તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 to 7 રૂલ્સ ઓફ રિલેશનશિપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘માય હસબન્ડ નોઝ, આઈ ડોન્ટ હાઇડ એનિથિંગ ફ્રોમ હિમ (મારા પતિને ખબર છે હું એનાથી કંઈ છુપાવતી નથી)’ 33 વર્ષની એક ફ્રેન્ચ સ્ત્રી પોતાના 24 વર્ષના પ્રેમીને કહે છે. ફ્રેન્ચ ડિપ્લોમેટની પત્ની અને બે બાળકોની મા એવી એરેલ બહુ રસપ્રદ વ્યક્તિ છે. આકર્ષક સ્મિત ધરાવતી, ચાર ભાષાઓ બોલી શકતી એરેલ અચાનક બ્રિયાન બ્લુમને મળે છે. બ્રિયાન ન્યૂ યોર્ક સિટીમાં વસતો એક લેખક થવા મથતો વિદ્યાર્થી છે. એનાં માતા-પિતા વચ્ચે સંવાદિતા નથી. સેમ અને એરલીન બ્રિયાનનાં માતા-પિતા છે. એમને બ્રિયાનના લેખક થવા વિશે ખાસ ગૌરવ નથી. બ્રિયાન અને એરેલ વચ્ચે એક સમજદારીનો સંબંધ શરૂ થાય છે.

સંબંધોની આ ન સમજાય એવી કથા આમ જુઓ તો સાવ સરળ છે. આપણે બધા જ ઝંખના અને જવાબદારીને એકબીજાની સાથે હરીફાઈમાં ઉતારી દઈએ છીએ. આપણી ઝંખના ક્યારેક જવાબદારીને હરાવવા માટે બેબાકળી થઈ જાય છે. ઝંખના ચાલાક છે

આ સંબંધ વિશે એરેલના પતિ વેલેરીને ખબર છે. એવી જ રીતે એરેલનો પતિ વેલેરી જેઇન નામની છોકરી સાથે સંબંધ ધરાવે છે, જેની એરેલને ખબર છે. એક ‘ઓપન મેરેજ’ ધરાવતા આ યુગલમાં કેટલાંક વર્ષોથી પરણીને સાથે રહેતાં યુગલ કરતાં ઘણી વધુ સંવાદિતા છે. એ બંને સરસ અને સમજદાર માતા-પિતા છે! નવાઈની વાત તો એ છે કે એમનાં સંતાનોને પણ પિતાની ગર્લફ્રેન્ડ અને માતાના બોયફ્રેન્ડની જાણ છે. આ બધા પછી વેલેરી અને એરેલનો પરિવાર સુરક્ષિત અને અખંડ છે!

‘ફાઇવ ટુ સેવન’ નામની 2014માં બનેલી આ ફિલ્મ અનેક એવોર્ડ જીતી ચૂકી છે. વિક્ટર લેવીન નામના લેખક-દિગ્દર્શકે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી ત્યારે એ ફિલ્મ પ્રોડ્યુસ કરવા કોઈ તૈયાર નહોતું. પાંચથી સાત દરમિયાન હોટેલરૂમમાં મળતાં એક યુગલની આ કથા શરૂઆતમાં કોઈને ગળે જ ઊતરી નહીં. એમાંય પતિને પત્નીના પ્રેમીની ખબર હોય અને પત્નીને પતિની પ્રેમિકા વિશે જાણ હોય એવા એક ઓપન મેરેજની આ કથા 2014માં પણ કોઈને ગળે ઊતરી નહોતી.

આ ફિલ્મના ક્લાઇમેક્સમાં 24 વર્ષનો બ્રિયાન 33 વર્ષની એરેલના પ્રેમમાં એટલો તો ડૂબી જાય છે કે એને માટે વીંટી લઈ આવે છે અને એને પ્રપોઝ કરે છે. એરેલ દુ:ખી હૃદયે બ્રિયાનને સમજાવે છે કે એનો સંબંધ 5થી 7ની વચ્ચેનો જ છે, બાકીનો બધો સમય એના પરિવારનો છે. એટલું જ નહીં બ્રિયાનની પ્રપોઝલની વાત સાંભળીને એરેલનો પતિ એને મળવા આવે છે. આ તમામ સમય દરમિયાન બ્રિયાનને થયેલા માનસિક અને આર્થિક નુકસાન બદલ એને 2 લાખ 50 હજાર ડોલરનો ચેક આપે છે.

