તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃદ્ધાવસ્થા જીવનનો અંત નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વૃદ્ધાવસ્થા જીવનનો અંત નથી
ગુજરાતીના યુવાન વાર્તાકાર અજય સોનીની એક વાર્તા છે: ‘કંધોતર’. વૃદ્ધ સૂર્યકાન્ત પત્ની ભાનુના અવસાન પછી એકાકી જીવન ગાળે છે. પરિવારમાં કોઈ નથી. પત્નીના મૃત્યુ પછી એમને જીવનમાં રસ રહ્યો નથી. એ સતત ડિપ્રેશનમાં અને ખાલીપણાની પીડામાં જ જીવે છે. એમનો મિત્ર અનિલભાઈ સૂર્યકાન્તને આ પ્રકારનો નકારાત્મક અભિગમ છોડીને ડિપ્રેશનમાંથી બહાર  આવવા સમજાવવા પ્રયત્ન કરે છે. એ સૂર્યકાન્તને વૃદ્ધાવસ્થા સાથે આવતી પરિસ્થિતિનો સામનો કરવાની પ્રેરણા આપે છે, પરંતુ એ પોતે પણ વધતી ઉંમરની સાથે આવતી સમસ્યાથી બચી શક્યા નથી.

અનિલભાઈ ભર્યાભાદર્યા પરિવારમાં રહેતા હોવા છતાં એકલવાયાપણું અનુભવે છે. એક દિવસ સૂર્યકાન્તને  અનિલભાઈના અવસાનના સમાચાર મળે છે. મિત્રને સ્માશાનમાં લઈ જવાતા હોય છે ત્યારે સૂર્યકાન્તની મનોદશા શી છે? અજય લખે છે તેમ સૂર્યકાન્ત  અનિલભાઈની નનામી ઉપાડીને જતા લોકો તરફ ઇર્ષાથી જોઈ રહે છે. તે કઈ વાતની ઇર્ષ્યા છે? સૂર્યકાન્તને વૃદ્ધાવસ્થામાંથી છુટકારો ન મળ્યો, પરંતુ અનિલને મળ્યો તે વાતની ઇર્ષ્યા છે. લેખકે ‘કંધોતર’ વાર્તામાં વૃદ્ધોના મનમાં બીમારીની જેમ ફેલાતી હતાશા – ડિપ્રેશનની વેધક વાસ્તવિકતા નિરૂપી છે.

હૈદરાબાદમાં અમારા પડોશીનો નાનો ભાઈ ઓસ્ટ્રેલિયામાં વૃદ્ધ લોકોની સાયકોલોજીના પ્રશ્નો પર કામ કરે છે. એ થોડા દિવસ પહેલાં હૈદરાબાદ આવ્યા હતા. એમણે કહ્યું તેમ વૃદ્ધોની માનસિક સમસ્યાના અનેક કેસ કાઉન્સેલિંગ માટે એમની પાસે આવે છે. તેમાં મોટા ભાગની સમસ્યા પારિવારિક એકલતાની, પત્ની કે પતિના મૃત્યુ પછી જીવનમાં અચાનક ઊભા થતા ખાલીપણાની, લાંબી બીમારીથી જન્મતા ડિપ્રેશનને લગતી હોય છે.

જીવનનાં મોટા ભાગનાં વરસ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહ્યા પછી નિવૃત્તિના સમયે એમના જીવનમાં ભયાનક અવકાશ ઊભો થાય છે. તેઓ આવા અવકાશને જીરવી શકતા નથી. મોટા ભાગના વૃદ્ધ માનસિક દરદીઓ એમના જીવનમાં હેતુ ગુમાવી બેસે છે. માનવજીવનમાં વૃદ્ધાવસ્થા અનિવાર્યપણે આવવાની જ છે તે સત્ય જાણતા હોવા છતાં ઘણા લોકોએ તે પરિસ્થિતિ માટે જાતને તૈયાર જ કરી હોતી નથી. પછી નાનુંસરખું બહાનું મળતાં જ તેઓ ડિપ્રેશનમાં સરી પડે છે. એમણે એક વૃદ્ધ પુરુષની વાત કરી હતી. એ વૃદ્ધને વર્તમાનમાં રસ જ નથી પડતો, એ એના ભૂતકાળની યાદોમાં જ જીવે છે.

જે બાબતો એમના જીવનમાંથી વીતી ગઈ છે તેના જ અફસોસમાં એ અર્ધપાગલ જેવું વર્તન કરે છે. એમનું વલણ પરિવારના નાના-મોટા સભ્યોને મૂંઝવણમાં નાખે છે. દીકરો નાછૂટકે પિતાને વૃદ્ધોની સંભાળ લેતી સંસ્થામાં મૂકી આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની જ જાણીતી સાયકોલોજિસ્ટ ડૉ. નાન્સી પચાના વૃદ્ધાવસ્થાની માનસિક સમસ્યાઓના ઉપાય માટે બે બાબતો પર ભાર મૂકે છે. પહેલી બાબત છે શારીરિક તંદુરસ્તી. તેઓ કહે છે કે શારીરિક તંદુરસ્તી ધરાવતાં વૃદ્ધોએ કેટલાક પ્રકારની માનસિક સમસ્યાનો સામનો જ કરવો પડતો નથી. ડૉ. નાન્સી વૃદ્ધાવસ્થાને સફળતાપૂર્વક પાર કરવા માટે એમના ક્લાયન્ટ્સને જુદી જુદી પ્રવૃત્તિમાં શક્ય તેટલા પ્રવૃત્તિશીલ રહેવા જણાવે છે.

તેઓ કહે છે: ‘ઘણાં વૃદ્ધો સોશિયલ નેટવર્ક પર સક્રિય થયાં છે, એમને ગમતા શોખ પાછળ સમય ગાળે છે, નવી બાબતોમાં રસ કેળવવા લાગ્યા છે. આ બધું જ વૃદ્ધોને જીવનમાં ઊભા થતા ખાલીપા અને એકાકીપણાની લાગણીમાંથી બચાવે છે. તમે કઈ પ્રવૃત્તિ કરો છો તે મહત્ત્વનું નથી, તમે પ્રવૃત્ત રહેવા ઇચ્છતા હો તે વધારે અગત્યનું હોય છે. વૃદ્ધાવસ્થા જીવનનો અંત નથી. આ ઉંમરે પણ જીવનમાં નવી સિદ્ધિ મેળવી શકાય છે. એકાણું વરસની હૅરિટ થૉમ્પસને એક મેરેથોન દોડ સાત કલાકમાં પૂરી કરીને વિક્રમ સ્થાપ્યો છે.

ખેલકૂદનાં ક્ષેત્રમાં એવાં કેટલાંય ઉદાહરણ જોવા મળે છે. હૅરિટે કહ્યું હતું: ‘હું દોડ પૂરી કરી લઉં પછી મને થોડુંક એવું લાગે કે હું વૃદ્ધ થઈ છું, છતાં હું ઘણી યુવાન છોકરીઓની સરખામણીમાં ફિટ છું.’ એરિઝોનાના સન સિટીમાં વૃદ્ધ મહિલાઓએ ‘ધ પોમ્સ’ નામનું સિનિયર ડાન્સર્સનું ગ્રુપ બનાવ્યું છે. તેઓ નિયમિતપણે ડાન્સ પરફોર્મન્સના ટિકિટ શો પણ કરે છે. અન્ના મૅરી રોબર્ટસને અઠ્ઠોતેરમા વરસે ચિત્રકળાનો શોખ વિકસાવ્યો અને પ્રસિદ્ધ ચિત્રકાર બની. સંગીતકાર પાબ્લો કસાલ્સ પંચાણુમા વરસે પણ દર રોજ છ કલાક રિયાજ કરે છે. એ કહે છે કે હજી પણ એમના પરફોર્મન્સમાં નવું કરી શકવાની શક્યતા છે, એ તે શક્યતાને તાગવા માગે છે. ભારતમાં પણ કેટલાય વૃદ્ધો મોટી ઉંમર સુધી સક્રિય રહે છે.  

શરીર અને મનની તંદુરસ્તી, પોતાના વર્તુળ સિવાય બહારના જગત સાથે સંપર્ક જાળવવાની ઉત્સુકતા, ગમતી પ્રવૃત્તિઓમાં સક્રિયતા વગેરે વૃદ્ધાવસ્થામાં સકારાત્મક વલણ ઊભું કરવામાં સહાય કરે છે. વૃદ્ધાવસ્થાની સાથે ભવિષ્ય ખતમ થઈ જતું નથી, કદાચ એ નવા ભવિષ્યનો આરંભ પણ હોય છે. ભૂતકાળની બધી ચિંતા-ઉપાધિ, દોડધામમાંથી મુક્ત થઈ જીવનને નવેસરથી જોવાની તક પાછલી ઉંમરે જ મળે છે. છેલ્લી ક્ષણ સુધી નવું બનવાની શક્યતાને સ્વીકારતા લોકો જ પ્રસન્નચિત્તે મૃત્યુને આવકારી શકે છે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો