તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારા વ્યક્તિત્વના આઠ નિયમ, પ્રભાવશાળી વ્યક્તિત્વનો જાદુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લોકોનાં મન પર તમારી કાયમી ઇમેજ ઊભી કરવા ઇચ્છતાં હો, તો આ નિયમો અપનાવો. પછી જુઓ, તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વનો જાદુ કેવો દરેક પર છવાઇ જાય છે

આ પણે રોજેરોજ અનેક પ્રકારના લોકો સાથે હળવામળવાનું બનતું હોય છે. તેમાંથી કેટલાક લોકો એટલા પ્રભાવશાળી હોય છે કે તે કાયમ યાદ રહી જતાં હોય છે. સામાન્ય રીતે આમ યાદ રહી જનારા લોકો હસમુખો સ્વભાવ અને શાલીન વાણીવર્તન ધરાવતાં હોય છે. પોતાની આવી વ્યવહારકુશળતાથી લોકોનાં મનમાં ઘર કરી લેવાની ખૂબી આવા લોકોમાં હોય છે. આ ગુણ ઘણી વાર તમને ઓફિસમાં પણ સારી તક મેળવવામાં સહાયરૂપ નીવડે છે. આમાંની કેટલાક નિયમો અપનાવીને તમે પણ તમારા વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવી શકો છો :

ખૂબીઓની પ્રશંસા કરો : સારું વર્તન કરવા માટે સામેવાળી વ્યક્તિને સાચા અર્થમાં પસંદ કરતાં હો, તે જરૂરી છે. તમે જ્યારે પણ કોઇને મળો, ત્યારે તેની ખામીને બદલે ખૂબીને મહત્ત્વ આપો. પોતાની પ્રશંસા સાંભળવી સૌને ગમે છે. આથી મળનાર વ્યક્તિમાં રહેલી ખૂબીની પ્રશંસા પણ કરી શકો છો.

સ્મિતનો જાદુ : આપણે જ્યારે પણ કોઇ સંબંધી કે પરિચિતને મળીએ ત્યારે ચહેરા પર આપોઆપ જ સ્મિત આવી જાય છે. આ સ્મિત એવું દર્શાવે છે કે તમે સામેવાળી વ્યક્તિને પસંદ કરો છો, આથી તમારા હાવભાવમાં પણ આનંદ કે ખુશી વ્યક્ત થાય છે. જ્યારે કોઇ અપરિચિતને મળો ત્યારે પણ ચહેરા પર સ્મિત ફરકાવો. તમારા સ્મિતનો પ્રત્યુત્તર સ્મિતથી જ મળશે એટલું તો ચોક્કસ.

નામનું રાખો ધ્યાન : દરેક વ્યક્તિ પોતાના નામથી ઓળખાવાનું પસંદ કરે છે. આથી જ્યારે પણ કોઇની સાથે વાત કરતાં હો, ત્યારે મિસ્ટર/મિસ કહેવાને બદલે તેમનાં નામથી બોલાવો. વાતચીત દરમિયાન પણ તમે નામ બોલી શકો ્રછો. આમ કરવાથી સામેવાળી વ્યક્તિનું નામ યાદ રહેવા સાથે એને પણ સારું લાગશે.

હું નહીં આપણે : દરેક વ્યક્તિને પોતાને ગમતા વિષય પર જ વાતચીત કરવાનું પસંદ હોય છે. આથી જો તમારી મિટિંગ કે મુલાકાત ઓફિશિયલ ન હોય તો એવા મુદ્દાઓ પર વાતચીત કે ચર્ચા કરો, જેમાં બંનેને સમાન રસ હોય. જો તમે કોઇને પ્રથમ વાર મળતાં હો અને તમને એની પસંદ-નાપસંદ વિશે ખ્યાલ ન હોય તો આ અંગે પૃચ્છા કરી અને આગળ વાત કરી શકો છો.

સારા શ્રોતા બનો : વાતચીત દરમિયાન સામેવાળી વ્યક્તિને પણ બોલવાની તક આપો. એટલું જ નહીં, એની વાત ધ્યાનથી સાંભળો પણ ખરાં. તે સાથે જ એ જે કહે તેમાં રસ દાખવો. જેમ કે, કોઇ તમને કહે કે વાંચનનો શોખ છે, તો એને એના પ્રિય લેખક અથવા છેલ્લું કયું પુસ્તક વાંચ્યું તે અંગે પૂછો.

વાતચીતની શૈલી : તમે કયા વિષય પર અને કઇ રીતે વાતચીત કરો છો, તે પણ મહત્ત્વપૂર્ણ પાસું છે. શાલીનતાભર્ર્યું વર્તન સૌને આકર્ષે છે. આ ઉપરાંત, જો તમારાથી કંઇ ભૂલ થઇ હોય અથવા તમે કોઇ બાબત અંગે ખુશી વ્યક્ત કરતાં હો, તો તેનો ખ્યાલ તમારા હાવભાવ દ્વારા પણ આવવો જોઇએ.

દલીલથી રહો દૂર : જો તમારી મુલાકાત ઔપચારિક અને અલ્પકાલીન હોય અને તમે સામેવાળી વ્યક્તિની વાત સાથે સંમત ન હો, તો તમારી વાતને વળગી રહેવાને બદલે વિષય બદલી નાખો. માનો કે કોઇ મુદ્દો તમારા માટે મહત્ત્વનો હોય તો પણ શાલીનતાપૂર્વક તમારી વાત રજૂ કરી દલીલબાજીથી દૂર રહો.

ઇમેજ પર આપો ધ્યાન : આપણે સૌ વાત કરતાં પહેલાં એકબીજાને જોઇને જ મનોમન ઇમેજ બનાવી લઇએ છીએ. આથી આ નિયમોને અપનાવવાની સાથોસાથ તમારા લુક પર પણ ધ્યાન આપો. સારા દેખાવથી તમે કંઇ કહેતાં પહેલાં જ આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.