Home » Magazines » Sunday Bhaskar » gujarat artguru autobiography

ગુજરાતના કલાગુરુની આત્મકથા

Divyabhaskar.com | Updated - Sep 15, 2010, 01:50 AM

ર.મ.રા. એટલે રવિશંકર મહાશંકર રાવળ એટલે ગુજરાતના કલાગુરુ. ગુજરાતમાં ૨૦મી સદીની શરૂઆતથી કલાજગતમાં જે નવાં પ્રયાણ થયાં, તેમાં ર.મ.રા.ની...

  • gujarat artguru autobiography
    gujarat artguru autobiographyર.મ.રા. એટલે રવિશંકર મહાશંકર રાવળ એટલે ગુજરાતના કલાગુરુ. ગુજરાતમાં ૨૦મી સદીની શરૂઆતથી કલાજગતમાં જે નવાં પ્રયાણ થયાં, તેમાં ર.મ.રા.ની અગ્રેસર તરીકેની ભૂમિકા છે. અમદાવાદમાં લો ગાર્ડન નજીક સરકારે એક ભવ્ય ઇમારત કલાપ્રવૃત્તિઓ માટે કલાગુરુ રવિશંકર રાવળના નામ સાથે જોડીને બનાવી છે. આ એક તો એમનું ભૌતિક સ્મારક ખરું, પણ એમનું બીજું જીવંત સ્મારક એટલે ગુજરાતના સંસ્કાર જીવનમાં જેનો છેલ્લા આઠ દાયકાથી અમૂલ્ય ફાળો છે, તેવું ‘કુમાર’ માસિક. આજે પણ તે રવિશંકર રાવળે યુવાવયે સ્થાપેલા કુમાર કાર્યાલય, રાયપુરથી પ્રગટ થાય છે. થોડા માસ પછી તેનો ૧૦૦૦મો અંક પ્રગટ થશે. રવિશંકર રાવળ ‘કુમાર’ના આધ્યતંત્રી હતા, જે પછી બચુભાઇ રાવતના તંત્રીપદે કળા સાહિત્યનું ઉત્તમોત્તમ માસિક બની રહ્યું, આજે ધીરુ પરીખ એટલી જ સંનિષ્ઠાથી કુમારનું સંપાદન કરે છે. ર.મ.રા. મુખ્યત્વે તો કલાકાર, કલામીમાંસક પણ એમણે પીંછીની સાથે કલમ પણ ચલાવી જાણી છે. ભાવનગરમાં ૧૮૯૨માં જન્મેલા રવિશંકર રાવળે મેટ્રિક પછી મુંબઇ આર્ટ સોસાયટીમાં ચિત્રકળાનો અભ્યાસ કર્યો હતો, જ્યાં તેઓ મેયો મેડલથી સન્માનિત થયા હતા. કલા અને સાથે સાહિત્ય માટેની પ્રીતિ એમને ગુજરાતના એક વખતના અત્યંત પ્રસિદ્ધ, જોકે અલ્પજીવી, વીસમી સદી માસિકના તંત્રી હાજી મહમ્મદ અલારખિયાના પરિચયમાં આવતાં ખીલી અને ‘કુમાર’ જેવું માસિક કાઢવાની પ્રેરણા મળી. ર.મ.રા.ને એમની કલાપ્રવૃત્તિ માટે ૧૯૩૦નો રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. જે રણજિતરામના નિકટ પરિચયમાં પણ તેમને આવવાનું બન્યું હતું. એક કલાકાર તરીકે ર.મ.રા. ચિત્રો તો દોરે જ, પણ તેમણે અનેક કલાધામો-દેશનાં તથા વિદેશનાં-ની મુલાકાતો લીધી અને એ વિશે ‘કલાકારની સંસાર યાત્રા’ અને ‘મેં દીઠા’ જેવા પ્રવાસગ્રંથો આપ્યા, જેમાં અનેક ચિત્રકારોને તેમણે રજૂ કર્યા છે. ‘અજંતાના કલામંડપો’માં તેમણે આ ગુફાઓની અનુપમ ચિત્ર સૃષ્ટિનો સચિત્ર પરિચય કરાવ્યો છે. ર.મ.રા. સાહિત્યસભા અને ગુજરાતી સાહિત્ય પરિષદ, લેખકમિલન (હવે બંધ) સાથે જોડાયેલા રહેતા અને ઘણાં સંમેલનો અધિવેશનોમાં જતા અને ચુપચાપ એક સ્થળે લગભગ સંતાઇને અનેક લેખકોના સ્કેચ કરતા. સાહિત્ય સાથે એવો ઘરોબો કે એમણે ‘ક.મા. મુનશીની પાત્રસૃષ્ટિ’ નામથી મુનશીની નવલકથાઓ નાટકોનાં પાત્રોને મુનશીએ આલેખેલ ચરિત્રચિત્રણ પરથી પૂર્ણરંગી ચિત્રોનું આલબમ મુનશીની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે તૈયાર કર્યું હતું, જેમાંના મુંજાલ મહેતાના ચિત્રણને સ્વયં એના લેખકે કહેલું છે કે બરાબર એમની કલ્પનામાં જે મુંજાલ છે, તે રવિશંકર રાવળના ચિત્રમાં પ્રકટ્યા છે. સાહિત્યકૃતિઓનું ઊંડું પરિશીલન ન હોય તો આવાં અભિનંદન ન મળે. આપણા આ કલાગુરુ રવિશંકર રાવળે એક મહત્વનું પુસ્તક આપણને આપ્યું હતું અને તે હતું તેમનું ‘આત્મકથનાત્મક’ જે ‘કુમાર’માં ક્રમશ: પ્રકટ થયું હતું. તેમની એ આત્મકથા તો તેઓ ૧૯૧૦માં મેટ્રિક થયા ત્યાં સુધીની હતી. ‘કુમાર’માં પછી પણ એ પછીના જીવનાનુભવોની વાતો એમણે લખી છે, પણ તે ગ્રંથસ્થ મહાગ્રંથ રૂપે વર્ષ ૨૦૦૦માં થાય છે. કલારવિ ટ્રસ્ટ અને આર્ચર હાઉસ ગુરુકુળ રોડ અમદાવાદ (૩૮૦૦૫૨) તરફથી-જેનું નામ છે: ‘ગુજરાતમાં કલાનાં પગરણ’. આ ગ્રંથમાં ર.મ.રા.ની પૂરી આત્મકથા છે. જેમાં અગાઉનું ‘આત્મકથનાત્મક’ સમાવિષ્ટ છે. આ આત્મકથામાં ર.મ.રા.એ માત્ર કલમ જ નથી ચલાવી, પાને પાને જે જે વ્યક્તિઓની વાત આવે છે, જે જે પ્રસંગો, લગ્નપ્રસંગો કે જમણવારના પ્રસંગો કે અધિવેશનો કે કલાધામોનો ઉલ્લેખ આવે છે તે બધાના અગણિત સ્કેચ અહીં ઉત્તમ રીતે ગુંથાયા અને છપાયા છે. ઉપરાંત કલારવિ ટ્રસ્ટના સેક્રેટરી અને ર.મ.રા.ના ભત્રીજા જનાર્દન રાવળની નગિરાણીમાં અહીં બાર પૂર્ણરંગનાં આર્ટપ્લેટ પર છાપેલાં ચિત્રો છે. જેમાં મુંજાલનું પણ છે. લેખક શરૂઆત કરે છે પોતાની પેઢીના પૂર્વ પુરુષોથી, પણ પછી શૈશવનાં, બાલ્યાવસ્થાનાં કિશોરકાળનાં અને હાઇસ્કૂલના મેટ્રિકના થયા (એકવાર નાપાસ થયેલા) સુધીનાં સ્મરણોનું સ્કેચો સહિત આલેખન છે. ચિત્રાંકન સાથે લખવાની આ પેટર્નથી ૧૯૩૫ સુધીનાં સ્મરણો છે. પણ ર.મ.રા નામની એક વ્યક્તિ-અથૉત્ ચરિતનાયક કેન્દ્રમાં હોય ભલે, પરંતુ આ ગ્રંથમાંથી પસાર થતાં આશ્ચર્યભર્યા મનુષ્યલોકનાં દર્શન થાય છે. એ સમયગાળાનું આખા ગુજરાતનું જીવન તેમાં રક્તમાંસ સહિત જાણે જીવંતતાથી ધબકે છે. કુટુંબની કથામાં પરિવારની વાત પણ જાણે એ સમયની સામાજિક ભૂમિકા સાથે આવે છે. પિતાજી પોસ્ટ ખાતમાં હતા, બદલીઓ થાય તેમ તેમ નવાં શહેર-ગામમાં જવાનું થાય. ભાવનગર ઉપરાંત આ એ સમયનાં ગામ, કસબા અને નગરોનું એક કલાકારની સ્મૃતિઓમાં જે રૂપે સચવાયાં છે, તેમનાં ઓછા શબ્દોમાં સુરેખ શબ્દચિત્રો રચાયાં છે. એ સમયની શાળાઓ, શિક્ષકો, રાજા મહારાજા, પોતાના સહપાઠીઓ, શેરીના છોકરા અને મિત્રોની સહૃદયતાપૂર્વક નોંધ લેવાઇ છે. એ સાથે પોતા (ર.મ.રા.) પર કલાના અને સાહિત્યના સંસ્કારો પડવાની શરૂઆત કેવી રીતે થઇ તે આલેખ્યું છે. એ સાથે રાષ્ટ્રીય વાતાવરણ જેમાં બંગભંગ અને વંદેમાતરમ્નો પ્રથમ ગુંજી ઊઠેલો ધ્વનિ ર.મ.રા.ના સ્મૃતિલોકમાંથી ઝીણી ઝીણી વિગતો સાથે સ્થાન પામ્યો છે. એક વ્યક્તિના જીવનમાં પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ જેમ ઝિલાયાં છે તેમ અહીં ચિત્રિત છે. આંકડામાં વાત કરીએ તો ૬૭૭ જેટલાં પ્રસંગચિત્રો, વ્યક્તિચિત્રો રોયલ આકારનાં ૪૦૦ પાનામાં અંકિત છે. તેમાં અ-ખ્યાત ભાઇબંધોથી માંડી ગુજરાત અને દેશના વંધ્ય પુરુષોની સ્મૃતિ છે. રવીન્દ્રનાથ છે, ગાંધીજી તો હોય જ, એમાં પણ ગાંધીજીની ૫૦મી જન્મજયંતી અવસરે ન્હાનાલાલે લખેલું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય વીસમી સદીમાં છપાય, તો ગાંધીજીનો તાજો સ્કેચ તંત્રી હાજી મહમ્મદની ઇચ્છાથી યુવાન ચિત્રકાર આશ્રમમાં જઇ ગાંધીજીનો જે ત્વરાથી સ્કેચ કરે છે, તેનું રસપ્રદ બયાન છે. રવીન્દ્રનાથ ટાગોર અમદાવાદમાં આવ્યા તે પ્રસંગ અને પોતે શાંતિનિકેતન ગયા તેની પણ વાત છે. ર.મ.રા. કહે છે કે રાષ્ટ્રીય ભાવના સાથે જ ગુજરાતમાં કલાપ્રવૃત્તિ વિકસી છે એટલે અવનીન્દુનાથ જેવા અને મોટા ચિત્રકારો સાથે ગુજરાતના ર.મ.રા.ના સમકાલીનો વિશે સમભાવપૂર્વક લખાયું છે. અમદાવાદમાં એમના દ્વારા ચિત્રકૂટની સ્થાપના દ્વારા કલાપ્રવૃત્તિને ગુજરાતમાં વેગ મળ્યો છે. તેની નિદંર્ભ રીતે વાત કરી છે. આટલું મોટું અને રંગીન ચિત્રો સાથેનું આ પુસ્તક માત્ર ૩૦૦ રૂપિયામાં આપી કલારવિ ટ્રસ્ટે અભિનંદનીય કામ કર્યું છે. ‘ગુજરાત વાંચે’ અભિયાનમાં રસિકો આ ગ્રંથ વાંચે એવી અપેક્ષા છે. સાહિત્ય વિશેષ, ભોળાભાઇ પટેલ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Magazines

Trending