સમગ્ર સંસારને કરુણારૂપી માતાની જરૂર છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણે ત્યાં એવું કહેવાય છે કે બાર પ્રકારના મન છે. એમાં એક મનનું નામ મૃતકમન છે. હવે મરેલામનનો મતબલ સંવેદનશૂન્ય થાય છે. જે માણસ બીજા ઉપર કરુણા ન વરસાવી શકે એનુ મન મૃતક માનવું જોઈએ. ગાંધીબાપુએ સાત સામાજિક પાપની ઉદ્ઘોષણા કરી હતી. જેનું સ્મરણ કથામાં હું અનેકવાર કરી ચૂક્યો છું. આ સાત પાપમાં ગાંધીબાપુએ એક પાપ એવું ગણાવ્યું છે કે સંવેદનામુક્ત વિજ્ઞાન સામાજિક પાપ છે. વિજ્ઞાનની કોણ મનાઈ કરે છે. રામચરિતમાનસ તો વૈજ્ઞાનિકોથી ભરેલું શાસ્ત્ર છે. 'વંદે વિશુદ્ધ વિજ્ઞાનૌ ક્વીશ્વર - કપીશ્વરો’ તુલસીદાસજી સ્વયં વિજ્ઞાનનો સ્વીકાર કરે છે આપણા બધા જ શાસ્ત્રોમાં વિજ્ઞાનની વાત કરવામાં આવી જ છે, પરંતુ વિશુદ્ધ વિજ્ઞાન. સંવેદનશીલ વિજ્ઞાનની જગ્યાએ વિશ્વ પાસે અણુ-વિજ્ઞાનની તાકાત વધી ગઈ છે. પણ આ વિજ્ઞાનથી જગતને શું મળશે? મને મુનવ્વર રાણાનો એક શેર યાદ આવે છે.
'હમ સે તો સમજદાર હૈ યે ફૂલ સે બચ્ચે,
જો દૂધ તો પીતે હૈ લેકિન મલાઈ નહીં ખાતે.
બાળક કપટ કરે અને મોટા માણસ કપટ કરે એમાં શું ફરક છે? મારે આમાં એટલું જ કહેવું છે કે બાળક કદાચ કપટ કરે તો એ તરત ભૂલી જાય છે જ્યારે મોટા ભૂલી શકતા નથી. મોટા લોકો નેટવર્ક બનાવીને કપટ કરે છે. એમનો એક પ્લાન હોય છે એક પ્રકારની યોજના હોય છે. આપણે માણસ છીએ માટે કદાચ સત્ય અને પ્રેમને પૂરેપૂરો ન્યાય નહીં આપી શકીએ. આપણો પ્રેમ ક્યારેક ધોખાનું રૂપ ધારણ કરી શકે છે. પ્રેમ નરજાતિ છે. જ્યારે સત્ય નાન્યતર છે. આપણા બધાનું સત્ય કમજોર થઈ શકે છે. પ્રેમ થંભી થઈ શકે છે. પણ કરુણા તો મા છે એક સ્ત્રી એટલે ધૂળિયા બાળકને પણ કરુણા ખોળામાં લઈ લે છે. કરુણા બચશે તો પછી સત્ય સાફ-સૂથરું થઈ જશે. પ્રેમના ફાટેલા કપડાને કરુણા સિલાઈ કરી દેશે. કેમ કે કરુણા માનું પ્રતીક છે. બુદ્ધ વિશ્વની મા છે. તુલસીદાસજી પણ એક જ વસ્તુ માગે છે.
'કારુણ્યરૂપં કરુણા કરેતં’
કરુણામાતા છે. આજે જગતમાં કરુણાની માંગ છે. સત્ય, પ્રેમ અને કરુણા વિના કોઈ ઉપાય નથી. હું મારી રામકથાને પ્રેમયજ્ઞ કહું છું વિશ્વને બુદ્ધ બનાવવા માટે પ્રેમ ખૂબ જ જરૂરી છે. ગાંધીજી સત્યના ઉપાસક હતા જો કે એમનો પ્રેમ થોડોક આક્રમક હતો. ગાંધીબાપુ ખૂબ જ વિનોદી હતા. એ કહેતા હતા કે મારામાં વિનોદવૃત્તિ ન હોત તો દેશ અને દુનિયાની સમસ્યાઓ સામે મેં આત્મહત્યા કરી લીધી હોત. જ્યારે કોઈ બુદ્ધપુરુષ આત્મહત્યાનો વિચાર કરે ત્યારે એના માટે જવાબદાર કોણ? સમગ્ર સમાજ એના માટે જવાબદાર છે. રામચરિતમાનસમાં દેવર્ષિ‌ નારદને આત્મહત્યાનો વિચાર આવ્યો કે તરત જ ભગવાન વિષ્ણુ સમજી ગયા કે નારદ જેવા બુદ્ધ આત્મહત્યા કરે એ વિશ્વ માટે ખોટનો સોદો થશે એટલે પ્રભુએ નારદજીને ગુસ્સે કર્યા અને નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો પોતાનો ગુસ્સો જ્યારે ઉતર્યો ત્યારે આત્મહત્યાનો વિચાર ચાલ્યો ગયો હતો. તો બુદ્ધમાં કરુણા બહુ જ છે, આજના જગતને કરુણાની ખૂબ જ જરૂર છે.
તમારા ફેમિલીમાં તમે એકબીજા સાથે સત્ય ન પણ બોલતા હો. સમયના અભાવે બધાને પ્રેમ ન પણ કરી શકતા હો. સાંજે બાપ પોતાના બાળકો માટે સમય ન કાઢી શકે એ અંગુલિમાલ છે. બાળકો માટે થોડો સમય બધા જ કાઢજો. કદાચ રામકથા સાંભળતા હોય અને બાળક તમારી પાસે આવે તો એને પહેલા ન્યાય આપજો. બાળકની અંદર જ રામ બેઠા છે. પ્રેમ જ ઈશ્વર સંપત્તિ ગમે તેટલી હશે પડી રહેશે. હરિસ્મરણ માટે આત્મચિંતન માટે. આત્મચિંતન માટે દિવસમાં થોડો સમય આપણી પાસે હોવો જ જોઈએ. હરિસ્મરણ એક બહું જ મોટી વિદ્યા છે. રામકથામાણસને કોઈને કોઈ રૂપે હરિસ્મરણમાં પ્રેરિત કરે છે. આજે આપણે સંપત્તિમાં એટલા બધા વ્યસ્ત છીએ કે બાળકો અને હરિનામને ભૂલી ગયા છીએ. ક્યારેક તો વિચાર કરો કે આખરે શું સાથે આવશે. બસ બીજાને પ્રેમ કરો. કરુણા વરસાવો.
તો બાર પ્રકારના મન છે. એમાં મૃતક મન એટલે સંવેદનહીનમન. બીજા પ્રકારના મનનુ નામ કપિમન છે. જે મનચંચલ છે નિરંતર ઊછળકુદ કરતું જ રહે છે. ત્રીજા મનનું નામ માછલીમન છે. માછલીની અંદર થોડું રસમય મન હોય છે. માછલી ચંચળ હોય છે, પરંતુ ચાંચલ્ય રસમાં હોય છે. પણ તમે થોડો ચારો નાખો એટલે માછલી તરત પકડમાં આવી જાય છે. ચોથું મૃગમન છે. હરણ જેવું મન છે હરણ જ્યારે દોડવાની તૈયારી કરે છે ત્યારે સામે જોવે છે. થોડું દોડીને સામે જુએ છે. ફરી ફરી જોયા કરે છે. એ જોવાનું બંધ કરશે નહીં. જે હરિથી દૂર જઈ રહ્યું છે, પરંતુ હરિને જોઈ રહ્યું છે એવું મન એ મૃગમન છે. પાંચમું મતંગ મન છે. જે હાથી જેવું છે. મદમસ્ત, અહંકારી, સતત અહંકારમાં જ ચાલ્યા કરે છે. છઠ્ઠું મૃષકમન છે. મચ્છર જેવું જે સદાય ગણગણાટ કર્યા કરે છે. સાતમું મસ્તમન છે. પહેરવા માટે કપડાં ન હોય પણ લહેરમાં જરૂર હોય છે.
મેં ઘણા એવા માણસોને જોયા છે કે સતત લહેરમાં હોય એમને જોઈને ઘણાને ઈષ્ર્યા થાય કે આ આટલો બધો આનંદ કેવી રીતે કરી શકે છે? આઠમું મુકુરમન છે. જે દર્પણ જેવું છે. હવે દર્પણ પણ અનેક પ્રકારના હોય છે. ક્યારેક દર્પણ પણ બગડી જતા હોય છે, નવમાં મનનું નામ મલિનમન છે. ઘણા લોકોમાં જીવનભર મલિનતા જતી નથી. સારામાં પણ ખરાબ જોવું એ મલિનતા છે. દસમું મહંતમન છે. મહંત શબ્દ બહુ જ સારો છે. મહંતનો અર્થ થાય છે. મહાનમન, વિશાળમન, વાત વાતમાં ખોટું લાગે એ મહંતમન નથી. મહંતમન તો ગાદી પર બિરાજમાન છે. આપણા જીવનને પણ મહાન બનાવે એ મહંમતમન છે. અગિયારમું મન મ્લેચ્છમન છે. મ્લેચ્છનો અર્થ શેતાની, હિંસક એવો થાય છે અને આખરી મનનું નામ મોહનમન છે.
ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે. ઈન્દ્રિ‌યોમાં મન હું છું. એનો મતલબ મોહનમન એ સ્વયં ગોવિંદ છે. તો આવા બાર પ્રકારના મન છે. જ્યારે જ્યારે વિશ્વમાં કોઈ દુર્ઘટના માનવ દ્વારા કરવામાં આવે ત્યારે સમજવાનું કે આ મૃતકમનનું કાર્ય હશે. મને તો સત્ય, પ્રેમ અને કરુણા સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો જ નથી અને એમાં પણ સત્ય અને પ્રેમ કદાચ આપણા જેવા માટે ડહોળાઈ જાય, પરંતુ કરુણા કાયમ કરુણા જ રહે છે. બસ આપણી અંદર પણ નિત્ય કરુણા વસે. કોઈનું વચનથી પણ ખરાબ ન થાય આપણે બધા સત્ય, પ્રેમ અને કરુણામાં જીવન જીવીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. '
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

બાર પ્રકારના મનમાંથી એક મનનું નામ મૃતકમન છે. હવે મરેલામનનો મતબલ સંવેદનશૂન્ય થાય છે. જે માણસ બીજા ઉપર કરુણા ન વરસાવી શકે એનુ મન મૃતક માનવું જોઈએ. ગાંધીબાપુએ સાત સામાજિક પાપની ઉદ્ઘોષણા કરી હતી.

મોરારિબાપુ

rameshwardashariyani@gmail.com