નામ મારું વાવું અને બને કે નામ તારું નીકળે, ક્યાંક સંબંધ વાવું તો ઋણાનુબંધ પણ નીકળે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘સાહેબ, મને એક ફોર્મ આપશો? મારે પી.ટી.સી.માં એડમિશન લેવું છે.’ સત્તર વર્ષના મહેશ નામના કિશોરે વિનંતી કરી.
સાહેબ એટલે ક્લાર્ક. સૌરાષ્ટ્રનાં નાનાં શહેરોમાં હજી ખુરશીમાં બિરાજમાન કોઈ પણ સરકારી કર્મચારીને ‘સાહેબ’ કહીને સંબોધવાનો રિવાજ છે.
ક્લાર્કની ખુરશીમાં બેઠેલા માણસે એક પણ શબ્દ બોલ્યા વગર એક પ્રિન્ટેડ એડમિશન ફોર્મ કાઢીને કિશોરના હાથમાં થમાવી દીધું. પછી એણે જોયું કે છોકરો પેન લાવવાનું પણ ભૂલી ગયો હતો, એટલે એણે ડાબી તરફ ભીંતની પાસે ગોઠવેલું લાકડાંનું ઊભું ચોરસ કાઉન્ટર ચીંધી દીધું. ત્યાં દોરીથી બંધાયેલી એક સસ્તી, સરકારી પેન પણ લટકતી હતી.
છોકરો સમજી ગયો કે ‘સાહેબ’ શા માટે માત્ર ઇશારાઓથી કામ ચલાવી રહ્યા હતા. ક્લાર્કના ગલોફામાં તેજપત્તી તમાકુવાળું પાન જમાવેલું હતું. બોલવા જાય તો જમાવેલું પાન ખળભળી જાય એવું હતું!
છોકરો પંદરેક મિનિટ પછી ફોર્મમાં બધી વિગત ભરીને પાછો આવ્યો. કહ્યું, ‘લો સાહેબ! એક નજર મારી લો, ક્યાંય મારી ભૂલ તો નથી થતીને?’
ક્લાર્કે નજર મારવી શરૂ કરી. નામ: મહેશ શાંતિલાલ. (સરનેમ છોકરાએ તો લખી હતી, પણ હું નથી લખતો, કારણ કે જરૂરી નથી.) ઉંમર: 17 વર્ષ. સરનામું: મંગાવેલાની ચાલી. ઓરડી નં: ચાર. જી.આઇ.ડી.સી.ની સામે. શહેરની બહાર.
ક્લાર્કની નજર સરતી સરતી, હવામાં તરતી, વિગત ઉપર ફરતી અચાનક એક જગ્યાએ અટકી ગઈ. ત્યાં લખેલું હતું: છેલ્લી પરીક્ષામાં મેળવેલ ગુણ (માર્ક્સ): 92.9%
એ સાથે જ ક્લાર્કનું મોઢું ખૂલી ગયું. તમાકુવાળા રસનાં બિંદુઓ બહાર છલકાઈ આવ્યાં. આઘાત અને આશ્ચર્યના પડીકામાં લપેટાયેલો પ્રશ્ન બહાર ફેંકાયો, ‘બાણું-ત્રાણું ટકા માર્ક્સ?!? એ પણ બારમા ધોરણમાં સાયન્સ પ્રવાહમાં? છોકરા તને તો ડોક્ટરીમાં એડમિશન મળી જાય એવું છે. તું પી.ટી.સી.માં દાખલ થવા શા માટે આવ્યો છે?’
જવાબમાં મહેશની આત્મકથાનો એક નાનકડો ટુકડો ખરી પડ્યો, ‘મારા ફાધર જી.આઇ.ડી.સી.માં એક ફેક્ટરીમાં વોચમેન છે. પગાર રોજમદારી ઉપર મળે છે. મહિનામાં વીસેક દિવસ માંડ ભરાય છે. ચોપડામાં તો લઘુતમ વેતનધારા પ્રમાણે આંકડો લખાય છે, પણ મળે છે રોજના પંચોતેર રૂપિયા. મારે તો ડોક્ટર જ બનવું હતું, એટલા માટે તો આટલી મહેનત કરી હતી, પણ મારા ફાધરે કહ્યું ત્યારે સમજાયું કે સપનાંના વાવેતર માટે નાણાંનાં ખાતર-પાણીની જરૂર પડે છે.’
