ફિલ્મોનાં પોસ્ટરોનું ‘ઝીણું-ઝીણું’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
પોસ્ટરના નીચલા ભાગમાં, પાતળા પાતળા, મચ્છરોની ટાંગ જેવા અક્ષરે આટલાં બધાં નામો કોનાં હોય છે? 
પહેલાં તો મને એ કહો કે આપણા મોબાઇલોમાં જે સવા બે ઇંચ બાય સાડા ત્રણ ઇંચની નાનકડી ‘ઇમેજ’ આવી પડે છે તેને ‘પોસ્ટર’ કયા હિસાબે કહે છે? (પાછું એની નીચે લખ્યું હોય: ક્લિક એન્ડ ઝૂમ!)
અલ્યા ભાઈ, પોસ્ટરો તો દીવાલો પર લાગે, ફ્લાય ઓવરના પિલરો ઉપર લાગે, પાનના ગલ્લાઓનાં પતરાં ઉપર લાગે, પણ મોબાઇલના સ્ક્રીનમાં જે ટચૂકડું ચિત્ર આવે છે એને ‘પોસ્ટર’ શી રીતે માની લેવાનું?
ચાલો, માની પણ લઈએ જમાનો બદલાઈ રહ્યો છે, પણ મારા સાહેબ, એમાં બધું ઝીણા ઝીણા અક્ષરે શા માટે લખ્યું હોય છે?

***
ઝીની ઝીની ક્રેડિટિયા
પહેલાંના જમાનામાં તો પોસ્ટરમાં મોટા અક્ષરે લખતા ‘અમિતાભ બચ્ચન ઇન એન્ડ એઝ, શહેનશાહ’ કે પછી ‘કે. આસિફ કા શાનદાર નઝરાના- મુઘલ-એ-આઝમ.’ આજે તો બિચારા અક્ષયકુમારનું નામ પણ મોટા અક્ષરે નથી લખતા.

એ તો ઠીક, પણ પોસ્ટરના નીચલા ભાગમાં, પાતળા પાતળા, મચ્છરોની ટાંગ જેવા અક્ષરે આટલાં બધાં નામો કોનાં હોય છે? તમે ‘ક્લિક એન્ડ ઝૂમ’ કરીને વાંચવા જાવ તોય દાણા-દાણા થઈ ગયા હોય એવા ઝાંખા અક્ષરે સત્તરથી સત્તાવીસ નામોની માત્ર ‘ઝલક’ જ મળશે. કોનાં હોય છે આ બધાં નામો? તો કહે, સૌથી પહેલાં તો પ્રોડ્યુસરોનાં.

શું પ્રોડ્યુસરોનાં નામો જોઈને લોકો ફિલ્મ જોવા જતા હશે? અમુક ફિલ્મોના તો છ-છ પ્રોડ્યુસરો હોય છે. એટલે શું આપણે એમ કહી ઊઠીએ છીએ કે, ‘આહાહા, આ તો હરજીવનભાઈ ગોરધનદાસ પાલનપુરવાળા! તો તો આ ફિલ્મ જોવી જ પડશે અને આ શું? જોડે જોડે કાનજીભાઈ ધનસુખભાઈ પાટણવાળાનું પણ નામ છે? તો તો ચોક્કસ જોવી પડે!’
સાવ અજાણ્યા એવા છ પ્રોડ્યુસરોનાં (ઝીણાં ઝીણાં અક્ષરે લખેલાં) નામો પછી શું આપણને આશ્ચર્યનો ઝાટકો લાગવાનો છે કે, ‘આહાહા! હજી તો એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે લાલજીભાઈ જીવણભાઈ પણ છેને અને ઓહો! લાઇન-પ્રોડ્યુસર તરીકે પેલા સુરેશચંદ્ર સેવંતીલાલનું નામ છે! વાહ ભઈ વાહ! તો તો જરૂર જોવી પડે આ ફિલ્મ!’

