ગુણવત્તા અને મૂલ્યોથી સભર માસિકની ‘કુમાર’કથા

ફક્ત ૦.૦૦૫ ટકા ગુજરાતી પ્રજા જ ‘કુમાર’ની ગ્રાહક છે

Gurjarratna

Gurjarratna

Divyabhaskar.com | Updated - Jun 16, 2011, 07:37 PM
Gurjarratna, Biren Kothari kumar magazine
Gurjarratna, Biren Kothari kumar magazineઅનેક વિટંબણા વચ્ચે ૮૭ વરસથી સતત ચાલતાં રહેલા માસિકનાં પાનાં પાછળનું વાંચન. અંકમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કુમાર’ના માથે પાંચ હજારનું દેવું છે. વાર્ષિક છ રૂપિયાના લવાજમ-વાળા પંદરસો ગ્રાહકો મળે તો બધું સરભર થઈ રહે. ‘કુમાર’ના ગ્રાહકોની સંખ્યા ત્યારે એક હજારની હતી. જો કે, આમાં ક્યાંય ગુણવત્તા સાથે કે મૂલ્યો સાથે સમાધાન કરવાની વાત નહોતી. ‘કુમાર’ના અનેક ચાહકો માટે આ આઘાત જીરવી ન શકાય એવો હતો. ‘કુમાર’ બંધ થયું કે વાચકોના પત્રોનો મારો શરૂ થઈ ગયો અને ‘કુમાર’ને ફરીથી શરૂ કરવાની વિનંતીઓ - આગ્રહ થવા લાગ્યાં. આવા આગ્રહીઓની સંખ્યા કદાચ ઓછી હશે પણ તેની તીવ્રતા એટલી બધી હતી કે તેની સાથે સંકળાયેલા સૌને લાગ્યું કે કંઈ પણ થાય, ‘કુમાર’ને ફરીથી શરૂ કરવું રહ્યું. ૨૦૧૧માં તેનો એક હજારમો અંક બહાર પડ્યો પણ ‘કુમાર’ના ગ્રાહકોની સંખ્યા માંડ પાંત્રીસસો છે. એની સામે ગુજરાત રાજ્યની વસ્તી વધીને થઈ છે છ કરોડ. મતલબ કે પૂરો એક ટકોય નહીં, ફક્ત ૦.૦૦૫ ટકા ગુજરાતી પ્રજા જ ‘કુમાર’ની ગ્રાહક છે અને ‘કુમાર’નું વાર્ષિક લવાજમ છે કેવળ અઢીસો રૂપિયા. ‘તમે જરા છ રૂપિયા કડવા કરી આપો. આ મારા મિત્ર ‘વીસમી સદી’વાળા રવિભાઈ રાવળે વિદ્યાર્થીઓ માટે ‘કુમાર’ માસિક શરૂ કર્યું છે. તમારે તે લેવું જ પડશે.’ ચુનીભાઈ ઘોડીએ પોતાના પરિચિત એવા મુંબઈના એક શેઠિયાને કહ્યું. ‘શું છે? લાવો જોઈએ?’ ‘કુમાર’નો અંક હાથમાં લઈ તેનાં પાનાં ફેરવતાં શેઠે પૂછ્યું: ‘આટલાં જ પાનાં ને છ રૂપિયા લવાજમ?’ ‘રંગીન પ્લેટ છે, રંગીન પૂંઠું છે, ચિત્રો છે તે પણ જુઓ.’ ચુનીભાઈની સાથે આવેલા તેમના મિત્ર અને ‘કુમાર’ના તંત્રી રવિશંકર રાવળ બોલ્યા. ‘અરે, બ્લોક અને ચિત્રો પાછળ ખર્ચ કરો એટલે વાંચવાનાં પાનાં ઓછાં મળે ને? આ લ્યો, તમારું રંગીન પાનું ફાડી લ્યો. શો ખર્ચ આવે?’ શેઠનો સવાલ.‘માત્ર ખર્ચ નથી, તેમાં લખેલી વસ્તુઓ વિદ્વાનોએ વિચાર કરી પુષ્ટ અને આરોગ્યપ્રદ વાંચન આપ્યું છે.’ રવિશંકર રાવળે સ્પષ્ટતા કરી. ‘માફ કરજો. છાપેલાં કાગળિયાં માટે આવું મોટું લવાજમ ભરવા હું તૈયાર નથી.’ શેઠે આખરે પરખાવી દીધું.આ સંવાદ અને ઘટના છે તો ૧૯૨૪ના, પણ ત્યાર પછીનાં ૮૭ વરસમાં પરિસ્થિતિ ખાસ બદલાઈ હોય એમ જણાતું નથી. ‘છાપેલાં કાગળિયાં’ પાછળ પૈસા ખરચતા હજીય લોકો ખચકાય છે. કેમ કે, ‘કુમાર’નું પ્રકાશન આજેય ચાલુ છે અને હમણાં એપ્રિલ, ૨૦૧૧માં તેનો એક હજારમો અંક બહાર પડ્યો પણ ‘કુમાર’ના ગ્રાહકોની સંખ્યા માંડ પાંત્રીસસો છે. એની સામે ગુજરાત રાજ્યની વસ્તી વધીને થઈ છે છ કરોડ. મતલબ કે પૂરો એક ટકોય નહીં, ફક્ત ૦.૦૦૫ ટકા ગુજરાતી પ્રજા જ ‘કુમાર’ની ગ્રાહક છે અને ‘કુમાર’નું વાર્ષિક લવાજમ છે કેવળ અઢીસો રૂપિયા. ગુજરાત રાજ્યે ઊડીને આંખે વળગે એવો વિકાસ સાઘ્યો હોવાનું કહેવાય છે, એનાં અનેક આંકડાકીય પ્રમાણો ટાંકવામાં આવે છે. એની સરખામણીએ આપણે ‘કુમાર’નું પ્રમાણ પણ કેવળ આંકડાકીય રીતે જ જોયું. નહીંતર અનેક ચડાવઉતાર વચ્ચેય ગુજરાતના તરુણ વર્ગમાં સંસ્કારસીંચન કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલું આ માસિક આજે સત્યાશી વરસની મજલ પછીય વચ્ચેનાં ત્રણ વરસના અંતરાલ સિવાય અનેક મુસીબતો વચ્ચેય અવિરતપણે ચાલતું રહ્યું છે. ગુજરાતની ત્રણ ચાર પેઢીઓને આ માસિકે વિચારસમૃદ્ધ કરી છે. એ રીતે સંસ્કારસંવર્ધન અને ઘડતરમાં તેનું પ્રદાન અનન્ય છે. બહુ રસપ્રદ કથા છે આ માસિકના જન્મની, તેના વિકાસની અને અનેક વિપરીતતાઓ વચ્ચે પોતાનું લક્ષ્ય ટકાવી રાખવાના સંઘર્ષની. ‘કુમાર’ની મૂળમાં હતા માતબર સાહિત્યિક પત્રકારત્વના સામયિક ‘વીસમી સદી’ના સંસ્કાર. હાજી મહમ્મદ અલારખિયા શિવજી સંચાલિત ‘વીસમી સદી’નું પ્રકાશન ફક્ત ચાર જ વરસ થઈ શક્યું. તેમાં કનૈયાલાલ મુનશી, કવિ ખબરદાર, બળવંતરાય ઠાકોર, કવિ કાન્ત, કવિ નાનાલાલ, નરસિંહરાવ દિવેટિયા જેવા ધૂરંધર સાહિત્યકારોની કલમપ્રસાદી સહિત પત્રકારત્વ તેમ જ ઊંચા રસરુચિવાળી કલાસામગ્રી પીરસાતી. આ સામયિકનો કળાપક્ષ પણ અતિ સમૃદ્ધ હતો, જેમાં રવિશંકર રાવળ, ધૂરંધર જેવા ચિત્રકારોનું પ્રદાન મહત્વનું હતું પણ આર્થિક તંગી અને લથડેલી તબિયતથી હાજીનું અવસાન થયું એ સાથે ‘વીસમી સદી’ પણ બંધ થયું. આ સામયિકે ફક્ત ચાર વર્ષના ટૂંકા ગાળામાં ગુજરાતી સાહિત્ય જગતમાં જબરદસ્ત પ્રભાવ પેદા કરેલો, જે ચિરસ્થાયી કહી શકાય એવો નીવડવાનો હતો. ‘વીસમી સદી’ના બંધ પડવાથી ઊભો થયેલો અવકાશ પૂરવા કલકત્તાથી ચાંપશીભાઈ ઉદ્દેશીએ ‘નવચેતન’ શરૂ કર્યું. કનૈયાલાલ મુનશીએ ૧૯૨૨માં ‘ગુજરાત’ શરૂ કર્યું. જયારે તેનાં બે વરસ પછી ૧૯૨૪માં કલાગુરુ રવિશંકર રાવળે (રવિભાઈએ) એક અંગત સાહસ તરીકે ‘કુમાર’ શરૂ કર્યું. ‘કુમાર’ એ રીતે આગવું હતું કે તેમાં સાહિત્ય ઉપરાંત તમામ લલિતકલાઓનો સમાવેશ કરવાનો અભિગમ રાખવામાં આવ્યો હતો. પણ ‘કુમાર’ નામ શાથી રાખવામાં આવ્યું? ભાવનગરના દક્ષિણામૂર્તિ શિક્ષણ સંકુલમાં જાણીતા શિક્ષણવિદ્ નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદીના હાથ નીચે અનેક તરુણો તૈયાર થઈ રહ્યા હતા. આ તરુણોમાંના અનંત અને ઉપેન્દ્રનાં માર્ગદર્શન નીચે હસ્તલિખિત માસિક ‘કુમાર’ નીકળતું હતું. રવિભાઈએ આ માસિક જોયું અને તેમને ખ્યાલ આવ્યો કે બાળકો શું ચાહે છે, વિચારે છે, તેમની ભાવસૃષ્ટિ કેવી છે. બસ! પોતાનું શરૂ થનારું સામયિક ઊગતા કિશોરોને લક્ષમાં રાખીને જ તૈયાર કરવામાં આવશે અને તેનું નામ પણ ‘કુમાર’ જ રાખવામાં આવશે, એવું તેમણે મનોમન નક્કી કરી લીધું. ‘કુમાર’માં શરૂઆતથી જ બચુભાઈ રાવત જોડાયેલા. બચુભાઈ ગોંડલમાં શિક્ષકની નોકરી કરતા હતા અને ત્યાં ‘જ્ઞાનાંજલિ’ નામનું હસ્તલિખિત માસિક ચલાવતા. રવિભાઈની ગોંડલની મુલાકાત દરમિયાન તેમની મુલાકાત બચુભાઈ સાથે થઈ ત્યારથી આ જુવાન તેની કળા અને સાહિત્યની સૂઝને કારણે નજરમાં વસી ગયેલો. ત્યાર પછી બચુભાઈ અમદાવાદમાં આવીને વસેલા. ૧૯૨૪માં ‘કુમાર’નો આરંભ થયો એ સાથે જ ગુજરાતના સંસ્કાર વર્તુળોમાં તે લોકપ્રિય થઈ પડ્યું. તેનું મુદ્રા વાક્ય હતું ‘ઊગતી પ્રજાનું માસિક’. મુદ્રાચિત્ર તરીકે એક હાથમાં (સંયમરૂપી) લગામ અને બીજા હાથમાં (લક્ષ્યાંકની તીવ્રતાના સૂચક જેવા) ભાલાવાળો (થનગનાટના પ્રતીક જેવો) ઘોડેસવાર યુવક હતો. જો કે, આર્થિક ભીંસ તો તેને શરૂઆતથી જ નડતી હતી. બે વરસ પૂરાં થતાં ૧૯૨૫ના ડિસેમ્બરના અંકમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કુમાર’ના માથે પાંચ હજારનું દેવું છે. વાર્ષિક છ રૂપિયાના લવાજમવાળા પંદરસો ગ્રાહકો મળે તો બધું સરભર થઈ રહે. ‘કુમાર’ના ગ્રાહકોની સંખ્યા ત્યારે એક હજારની હતી. જો કે, આમાં ક્યાંક ગુણવત્તા સાથે કે મૂલ્યો સાથે સમાધાન કરવાની વાત નહોતી. બલકે તેને ઉત્તરોત્તર વધુ ને વધુ જ્ઞાનસમૃદ્ધ કરતા જવાનો નિષ્ઠાભર્યો પ્રયત્ન ચાલુ જ હતો. અનેક ચિત્રો, તસવીરો, જ્ઞાનવિજ્ઞાન, કાવ્યો, વાર્તાઓ, ઉપયોગી નુસખાઓ જેવા વૈવિઘ્યસભર વિભાગ થકી વાચકોનું ઘડતર કરવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન ઊડીને આંખે વળગે એવા હતા. પ્રકૃતિવિદ્ હરિનારાયણ આચાર્યના અભ્યાસપૂર્ણ લેખોની સાથેસાથે કવિ દલપતરામની કવિતાઓ અને તેને અનુરૂપ ચિત્રો, ચિત્રકળાનું પ્રાથમિક શિક્ષણ આપતી રવિભાઈની શ્રેણી, ધૂમકેતુની ઈતિહાસદર્શન શ્રેણી, કાકાસાહેબ કાલેલકરનાં કાકા બન્યા પહેલાંનાં સ્મરણો, ચં.ચી.મહેતાનાં ઈલા કાવ્યો, આકાશદર્શન, નૃત્યકળા, સવાલ જવાબ. આવા તો કંઈક વિષયને ‘કુમાર’ના બે પૂંઠાં વચ્ચે સમાવવામાં આવતા અને તેને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવતા. ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જીવનવ્રતને આલેખતી પ્રભુદાસ ગાંધી લિખિત શ્રેણી ‘જીવનનું પરોઢ’ પહેલવહેલી ‘કુમાર’નાં પાનાં પર પ્રસિદ્ધ થયેલી. ઊગતા ફોટોગ્રાફરોને પ્રોત્સાહન આપવાના હેતુથી ૧૯૨૫ના એપ્રિલમાં ‘કુમાર કેમેરા કલબ’ની સ્થાપના કરવામાં આવી હતી, જેમાંથી આગળ જતાં બળવંત ભટ્ટ, જગન મહેતા, પ્રાણલાલ પટેલ જેવા નામી તસવીરકારો નીખરી ઊઠ્યા. જૂન, ૧૯૨૫માં સ્થાપના કરવામાં આવી ‘કુમાર પ્રિન્ટરી’ની, જેને લઈને અત્યાર સુધી બહાર મુદ્રિત થતા ‘કુમાર’ના અંકો હવે પોતાની જ પ્રિન્ટરીમાં છપાતા થયા. આગળ જતાં આ પ્રિન્ટરી ‘કુમાર’ સિવાયનાં બહારનાં કામ પણ સ્વીકારતી થઈ. સફાઈદાર અને કલાત્મક મુદ્રણ તેની ઓળખ બની રહ્યું, જેમાં રવિભાઈની કળાની સાથે બચુભાઈની કળાદ્રષ્ટિનો સંગમ જોવા મળતો. ફિલ્મોમાં ગીતો લખીને પ્રસિદ્ધિ મેળવનાર કવિ પ્રદીપનાં કાવ્યોનો સંગ્રહ તેઓ ફિલ્મોમાં આવ્યા એ અગાઉ ‘કુમાર પ્રિન્ટરી’ દ્વારા જ છપાયેલો. તંત્રી રવિશંકર રાવળની સાથોસાથ ૧૯૨૭ના જાન્યુઆરીથી બચુભાઈ રાવતનું નામ મુદ્રક-પ્રકાશક તરીકે છપાતું થયું, જે ૧૯૩૪ના જાન્યુઆરીથી સંપાદક તરીકે છપાતું થયું. ‘કુમાર કાર્યાલય’ ખરા અર્થમાં કળા, સાહિત્યસંસ્કારનું સંગમસ્થાન બની રહ્યું. ૧૯૩૨થી ‘કુમાર કાર્યાલય’ના મેડે દર બુધવારે બુધસભાનું આયોજન થવા લાગ્યું, જેમાં અનેક કવિઓની પ્રતિભા સંવર્ધિત થઈ. કવિ પ્રદીપે પણ આ બુધસભામાં રવિભાઈની સાથે અહીં હાજરી આપેલી. આ પરંપરા હજી આજ સુધી ચાલુ રહી છે. અલબત્ત, જગાની સંકડાશને કારણે તેનું સ્થળ બદલાયું છે અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં એ યોજાય છે પણ તેનું સંચાલન તો કુમારના વર્તમાન તંત્રી ધીરુભાઈ પરીખ દ્વારા જ કરવામાં આવે છે. આમ, ૧૯૪૨ સુધી ‘કુમાર’ આર્થિક વિષમતાઓ વચ્ચેય ચાલતું રહ્યું અને તેણે પોતાનું એક આગવું સ્થાન ઊભું કર્યું છતાંય આર્થિક ભીંસ ભારે હતી, જે ખરું જોતાં શરૂઆતથી જ હતી પણ આર્થિક પાસું ગુજરાતની કદરદાન અને સંસ્કારપ્રેમી જનતા સંભાળી લેશે એ આશાએ ‘કુમાર’ સતત ઓગણીસ વરસ સુધી ચાલતું રહ્યું. છેવટે ૧૯૪૨ના ડિસેમ્બરના અંકમાં રવિશંકર રાવળે ‘કુમાર’નું પ્રકાશન બંધ કરવાનું નક્કી કર્યું અને એ અંગેની ઘોષણા કરતું ‘નિવૃત્તિ નિવેદન’ પ્રગટ કર્યું. જેના એક પાનાના લખાણમાં લખ્યું હતું : ‘પરંતુ ૧૯ વર્ષથી ‘કુમાર’ ચલાવવાને એકધારી નાણાંવ્યવસ્થા, સ્ટાફની યોજના તથા કવિઓ, કલાકારો, વિદ્વાનો, પ્રવાસીઓ, અનુભવીઓ તેમ જ સાહિત્યસૃષ્ટિનો સંપર્ક જાળવવા પાછળ એક જ વ્યકિતના યૌવનજીવનનો નિચોડ આપી દીધા પછી તેની સંખ્યા કદી ૨૦૦૦ સુધી પહોંચી નહીં એ લાંબી મજલે નિરાશાજનક બીના છે.’ એ નોંધવું રહ્યું કે ‘કુમાર’ શરૂ કર્યું ત્યારે રવિભાઈની ઉંમર ૩૨ વરસની હતી. આટલાં વરસો સુધી સંપાદક તરીકે કામ કરતા રહેલા બચુભાઈ રાવતનો ‘કુમાર’ અને તેના વાચકો સાથે એવો અભિન્ન સંબંધ બંધાઈ ગયેલો કે બચુભાઈ કોઈ પણ ભોગે ‘કુમાર’ને બંધ ન થવા દેવા માટે કૃતનિશ્ચય હતા. ઉંમરમાં રવિભાઈ કરતાં છએક વરસ એ નાના હતા. અમદાવાદના અમુક શ્રીમંતોને બચુભાઈ મળ્યા, એમને સમજાવ્યા. સૌએ ભેગા મળીને જે યોજના વિચારી તેનો અમલ પણ ત્વરિત કરી દીધો. અને ૧૯૪૨ના ડિસેમ્બરના અંકમાં પ્રસિદ્ધ થયેલા રવિભાઈના ‘નિવૃત્તિ નિવેદન’ પછી તરતના ૧૯૪૩ના જાન્યુઆરીના અંકમાં જ ‘કુમાર ચાલુ રહે છે’ની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી. આમ, એક પણ અંકનો ખાડો પાડ્યા વિના ‘કુમાર’નું પ્રકાશન ચાલુ રાખવામાં આવ્યું. ‘કુમાર’ હવે રવિભાઈની અંગત માલિકીવાળી સંસ્થાને બદલે ‘કુમાર કાર્યાલય લિમિટેડ’ નામની કંપનીમાં તબદીલ થયું અને ‘કુમાર ચાલુ રહે છે’ની નોંધની નીચે જ ‘કુમાર કાર્યાલયની પુન: રચનાની યોજનાની રૂપરેખા’ શીર્ષકથી રવિશંકર રાવળ સાથેની સમજૂતીની શરતો પ્રસિદ્ધ કરવામાં આવી. એક લાખ રૂપિયાના સૂચિત શેરભંડોળ સાથે વીસ વીસ રૂપિયાના શેર બહાર પાડવાની જાહેરાત કરાઈ. અડધોઅડધ ભરણું ભરાઈ ગયું અને એમ આ સમસ્યાનો તાત્પૂરતો ઉકેલ લાવવામાં આવ્યો. રવિભાઈએ તમામ નૈતિક સહયોગ આપવાની ખાતરી આપી. બચુભાઈ રાવતના તંત્રીપણા હેઠળ ‘કુમાર’ના અસલ મૂલ્યો અને ધોરણો યથાવત્ જળવાયાં, બલકે સમય સાથે ઓર નીખરતાં ગયાં. સાહિત્યકાર, કલાકાર, રસજ્ઞ વાચકો અને જિજ્ઞાસુઓની જે પેઢીઓ ‘કુમાર’ થકી ઘડાતી રહી છે, એ આખી પેઢીનાં નામ, તેમનું સાહિત્ય-કળામાં પ્રદાન અને તેમાં ‘કુમાર’નો ફાળો ગણાવવા બેસીએ તો અલાયદો લેખ કરવો પડે. ઉમાશંકર જોશી જયારે ‘ઉમિયાશંકર જોશી’ના નામે લખતા ત્યારે તેમનાં કાવ્યો ‘કુમાર’માં છપાતાં. કવિ સુંદરમની રચનાઓ ‘કુમાર’ની શોભા વધારતી. કવિ અરદેશર ફ. ખબરદાર, નહસિંહરાવ દિવેટિયા, કવિ કાન્ત, બ. ક ઠાકોર જેવા દિગ્ગજોની કલમપ્રસાદી ‘કુમાર’ને અવારનવાર મળતી. પછીની પેઢીના અનિલ જોશી, રમેશ પારેશ, રાજેન્દ્ર શુકલ, ચીનુ મોદી, ચંદ્રકાંત શેઠ, લાભશંકર ઠાકર જેવા કવિઓનાં ઘડતરમાં ‘કુમાર’નું