જિંદગીનાં સરવૈયાંનું સાચું તારણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિંદગીનાં સરવૈયાંનું સાચું તારણ
જિદગીમાં ક્યારેક એવો મુકામ આવે છે, જ્યારે જીવનની વેગીલી રફતારમાં ઘડીભર પોરો ખાવાની તક મળે છે. એવા સમયે આગળ-પાછળનાં લેખાંજોખાં માંડી શકાય છે. વ્યક્તિના જીવનમાં એવા બે મુકામ તો આવે જ છે– પહેલીવાર બેતાલાં ચશ્માં આવે ત્યારે અને બીજી વાર સિત્તેર વરસની ઉંમરની આસપાસ. બેતાલાં ચશ્માંના કાચમાંથી દુનિયા અલગ દેખાય છે. તે સમયે લગભગ અડધી મુસાફરી પૂરી થઈ હોય છે અને આગળની દિશા વિશે ફેરવિચારણા કરવાની શક્યતા પણ હોય છે.
 
સિત્તેરની આસપાસ તો માત્ર પાછળ જ જોવાનું બાકી હોય. જિંદગીના લાંબા પથરાટ પર સંતોષ અથવા અફસોસ જન્માવે એવા કેટલાય પ્રસંગ બન્યા હોય છે. જરૂરી નથી કે જિંદગીનાં લેખાંજોખાં ઉંમરના કોઈ ચોક્કસ તબક્કે જ કરી શકાય. ક્યારેક અચાનક અસામાન્ય પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પણ લોકો એમની વીતેલી જિંદગી વિશે વિચાર કરવા પ્રેરાય છે. કાર્લ લોગર્સ નામના ભાઈને ગંભીર બીમારીને લીધે લાંબો સમય હૉસ્પિટલમાં રહેવું પડ્યું. એ હૉસ્પિટલની પથારી પરથી પોતાના જીવનનું સરવૈયું કાઢે છે.

કાર્લ કહે છે: ‘આપણે જિંદગીમાં જે મેળવી શક્યા અને ન મેળવી શક્યા તે બધું જીવનયાત્રાનો માર્ગ જ હોય છે, તે કોઈ ચોક્કસ સ્થળ હોતું નથી, જ્યાં આપણે હંમેશ માટે રોકાઈ શકીએ. થોડા વિસામા પછી એવા મુકામ પરથી ફરી આગળ ચાલવાનું હોય છે.’ જરા થંભીને કરેલાં લેખાંજોખાં આગળની દિશાનો યોગ્ય રસ્તો શોધવા પ્રેરે છે. પાંત્રીસની નજીક પહોંચેલો એક પુરુષ એનું એક સપનું પૂરું કરી શક્યો નહોતો. એ મેરેથોન દોડમાં ભાગ લેવા માગતો હતો, પરંતુ એના શરીરનું વધારે વજન આડું આવતું હતું. તેથી એ ક્યારેય દોડની સ્પર્ધામાં ભાગ લઈ શક્યો ન હોતો.

તે વાત એને એની જિંદગીની મોટી અધૂરાશ લાગતી હતી. એણે એનું સપનું સિદ્ધ કરવાનો નિર્ણય કર્યો. દોડવાની શરૂઆત કરી – એક માઈલ, પછી બે અને ત્રણ. એમ કરતાં એ દસ માઈલ દોડવા લાગ્યો. એણે મેરેથોન દોડમાં ભાગ લીધો. નિર્ધારિત અંતર પાર કરતાં એને ચાર કલાક અને સુડતાલીસ મિનિટ લાગી. એણે વિચાર્યું, વાહ, હું સુખરૂપ દોડ પૂરી કરી શક્યો, તે પણ પાંચ કલાકથી ઓછા સમયમાં! મારા માટે એ જ સાચો ગોલ્ડ મેડલ છે.

એક પિતા એના કામમાં વ્યસ્ત હતો. એનું બધું જ ધ્યાન હંમેશાં પોતાના કામમાં જ રહેતું. એની ત્રણ વરસની દીકરી નજીક બેસીને રમતી હતી. પિતાનું ધ્યાન એના તરફ નહોતું. થોડી વાર પછી એને મોટેથી વાગતા ડ્રમનો અવાજ સંભળાયો. એણે જોયું તો દીકરી એના રમકડાના ડ્રમ પર જોરજોરથી લાકડી ફટકારતી હતી. પિતાએ એને શાંતિ રાખવા કહ્યું, પણ એણે પિતા સામે જોઈ ડ્રમ પીટવાનું ચાલુ રાખ્યું. પિતા એની પાસે ગયો અને દીકરીનું ડ્રમવાદન સાંભળવા લાગ્યો. દીકરીના મોઢા પર સ્મિત અને સંતોષ આવી ગયાં.

એ પિતા સામે મીઠું સ્મિત કરતી ધીમેધીમે તાલબદ્ધ ડ્રમ વગાડવા લાગી. પિતાને સમજાયું કે દીકરી એનું ધ્યાન ખેંચવા માગતી હતી, જેથી એ ડ્રમવાદનનો આનંદ પિતા સાથે વહેંચી શકે. પિતા કહે છે: ‘મારી ત્રણ વરસની દીકરીએ મારું ધ્યાન ખેંચ્યું ન હોત તો હું ક્યારેય એના બાળસહજ આનંદની ક્ષણોને માણી શક્યો ન હોત. મારી દીકરીના બાળપણ તરફ ધ્યાન આપ્યા વિના જ મારી જિંદગી પસાર થઈ ગઈ હોત. વરસો પછી હું મારી જિંદગી વિશે વિચારતો હોત ત્યારે મને પસ્તાવા સિવાય બીજું કંઈ મળ્યું ન હોત’ કહેવાયું છે કે નિષ્ફળતા કરતાં નિષ્ફળતાનો ભય આપણો સૌથી મોટો શત્રુ છે.

આપણે કેવા પ્રકારના વિચારોને આપણા મગજનો કબજો લેવા દઈએ છીએ તેના પર સફળતા કે નિષ્ફળતાનો આધાર રહે છે. મોટા ભાગના લોકો એમની સરેરાશ જિંદગીમાં જ અટવાઈ જાય છે. તેઓ કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં જ જાતને તે કામ માટે અયોગ્ય માની લે છે. પછી પાછલી જિંદગીમાં સરવૈયું માંડે ત્યારે એમના ખાતામાં શૂન્ય જ જોવા મળે છે.{
 
અન્ય સમાચારો પણ છે...