની રાહ જોવામાં કે દૂર-સુદૂર એને મળવા જવામાં પણ મન મોર બની થનગાટ કરે છે. માણસનું સાચું ઘડતર દુ:ખમાં જ થાય છે, સુખમાં તો માત્ર ચમકદમક હોય છે. ‘ઉન આંખોં કા હસના ભી ક્યા, જિન આંખોં મેં પાની ન હો.’ અજ્ઞેયજીએ કહ્યું છે કે, ‘દુ:ખ આદમી કો માંજતા હૈ.’ સુખમાં તમને દુનિયા ઓળખે છે અને દુ:ખમાં તમને દુનિયાનો પરિચય થાય છે.
‘રોટિયા કમ ઔર ચોટેં જ્યાદા ખાઈ હૈ’ જેવો ફિલ્મી ડાયલોગ જેવી જિંદગી નથી, પણ દુ:ખનો પણ એક ટેસ્ટ છે. એને માણતા આવડે તો સુખ પણ એની આગળ પાણી ભરે. સુખ, દુ:ખ સાપેક્ષ છે. કુંભાર માટે વરસાદ વિઘ્નકર્તા બને તો ખેડૂત માટે આનંદદાયક હોય છે. બધાનો સંતોષ ક્યારેય થઈ શકતો નથી. ક્યારેક એકને સુખ આપતાં બીજાને દુ:ખ આપી દેતા હોઈએ છીએ. આખું વર્ષ પીડા આપ્યા પછી ‘મિચ્છામિ દુકડમ્’ કહેવાનું કેટલું લાજમી?
સાહિત્ય જગતમાં તો પીડાની કૃતિઓનું અઢળક સર્જન થયું છે. પીડા મૂળભૂત ભાવ રહ્યો છે. સંસ્કૃત નાટકમાં તો વેદના જ કેન્દ્રસ્થાને હતી. ‘લામિજરેબલ’નો દુ:ખિયારાનો અનુવાદ આપણને હચમચાવી જાય છે.
સાહિત્યમાં પીડા પણ આનંદ આપનારી બાબત છે. પક્ષીને હણાતાં જોઈ વાલ્મીકિના હોઠમાંથી સરી પડેલ શ્લોક ‘मा निषाद्र...’ જગતનું પ્રથમ કાવ્ય છે. અનુષ્ટુપ છંદ સાથે આક્રંદનો સ્પંદ ભળી ગયો છે. દ્વારિકા વિદાય વખતે કૃષ્ણને કુંતી કહે છે કે, ‘વિષય: સન્તુ તા,શશ્વત્તત્ર તત્ર જગતગુરો’ મને દુ:ખ આપો, કેમ કે સુખની લંબાઈ અને ગહેરાઈ ઓછી હોય છે. પીડા આપણને વાસ્તવની ધરાતલ પર રાખે છે. પીડા માત્ર સ્ત્રીનો જ ઇજારો નથી. પુરુષને પણ પીડા હોય છે, અભિવ્યક્ત થતી નથી એટલે એની પીડા પોંખાતી નથી. એટલે જ પિતૃમહિમા કરતાં માતૃમહિમા વધુ થયો છે. જગતની કોઈ પણ પીડા એવી નથી કે જેનો અંત ન હોય. પ્રેમની પીડા જ્યારે ભારરૂપ બને ત્યારે ‘મેરા કુછ સામાન તુમારે પાસ પડા હૈ’નું ગાન ગાવું પડે છે.

બીજાની પીડા જોઈ આનંદ પામનાર વ્યક્તિને મનોચિકિત્સક પાસે મોકલવો જોઈએ. અણગમતું કામ પીડા આપનારું બને છે. ન ગમે એ ઘટના દુ:ખ આપનારી હોય છે. મૃત્યુની પીડા સૌથી વધુ છે. જે ટાળી શકાતી નથી. મોટિવેશનલ સ્પીકર પણ પાણીનો રેલો પગ નીચે આવે ત્યારે પોથી જ્ઞાન પલળી જાય છે. જોકે, આજનો માનવી ‘બોજ સે ઠીક ચલા જાતા હૈ’ના સમયમાં જીવે છે. પોતાને ઠેસ વાગે ને પીડા થાય એ વેદના બીજાને વાગે ને પીડા આપણને થાય એ સંવેદના. આ સંવેદનાના શિખર સુધી પહોંચવામાં પણ પીડાનો પાયો જરૂરી છે.
અન્ય સમાચારો પણ છે...