ફિજિમાં ફાલેલા સંબંધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હું ફિજિમાં દરેક વખતે નાની હોટલોમાં રહી. એમાંની એક તો છેલ્લે બંધ થઇ ગઇ હતી, તેથી બીજી શોધી લીધેલી. વળી, નાંદીની બહાર પણ રહી-એક વાર મોમિ સરાઇમાં, તો ફરી એકવાર બીજી તરફના કાંઠા પરની કોઇ નાની સરાઇમાં. આ સરાઇ બરાબર એક બંગલા જેવી હતી. નીચે બેસવા અને જમવાના હિસ્સા, અને ઉપર ઓરડાઓ પાછળ નાનો બાગ અને સ્વિમિંગપૂલ. દરિયાનો રવ સંભળાતો રહે.
જ્યાં રહું ત્યાં કામ કરનારા સાથે વાતો કરું, ને કાંઇ ને કાંઇ જુદું જાણવા મળે. એમાં ઇન્ડિયનો પણ હોય, છતાં એમને ઇન્ડિયન સમજીને વાત ન થાય. એ બધાં ખરાં તો ફિજિયન જ. એક સવારે સુપેતે નામની ફિજિયન છોકરીની સાથે હું બજારમાં ગઈ.
બીજા કોઇ દિવસે ભરતડકામાં થોડું ચાલ્યા પછી નાંદી જવા માટે ટેક્સી મળી હતી. ઇન્ડિયન ડ્રાઇવર હતો. વાતો તો તરત કરવા માંડ્યો, પણ પરદેશી જાણીને પૈસા વધું લીધા.
નાંદી શહેરમાં એક મુખ્ય રસ્તો છે. એને એક છેડે નાંદી નદી, ને છેક બીજે છેડે હિન્દુ મંદિર. વચમાં દુકાનો, નાની રેસ્ટોરાં, ઑફિસનાં મકાન. રહેવાનાં ઘરો રસ્તાની એક તરફ, બસ-સ્ટેશન, પોસ્ટઑફિસ, સુપરમાર્કેટ વગેરે બીજી તરફ. નદી સાવ નાની, પણ અનરાધાર વરસાદ પડે ત્યારે ભારે પૂર આવે, ને ક્યાંય સુધી ફેલાઇ જાય. સુવા શહેરના રસ્તા પર એક પાટિયું જોયેલું. એમાં લખેલું કે ‘પૂરની હોનારતથી હેરાન થયેલાંને માટે સહાય કરવા સરકાર તરફથી એક જાહેર સભા યોજવામાં આવી છે.’ આટલું વાંચીને થયું હતું, કે વાહ, સરકાર કેવો ખ્યાલ રાખે છે પ્રજાનો. પણ છેલ્લે એમ લખેલું, કે ‘આ માટે ફાળો ઊઘરાવવા સૈનિકો ઘરે-ઘરે જશે.’ આ વાક્ય ભયજનક લાગ્યું હતું. મદદ સરકાર કરવાની નહતી, એ તો ફાળો આપવા પ્રજાને ફરજ પાડવાની હતી.
બીજે છેડે, હજી પણ શેરડીનાં ખેતરોને અડીને રહેલું, ઘેરા લાલ, પીળા, ભૂરા રંગથી ચિતરેલા ગોપુરમવાળું હિન્દુ મંદિર દરરોજ સાવ ખાલી અને શાંત રહેતું લાગ્યું. પ્રસંગોપાત અને ધાર્મિક ઉત્સવ વખતે ત્યાં ભીડ થતી હશે. મારાં ઓળખીતાં થયેલાં એક બહેને મને કહેલું, ‘નજીકમાં ગાયત્રી મંદિર થઇ રહ્યું છે. એ લોકો હિન્દુ મંદિર કરે, તો આપણું પણ કાંઇ જોઇએને.’ મેં ચૂપ રહીને સાંભળી લીધેલું. હિન્દુ મંદિરમાં આરતી વખતે એક વાર હું ઉપરાંત એક સ્થાનિક યુવતી અને એનો જાડો બાબો જ હતાં. એ હતી ગુજરાતી, પણ ફિજિમાં જ જન્મેલી. મને કહે, ‘મારા પતિ ફરી પરણવા ‘દેશ’ જ ગયેલા છે.’ એ ભાઇ તો હતા જ ગુજરાતના, ને નાતીલા ગણીને આ યુવતીને એની સાથે પરણાવાયેલી. દસ વર્ષે હવે એ માણસે છૂટાછેડા માગ્યા, ને ફરી ઇન્ડિયાની ગુજરાતી છોકરી શોધવા ગુજરાત ગયેલો. પણ આ નીમાએ હવે સમતુલન મેળવી લીધેલું. એ સારી નોકરી કરતી હતી.