છેલ્લું વાક્ય સાંભળીને ક્લાર્કના કાન ઊંચા થઈ ગયા, ‘છોકરા, તું તો સાહિત્યકાર જેવું બોલે છે.’
મહેશ હસ્યો, ‘મારે ગુજરાતી વિષયમાં પણ ખૂબ સારા માર્ક્સ આવ્યા છે. બતાવું માર્કશીટ?’ ક્લાર્ક મહેશની માર્કશીટ વાંચીને સ્તબ્ધ થઈ ગયો. આટલા માર્ક્સ તો એણે સપનામાંયે વિચાર્યા ન હતા. એ બબડ્યો, ‘ગમે તે થાય, પણ આ છોકરો ડોક્ટર બનવો જ જોઈએ. જો કોઈ સજ્જન, દાતા એના અભ્યાસનો ખર્ચ ભોગવવા તૈયાર થાય તો....’
આવો દાતા ક્યાંથી શોધવો? એ માટે તો કોશિશ કરવી પડે, પણ કહેવાય છે કે ‘કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી.’ તો પછી આ પાનની દુકાનની હાર કેવી રીતે થાય?
ક્લાર્કના દિમાગમાં બત્તી થઈ. એણે ટેબલ પર પડેલા સરકારી ટેલિફોનનું રિસીવર ઉઠાવ્યું. એક નંબર ડાયલ કર્યો. થોડી વાર સુધી રિંગ સંભળાતી રહી. પછી કોલ એટેન્ડ થયો. એક અવાજ સંભળાયો, ‘હેલ્લો...!’
‘કોણ? ડો. નિખિલેશભાઈ?’, ‘યસ, સ્પીકિંગ. તમે?’
‘હું... મારી વાત જવા દોને સાહેબ, મારી સામે બેઠેલા આ છોકરાનું કંઈક કરોને. એનું નામ મહેશ છે. એના પિતાની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે, પણ આ છોકરો તેજસ્વી છે. ચીંથરે વીંટેલું રતન છે, સાહેબ! એ શિક્ષક બનવા માટે એડમિશન લેવા...’ પાનની શિકરો વચ્ચેથી મહેશની કરુણ કથા ટેલિફોનના દોરડામાં ઠલવાતી રહી.
વાત પૂરી થઈ ત્યારે સામેથી માત્ર આટલું જ સંભળાયું, ‘એ છોકરાને અત્યારે જ મારા ક્લિનિકમાં મોકલી આપો. આવા બ્રિલિયન્ટ વિદ્યાર્થીને ડોક્ટર બનતાં કોઈ રોકી નહીં શકે. કોહિનૂર ભલે ખાણમાંથી નીકળતો હોય, એ એની નિયતિ છે, પણ એની મંજિલ તો સમ્રાટના મસ્તક પર શોભતા તાજ જ હોય છે. તમે ચિંતા કરવાનું છોડી દો.’
ડો. નિખિલેશ દેસાઈ. સુરેન્દ્રનગરમાં સ્થિત એક સેવાભાવી ખાનદાનના ક્યારામાં ખીલેલું સાત્ત્વિક ગુલાબ. એમના નામ સાથે મારી પોતાની અંગત સ્મૃતિઓ પણ જોડાયેલી છે, પણ એ માટે મારે ચાળીસેક વર્ષ પહેલાંના ભૂતકાળમાં પહોંચી જવું પડે.
***
1976-77નું વર્ષ હતું. જામનગરનું મેડિકલ કેમ્પસ છોડીને બહાર નીકળવાની અણી પર હતો, ત્યારે નિખિલેશ દેસાઈ નામનો સ્ટુડન્ટ ફર્સ્ટ યરમાં પ્રવેશતો હતો. એક રીતે જોવા જાવ તો મારે ને એને કોઈ મિત્રતા બંધાવાનો સવાલ જ પેદા થતો ન હતો, પણ અમારા કેમ્પસની વાત જ અનોખી હતી. આઠ-આઠ બોયઝ હોસ્ટેલમાં વસતા લગભગ આઠસોથી હજાર જેટલા વિદ્યાર્થીઓ એક બૃહદ પરિવારના સભ્યોની જેમ જીવતા હતા. નામથી ભલે ન ઓળખતા હોઈએ, પણ કેમ્પસમાં હરતાં-ફરતાં હોઈએ ત્યારે સિનિયર-જુનિયર કોઈ પણ વિદ્યાર્થી સામે મળી જાય તો ‘કેમ છો, પાર્ટનર?’ કહેવાનો વહાલભર્યો વિવેક ન જ ચૂકીએ. આવો જ સંબંધ નિખિલેશ જોડે પણ બંધાઈ ગયો હતો. ત્યારે હું એને નામથી પણ ઓળખવા લાગ્યો હતો. છોકરો તેજતર્રાર હતો, વાચાળ હતો, હસમુખો હતો, મળતાવડો હતો. એકાદ વર્ષ બાદ અમે છૂટા પડી ગયા હતા.
એ પછી ત્રીસેક વર્ષે અચાનક અમે મળી ગયા હતા. મારા એક કાર્યક્રમ માટે હું સુરેન્દ્રનગર ગયો હતો. ત્યાં એક મિત્ર મને એક સેવાભાવી સજ્જનના ઘરે લઈ ગયા હતા. હું એ વડીલની સાથે વાર્તાલાપ કરતો હતો ત્યારે એમનો દીકરો બહારથી ઘરમાં આવ્યો. પિતાએ પરિચય કરાવ્યો, ‘આ મારો દીકરો. એ પણ ડોક્ટર છે તમારી જેમ. એનું નામ...’
‘રહેવા દો, વડીલ. નામ હું જાણું છું. નિખિલેશ જ ને?’ મારા સવાલ સાથે જ હું અને નિખિલેશ ભેટી પડ્યા. ત્રીસ વર્ષ પહેલાં શરૂ થયેલી ‘દોસ્તી’ નામની નવલકથાનો બીજો ભાગ શરૂ થયો.
એ વાતને પણ બીજો એક દાયકો વીતી ગયો. હમણાં થોડાંક દિવસો પહેલાં ફરીથી સુરેન્દ્રનગર જવાનું બન્યું. આ વખતે ‘ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન’ તરફથી આમંત્રણ હતું. મારો સહાધ્યાયી ડૉ. પ્રફુલ્લ ઝીંઝુવાડિયા સુરેન્દ્રનગરના મેડિકલ એસોસિયેશનનો પ્રેસિડેન્ટ બન્યો હતો. વક્તા તરીકે હું હતો. હું જાણી જોઈને કાર્યક્રમના નિર્ધારિત સમય કરતાં એકાદ કલાક વહેલો પહોંચી ગયો. સુરેન્દ્રનગરમાં રહેતા વાર્તાકાર મિત્ર બકુલ દવેનું પ્રેમભર્યું ઇજન હતું, ‘શરદભાઈ, આ વખતે તો મારા ઘરે પધારવાનું જ છે. મારાં વયોવૃદ્ધ બા તમને બહુ વાંચે છે.’
મેં કહ્યું, ‘હું આવીશ. મિત્રને મળવા માટે કદાચ સમય ન મળે, પણ મિત્રની બાને પ્રણામ કરવા માટે તો મારી પાસે સમય હશે જ.’
હું જ્યારે બકુલ દવેના ઘરમાં બેસીને વાર્તાગોષ્ઠિ કરી રહ્યો હતો ત્યારે એક સજ્જન અણધાર્યા પધાર્યા. બકુલે ઓળખાણ કરાવી, ‘આ મારા મિત્ર છે. સાહિત્યપ્રેમી જીવ છે. તમે આવવાના છો એવી ખબર પડી એટલે તમને ખાસ મળવા માટે... એ પણ ડોક્ટર જ છે. નામ...’
