તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ત્રીસર્જકોનો અવાજ: સાહિત્યના અનેક સ્વરૂપમાં બળુકો છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્જક એટલે સર્જક. એમાં વળી સ્ત્રી શું અને પુરુષ શું? એવો પ્રશ્ન કરી શકાય. સ્ત્રી જન્મજાત સર્જક છે. કુદરતે એને સર્જનની ભૂમિકા સોંપેલી છે. તેમ છતાંય જેમ જુદાં જુદાં ક્ષેત્રમાં એમ સાહિત્યમાં પણ સ્ત્રી કલમ પકડે છે ત્યારે એના સંદર્ભો બદલાય છે. એની સંવેદનાઓ શબ્દરૂપ ધારણ કરવા સળવળે છે, એને લખવાનું મન થાય છે, ત્યાર પછીનાં પરિબળો – એ લખી શકે, લખતી રહે, એને લખવાનો સમય અને અનુકૂળતા મળી રહે – આ બધા જુદા પ્રશ્નો છે અને એટલે સ્ત્રીસર્જકોની વાત જરા જુદી રહેવાની.

સ્ત્રી કલમ પકડે છે ત્યારે એની સંવેદનાઓ શબ્દરૂપ ધારણ કરવા સળવળે છે. આધુનિક ગુજરાતી સાહિત્યમાં પણ સ્ત્રીસર્જકોમાં સંખ્યાની દૃષ્ટિએ ઘણો વધારો થયો છે

તેમ છતાં બહુ ગૌરવની વાત છે કે આધુનિક ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીસર્જકોમાં સંખ્યાની દૃષ્ટિએ ઘણો વધારો થયો છે તેમજ ગુણવત્તાની દૃષ્ટિએ પણ નોંધપાત્ર સિદ્ધિ છે. છેલ્લાં 50 વર્ષમાં ગુજરાતી નારીસર્જકોએ સાહિત્યમાં સફળતાપૂર્વક અનેક દિશામાં પ્રગતિ કરી છે. સાહિત્યનાં વિવિધ સ્વરૂપો-કવિતા, વાર્તા, નવલકથા, નિબંધો, લેખો જેવાં અનેક સ્વરૂપોમાં તેમનું યોગદાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તેમના વિષયવસ્તુમાં સ્ત્રીસંવેદના, નારીભાવોનો સ્પર્શ જોવા મળે છે.

ક્યારેક એવું લાગે છે કે એમના અનુભવજગતની મર્યાદા એમને હજુ અમુક વિષયો સુધી જ સીમિત રાખે છે, પરંતુ આજના ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીસર્જકોની ભૂમિકા બદલાઈ છે. વિષય વૈવિધ્ય આવ્યું છે. પ્રેમ, પીડા, શોષણ, દેશપ્રેમ, શિક્ષણ, હાસ્ય, વ્યંગ્ય, સામાજિક દૂષણો જેવાં ક્ષેત્રો ઉમેરાયાં છે. સ્ત્રીસર્જકોનો શાંત પણ મક્કમ અવાજ ઊભરી રહ્યો છે. હીરાબહેન પાઠકની ‘પરલોકે પત્ર’ અને ગીતાબહેન પરીખનાં કાવ્યોથી આધુનિક ગુજરાતી કવિતાના પગરણ શરૂ થયાં ગણી શકાય.

નવા પ્રવાહોમાં પલોટાયેલી કલમોમાં અનેક કવયિત્રીઓ સ્ત્રીસમસ્યાઓ વિશે પોતાના તીવ્ર અવાજ સાથે પ્રવેશ્યાં અને કાવ્યના અછાંદસ સ્વરૂપમાં એમણે નોંધપાત્ર કામ કર્યું. સરૂપ ધ્રુવ જેવાં કવયિત્રી એક વિદ્રોહી સ્વર લઈને એમની પ્રખર સામાજિક નિસ્બત બતાવે છે. બીજાં અનેક નામ છે, જેમની સક્ષમ રચનાઓથી કાવ્યજગત ઊજળું બન્યું છે. આ થોડાં નામો છે, પણ કવિતાના ક્ષેત્રે સંખ્યામાં અને ગુણવત્તામાં સ્ત્રીસર્જકોની કામગીરી નોંધ લેવી પડે એવી બની છે.

ગદ્ય સાહિત્યમાં જોઈએ તો ગુજરાતી સાહિત્યના અર્વાચીન કાળમાં વિદ્યાગૌરી નીલકંઠ, લીલાવતી મુનશી તથા શારદા મહેતાએ હાસ્ય રચનાઓ, નારી વિષયક લેખો, રેખાચિત્રો અને જીવનચરિત્ર આપ્યાં. કુંદનિકા કાપડિયાએ ગદ્ય અને પદ્યમાં પ્રથમ કક્ષાની નમૂનેદાર નવલકથાઓ આપી. એમની સંપૂર્ણ નારીવાદી નવલકથા ‘સાત પગલાં આકાશમાં’નો ઉલ્લેખ કરવો જ પડે. અનેક લેખિકાઓની ઉમદા વાર્તા સાહિત્ય સ્ત્રીજગતની સંવેદનાઓને સ્પર્શે છે. તેમણે બાળ સાહિત્યમાં પણ શ્રેષ્ઠ કૃતિઓ આપી.

વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતાએ ટૂંકી વાર્તાઓ, નવલકથાઓમાં ધરખમ પ્રદાન કર્યું. હિમાંશી શેલત વાર્તાક્ષેત્રે એક અલગ શૈલીથી છવાયાં. કોલમ લેખનમાં પણ અનેક મહિલાઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સરૂપબહેન ધ્રુવે શરૂ કરેલી ‘કલમ’ સંસ્થા સ્ત્રીસર્જકોના અવાજને બુલંદ કરી રહી છે. સાહિત્યકાર ધીરૂબહેન પટેલ એક બાજુ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે મળીને બાળ-કિશોર સાહિત્યને વેગ આપવા મથી રહ્યાં છે, તો બીજી બાજુ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે મળીને ‘એનીબહેન સરૈયા’ લેખિકા પ્રોત્સાહન પ્રવૃત્તિ ચલાવી રહ્યાં છે.

સ્થળ સંકોચનને કારણે સરસ નમૂનેદાર કામ કરતી ઘણી સ્ત્રીસર્જકોનાં નામો મૂકી શકાયાં નથી, પરંતુ આજના સમયમાં તમામ ક્ષેત્રે મહિલાઓ નવી ઊર્જા સાથે કામ કરી રહી છે. એનું અનુભવક્ષેત્ર વિકસતું જાય છે. એની અભિવ્યક્તિના રંગ બદલાતા જાય છે, નિખરતા જાય છે. અનેક રચનાઓ વાંચતાં એવું અનુભવાય છે કે વ્યક્ત થવા માટે એ ભલે નાના ક્ષેત્ર સાથે કામ કરે છે, પરંતુ એમાં ઊંડાણ પણ એટલું વર્તાય છે. રોજિંદા જીવનની સહજ બાબતોની રજૂઆતમાં એ કલાના શિખર આંબી લે છે ને અને આ વાત સાહિત્યના પીઢ સર્જકોએ પણ સ્વીકારેલી છે.
આગળની સ્લાઇડમાં વાંચો... ઉચ્ચ હોદ્દા પર, છતાં સરળ જીવન
અન્ય સમાચારો પણ છે...