ફિજિમાં તરત જ દરેક જણ પોતાની જિંદગીની વાત કરવા માંડી જતું જોયું. મારી હોટેલ પાસેના મેદાનમાં બનાવેલી માર્કેટમાં એક યુવતીની સાથે મારે ઓળખાણ થઇ ગયેલી. એનું નામ ‘હિતેશિની’ પરથી ‘ઇતેશની’ હતું. દર વખતે નાંદી જાઉં ત્યારે એ મળે. શરૂઆતમાં એ મને કહે, ‘મારા વિવાહ થઇ ગયા છે, પણ એને હજી પરણવું નથી, મઝા કરવી છે. તમે કહોને કે મારે શું કરવું. મને સરખી સલાહ આપોને.’ પણ એમ પારકી માયાજાળની ગાંઠો ઉકેલવા બેસાય કાંઇ?
એ પછી એ પરણેલી. ને ફરીથી હું ગઇ ત્યારે એને એક બેબી થયેલી. બેબીનું નામ જાહ્્નવી પાડેલું. આમ તો ખુશમાં હતી, પણ ધંધો સારો ચાલતો નહોતો. એ ખુલ્લી માર્કેટમાં પંદર-વીસ નાની હાટડીઓ હશે. દરેકમાં હસ્તકળાની સરખી જ વસ્તુઓ વેચાય. દરેક હાટડીવાળાં કરગરે, કાંઇ ખરીદોને. ખાસ કશું ખરીદવા જેવું લાગે નહીં. વળી, પ્રવાસીઓ ફિજિમાં ઘટી પણ ગયા છે. પછીથી તો હું ફક્ત ઇતેશનીને મળવા જ ત્યાં જાઉં. બીજી હાટડીઓ સુધી જાઉં જ નહીં, કે જેથી એમને નિરાશ ન કરવાં પડે.
હોટેલમાં કામ કરતી વિમલા નામની સાઉથ ઇન્ડિયન સ્ત્રીને બે દીકરા હતા, એનો પતિ પહેલેથી જ વ્યભિચારી હતો, પણ સુધરશે માનીને એણે ખેંચ્યા કરેલું. હવે પંદર વર્ષે એ છૂટાછેડા લેવાની હતી. કહે, ‘ફિજિના ઇન્ડિયન પુરુષોમાં દારૂ, જુગાર, પર-સ્ત્રી જેવી બહુ મોટી બદીઓ હોય છે.’ તો એક નાની રેસ્ટોરાંના માલિક ઇન્ડિયને કહેલું, ‘ફિજિની ઇન્ડિયન છોકરીઓ તો બહુ છુટ્ટી. એમની સાથે લગ્ન કરવાનું હું વિચારી પણ નથી શકતો.’
જાણે સિક્કાની ઓછી દેખાતી આ બાજુઓ હતી. કોઇપણ ટાપુ-દેશમાં કેવળ રિસોર્ટમાં રહેવા, ને મઝા કરવા જ જાઓ ત્યારે ઘણી વાર ત્યાંના સમાજની અંતરંગ જાણ થતી નથી. આમ ત્યાં ત્યાંના સમાજ વિશે જાણવા મળે તે ગમે ખરું, ને સાથે પ્રજાજનોની હાલતને માટે જીવ પણ બળે. વારંવાર જવાને કારણે ફિજિ સાથે માયા બંધાઇ ગઇ છે. (સમાપ્ત) preetynyc@gmail.com
અન્ય સમાચારો પણ છે...