‘નામની મને ખબર છે. ડો. નિખિલેશ દેસાઈ.’ એક દાયકા પૂર્વે બોલાયેલો સંવાદ ફરી પાછો બોલાઈ રહ્યો. એક દાયકા પહેલાંનું દૃશ્ય પણ ફરી પાછું ભજવાઈ ગયું. હું અને નિખિલેશ પ્રેમથી ભેટી પડ્યા. વાતમાંથી વાત નીકળી. એકબીજાની પ્રવૃત્તિઓ વિશે જાણકારીની આપ-લે થતી ચાલી. એમાંથી પેલા વોચમેન પિતાના તેજસ્વી દીકરા મહેશની વાત નીકળી.
મને રસ પડ્યો, ‘વાહ! પછી એ છોકરો તમારી પાસે આવ્યો ખરો? તમે એનું શું કર્યું? મદદ કરી કે નહીં?’
ડો. નિખિલેશે જે જવાબો આપ્યા તેમાંથી ગુજરાતના કરોડો લોકોને શીખવા મળે તેવું માર્ગદર્શન મળી આવ્યું. ડો. નિખિલેશ દેસાઈએ મહેશને કહી દીધું, ‘તું મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી લે, પૈસાની વ્યવસ્થા હું કરાવી આપું છું.’
મહેશને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો. કોલેજની ફી, હોસ્ટેલ ફી, મેસ બિલ, કેન્ટીનનો ચા-નાસ્તાનો ખર્ચ તથા અન્ય ખર્ચાઓનો સરવાળો દસ મહિનાનો સાઠ હજાર રૂપિયા જેવો થતો હતો. બે મહિના વેકેશનના હતા. ડો. નિખિલેશે એમના જ વર્તુળના વીસ મિત્રોને વિનંતી કરી, ‘તમારે આખા વર્ષમાં ફક્ત એક જ વાર માત્ર ત્રણ હજાર રૂપિયા દાન સ્વરૂપે આપવાના છે. એક ગરીબ, તેજસ્વી વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે. બોલો, આપી શકશો?’ બધાએ હા પાડી દીધી. આજના સમયમાં ત્રણ હજાર રૂપિયા તો એક ફેમિલી રેસ્ટોરાંમાં ડિનર કરવા જાય છે તો પણ ખર્ચાઈ જાય છે.
સાડા ચાર વર્ષ નીકળી ગયાં. ગરીબ બાપનો દીકરો મહેશમાંથી હવે ડો. મહેશ બની ગયો છે. ઇન્ટર્નશિપ પૂરી કરીને એણે ગવર્નમેન્ટ નોકરી લઈ લીધી છે. સુરેન્દ્રનગર જિલ્લાના જ એક રૂરલ વિસ્તારના પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં એ મેડિકલ ઓફિસર બની ગયો છે. જેનો પિતા રોજના પંચોતર રૂપિયા માંડ કમાતો હતો એ ડો. મહેશ હવે પંચોતેર હજાર કમાતો થઈ ગયો છે.
ડો. મહેશ જ્યારે ડો. નિખિલેશ દેસાઈને પગે લાગવા આવ્યો ત્યારે એમણે બે વાતોનું વચન માગી લીધું, ‘બેટા, મને વચન આપ કે તારાં માતા-પિતાને જીવનભર તારી સાથે રાખીશ.’
‘રાખીશ.’ ડો. મહેશે વચન આપ્યું.
‘અને બીજું વચન આપ કે ભવિષ્યમાં બીજા કોઈ મહેશનું ભણતર પૈસાના વાંકે અટકતું હોય તો તું એને મદદ કરીશ. વધારે નથી માગતો, પણ આખા વર્ષમાં બે-ત્રણ હજાર...’
‘સર, વચન આપું છું. તમે મારી કારકિર્દીની જ્યોત પ્રગટાવી આપી એ જ રીતે હું પણ બીજી અનેક જ્યોતો પ્રગટાવતો રહીશ.’ ડો. દેસાઈ બોલી પડ્યા, ‘વાહ! તું તો લેખકના જેવું ગુજરાતી બોલે છે!’ {
અન્ય સમાચારો પણ છે...