ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મેનેજમેન્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈસ્ટ ઇન્ડિયા કંપની’ તીર્થંકર રોય દ્વારા લખાયેલા પુસ્તકમાં આપણા ઇતિહાસના એક એવા પ્રકરણનું વિશ્લેષણ કરાયું છે જે બ્રિટિશરાજની સ્થાપનાનો પાયો છે. એક કંપની જે માત્ર વ્યાપાર કરવાના હેતુથી આવી હતી અને છેવટે આખા દેશ પર બે સદીઓ સુધી રાજ કર્યું. અમુક ઐતિહાસિક ઘટનાઓ દ્વારા મેનેજમેન્ટના સિદ્ધાંતો સમજી શકાય છે. આ કંપનીમાં એવી કઈ ખાસિયત હતી કે પોતાનો મૂળ હેતુ ભૂલી જઈ આપણા ઇતિહાસમાં આટલી મહત્ત્વની ભૂમિકા ભજવી શકી. સત્તરમી સદી યુરોપમાં એવો સમય હતો જ્યારે ત્યાંના દેશોની કંપનીઓ માત્ર ભારત નહીં દક્ષિણ પૂર્વના બીજા દેશોમાં પણ સંપત્તિની શોધમાં આવી હતી.

આપણે ત્યાં પણ એક સમયે બ્રિટિશ ઉપરાંત બીજી ચાર યુરોપિયન કંપનીઓ કાર્યરત હતી. તેમાં અંગ્રેજોના સૌથી મોટા સ્પર્ધક ફ્રેન્ચ હતા જેમને રણનીતિ નહીં, પરંતુ રણમેદાન પર હરાવીને અંગ્રેજ કંપની સફળ થઈ હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રથમ જોઇન્ટ સ્ટોક કંપની હતી જેના શેરહોલ્ડર્સ આમ જનતા નહીં, પણ બ્રિટિશ સંસદના સભ્યો હતા. તે સમયે હજારો માઇલ દૂર વ્યાપાર કરવો એટલે મોટા ફાયદા વિના પોસાય તેમ નહોતું. સુરતમાં એક નાની વખારથી આરંભ કરી એમણે મદ્રાસ, મુંબઈ અને કલકત્તામાં કિલ્લેબંદી કરી આ ત્રણ શહેરોની સ્થાપના કરી. કલકત્તાના સ્થાપક જોબ ચાર્નોકે કહ્યું હતું, આ દેશમાં કિલ્લો શ્રેષ્ઠ પ્રતિનિધિ છે. કંપનીનો રિમોટ કંટ્રોલ લંડનમાં હતો, જેનો સ્પષ્ટ નિર્દેશ હતો કે અહીં માત્ર વ્યાપાર કરવાનો છે.
 
આ આદેશની અવગણના કરી કંપની રાજનીતિમાં સક્રિય થઈ. કંપનીના કર્મચારીઓ કર માફીનો લાભ લઈ દેશી વેપારીઓની ભાગીદારીમાં ખાનગી વ્યાપાર કરવા લાગ્યા. કંપનીએ મેળવેલી આર્થિક સત્તા છેવટે રાજકીય બની ગઈ. સ્થાનિક પ્રજાનું એમણે એટલું શોષણ કર્યું કે છેવટે વિદ્રોહ થયો અને કંપનીને બરખાસ્ત કરી રાણી વિક્ટોરિયાએ સત્તા પોતાના હાથમાં લેવી પડી.

આ ઐતિહાસિક પ્રકરણથી મેનેજમેન્ટના અમુક સિદ્ધાંતો પુરવાર થાય છે. જો કોઈ બ્રાન્ચ હેડ ઓફિસની નીતિવિરોધી પ્રવૃત્તિ કરે તો એને આરંભમાં જ દબાવી દેવી જોઈએ. કર્મચારીઓ ખાનગી વ્યાપાર કરે ત્યારે કંપનીને વફાદાર નથી રહેતા. કંપનીના ડાયરેક્ટરોએ આ ગેરરીતિઓ ચલાવી લીધી, કારણ કે એમની આવક વધી રહી હતી અને બ્રાન્ચ હેડઓફિસ કરતાં વધારે શક્તિશાળી બની ગઈ. દેશમાં ભાષાની અડચણ હોવાથી એમણે એજન્ટ નિમવા પડ્યા અને દલાલ તથા વચોટિયા વ્યવસ્થાને પ્રોત્સાહન મળ્યું. આપણા રાજવીઓના આંતરિક ઝઘડામાં એમણે દખલ કરી કમાણી કરી લીધી. નૈતિક મૂલ્યો ભૂલી જઈ ચીનમાં મોટા પાયે અફીણની નિર્યાત કરી જેના લીધે અંતે ચીન સાથે ‘ઓપિયમ વોર’ (અફીણ યુદ્ધ) થયાં. કંપનીએ એટલી લૂંટ ચલાવી કે એડમ સ્મિથ જેવા અર્થશાસ્ત્રીએ વિરોધ કર્યો. મૂળ સિદ્ધાંત એ સાબિત થાય છે કે જ્યારે પણ કેન્દ્ર નબળું પડે ત્યારે સત્તાનું વિકેન્દ્રિકરણ થઈ જતું હોય છે.
 
bakulbakshi@hotmail.com
અન્ય સમાચારો પણ છે...