બ્રિયાન અને એરેલ જે હોટેલરૂમમાં મળતાં હતાં એ હોટેલનો ડોરકીપર બ્રિયાનને એક પત્ર આપે છે. જેમાં એરેલે લખ્યું છે, ‘જગતનો કોઈ પણ પ્રેમ નિયમોને આધીન છે. જવાબદારી અને ઝંખનાઓને એકબીજાની હરીફાઈમાં ઉતારવા જોઈએ નહીં, કારણ કે આ હરીફાઈમાં જીત હંમેશાં જવાબદારીની થાય છે. હું તને ખૂબ ચાહું છું, પણ તારા માટે મારા પતિ કે પરિવારને છોડી શકીશ નહીં. મેં તને સમજાવ્યું હોવા છતાં તે આપણા સંબંધનો નિયમ તોડ્યો. હવે આપણે નહીં મળીએ.’ એ પછીનાં થોડાં વર્ષો બાદ બ્રિયાન એના પરિવાર સાથે અને એરેલ પોતાના પરિવાર સાથે એકબીજાને મળે છે ત્યારે હાથમાં પહેરેલું ગ્લવ ઉતારીને એરેલ પોતાના હાથમાં પહેરેલી બ્રિયાને આપેલી વીંટી બીજા કોઈને ન દેખાય એમ બ્રિયાનને બતાવે છે.

સંબંધોની આ ન સમજાય એવી કથા આમ જુઓ તો સાવ સરળ છે. આપણે બધા જ ઝંખના અને જવાબદારીને એકબીજાની સાથે હરીફાઈમાં ઉતારી દઈએ છીએ. આપણી ઝંખના ક્યારેક જવાબદારીને હરાવવા માટે બેબાકળી થઈ જાય છે. ઝંખના ચમકદાર છે, બોલકી છે, વધુ ચતુર-ચાલાક અને ગણતરીબાજ છે. જ્યારે જવાબદારી શાંત છે, સ્વસ્થ છે, દૃઢ છે અને ભાગ્યે જ પોતાના હોવાનો અહેસાસ કરાવે છે. પ્રેમમાં પડવું ગુનો નથી, પરંતુ પ્રેમમાં પડીને સ્વાર્થી થઈ જનારા લોકો પ્રેમ જ નહીં એમના પોતાના અસ્તિત્વનું પણ અપમાન કરે છે. પ્રેમ કદીયે સ્વાર્થી ન હોઈ શકે.

આપણે કેટલીક વાર કેટલીક વ્યક્તિઓને મોડા મળીએ છીએ. કોઈ એક વ્યક્તિની જવાબદારી લઈ લીધા પછી મળેલી બીજી વ્યક્તિ માટે પ્રેમ હોય, થઈ જાય એમાં કશું ખોટું નથી, પરંતુ એ પ્રેમને ‘પામી લેવાની’ ઝંખના કદાચ ગોઠવાયેલા બધા જ સંબંધોને તહસનહસ કરી નાખે છે. અંગત સુખની ઝંખના એટલી તીવ્ર ન હોઈ શકે કે જેમાં બાકીના બધા લોકોનું સુખ હોમાઈ જાય. મોરલ અથવા નીતિશાસ્ત્રના નિયમો કદાચ હંમેશાં સાચા ન હોય એમ બને. દરેક વખતે દરેક કાયદો પાળી શકાય એવું જીવવું અઘરું છે.

દરેક વખતે અપ્રાઇડ અથવા પરફેક્ટ વ્યક્તિ બનીને આદર્શ પુરવાર થવું શક્ય નથી, પરંતુ એટલા જ બહાના હેઠળ શિથિલતાની છૂટ પણ ન જ લઈ શકાય. માણસ તરીકે આપણને એક એવા સંબંધની ઝંખના હોય છે જ્યાં પહોંચીને આપણે આપણી જાતને શોધી શકીએ. દરેકને આવો સંબંધ મળે એ જરૂરી નથી. મોટા ભાગના સંબંધોમાં જે દેખાય છે તે હોતું નથી, હોવું જરૂરી પણ નથી.

