તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમે મોક્ષ ઇચ્છશો કે પુનર્જન્મ?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત સર્જક રઘુવીર ચૌધરીની એક મુલાકાતમાં આરાધના ભટ્ટે એમને પૂછ્યું હતું કે બીજો જન્મ આપતાં પહેલાં ભગવાન એમની પસંદગી પૂછે તો તેઓ શું જવાબ આપે. રઘુવીરભાઈનો જવાબ હતો: ‘બીજો જન્મ નથી લેવો. મારું એક કાવ્ય છે, ‘કેફિયત’. એની છેલ્લી પંક્તિ છે– ‘અમને ગમશે પૂરી થાય જે એ જ કહાની.’ એટલે માન્યતામાં તો એવું છે કે બીજો જન્મ ન થાય તો સારું.’ પછી ઉમેર્યું હતું કે જો પુનર્જન્મ થવાનો જ હોય તો તેઓ વૃક્ષ બનવાનું પસંદ કરશે.
જ્ઞાનપીઠ એવોર્ડથી પુરસ્કૃત હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક સ્વ. નિર્મલ વર્મા વિશે એમની પત્ની ગગન ગિલે એક લેખમાં લખ્યું છે: ‘નિર્મલજી પુનર્જન્મમાં માનતા હતા. એમને મોક્ષના ખ્યાલથી મૂંઝવણ થતી. એક વાર અમે અમારા ઘરના નાનકડા બગીચામાં બેઠાં હતાં, પક્ષીઓ અને હરિયાળીની વચ્ચે. ‘તું મોક્ષ ઇચ્છશે કે પુનર્જન્મ?’ એમણે મને પૂછ્યું હતું. જે વાત એમના મનમાં ચાલતી હોય, હંમેશાં બીજાને અચાનક પૂછી બેસતા. ‘મોક્ષ.’ મેં જવાબ આપ્યો હતો. એમને બહુ નિરાશા થઈ. ‘આવી સુંદર પૃથ્વી છે, આ જીવન છે, તું ફરી જોવા આવવા નહીં ઇચ્છે?’ મેં એમને પૂછ્યું હતું: ‘તમે?’ એમણે એમનાં પોપચાં પટપટાવ્યાં હતાં. સ્મિત સાથે. એ આવવા માગતા હતા.’

હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મના અનુયાયીઓ પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવે છે. હિન્દુ ધર્મ માને છે કે શરીર નાશ પામે છે, આત્મા નાશ પામતો નથી. પશ્ચિમ આફ્રિકાના યોરુબા લોકોની માન્યતા પ્રમાણે મૃત્યુ પામેલી વ્યક્તિ પોતાના પરિવારમાં જ પુનર્જન્મ લે છે. એમનાં નામ પણ એવા અર્થવાળાં જ હોય છે, જેમ કે ‘બાબાતુન્ડે’ નામનો અર્થ છે ‘પિતા પુન: આવ્યા છે’ કે ‘યેતુન્ડે’ નામનો અર્થ છે ‘મા ફરી આવી.’ એવું જ એક નામ છે ‘સેતુન્ડે’, જેનો અર્થ છે ‘ડાહ્યો માણસ ફરી આવ્યો.’

અમેરિકાના મૂળ નિવાસીઓ પણ પુનર્જન્મમાં માને છે, હૉ-ચુન્ક જનજાતિના થુન્ડર ક્લાઉડે ૧૯૨૩માં એના બે પૂર્વજન્મોની વાત કરી હતી. એણે કહ્યું હતું: ‘મૃત્યુ પછી મને સૂર્ય અસ્ત પામે છે તે પશ્ચિમની ભૂમિમાં લઈ જવામાં આવ્યો. ત્યાં મેં ‘પૃથ્વીના સર્જનહાર’ પાસે પૃથ્વી પર પુનર્જન્મની ઇચ્છા પ્રગટ કરી. ઇશ્વર મને ફરી પૃથ્વી પર મોકલવા માગતા જ હતા. ઇશ્વરે મને કહ્યું: ‘તારે ફરી જન્મ લેવાનો જ છે અને ત્યાં તારા અને તારા સંબંધીઓના હત્યારાઓનો બદલો લેવાનો છે.’ હું મારા બીજા જન્મમાં વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામ્યો. એ પછી હું કબરમાં સૂતો હતો ત્યારે કોઈએ મારા કાનમાં કહ્યું– ચાલ, આપણે જવાનું છે. અમે સૂર્યોદયની ભૂમિમાં આવ્યા. ત્યાં હું મારાં મૃત સગાંસંબંધીઓને મળ્યો. પછી મારો ત્રીજો જન્મ થયો અને હવે તમારી વચ્ચે છું.’

વિજ્ઞાનના વિષયોના અભ્યાસી અને લેખક કાર્લ સર્જેને તિબેટના વર્તમાન દલાઈ લામાને પૂછ્યું હતું, જો વિજ્ઞાન એમના ધર્મની પુનર્જન્મ વિશેની મૂળભૂત માન્યતાને સાબિતીઓ સાથે ખોટી સાબિત કરે તો તેઓ શું કરે? દલાઈ લામાનો જવાબ હતો: ‘જો વિજ્ઞાન અમારી પુનર્જન્મમાં શ્રદ્ધાને પૂરતી સાબિતીઓ સાથે ખોટી પુરવાર કરી શકે તો તિબેટનો બૌદ્ધ ધર્મ એના સિદ્ધાંતોમાંથી પુનર્જન્મની વાતનો ત્યાગ કરશે, પરંતુ વિજ્ઞાન માટે એ સાબિત કરવું અસંભવ છે.’

સામાન્ય રીતે આપણે ધારીએ છીએ કે પશ્ચિમના દેશોના લોકો પુનર્જન્મમાં માનતા નથી, પરંતુ કેટલાંક સાંપ્રત સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે તેમ પશ્ચિમના લોકો સારા પ્રમાણમાં પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવે છે. તેઓ એમના આ જન્મ પહેલાં બીજી જિંદગી જીવી ચૂક્યા છે અને વર્તમાન જિંદગી બાદ નવો જન્મ શક્ય છે એવું માને છે. અમેરિકાના સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ડૉ. ઈયાન સ્ટિવન્સને ચાલીસ વરસ સુધી પુનર્જન્મ વિશે વૈજ્ઞાનિક ઢબે સંશોધન કર્યું. તેઓ આગલો જન્મ યાદ હોય એવાં જુદાજુદા દેશોનાં ત્રણ હજાર બાળકોને મળ્યા, એમણે આપેલી વિગતો ભેગી કરી અને એની સચ્ચાઈ તપાસી. એ વિષય પર ડૉ. સ્ટિવન્સનનાં ત્રણસો પેપર અને ચૌદ પુસ્તકો પ્રકાશિત થયાં છે.

પુનર્જન્મ બહુ રસપ્રદ વિષય છે. એના પર સંખ્યાબંધ દેશી-વિદેશી ફિલ્મો બની છે. એવી હિન્દી ફિલ્મોમાં ‘મધુમતિ’, ‘કર્ઝ’, ‘કરન-અર્જુન’નાં નામ તરત યાદ આવે. ૧૯૪૯માં બનેલી ફિલ્મ ‘મહલ’ કદાચ પુનર્જન્મના વિષય પર ઉતારવામાં આવેલી પહેલી હિન્દી ફિલ્મ હતી. વિદેશમાં પણ આ વિષયવસ્તુ પર ઘણી ફિલ્મો બની છે.

જર્મનલેખક ગેટેએ કહ્યું છે: ‘મને ખાતરી છે કે હું આ પહેલાં હજાર વાર પૃથ્વી પર આવ્યો છું અને હજી હજાર વાર જન્મ લેવાનો છું.’ સુપ્રસિદ્ધ લેખક માર્ક ટ્વેઈને કહ્યું છે: ‘મેં કૃષ્ણને બાદ કરતાં બીજા કોઈથી પણ વધારે વાર જન્મ લીધો છે.’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો