તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશના સ્ટુપિડ અને આઉટડેટેડ કાયદાઓ હવે તો બદલો!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાયદા વગરનો સમાજ શક્ય નથી. લગામ વગરનો ઘોડો બેફામ બની જાય છે. કાયદાના ઢગલાબંધ ફાયદા છે. આપણા દેશનું બંધારણ દુનિયાનું વન ઑફ ધ બેસ્ટ કોન્સ્ટિટ્યુશન છે. આમ છતાં હવે કેટલાક કાયદાઓ ઉપર જામી ગયેલા ધૂળ-જાળાં સાફ કરવાનો, આઉટડેટેડ થઇ ગયેલા કાયદાઓને બદલવાનો અને કેટલાક નવા કાયદા ઉમેરવાનો સમય પાકી ગયો છે. આવતા વર્ષે આઝાદીને સાત દાયકા થઇ જશે. આ સમય દરમિયાન દુનિયા બદલાઇ ગઇ છે, દેશ પણ ધરમૂળથી બદલાઇ ગયો છે.

બાબા આદમના વખતથી ચાલ્યા આવતા અનેક કાયદાઓ જરીપુરાણા, જર્જરિત અને નક્કામા થઈ ગયા છે. દેશને હવે નવા અને તાજા કાયદાઓની જરૂર છે

કંઇ બદલાયા ન હોય તો એ છે આપણા કાયદા. હા, જરૂર પડી ત્યારે થોડા ઘણા સુધારાવધારા ચોક્કસ થયા છે પણ તમામ કાયદાઓ ઉપર નવેસરથી વિચાર થયો જ નથી. ઇન્ડિયન પિનલ કોડની 155મી એનિવર્સરી થોડા દિવસ અગાઉ ઊજવાઈ. તેના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહ્યું કે, કાયદાઓ પર પુન:વિચાર હવે થવો જોઇએ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક બુદ્ધિજીવીઓ અગાઉ કાયદામાં સુધારાની વાત કરી ગયા છે. સવાલ શરૂઆત કરવાનો છે. અલબત, આ કામ અઘરું અને આકરું છે.

રાજદ્રોહનો કાયદો ઘણા સમયથી વિવાદમાં છે. ગુજરાતમાં પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ સામે રાજદ્રોહ લગાડાયો છે. જેએનયુના સ્ટુડન્ટ્સ સામે પણ રાજદ્રોહનો ગુનો નોંધાતાં હોબાળો થયો છે. રાજદ્રોહનો કાયદો અંગ્રેજોના જમાનાનો છે. ખરેખર કોને રાજદ્રોહ કહેવાય તેના ઉપર નવેસરથી વિચારવાની જરૂર તો છે જ. કાશ્મીરમાં ફરકાવાતા ઇસ્લામિક સ્ટેટ કે પાકિસ્તાનના ઝંડાઓ સામે કેમ રાજદ્રોહ નથી લગાડાતો? વાણી સ્વાતંત્ર્યના નામે પણ ઘણું ધુપ્પલ ચાલે છે. આ અને આવા ઘણા કાયદાઓમાં સ્પષ્ટતા અને સરળતા જરૂરી બની ગઇ છે.

ગુનાખોરીમાં પરિવર્તન આવ્યું છે. કાયદાઓ બન્યા ત્યારે ઇન્ટરનેટનું અસ્તિત્વ ન હતું. સોશિયલ મીડિયા કઈ ચીડિયાનું નામ છે એ કોઇને ખબર ન હતી. ફ્રોડ પણ હવે ઓનલાઇન થાય છે. ક્રિમિનલ્સ હાઇટેક થઇ ગયા છે. આપણે ત્યાં સાઇબર લૉ છે પણ એ હજુ પૂરતો સક્ષમ નથી. ખરીદી હવે ઘરબેઠાં થાય છે. ઓનલાઇન શોપિંગ પછી ગ્રાહક સુરક્ષાનો કાયદો પણ નવેસરથી તૈયાર કરવો પડે તેમ છે. કાયદાઓમાં થોડાઘણા સુધારાઓ કરી થૂંકના સાંધાઓથી આપણે ક્યાં સુધી ચલાવીશું?

દિલ્હીના નિર્ભયા કાંડ પછી ગંભીર ગુનાઓમાં ગુનેગારની ઉંમરનો સવાલ ખડો થયો. ભારે વિવાદ પછી આખરે જુવેનાઇલ લૉમાં સુધારો થયો. ગંભીર ગુનામાં ઉંમર 16ની કરવામાં આવી. બાળ ગુનેગારોનો કાયદો પણ હવે બુઢ્ઢો થઇ ગયો છે અને પુન:જન્મ માગે છે. ભારતમાં એમ તો સમાન સિવિલ કોડ એટલે કે આખા દેશમાં એકસરખા કાયદાની વાતો વર્ષોથી નહીં પણ દાયકાઓથી થાય છે. દેશમાં ભાજપની સરકાર આવી પછી કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી 370મી કલમની બહુ ચર્ચાઓ થઇ હતી પણ પછી આખો મામલો શાંત પડી ગયો.

કોઇ સરકાર કાયદાઓ બદલવાનું જોખમ લેવા તૈયાર નથી. બધાને ડર છે કે ક્યાંક આવું કરવા જતાં સૂતેલા સાપો સળવળીને બેઠા ન થઇ જાય. સેન્સેટિવ કાયદાને ભલે સાઇડ પર રાખીએ પણ બીજા કાયદાઓ તો બદલી શકાય ને? આપણે ત્યાં અમુક કાયદાઓ તો હાસ્યાસ્પદની કેટેગરીમાં મૂકી શકાય તેવા છે. તમને ખબર છે કે તમે રોડ પર ચાલ્યા જતાં હોવ અને તમને દસ રૂપિયાની નોટ મળે તો પોલીસ સ્ટેશન જઇ તમારે તેની જાણ કરવી ફરજિયાત છે.

જો તમે આવું ન કરો તો એ કૃત્ય ગુનાને પાત્ર છે. આપણે ત્યાં ફિલ્મ કે ટેલિવિઝન એવોર્ડ સમારોહમાં એકસાથે ઘણાં છોકરા-છોકરીઓ ડાન્સ કરતાં હોય છે. આ બધા સામે પોલીસ ધારે તો ગુનો નોંધી શકે છે. તેનું કારણ એ છે કે દસ કરતાં વધુ કપલ જો એક સ્ટેજ પર ડાન્સ કરે તો કાયદા મુજબ એ ગુનાહિત કૃત્ય છે. ગુજરાતની વાત જવા દો, પણ જ્યાં દારૂબંધી નથી એવા રાજ્યમાં પણ તમે હોમ ડિલિવરીથી આલ્કોહોલ મગાવી શકતા નથી. હા, બિયર કે વાઇન મગાવો તો વાંધો નહીં.

અમુક ગુનાઓમાં જેલની સજા સાથે દંડની પણ જોગવાઇ હોય છે. હવે આ દંડની રકમ જ્યારે કાયદો બન્યો હોય ત્યારે બહુ મોટી લાગતી હોય પણ અત્યારે તેના વિશે સાંભળો તો આશ્ચર્ય થાય કે આલે લે, આટલો જ દંડ! એક ઉદાહરણ જોઇએ. આપણે છાપામાં એવા સમાચાર અનેક વખત વાંચ્યા છે કે જુગારધામ પર દરોડો. આટલા લોકો આટલા મુદ્દામાલ સાથે પકડાયા. પકડાયેલા લોકો પછી જામીન ઉપર છૂટી જાય છે. કેસ ચાલે છે. તમને ખબર છે કે જુગાર રમવો કે જુગાર રમાડવાની સજા શું છે?

રૂપિયા બસોનો દંડ અથવા તો ત્રણ મહિનાની સજા. આજના સમયમાં 200 રૂપિયાનું શું આવે છે? અદાલતોને પણ આવા કેસો ચલાવીને ટાઇમ બગાડવામાં રસ હોતો નથી. આપણી અદાલતોમાં કેસોનો ભરાવો છે તેનું એક કારણ આવા નક્કામા કેસો છે. આપણા દેશમાં આજથી 147 વર્ષ અગાઉ અંગ્રેજોએ અમલમાં મૂકેલો ધ પબ્લિક ગેમ્બલિંગ એક્ટ ઑફ 1876 આજે પણ ચાલે છે. આ જુગારના કાયદામાં વળી એવો એક ખુલાસો પણ છે કે જેમાં સ્કિલ હશે તેને જુગાર ગણવામાં નહીં આવે. એટલે જ આપણે ત્યાં ઘોડાની રેસને જુગાર ગણવામાં નથી આવતી.

ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885થી અમલમાં છે, જેની મોટા ભાગની કલમો હવે આઉટડેટેડ છે. આપઘાતની કલમ 309માં જોકે સુધારો કરી લેવાયો છે, બાકી બચી જનાર સામે ગુનો નોંધાતો હતો. સપ્ટેમ્બર, 2014માં 20મા કાયદાપંચ દ્વારા 261 નક્કામા કાયદા અલગ તારવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રવિશંકર પ્રસાદ અને પછી સદાનંદ ગૌડાના નેતૃત્વમાં કાયદાપંચ દ્વારા 72 કાયદા શોધી કઢાયા હતા.

અમેરિકાની મુલાકાત વખતે મેડિસન સ્ક્વેર સ્ટેડિયમમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ ‘પ્રાચીન’ કાયદા રદ કરવાની વાત કરી હતી. સંસદમાં ખરડો પણ લવાયો. અમુક કાયદા સુધારાયા અને બદલાયા છે. જોકે હજુ અનેક બેકાર કાયદા મોજૂદ છે. કાયદાઓ ઉપર નવેસરથી કસરત કરવાની જરૂર છે પણ ગમે તે કારણોસર સરકાર અચકાઇ રહી છે. દેશ હવે નવા અને તાજા કાયદા ઝંખી રહ્યો છે.
kkantu@gmail.com
અન્ય સમાચારો પણ છે...