મહત્વનું પ્રદાન છે. શિવકુમાર જોશીની સાહિત્યયાત્રા ‘કુમાર’ દ્વારા આરંભાયેલી. ઝવેરચંદ મેઘાણીની અવિસ્મરણીય રચના ‘કોઈનો લાડકવાયો’ પહેલવહેલી ‘કુમાર’માં જ પ્રસિદ્ધ થયેલી. કનુ દેસાઈનાં દોરેલાં ચિત્રો ‘કુમાર’નાં પાનાઓ પર જોવા મળી શકે અને એ જ પાનાઓ પર પછી ઘણી ફિલ્મોની જાહેરાતમાં કલા નિર્દેશક તરીકે કનુ દેસાઈનું નામ જોવા મળી શકે. આ ઉપરાંત સોમાલાલ શાહ, કુમાર મંગળસિંહજી જેવા નામાંકિત ચિત્રકારો ‘કુમાર’ની છાયામાં પાંગર્યા. સાહિત્યકારોનાં શબ્દચિત્રો આલેખતી વિનોદ ભટ્ટની બહુચર્ચિત અને અનન્ય શ્રેણી ‘વિનોદની નજરે’ ‘કુમાર’માં જ પહેલવહેલી પ્રકાશિત થયેલી. આવાં તો અનેક ઉદાહરણ ગણાવી શકાય. કલાકારો અને સાહિત્યકારો ઉપરાંત જિજ્ઞાસુ અને મર્મજ્ઞ વાચકોની ત્રણ-ચાર પેઢીઓનાં સંસ્કાર ઘડતરમાં ‘કુમાર’નું જબરદસ્ત પ્રદાન છે. આવા જ એક મર્મજ્ઞ વાચક એવા સુરતના રમેશ બાપાલાલ શાહે એક દાયકાની જહેમતથી કમ્પ્યુટર પર ‘કુમારકોશ’ તૈયાર કર્યો છે, જેમાં ‘કુમાર’ના તમામ અંકોમાં પ્રકાશિત લેખોનું વિષયવાર વર્ગીકરણ ઉપરાંત આધુનિક યુગના માઘ્યમ કમ્પ્યુટરનો ઉપયોગ કરીને અનેક ઓડિયો તેમ જ વીડિયો ફાઈલો ઉમેરીને મૂલ્યવૃદ્ધિ કરી છે. ‘કુમાર’માં પ્રસિદ્ધ થયેલા લેખોને રમેશભાઈએ જે વિષયવાર વર્ગીકૃત કર્યા છે તેની સૂચિની આછેરી ઝલક લેવાથી તેના વ્યાપનો ખયાલ આવી શકશે. ભારતના શિલ્પસ્થાપત્ય, દુનિયાભરનાં શહેરોનો પરિચય, પશુ-પક્ષીઓનો પરિચય, વૃક્ષ-વેલ પરિચય, ઔષધિઓના પરિચય, વર્ષભરના તહેવારો, ભારતની વૈજ્ઞાનિક સંસ્થાઓ, સિદ્ધહસ્ત લેખકો દ્વારા લખાવાયેલા ભારતનાં અને દુનિયાનાં પ્રવાસવર્ણનો, ચારિત્ર્ય ઘડતરના અઘ્યાત્મ વિષયને ઉજાગર કરે તેવા લેખો, જીવનને ઘ્યેય આપે એવા મહાપુરુષોનાં જીવનચરિત્રો, કાવ્યના બધાં જ પ્રકાર શીખવા માટે પાંચેક હજાર કાવ્યો અને એમાં પણ ઘણાં કાવ્યો સમજણ-આસ્વાદ સાથે શાસ્ત્રીય સંગીતની પ્રમાણભૂત લેખમાળાઓ, ચિત્રકળાના પાઠ, ગુજરાતી શોર્ટ હેન્ડ શીખવા માટેની લેખમાળા, ‘ચાલો અંગ્રેજી શીખીએ’ની લેખમાળા, આરોગ્ય વિજ્ઞાન, રોગોપચાર માટેની લેખમાળા, શરીરવિજ્ઞાનની લેખમાળા, સંસ્કૃત નાટકોનો રસાસ્વાદ કરાવતી, શેકસપિઅરનાં કથાનકોનો પરિચય કરાવતી તેમ જ અંગ્રેજી સાહિત્યની ઉત્તમ નવલકથાઓનો પરિચય કરાવતી લેખમાળાઓ, અંગ્રેજી સાહિત્યકારોનો તલસ્પર્શી પરિચય કરાવતી દીર્ઘ લેખમાળા, નાટકની કળાનાં વિધવિધ પાસાઓ સમજાવતી લેખમાળા, ભારતીય ફિલ્મનો રસભર ઈતિહાસ, ક્રિકેટ કેમ રમવું એની ઝીણવટભરી સમજણ, અનેક એકશન-ચિત્રો સહિતની લેખમાળા, ગુજરાતીમાં પ્રૂફ સુધારવાની સમજભરી જાણકારી અને એવા બીજા અનેક વિષયો. આ અને આવા અનેક વિષયોનું આલેખન ‘કુમાર’નાં પાને જોવા મળે. આવા જ અન્ય એક કુમારપ્રેમી મુંબઈના નવનીતરાય આર. ત્રિવેદી (હીરાબહેન ચેરિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ)ના કુમારપ્રેમને લઈને કુમારચંદ્રક ૨૦૦૩થી સુવર્ણચંદ્રક બન્યો. જેનું મૂલ્ય અને મહત્તા બહુ ઊચાં ગણાયાં છે એવા આ કુમાર ચંદ્રકની સ્થાપના ૧૯૪૪માં થઈ હતી અને વર્ષભરના અંકોમાં કરેલાં શ્રેષ્ઠ પ્રદાન બદલ તે પ્રદાન કરવામાં આવે છે. એક રીતે જોતાં ‘કુમાર’નું પોતાના પરનું ઋણ ઉતારવાની જ આ ચેષ્ટા કહી શકાય પણ આ બધી ઊજળી બાજુની સમાંતરે સૌથી ચિંતાજનક વાસ્તવિકતા હતી કંપનીનું સતત વધતું જતું દેવું, જેની શરૂઆત ૧૯૭૨-૭૩થી થઈ ગયેલી અને આગળ જતાં વધીને તે છ લાખે પહોંચેલું. ‘કુમાર’નો પર્યાય બની ગયેલા બચુભાઈનું ૧૯૮૦માં અવસાન થયું ત્યારે તેમની ઉંમર હતી ૮૨ વર્ષ. બચુભાઈની ચિરવિદાય પછી સહતંત્રી તરીકે સેવાઓ આપતા બિહારીભાઈ ટાંકે તંત્રીપદ સંભાળ્યું. આમ તો, એક યા બીજાં કારણોસર ‘કુમાર’નું પ્રકાશન અનિયમિત થવા લાગ્યું હતું, છતાં તે સાવ બંધ થયું નહોતું. કયારેક બે મહિનાના ભેગા અંક નીકળતા. જો કે, સૌને લાગતું હતું કે હવે ઝાઝું ખેંચી શકાય એમ નથી પણ આ કંપની હતી અને તેને એમ આટોપી ન લઈ શકાય. તેના કર્મચારીઓને વળતર પણ ચૂકવવું પડે, જેની રકમ ઘણી મોટી થાય. ડિરેકટર બિહારીલાલ પોપટલાલ શાહ, હીરાલાલ હરિલાલ ભગવતી જેવા શ્રેષ્ઠીઓ અને નામાંકિત ધારાશાસ્ત્રી ભાલચંદ્ર રતિલાલ શાહ જેવા મહાનુભાવોએ છેવટે બધું આટોપી લેવાનું નક્કી કરી લીધું. ભાલચંદ્રભાઈએ અને બીજાઓએ કુનેહથી કામ લીધું. સમજાવટથી મામલો થાળે પાડયો. કર્મચારીઓ છૂટા થયા. કંપનીનું કામકાજ સમેટાઈ ગયું અને કુમારનું પ્રકાશન જુલાઈ ’૮૭ થી બંધ થયું. ગુજરાતના સંસ્કારજીવનના એક સુવર્ણ અઘ્યાયનું જાણે કે સમાપન થયું. ‘ગરવી ગુજરાત’, ‘ગુજરાતની અસ્મિતા’ જેવાં રૂપાળાં વિશેષણો આત્મગૌરવ લેવા માટે બરાબર છે પણ કઠોર વાસ્તવિકતા એ હતી કે સંસ્કારપ્રિય ગુજરાતી પ્રજા આવા એકે હજારા જેવા અનન્ય માસિકને નિભાવી કે ટકાવી શકી ન હતી. ‘કુમાર’ના અનેક ચાહકો માટે આ આઘાત જીરવી ન શકાય એવો હતો. ‘કુમાર’ બંધ થયું કે વાચકોના પત્રોનો મારો શરૂ થઈ ગયો અને ‘કુમાર’ને ફરીથી શરૂ કરવાની વિનંતીઓ - આગ્રહ થવા લાગ્યાં. આવા આગ્રહીઓની સંખ્યા કદાચ ઓછી હશે પણ તેની તીવ્રતા એટલી બધી હતી કે તેની સાથે સંકળાયેલા સૌને લાગ્યું કે કંઈ પણ થાય, ‘કુમાર’ને ફરીથી શરૂ કરવું રહ્યું. એ રીતે ધીરુભાઈ પરીખને ‘કુમાર’નું સંચાલન-સંપાદન સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો. ધીરુભાઈ મૂળભૂત રીતે કવિ અને બચુભાઈ રાવતના પ્રીતિપાત્ર તેમ જ ‘કુમાર’ સાથે સંકળાયેલા હતા. અને ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનના અઘ્યક્ષ તરીકે કામગીરી સંભાળતા હતા. કંપનીના ડિરેકટરોએ ધીરુભાઈને ‘કુમાર’નું સુકાન સંભાળવાની વિનંતી કરી. રવિભાઈએ શરૂ કરેલી અને બચુભાઈએ આગળ વધારેલી ઉજજવળ પરંપરા નિભાવવાની પૂરેપૂરી સજજતા સાથે ધીરુભાઈએ એ જવાબદારી સ્વીકારી. ‘કુમાર’ના ચાહકો-શુભેરછકોને તેમણે, બચુભાઈ રાવતના પુત્ર અશોકભાઈ રાવત તેમ જ બિહારીભાઈ ટાંકની સાથે મળીને પત્રો લખવા માંડ્યા. આ રીતે વાચકોનો પ્રતિભાવ પણ મળવા માંડયો અને ગ્રાહકો નોંધાવા માંડ્યા. એ રીતે લગભગ ત્રણ વરસના અંતરાલ પછી ઓગસ્ટ, ૧૯૯૦માં ‘કુમાર’ ફરીથી શરૂ થયું. આ એક અનન્ય ઘટના હતી. ભલે લઘુમતીમાં, પણ એવા તીવ્ર ચાહકો ‘કુમાર’ના હતા કે જેમની માગણીને લઈને ‘કુમાર’ ફરી શરૂ થયું હતું. ‘કુમાર’ને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય એ હેતુથી ૧૯૯૮માં ‘કુમાર ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી અને સ્થાયી ફંડ એકઠું થઈ શકે એ માટે ગુજરાતનાં વિવિધ ક્ષેત્રના સિત્તેરેક જેટલા અગ્રણીઓની સહી સાથે અપીલ જારી કરવામાં આવી. ૨૦૦૨માં ‘કુમાર’નો અમૃત મહોત્સવ ઊજવાયો. એ પછીનાં વરસોમાં પચીસ લાખના ભંડોળનું લક્ષ્યાંક સિદ્ધ કરી શકાયું પણ હવે વધતી મોંઘવારીને લઈને એ લક્ષ્યાંક પચાસ લાખનો કરવો પડે એ સ્થિતિ છે. એપ્રિલ, ૨૦૧૧માં ‘કુમાર’નો ૧૦૦૦મો અંક પ્રકાશિત થયો અને હાલ તે ખોટમાં નથી, એટલું આશ્વાસન લઈ શકાય. ૭૮ વરસના ધીરુભાઈ પરીખ કુશળતાપૂર્વક ‘કુમાર’નું સંપાદન કરી રહ્યા છે. હવે તો ૨૦૦૪ સુધીના ‘કુમાર’ના કુલ ૯૨૪ અંકો ડિજિટલ સ્વરૂપે પણ સુલભ છે. આટલાં વરસ પછીય એ અંકોની સમૃદ્ધિ વિસ્મય પમાડે એવી નાવીન્યસભર જણાય છે. ‘ઊગતી પ્રજાનું માસિક’ તરીકે આરંભાયા પછી ‘આવતી કાલના નાગરિકોનું અગ્રણી માસિક’ તરીકે વિકસતું રહેલું અને હવે ‘પૂરા પરિવારનું સુરુચિપૂર્ણ સામયિક’ બનેલું આપણા સંસ્કારવારસા જેવું આ બહુમૂલ્ય માસિક હવે ચાલુ રહે એ જોવાની ફરજ શું આપણા સૌની નથી? શું છ કરોડની ગુજરાતની વસ્તીમાંથી એક ટકોય વાચકો એવા ન નીકળે કે જે આવા અમૂલ્ય વારસાનું જતન અને સંવર્ધન કરે? ગુર્જરરત્ન, બીરેન કોઠારી

X
Gurjarratna, Biren Kothari kumar magazine
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App