આપણે બધા સામાન્યત: પ્રેમના નામે સેક્સને માણતાં થઈ ગયા છીએ. આપણા સંસ્કાર અથવા આપણું કન્ડિશન્ડ લર્નિંગ અને માઇન્ડસેટ આપણને એવું સ્વીકારતા રોકે છે. આપણી ભીતર જે અનુભૂતિ છે તે આકર્ષણ અથવા નષ્ટ છે. કોઈ એકાદ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા થવી સ્વાભાવિક છે. આપણાં શાસ્ત્રો પણ કહે છે કે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ કુદરતી લાગણી છે. પ્રાણીમાત્રને આ અનુભૂતિ થાય છે, પરંતુ એને પ્રેમનું નામ ફક્ત માણસ આપે છે. પ્રેમમાંથી માલિકીભાવ જન્મે છે.

કોઈ એક વ્યક્તિ કે વસ્તુને ચાહતા હોઈએ ત્યારે એનાથી અલગ નહીં પડવાનું અથવા એને હંમેશાં માટે પોતાની કરી દેવાનું અથવા સંબંધને શાશ્વત બનાવવાનું માત્ર માણસ શીખવે છે. મજાની વાત એ છે કે માણસ અને ઘર એકબીજા સાથે જોડાયેલા હોય તો પણ ઘરને નુકસાન થાય તો માણસ બેચેન થાય છે, ઘર તૂટી જાય તો માણસ રડે છે, પણ માણસ મૃત્યુ પામે તો ઘર રડતું નથી, બેચેન થતું નથી, ઝૂરતું નથી, કારણ કે ઘર પાસે મન કે મગજ નથી, લાગણીની અનુભૂતિ નથી. વ્યક્તિને જડ થવાનું કહેવાનો કે શીખવવાનો આ પ્રયાસ નથી. ફિલ્મ ‘ફાઇવ ટુ સેવન’નો અંત કોઈ સોનેટ કાવ્યના અંત જેવો છે, જેની છેલ્લી બે પંક્તિઓ ચમત્કૃતિની અનુભૂતિ કરાવી જાય.

પોતાના પતિ અને સંતાનો પ્રત્યેની જવાબદારીને કારણે બ્રિયાન સાથે સંબંધ તોડતી એરેલ એને જીવનભર ભૂલી શકતી નથી. એરેલનો પ્રેમ સાચો છે, બંને તરફ. એક વ્યક્તિ એક જ વ્યક્તિને ચાહી શકે એવું આપણે કન્ડિશન્ડ લર્નિંગમાં શીખ્યા છીએ. એક મા પોતાના બે દીકરાને ચાહે કે પિતા પોતાની બે દીકરીઓને ચાહે તોય એનો વિરોધ નથી હોતો, પરંતુ એક પુરુષ બે સ્ત્રીઓને ચાહે કે એક સ્ત્રી બે પુરુષોને ચાહે એ સામાજિક રીતે, માનસિક રીતે પણ કોઈને મંજૂર હોતું નથી. આમાં ક્યાંય પહેલી વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ ઓછો થવાની વાત નથી, બીજી વ્યક્તિ ઉમેરાય તેથી પહેલી ડિલીટ નથી થતી એટલું જો સમજી શકાય તો જગતના ઘણા સંબંધોને કડવા થતા અટકાવી શકાય.

એક સમજદાર સંબંધની પહેલી શરત એ છે કે, સામેની વ્યક્તિની લાગણી, એની ઝંખના, એની જરૂરિયાત કે એની પ્રકૃતિને સમજીને એને પ્રેમ કરવામાં આવે. ખાસ કરીને લગ્નસંબંધમાં સામેની વ્યક્તિને અનુકૂળ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, નહીં કે થવાનો. કદાચ એને કારણે લગ્નોમાંથી સ્નેહ, કમિટમેન્ટ અને બોન્ડ ઓછા થતા જાય છે. ઓપન મેરેજ અથવા લગ્નેતર સંબંધની એડવોકસી કરવા માટે આ લેખ નથી, પરંતુ કદાચ પોતાના જીવનસાથી કોઈ બીજી વ્યક્તિને પસંદ કરતા હોય તો એ વિશે ઊહાપોહ કરવાને બદલે, કકળાટ કરવાને બદલે, ઝઘડા કરીને જિંદગી હરામ કરી નાખવાને બદલે એ બીજી વ્યક્તિમાં એવા કયા ગુણો છે એ સમજવાનો પ્રયાસ લગ્નને વધુ મજબૂત, વધુ દૃઢ અને વધુ દીર્ઘજીવી બનાવશે એટલું ચોક્કસ.
kaajalozavaidya@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો