વંદે માતરમ્ તમે ગાયું હતું?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ કિસ્સો લગભગ 25 વર્ષ, એટલે કે એમ સમજોને કે પા સદી પુરાણો છે. ગુજરાત સાહિત્ય અકાદમી સ્થપાઇ તેના ઉપક્રમે અમે ગાંધીનગર ગયા હતા. અહીં ‘અમે’ માનાર્થે બહુવચનમાં નથી લખ્યું, અમારી સાથે ખૂબ વંચાતા અને નહીં વંચાતા ઘણા બધા લેખકો હતો. આ કાર્યક્રમ અર્થાત્ ભાષણબાજીનો બૉમ્બમારો ઘણો લાં...બો ચાલ્યો. તેમને અને માત્ર તેમને જ સાંભળવા શ્રોતાઓ કામધંધો મૂકીને આવ્યા છે એવી પાકી સમજને કારણે દરેક વક્તા, દયા-માયાને કોરાણે મૂકીને અનરાધાર વરસ્યા. આ ભાષણોના અંત પછી ભોજન શરૂ થવાનું હતું, એટલે પ્રવચનો સાંભળ્યા વગર છૂટકો નહોતો. સાચું કહું તો આ પ્રવચનોનો મારો સાંભળતી વેળાએ ઇશ્વર પર મને ગુસ્સો એ વાત આવેલો કે તેણે આંખ મીંચી દેવાનું વરદાન માણસજાતને આપ્યું છે એ રીતે કાન પણ મીંચી શકાય એવી વ્યવસ્થા પણ કરી હોત તો કેટલું બધું સુખ અનુભવાત! ખેર! પ્રવચનો તો જાણે બેરે બેરે ‘બેર’ કર્યાં. 

પ્રવચનોના અંતે વંદે..મા..ત..ર..મ્ શરૂ થયું. વક્તાઓની પેઠે આ ગીત ગાનાર પણ ઝનૂને ચડ્યો હોય તેમ વંદે માતરમ્ પૂરું કરવામાં તેણે ગણીને સત્તાવીસ મિનિટ ખેંચી કાઢી. આટલો લાંબો સમય ઊભા રહેલ કેટલાક વયોવૃદ્ધ સાક્ષરો અધમુઆ થઇ ગયેલા. અમે પણ અધમુઆ થવાની અણી પર હતા, પણ થયા નહોતા. જોકે અમારા પગે ગોટલા ચડી ગયા હતા. મારી બાજુમાં ઊભેલા કવિ-મિત્ર માધવ રામાનુજે મારા કાનમાં ધીમેથી કહ્યું: ‘આપણે આ ગાયકને મળવું છે.’ ‘કેમ. દુબારા કહેવા?’ મેં તેને કુતૂહલથી પૂછ્યું. કવિએ જવાબ ન આપ્યો. જેનો આદિ છે એનો અંત પણ હોય છે એવી શ્રદ્ધા ધરાવનારા કેટલાક શ્રોતાઓએ વંદે માતરમ્ પૂરું થતાં રાહતનો દમ લીધો. હાશકારો અનુભવ્યો. 

અમે બંને પેલા ગાયક પાસે ગયા. માધવે પેલાના ગળાને બદલે ખભા પર હાથ મૂકીને પૂછ્યું: ‘વંદે માતરમ્ તમે ગાયું હતું?’ પોતાની ગાયકીની પ્રશંસાની અપેક્ષાએ, ‘જી’ કહી પેલાએ કૃતજ્ઞભાવે ગરદન ઝુકાવી પાડી. ‘આ રીતે વંદે માતરમ્ ન ગવાય.’ લગભગ છણકાભર્યા અવાજે કવિએ તેને સલાહ આપી. ‘પંડિત ઓમકારનાથજી પણ આ રીતે વંદે માતરમ્ ગાતા હતા.’ ગાયકે પોતાના બચાવમાં જણાવ્યું. ‘બસ, ત્યારથી જ નક્કી થયું છે કે હવે પછી કોઇએ આ રીતે વંદે માતરમ્ ગાવાનું નથી...’ કહી કવિએ ગુસ્સામાં ભોજનગૃહ તરફ સડસાડટ ચાલવા માંડ્યું- માણસે ક્યાંક તો ગુસ્સો ઉતારવો પડેને! એ પછી વંદે માતરમ્ કેવી રીતે ના ગવાય એની પેલા ગાયકે ગાઇ હતી એ કરતાં પણ વધારે લાંબી ચર્ચા કવિ-લેખકોએ કરી હતી. એ પ્રસંગે સારું એ થયેલું કે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને મોટા ગજાના સર્જક મોહમ્મદ માંકડે ગાયકને ગાતો અધવચ્ચે અટકાવીને એવું નહોતું કહ્યું કે બંધ કરો વંદે માતરમ્, એ અમારા મજહબની વિરુદ્ધ છે. અમારો ધર્મ વંદે માતરમ્ કહેવાની ના પાડે છે. 

જોકે એ હકીકત પણ એટલી જ સાચી છે કે વંદે માતરમ્્નું નસીબ જ પહેલેથી એના અક્ષરો જેવું વાંકું છે. એનું ગવાવું જ વાંધાજનક ગણાયું છે. 1923ની સાલમાં આંધ્રપ્રદેશ કાકીનાડા ખાતે ભરાયેલ કૉંગ્રેસના અધિવેશનમાં વંદે માતરમ્ ગાવા વિખ્યાત સંગીતકાર વિષ્ણુ દિગંબર પુલુસકર ઊભા થયા. ગાવાની હજી તો શરૂઆત જ કરે છે ત્યાં તો કૉંગ્રેસના અધ્યક્ષ મૌલાના મોહમ્મદ અલી જોહરે તેમને ગાતા અટકાવ્યા. સભામાં હાજર રહેલા સેંકડો જણા સ્તબ્ધ થઇ આ દૃશ્ય જોઇ રહ્યા. કદાચ સ્તબ્ધપણે જોવાનું જ તેમનું કામ હતું. પણ ગાયકે તો બેધડક કહી દીધું કે આ કંઇ ધર્મસભા નથી, રાષ્ટ્રસભા છે. હું તો ગાઇશ જ. તેમણે પોતાના મિજાજથી ગાયું પણ ખરું. કોઇ તેમને રોકી શકેલું નહીં.

એમ તો ગઝલસમ્રાટનું બિરુદ પામેલ શયદાની નિશ્રામાં એક મોટો મુશાયરો યોજાયેલો. એ પૂરો થયા બાદ પંડિત ઓમકારનાથજીએ વંદે માતરમ્ ગાવાનું શરૂ કર્યું ને શયદાએ તેમને ગાતા અટકાવીને કહી દીધું કે આ ગીત નહીં ગાવાનું. ઓમકારનાથ આગળ ગાયા વગર ઊભા થઇ ગયા. આ ઘટના, આમ તો દુર્ઘટનાની વાત સુરતના કવિ રતિલાલ ‘અનિલે’ તેમનાં સંસ્મરણોમાં લખી છે.

અને આજે આટલાં બધાં વરસ પછી વંદે માતરમ્ ગવાવું જોઇએ કે નહીં એ સંવેદનશીલ મામલો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયો છે ને આ કકળાટ છેક મુંબઇની વિધાનસભામાં મારામારી લગી પહોંચી ગયો. આપણી પાસે લડાઇ કરવા માટે સદ્્ભાગ્યે હિન્દુ અને મુસ્લિમ બંને કોમના કટ્ટરવાદીઓ હાજર સ્ટોકમાં છે. (હિન્દુઓ પાસે ડૉ. પ્રવીણ તોગડિયા છે તો મુસ્લિમો કને અસદુદ્દીન ઓવૈસી છે.) હા, આપણે વિધાનસભાની વાત કરતા હતા. લઘુમતી કોમના એક સભ્યની ફોંટ પકડતાં ગુરુમતી કોમના એક સભ્યે કહી દીધું કે કાં તું વંદે માતરમ્ બોલ કે પછી પાકિસ્તાન ભેગો થઇ જા. બોલ, શું કરવું છે? અગાઉના જમાનામાં કોઇ અણગમતા માણસ પર ગુસ્સે થઇને તેને જહન્નુમમાં-નરકમાં જવાનું કહેવાતું. હવે જહન્નુમમાં જવાને બદલે પાકિસ્તાન જવાનો વિકલ્પ શોધાયો છે. (નરક વધારે સારું હશે?)
 
બંકિમચંદ્ર ચટોપાધ્યાયે વંદે માતરમ્  8મી નવેમ્બર, 1875ના રોજ લખ્યું હતું. તેમને કદાચ આ ગીત લખ્યાની તારીખ યાદ નહીં હોય, પણ મીડિયાવાળા આવી તારીખો ભૂલ્યા વગર યાદ રાખે છે. બંકિમબાબુએ જે ગીત દેશદાઝ માટે લખેલું એ જ ગીતથી આજે આખો દેશ દાઝી રહ્યો છે. તેમને જો આ વાતનો જરા પણ અણસાર અગાઉથી આવી ગયો હોત તો આ ગીતને ફાડીને તેમણે ચૂરેચૂરા કરી નાખ્યા હોત. ગાંધીબાપુને આ ગીત બહુ ગમતું હતું. તેમણે કહ્યું હતું કે આ ગીત ધર્મને નહીં, ધરતીને વંદન કરે છે, એટલે તેને ગાવાની આનાકાની કોઇએ કરવી ન જોઇએ. ગાંધીજીને આ ગીત ગમતું હતું ને કદાચ એટલે જ મુસ્લિમ લીગના સ્થાપક મોહમ્મદ અલી જિન્હાને આ ગીત જરાય પસંદ ન હતું. તેમણે તો ફરમાન બહાર પાડ્યું હતું કે આ ગીત આપણા માટે નથી, આપણે ગાવનું નથી. 

આ જ અરસામાં કવિ રવીન્દ્રનાથ ટાગોરનું ‘જનગણમન’ રાષ્ટ્રગીત બની ગયું ને વર્ષો અગાઉ તો થિયેટરોમાં ફિલ્મના અંતે આ ગીત ફરજિયાતપણે ગવાતું. એ વખતે, પોતાની બે નંબરની સ્ત્રી સાથે ફિલ્મ જોવા આવેલા ફરહાદ કે પછી રોમિયો થિયેટરમાં પ્રકાશ ઊગે ત્યાર પહેલાં જ નત મસ્તકે બહાર ઓલવાઇ જતો. બાળકોને જે હાથરૂમાલમાં ખારી સીંગ ભરી આપી હતી એ સીંગનાં ફોતરાંવાળો રૂમાલ રાષ્ટ્રગીત દરમિયાન ખંખેરી તેની મમ્મી પોતાની કેડે ખોસી દેતી ને થિયેટરનો ડોરકીપર રાષ્ટ્રગીત અડધું પડધું પત્યું હોય એ જ ટાણે બેટરી સાથે એ ભાવનાથી હાજર થઇ જતો-થોડીક ક્ષણો બાદ થિયેટર છોડનારનું પાકીટ, રૂમાલ, ગોગલ્સ કે એવું કશું ભૂલમાં રહી ગયું હોય તો તેના પર હક જમાવી શકાય. ભૂલનારા આપણા માટે જ ભૂલી જતા હશેને!

કહે છે કે પંડિત જવાહરલાલ નેહરુને આ ગીત- વંદે માતરમ્ તરફ અણગમો હતો, એનું એક કારણ એ પણ આપવામાં આવે છે કે સરદાર વલ્લભભાઇ પટેલને આ ગીત ગમતું હતું. વલ્લભભાઇને ગમતી ઘણી ચીજો જવાહરલાલને પસંદ નહોતી. (વાઇસે વર્સા પણ ખરું). ખુદ વલ્લભભાઇ પણ તેમને ખાસ ગમતા માણસોની યાદીમાં ન હતા. એટલે પછી ‘જનગણમન’ પહેલા નંબરનું ગીત બની ગયું ને ‘વંદે માતરમ્’ને બીજો નંબર મળ્યો. જોકે આ બીજા નંબરનું ગીત ઘણું લાગણીસભર છે. જનગણમન પ્રમાણમાં વધુ ફોર્મલ-ઔપચારિક છે. આ કારણે સરકારી કાર્યક્રમોમાં એક વિધિ લેખે આ ગીત ગવાય છે. જ્યારે R.S.S.વાળા ઊલટથી વંદે માતરમ્ ગાય છે, એને લીધે એ કોમવાદી ગીત બની ગયું છે, ટૂંકી ચડ્ડીવાળાઓનું ગીત ગણવામાં આવે છે. સોરી, ટૂંકી ચડ્ડીની જગ્યાએ હવે પેન્ટ આવી ગયાં છે. એની પાછળ એક એવી રમૂજ ચાલે છે કે ડૉ. ગુણવંત શાહે તેમની કટારમાં R.S.S.ના યુનિફોર્મ ટૂંકી ચડ્ડીના સંદર્ભમાં એવી ટકોર કરેલી કે ટૂંકી ચડ્ડી મંજૂર, ટૂંકી બુદ્ધિ નહીં. આ કારણે આર. એસ. એસ. વાળાઓએ ટૂંકી ચડ્ડીને બદલે પેન્ટ પહેરવાં શરૂ કર્યાં.- જાવ, તમને મંજૂર છે એ ટૂંકી ચડ્ડી અમને હવે મંજૂર નથી. (આ લખનારના મતે એ લોકો મગજ કરતાં હૃદયનું કહેવું વધારે માને છે).

અલબત્ત R.S.S.ના લોકો વંદે માતરમ્ બીજા પાસે ગવડાવવા એટલા હઠાગ્રહી નથી. જ્યારે શિવસેનાના સમર્થકો તો એ મતના છે કે જે કટ્ટરવાદીઓ વંદે માતરમ્ બોલવા તૈયાર ન થાય એમનો મતાધિકાર છીનવી લેવો જોઇએ.

લઘુમતી કોમના કેટલાક નેતાઓની દલીલ છે કે બંધારણમાં ક્યાં લખ્યું છે કે વંદે માતરમ્ અમારે ગાવું જ જોઇએ. જોકે એમ તો એક પણ પવિત્ર ગ્રંથમાં ક્યાં લખ્યું છે કે જોજો, વંદે માતરમ્ ગાતા, અભડાઇ જવાશે, ધર્મભ્રષ્ટ થઇ જશો.

પરંતુ 99 ટકા કરતાંય વધુ પ્રજા મધ્યમમાર્ગી છે. એ પ્રજા તો બાળપણમાં જ એવું ભણી છે કે ‘માતૃ દેવો ભવ’ માતાને દેવતુલ્ય ગણવાનો પાઠ તે સમજણમાં આવે ત્યારથી શીખવા પામે છે. જે ધરતીનું તે લૂણ ખાય છે તેને એકવાર તો શું, હજાર વાર નમન કરવામાં તેને જો શરમ આવતી હોય તો તો પછી જે માતાનું દૂધ પીને પોતે ઉછર્યો છે, મોટો થયો છે એના ચરણોમાં માથું નમાવવામાંય તેને જો નાનમ જેવું લાગતું હોય તો પછી એવી વિચારસરણી ધરાવનાર જો વંદે માતરમ્ બોલી શકતો ન હોય તો તેને એ માટે દબાણ કરવું ન જોઇએ. માફ કરવો જોઇએ.

એમાંના થોડાક વચ-માર્ગીઓ ભારતનો ત્રિરંગો ફરકાવવાની સાથે ‘સારે જહાઁ સે અચ્છા, હિન્દુસ્તાં હમારા’ ગાવા તો રાજી થયા છે ને! આપણે પોઝિટિવ થઇને એ વાતે રાજી થવું જોઇએ કે એ, ‘સારે જહાઁ સે અચ્છા પાકિસ્તાં હમારા’ તો નથી ગાતાને!- આટલું પૂરતું નથી?

બસ, એમ જ કવિ આદિલ મન્સૂરી યાદ આવી ગયો. અમદાવાદને રામ રામ કરી કાયમ માટે અમેરિકામાં રહેવા જતાં, ત્યાંની ધરતીમાં, માટીમાં સમાઇ જતાં પહેલાં તેણે વેદનાથી લખેલ કવિતા-ના, ચીસની આ છે બે પંક્તિ:
 
‘વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે, ન મળે.’
અન્ય સમાચારો પણ છે...