ઈંગ્લેન્ડથી ડેન્માર્ક જતાં..

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજવી ઇંગ્લેન્ડથી રાજવંશી ડેન્માર્કમાં જવાનું ઉડ્ડયન કલાકેકનું, પણ એ માટે મારે લંડનના વિમાન મથકે બેસી રહેવું પડ્યું સાડા પાંચ કલાક. પહોંચી ગયેલી વહેલી. પ્રવાસમાં આવું તો કેટલુંયે બનતું રહે, ને તેથી જ હું પ્રવાસને ફિલસૂફીનો એક પ્રકાર ગણું છું.
અંગ્રેજ મિત્રો સાથે એક વહેલી સવારે અમે કલ્વર પાર્ક નામની વિશાળ એસ્ટેટ પર ગયાં. એક બ્રિટિશ સંસ્થા કેન્સર-ચિકિત્સા માટે, એક ચેરિટી-વોક યોજીને ફંડ ઊભું કરી રહી હતી. પાચસોએક જેટલાં આબાલવૃદ્ધ એ માટે ભેગાં થયાં હતાં. મારા મિત્રો સાથે હું પણ એમાં જોડાઇ હતી અને એકની એક શ્યામ વ્યક્તિ હતી. મને આ સંખ્યા ઘણી લાગતી હતી, પણ અંગ્રેજ મિત્રો કહેતા હતા કે ‘આજે ઓછા છે લોકો!’
ઇંગ્લેન્ડમાં સાધારણતયા વરસાદ અને ઠંડીની અપેક્ષા રાખવાની હોય. પણ મને મળ્યા હતા તેજસ્વી તડકા અને હૂંફાળી હવાના અસાધારણ દિવસો. અનેકવિધ ઘટાદાર વૃક્ષોથી ઢંકાયેલા નૈસિર્ગક પરિસરમાં, સપાટ ધૂલપિથ પર પાંચ માઇલ તો ક્યાંયે કપાઇ ગયા. ચેરિટી-વોકમાં કોઇ જાતની હરીફાઇ તો હતી જ નહીં, હતું સામૂહિક આનંદોત્સાહથી તરવરતું વાતાવરણ. મારું પણ એમાં કૈંક પ્રદાન રહ્યું.
બીજે દિવસે વળી બીજા મિત્રોની સાથે મળીને બીજી એક એસ્ટેટના બહુસંખ્ય એકરના પ્રાકૃતિક પરિસરને માણ્યો. અઢારમી સદીના મહેલ જેવા એક સ્થાપત્યની આસપાસનો ભૂમપિટ, પ્રવેશના પૈસા આપ્યા પછી, ચાલવા, ફરવા, માણવા માટે ખુલ્લો હતો. અનેક લોકો અને કુટુંબો આખો દિવસ ત્યાં આવતાં રહેલાં. એમાં મુખ્ય મકાન ઉપરાંત ગેસ્ટહાઉસ, ઘોડાર, ચરવાનાં મેદાન, પ્રાઇવેટ ચર્ચ, તળાવ, વચમાં થઇને જતી નદી, અંદર-બહાર નીકળતી કેડીઓ વગેરે હતાં અને કાફે, દુકાન, મ્યુઝિયમ જેવી નવી બનાવેલી સગવડો હતી. ઉચ્ચ વર્ગના અંગ્રેજ ગર્ભશ્રીમંતોની આવી સમૃિદ્ધ આખા દેશમાં સર્વત્ર પથરાયેલી પડી છે.
મોંઘાં ચિત્રો, શિલ્પો, જાજમો, ફર્નિચર વગેરેથી ખચિત ઇમારતો અંદરથી જોવાલાયક હોય છે અને બહારનાં ગાર્ડન અને ગ્રાઉન્ડમાં ફરવાનો સમય તો હંમેશાં યાદગાર વીતે. અમે પણ આ એસ્ટેટ પર કલાકો ચાલ્યાં. ક્યાંક પહોળો રસ્તો, ક્યાંક છુપી કેડીઓ, અહીં ઘેઘૂર વૃક્ષો, ત્યાં વિલો-ટ્રીની ઝૂકી આવેલી નાજુક ડાળીઓ. આવા સરસ તડકામાં તો દિવસ બહાર જ ગાળવાનો હોયને. ઉપરાંત, મોજથી ચાલ્યા અને દોડાદોડ કર્યા પછી, મોટાં ઝાડ નીચે લીલા ઘાસમાં બેસીને ઇનામ મેળવવાની જેમ, પિકનિક કરવાની. એ પણ અંગ્રેજ રીતિ. જાતજાતનું ખાવાનું બધાં લાવે-બ્રેડ, ચીજ, પાસ્તા, સાલાડ, સેન્ડવિચ, હુમુસ, કેક, ફ્રૂટ અને વાઇન પણ ખરો. ખરેખર તો ખાણી અને પીણી બંને. વળી, કશું ડબલ ના થાય એ માટે બધાં કાળજી રાખે. મને થાય, આ બધું ખરીદી લાવવામાં કે બનાવવામાં જ કેટલી તકલીફ લીધી હશે આ બધાંએ. પણ એ બધાં તો હસતાં અને સાવ રિલેકસ્ડ.
