તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિમાલય એ જ શિવાલય!: ‘ભગવાન તને સો વર્ષનો કરશે, બેટા!’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હિમાલય એ જ શિવાલય!

- હિમાલયની ગોદમાં ક્યાંક બચી ગયેલા ભૂખા ને તરસ્યા પરિવાર સુધી હેલિકોપ્ટરમાં પહોંચેલા કોઇ દેવદૂતે મદદ પહોંચાડી હશે ત્યારે મૃત્યુના જડબામાંથી ઊગરી ગયેલાં માતાપિતાના આશીર્વાદ પામેલા એ અજાણ્યા જવાનને કાને શબ્દો સંભળાયા હશે: ‘ભગવાન તને સો વર્ષનો કરશે, બેટા!’


હિમાલયના કોઇ પણ તીર્થસ્થાને જઇને પાછો ફરેલો મનુષ્ય, પહેલાં હતો તેવો ને તેવો જ રહે એ શક્ય નથી. થોડાક દિવસો વીતે પછી એ હતો તેવો જ બની જાય, તો એમાં હિમાલયનો કોઇ વાંક ખરો? ધરતી પર ફરવા ટેવાયેલો મનુષ્ય ખૂબ જ ઊંચા શિખર પર પહોંચે ત્યારે એ વિરાટ આકાશના સીધા પરિચયમાં આવે છે. ઊંચાઇ ભલે સ્થૂળ હોય, પરંતુ એ માણસમાં પડેલી સૂક્ષ્મ ઊંચાઇને જગાડવામાં મદદરૂપ થતી જણાય છે. વિરાટનું સાંનિધ્ય આપણી ભીતર સૂતેલી વિરાટતાને જગાડવાની શક્યતા ધરાવનારું છે. આવી શક્યતા નાસ્તિક માટે પણ ખુલ્લી છે. આસ્તિક માટે તો હિમાલય એ જ શિવાલય!

નગાધિરાજ હિમાલય વિરાટ ખરો, પરંતુ ઉંમરમાં ખાસો નાનો છે. અર્બુદાચલ કે ગિરનાર જો હિમાલયને પત્ર લખે તો પત્રમાં, ‘ચિરંજીવી હિમાલય’ એવું સંબોધન કરે. કોઇ ઊંચો અને કદાવર પહેલવાન અત્યંત લાગણીશીલ હોવાને કારણે ડૂસકે ચડી જાય ત્યારે લોકોને આશ્ચર્ય થાય છે. વાત એમ છે કે હિમાલયના તોતિંગ ખડકો પણ અંદરથી ભંગુર (fragile) છે. પરિણામે સમગ્ર હિમાલયની ઇકોલોજી માતૃહૃદયા છે. હિમાલય એક એવો રુઆબદાર પિતા છે, જેનું હૃદય કોમળ છે. કલ્પના કરવા જેવી છે. હિમાલય જેવી વિરાટ ઓવરહેડ ટેન્ક ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, સિક્કીમ, તિબેટ અને ચીનનાં કેટલાં ગામોમાં વસનારા અબજો લોકોની તરસ િછપાવે છે? હિમાલયે કેટલાં ખેતરોમાં પાણી પહોંચાડ્યું હશે? શિમલા ખાતે આવેલી હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીનું ગેસ્ટહાઉસ સમરહિલના નાનકડા શિખર પર આવેલું છે.

ગેસ્ટહાઉસથી માંડ પચાસ ડગલાં દૂર આવેલા રાજકુમારી અમૃત કૌરના ઘરે મહાત્મા ગાંધી થોડાક દિવસ રહેલા. એ ગેસ્ટહાઉસના રૂમની બાલ્કનીમાં વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે ગરમ ગરમ કોફીની ચુસકી લેતી વખતે સામે ઊભેલા હિમાલયને નિહાળીને ઉદ્ગાર નીકળી પડ્યો હતો: ‘મેરે સામને યહ બાદશાહોં કા બાદશાહ ખડા હૈ.’ યુનિવર્સિટીમાં આપેલા પ્રવચનની શરૂઆત જ આવા ઉદ્ગારથી કરી હતી. પ્રવચનમાં હિમાલયને મેં એશિયાની સૌથી ‘ભવ્ય અને દિવ્ય યુનિવર્સિટી’ તરીકે બિરદાવ્યો હતો. હિમાલયમાં આવેલી એક પણ ગુફા એવી નહીં હોય, જેમાં કોઇ સાધુએ તપસ્યા ન કરી હોય. આવું આપણે આલ્પ્સ કે કિલિમાંજારો માટે કહી શકીએ ખરાં? વિચારવું પડશે.