ઓ મારા સાહેબો, શાહરુખ ખાનની ‘જબ હેરી મેટ સેજલ’ના નામની બરોબર અડોઅડ ‘પ્રોડ્યુસ્ડ બાય ગૌરી ખાન’ એવું મોટા અક્ષરે લખ્યું છે છતાં કોઈ માઇના લાલને એવું કહેતાં સાંભળ્યો છે કે, ‘અલ્યા, આ તો ગૌરીબહેનનું પિક્ચર! હવે તો જોવું જ પડશે!’ ઊલટું, મોટાભાગના લોકો મોં મચકોડીને કહેતા હશે, ‘પૈસા તો શાહરુખના જ લાગેલા છેને? ગૌરી ખાનનું તો ખાલી નામ છે.’

બેશક, અમુક ફિલ્મો પ્રોડ્યુસરોના નામથી ચાલતી હોય છે. અમુક પ્રોડક્શન બેનરો સફળતાની ગેરંટી જેવાં હોય છે, પણ ભાઈ, સાત-સાત અજાણ્યા પ્રોડ્યુસરોનાં નામો? એ પણ મચ્છરની ટાંગ જેવડા અક્ષરોમાં?
***
 
ટચૂકડી જાxખમાં ઝીણાં ઝીણાં નામ
ફિલ્મો જ્યારે રિલીઝ થાય છે ત્યારે એનાં મોટાં મોટાં ‘સ્ટેન્ડી’ બને છે, જે મલ્ટિપ્લેક્સની લોબીઓમાં ગોઠવેલાં હોય છે. આ સ્ટેન્ડીઓની સાઇઝ ચાર ફૂટ બાય આઠ ફૂટ જેટલી મોટી હોય છે. એમાંય પેલાં સત્તર કે સત્યાવીસ નામો તો ઝીણા અક્ષરે છેક આપણા પગ તરફ, ધ્યાન જ ના પડે એ રીતે લખેલાં હશે! એ બધાં નામો વાંચવા આપણે શું કરવાનું? પોપ-કોર્નનું ખોપચું ઝાલીને વાંકા વળીને જાણે બૂટની દોરી બાંધવાના હોઈએ એટલા ઝૂકીને ત્યાં વાંચવા ઊભા રહેવાનું?

એથીયે મોટો લોચો છાપાંમાં આવતી જાહેરખબરોમાં થાય છે. સવા ચાર સેન્ટિમીટર બાય છ સેન્ટિમીટરની સિંગલ-કોલમ જાહેરખબર હોય કે પછી સવા ચૌદ સેન્ટિમીટર બાય બાવીસ સેન્ટિમીટરની ત્રણ કોલમ જા.ખ. હોય. એમાં પેલું ‘મહાન પોસ્ટર’ એઝ ઇટ ઇઝ છાપી નાખે છે! અલ્યા ભઈ, અહીં તો તમારાં સત્યાવીસ નામો જાણે કીડીના ટાંટિયા ઉપર ચૂનાની કણીઓ બાઝી ગઈ હોય એવાં જ દેખાય છે! જો અમારાથી વંચાવાનાં જ ના હોય તો આ રીતે છાપવાની જરૂર શી છે? ફક્ત બે-ચાર મેઇન-મેઇન નામો જ છાપોને?
પણ ના, હવે તો આ ‘ટ્રેન્ડ’ ચાલ્યો છે.

***
હોલિવૂડનો ટ્રેન્ડ છે, બોસ
અગાઉ તો અમે આગળ લખ્યું તેમ, પોસ્ટરો ઉપર હીરો-હિરોઇનનાં નામો ઉપરાંત મ્યુઝિક-ડિરેક્ટર, ગીતકાર વગેરેનાં નામો મોટા અક્ષરે છાપતા, એ પણ વંચાય તેવા ‘ફોન્ટ’માં. હવે તો શી ખબર, ક્યાંથી હોલિવૂડનાં પોસ્ટરોના ચાળે ચડ્યા છીએ, તે ‘ચીજવસ્તુઓના’ પેકિંગ ઉપર પેલી બાર કોડની ઊભી-પાતળી લાઇનો હોય છે એવા જ મોટા-પાતળા અક્ષરે બધાંનાં નામો છાપી નાખવાનો ‘ટ્રેન્ડ’ ચાલ્યો છે!

અગાઉના ફિલ્મ દર્શકોને મુકરી, જીવન, આસિત સેન, શોભા ખોટે, દુલારીબાઈ, સજ્જન, કેએન સિંહ, મનમોહન ક્રિષ્ના ઇફતેખાર કે કન્હૈયાલાલ જેવાં નાનાં છતાં મજબૂત પાત્રો નિભાવનાર કલાકારોનાં નામો યાદ રહેતાં હતાં. આજે તમે પૂછી જોજો કે ‘પિન્ક’માં જે ત્રણ મેઇન છોકરીઓ હતી એનાં નામો ખબર છે? એમાંની એકને તો ‘ઇન્દુ સરકાર’માં લીડ રોલ મળ્યો છે, છતાં નામ યાદ આવે છે? ‘રુસ્તમ’માં જે સાંજના છાપાનો પત્રકાર બન્યો છે, ‘જોલી LLB-2’માં જે એન્કાઉન્ટર કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર છે અને ‘એરલિફ્ટ’માં જે દિલ્હીના વિદેશ મંત્રાલયમાં બેઠેલો સિન્સિયર કર્મચારી હતો તે દમદાર એક્ટરનું નામ કેટલાને ખબર હશે? એ તો ઠીક, 100થી વધુ નાના-મોટા રોલ કરી ચૂકેલા ‘સંજય મિશ્રા’ નામના દાદુ કલાકાર, જે ‘આંખોદેખી’માં મેઇન રોલ ભજવીને ભરપૂર દાદ મેળવી ગયા, તેને હજી કેટલા લોકો નામથી ઓળખી શકતા હશે?
કારણ શું? એ બધાં નામો ફિલ્મના અંતે આવે છે! તે વખતે સિનેમાહોલવાળા લાઇટો પણ ચાલુ કરી નાખે છે! કેમ કે, ‘ક્યારે બધા જાય અને અમે પોપકોર્નનો કચરો સાફ કરીને બીજા શો માટે બધું ‘રેડી’ કરી નાખીએ!’
***

નાનકડી ‘ગુજરાતી’ ફરિયાદ
મરાઠી ફિલ્મોનાં પોસ્ટરો મરાઠીમાં બને છે. તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ ફિલ્મોનાં પોસ્ટરો અને ફિલ્મની અંદર લખાતાં નામો એમની પોતાની ભાષામાં હોય છે. તો પછી આપણી નવી ગુજરાતી ફિલ્મોની ક્રેડિટો આપણે અંગ્રેજીમાં શા માટે લખે રાખીએ છીએ? બસ, હિન્દી ફિલ્મોનો ‘ટ્રેન્ડ’ છે એટલે?

અમુક ગુજરાતી ફિલ્મોનાં પોસ્ટરોમાં રીતસર અંગ્રેજીમાં લખે છે: A gujrati film... ભાઈસાહેબ, આખું પોસ્ટર જ ગુજરાતીમાં ન બનાવી શકાય?

અને બીજી રિક્વેસ્ટ, હજી આપણી નવી ગુજરાતી ફિલ્મોમાં કોઈ ‘સ્ટાર’ નથી. તો કમ સે કમ એક્ટરોનાં અને ડિરેક્ટરનાં નામો તો મોટાં, વંચાય તેવા અક્ષરે લખો. 30 ફૂટ બાય 40 ફૂટના તોતિંગ હોર્ડિંગમાં પણ એમનાં નામો શોધવા આંખો ખેંચવી પડે છે.
 
mannu41955@gmail.com
અન્ય સમાચારો પણ છે...