અન્ય પ્રજા સાથેનું હળવુંભળવું નિરાંતનું હોય છે. એમાં જાણે સ્વાભાવિકતા વધારે, આડંબર ઓછો. રોજિંદું જીવન સાદું લાગે, ને તોયે એમાં ખાસિયતો ખરી. પેમની એક દીકરીનાં લગ્ન છે હજી લગભગ અગિયાર મહિના પછી, પણ કુટુંબ અને મિત્રોના સ્ત્રી-મંડળે એને માટે ગોઠવેલ કલ્પનાત્મક કાર્યક્રમોમાંનો એક તે સુંદર પાર્કમાં, ઉષ્મિલ બપોરે સરસ પિકનિક અને મજા માટે થોડી ગેમ્સ. આવી કંઇક કેટલીયે ઇન્ડિયન ઉજવણીઓ અમેરિકામાં જોઇ છે, પણ એ બધી તો હોલની અંદરની પાર્ટી, કુદરતની આવી પ્રાપ્તિ નહીં. દરેક ઉદ્યાનમાં ચાલતી વખતે શેતૂર-બ્લેકબેરી ફ્રૂટ-જોયાં કરેલાં, ને ક્યાંક તોડીને ખાધાં પણ ખરાં. છેલ્લે આ પાર્કમાં ખૂબ થયેલાં શેતૂરને તોડવા હું એક વાટકો લઇને ગઇ. પાછળથી મિત્રો ચેતવ્યા કરે, સાચવજે, કાંટા વાગે નહીં, નાનાં જીવડાં કરડે નહીં. ઘણાં તોડ્યાં, વાડકો ભર્યો, સાથે ખાતી પણ ગઇ. હા,જરા ઉઝરડા થયા, કરડ્યાં હશે ત્યાં ચચર્યું, પણ એ બધું તો મટી ગયું. યાદ રહ્યું છે તે ઇંગ્લેન્ડ દેશ, એમાં ગરમ તડકો, મિત્રો સાથેનો સહજ આનંદ, રસાળ શેતૂરનો સ્વાદ.
@@@
રાજવી ઇંગ્લેન્ડથી રાજવંશી ડેન્માર્કમાં જવાનું ઉડ્ડયન કલાકેકનું, પણ એ માટે મારે લંડનના વિમાન મથકે બેસી રહેવું પડ્યું સાડા પાંચ કલાક. પહોંચી ગયેલી વહેલી, ને પછી વિમાન મોડું થયું. પ્રવાસમાં આવું તો કેટલુંયે બનતું રહે, ને તેથી જ હું પ્રવાસને ફિલસૂફીનો એક પ્રકાર ગણું છું. ઝેન અને સૂફીની જેમ, હું જ નામકરણ કરંુ તો, આ સ્થિરગતિ ધ્યાન-માર્ગ છે. અહીં ડેન્માર્કમાં મારે કોઇ ઓળખીતું હતું નહીં, તેથી આ દિવસો દરમિયાન મારે સ્થિરતા તથા ગતિ અંગે ચિંતન કરતાં જ રહેવાનું હતું.
લંડન, પેરિસ, ન્યુયોર્ક, ટોકિયો જેવાં મહાનગરોનાં મથકોની સરખામણીમાં ડેન્માર્કના મુખ્ય શહેર કોપનહાગનનું વિમાન મથક સાવ નાનું કહેવાય, પણ મને ગમી ગયું. મથક પર હું થોડી વાર બેંકમાં પૈસા છોડાવવામાં, પ્રવાસી કેન્દ્ર પાસેથી માહિતી લેવામાં આમતેમ ફરી, ને બસ, એટલામાં જાણે પરિચિત થઇ ગઇ દેશની ગતિ-રીતિથી.
દેશના કોઇ બીજા ગામમાં એકાદ એકાદ રાત રહેવા જવાને બદલે મેં સાત રાત માટે કોપનહાગનમાં જ હોટલ બુક કરાવી રાખેલી. દેશ કાંઇ બહુ મોટો નથી, તેથી સવારથી સાંજ ફરીને જ ક્યાંક ક્યાંક જવાશે એમ વિચારેલું.‘
(ક્રમશ:)
યાત્રા, પ્રીતિ સેનગુપ્તા