શિવનું તાંડવનૃત્ય ઉત્તરાખંડમાં સર્વનાશ વેરતું ગયું. શું આ આપત્તિ માનવ-સર્જિત હતી? પર્યાવરણવાદી મિત્રોની બધી વાતો માનશો નહીં. પૃથ્વી પર પ્રથમ વાર બે પગ પર ટટ્ટાર ઊભેલો મનુષ્ય (હોમો ઇરેકટ્સ) ચાલવા માંડયોઅને એણે માનવ-ઈતિહાસમાં સૌથી પહેલું વૃક્ષ કાપ્યું તે પહેલાં પણ આવી પ્રલયકારી ઘટનાઓ બની હતી. કાલે ઊઠીને પૃથ્વી પ્રદૂષણમુકત થઇ જાય, તોય ક્યારેક આભ ફાટે એવું બને તે અશક્ય નથી. કેટલાંય પહાડી ગામ તબાહ થઇ ગયાં છે. હવે પછી ત્યાં ગ્રીનગ્રામ કે ઇકોગ્રામ નિર્માણ પામે તેવું આયોજન થવું જોઇએ. હિન્દુ પ્રજા પોતાનાં તીર્થધામોને સ્વચ્છ રાખવા માટે પ્રતબિદ્ધ ખરી? પ્રવીણ તોગડિયાને તીર્થધામોમાં નિરાંત ભોગવતી ગંદકી ક્યારે પણ ખૂંચે ખરી? એ ગંદકી આર.એસ.એસ., વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદળને ખટકે ખરી? ગુજરાતના એક તીર્થસ્થાનમાં મોટા પાયા પર તૈયાર થતો પ્રસાદ જે રસોડામાં બને ત્યાંની ગંદકી વચાળે અટવાતા વાંદાઓ તમે જોયા છે?

વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથના શિવલિંગથી માંડ પચ્ચીસ ફૂટ છેટે પોદળો મૂકતી ગાય તમે જોઇ છે? ત્યાં ગંગાના કિનારે આવેલા દશાશ્વમેધ ઘાટ પર વહેતી નદી પર તરતી વિષ્ટાની પથારી તમે જોઇ છે? ગંગામાં ઠલવાતી ગંદકીમાં (લઘુમતી) બિનહિન્દુ લોકોનો ફાળો કેટલો? હિન્દુ તીર્થધામોમાં આવેલી ધર્મશાળાઓમાં રહેનારા લોકો માટેનાં સંડાસ-બાથરૂમ આઇનોક્ષ થિયેટરોમાં જળવાતાં પેશાબખાનાંથી ઓછાં સ્વચ્છ શા માટે? શ્રી મોહન ભાગવતને આ પ્રશ્નો ખલેલ પહોંચાડે ખરા? થોડાંક સૂચનો કરવાની ગુસ્તાખી માટે મિથ્યાભિમાની હિન્દુત્વના સ્વનિયુકત કોન્ટ્રાક્ટરો મને માફ કરશે? સાંભળો:

તીર્થધામોની ગંદકીમાં પૂજારી દ્વારા ફોડવામાં આવતાં નાળિયેરનો ફાળો સવિશેષ હોય છે. ટ્રક ભરીને ઠલવાતાં અસંખ્ય નાળિયેર દેવપ્રયાગ થઇને કેદારનાથ સુધીનાં બધાં ગામોમાં પહોંચે છે. વર્ષો પહેલાં ડૉ. કાંતિલાલ કાલાણી અને ડૉ. સત્યદેવ પટેલના પરિવાર સાથે મારો પરિવાર કેદારનાથ પહોંચેલો. કેદારનાથના શિવલિંગની ફરતે પ્રદક્ષિણા કરનારો સરી પડે તેવું ચીકણું-ચોપડું તિળયું ફ્રેકચર માટેની અનુકૂળતા કરનારું હતું. નાળિયેર ફોડવાની પ્રથા દૂર થાય કે પછી નાળિયેર રીસાઇકલ થાય તેવી વ્યવસ્થા ગોઠવી શકાય. કોણ વિચારશે? બુદ્ધતીર્થ સારનાથમાં ગંદકી કેમ નથી?

તીર્થધામોના મોટા ભાગના કચરા માટે પૂજા પછી સતત ઠલવાતાં પુષ્પો જવાબદાર છે. ગંગાના પ્રદૂષણમાં પુષ્પો પછીના નંબરે સ્મશાનભસ્મ આવે છે. ગંગા પવિત્ર છે, પરંતુ એમાં રોજ ઠલવાતો કચરો પવિત્ર નથી. ભગવાંધારી સાધુજનો ગંગાકિનારે આશ્રમો સ્થાપવામાં જબરો ઉત્સાહ બતાવે છે, પરંતુ ગંગામાતાનો પ્રવાહ નિર્મળ રહે તેની દરકાર કરવા જેટલી ધાર્મિકતા તેમની પાસે ક્યાંથી?

તમે ટીવી પર પત્તાંના મહેલની માફક ભેખડ પરથી જોરદાર જલપ્રવાહમાં વિલીન થતાં પાકાં મકાનો જોયાં? હિમાલયની ભેખડો બેકરીમાં તૈયાર થતી નાનખટાઇ જેટલી જ નક્કર જાણવી. હવે જે નવાં મકાનો બંધાય તેની રચના અને જગ્યા હિમાલયની ઇકો-સીસ્ટમને ખ્યાલમાં રાખીને નક્કી થવી જોઇએ. યાદ રહે કે માનવી પોતાની અક્કલ કામે લગાડે તેની સામે ભગવાન શિવને કોઇ જ વાંધો નથી. સૂર્યશક્તિથી પ્રાપ્ત થતી વીજળી વધારે ખપ લાગે.

કેદારનાથનું મંદિર નવેસર બંધાય ત્યારે એની ડિઝાઈન કેવી હોય? વડોદરામાં જે ઇ.એમ.ઇ. ટેમ્પલ છે તેનું કુલ વજન કલ્પનામાં ન આવે તેટલું ઓછું છે. કેદારનાથના નવા મંદિરનું પરિસર તજ્જ્ઞોની સલાહ મુજબ નિર્માણ પામે તો સારું. કેટલાક વિચારકોએ ભગવાન શંકરને માનવ-ઈતિહાસના સૌપ્રથમ માકર્સવાદી ગણાવ્યા છે. તેઓને વૈરાગ્ય ખપે, વૈભવ ન ખપે. આપણું કોણ સાંભળે?

આજે ૨૫મી જૂન છે. કટોકટી લાદવાનું મહાપાપ ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. હિમાલય જેવડી આપત્તિ વખતે આપણા લશ્કરના જવાનો દેવદૂત બનીને સાક્ષાત્ જોખમના એપિસેન્ટર સુધી પહોંચી ગયા. એમની વીરતાને વંદન! (આજે જ વડાપ્રધાન અને સોનિયા ગાંધી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે ગયાં છે. મુલાકાતના ત્રણ દિવસ પહેલાં આંતકવાદીઓએ આપણા બે જવાનોની હત્યા કરી. મુલાકાતની પૂર્વસંધ્યાએ એ સેતાનોએ આપણા આઠ જવાનોની હત્યા કરી નાખી). આપણે માટે મરનારા આ બહાદુર રક્ષકોના માનવ-અધિકારોની ચિંતા કરે એવા કર્મશીલની દેશને પ્રતીક્ષા છે. જવાનને માણસનો દરજજો ન આપે અને આતંકવાદીને આપે તેવા મહામૂર્ખ બૌદ્ધિકને શું કહેવું? હિમાલયની ગોદમાં ક્યાંક બચી ગયેલા ભૂખા ને તરસ્યા પરિવાર સુધી હેલિકોપ્ટરમાં પહોંચેલા કોઇ દેવદૂતે મદદ પહોંચાડી હશે ત્યારે મૃત્યુના જડબામાંથી ઊગરી ગયેલાં માતાપિતાના આશીર્વાદ પામેલા એ અજાણ્યા જવાનને કાને શબ્દો સંભળાયા હશે: ‘ભગવાન તને સો વર્ષનો કરશે, બેટા!’‘

પાઘડીનો વળ છેડે

અચલાય નમ: (શિવ અચલ છે).
અકૃત્રિમાય નમ: (શિવ અકૃત્રિમ છે).
ગંગાધરાય નમ: (શિવ ગંગાને ધારણ કરનારા છે).
નિષ્પ્રપંચાય નમ: (શિવ પ્રપંચરહિત છે).
મહૌષધાય નમ: (શિવ મહાન ઔષધ છે).
મેઘાય નમ: (શિવ મેઘસ્વરૂપ છે).
લોકનાથાય નમ: (શિવ લોકનાથ છે).
વૃક્ષાકારાય નમ: (શિવ વૃક્ષસ્વરૂપ છે).
શિવાલયાય નમ: (શિવ એ જ શિવાલય!).
અનાકુલાય નમ: (શિવ અનાકુલ છે).
‘શિવસહસ્રનામ’માંથી.
નોંધ: વિષ્ણુ અનુકૂલ છે, જ્યારે શિવ અનાકુલ છે.

Blog:http://gunvantshah.wordpress.com