પુત્રવધૂ શું વગર પગારની નોકર? ક્યાંક ક્યાંક કે ઠેર ઠેર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઈ આંકડા કઢાયા નથી પણ સુપ્રીમ કોર્ટની ભાષાનો પણ ઉપયોગ કરીએ તો આજે સહકુટુંબ રહેતા હોય તેમાં બહુ સંસ્કારી ઘરો સિવાય કેટલી બધી પુત્રવધૂઓ વગર પગારની નોકર છે તે કહેવું મુશ્કેલ છે.
કવિ રોબર્ટ ફ્રોસ્ટે કોઈની સેવામાં લાગેલી અથવા ઘરની પુત્રવધૂ સર્વિ‌સમાં લાગેલી હોય તો તેને માટે કહેલું કે 'ટુ બી પ્રેસ્ડ ઈન ધી સર્વિ‌સ મિન્સ પ્રેસ્ડ આઉટ ઓફ શેઈપ.’ અર્થાત્ કોઈ સુંદર ગૃહિ‌ણીને કોઈની સેવામાં લગાવો એટલે સમજવું કે 'એ બિચારી’ ઘાટઘૂટ વગરની થઈ જશે. માનવજાતમાં વિવેક છે કે જો સાચી વ્યક્તિ સારું વર્તન કરે કે થોડી માયા બતાવે તો પોતે પણ માયા બતાવે, જ્યારે સાસરિયાંમાં પુત્રવધૂ હોય કે ઈવન પરાધીન ભત્રીજાની વહુ હોય તો તેને નોકરથી વિશેષ ઘણાં કુટુંબોમાં ગણતાં નથી. ભારતની સાસુ- (અમુક) સાસરિયાં વગેરેને શરમ છે કે સુપ્રીમ કોર્ટે દિવ્ય ભાસ્કરના (૧પ-પ-૧૩) તાજા સમાચાર પ્રમાણે ટકોર કરવી પડી કે 'પુત્રવધૂ ઘરની એક માનવંતી સભ્ય છે કોઈ નોકરાણી નથી.’ એ નોકરાણીને પણ વગર-પગારની હક્કરજા સીકલીવ કે ઈવન સુવાવડની ત્રણ દિવસથી વધુ રજા મળતી નથી. સુપ્રીમ કોર્ટે એટલે જ ટકોર કરવી પડી છે કે સભ્ય સમાજમાં આવા કિસ્સા બહુ બનવા માંડયા છે. એટલી હદ સુધી કે સુપ્રીમ કોર્ટે કહેવું પડયું છે કે સાસરિયાંની આવી વર્તણૂકને કારણે ઘણી પુત્રવધૂને જીવવામાં રસ જ નથી. ઈનડાયરેક્ટલી ટકોર થાય છે કે એટલે જ પુત્રવધૂઓના બળી મરવા અને આપઘાતના કિસ્સા વધી રહ્યા છે.
એક બાજુ આ રામાયણ છે અને બીજી બાજુ જ્યાં સાસુ કે દીકરીને ઘરકામ કરવું પડે છે ત્યારે આજે ઘરકામના માણસોય મોંઘા તેમજ દુર્લભ થતા જાય છે, એટલી હદ સુધી કે હું લંડન ગયો ત્યાં એક બ્રિટિશ બેન્કનાં ગુજરાતી કર્મચારિણી શિલ્પાબહેને (શિલ્પા ગાંધી) ગુજરાતમાંથી એક બહેનને ઘરકામ માટે બોલાવી. તેને મહિ‌ને એક જ ઘરમાંથી દિવસના માત્ર અઢી કલાક કામ કરવાના રૂ. ૨પ૦૦૦ મળતા હતા. તે માત્ર ઘરકામ કરીને જ મહિ‌ને રૂ. ૧ લાખથી રૂ. દોઢ લાખ સ્વદેશ માતા-પિતા જ નહીં પણ પતિને મોકલતી હતી.
એક કાઠિયાવાડના પિયરમાં તેની દીકરી સાસરેથી થોડા દિવસ માટે આવી ત્યારે પાડોશીએ વધાઈ ખાધી કે દીકરીને સાસરિયાંમાં સારી રીતે રાખે છે. એટલે દીકરીની બા બોલ્યાં 'અરે મારી દીકરીને કેમ ન રાખે? વગર પગારની નોકર છે. તમામ ઘરકામ કરે છે. અને તેના વગર અપંગ સાસુ મૂંઝાઈ જાય એટલે મારી દીકરીને સાચવે છે.’ ખરેખર અંગ્રેજ સાહિ‌ત્યકાર ડો. નાથેનિયલ હોર્થોને માનવ સ્વભાવ જોઈને કહ્યું છે કે 'જ્યાં માનવીનો સ્વભાવ બહુ માયાળુ થઈ કે પારકી સ્ત્રી સાથે વધુ પડતી ઉદારતા રાખે તો કહેવામાં આવે છે કે તેમાં કંઈક સ્વાર્થ હશે. સ્વાર્થ વગર પારકી વ્યક્તિને પ્રેમ કરવો અઘરો છે. એ વધુ પડતી કઠોરતા છે પણ સત્ય છે. ઘણી સ્ત્રીઓ સ્વભાવવશ માતા-સાસુને સરખો પ્રેમ કરે છે.
એક દૃષ્ટિએ મને હીરાના એ બે વેપારીઓ ખૂબ જ બુદ્ધિશાળી લાગ્યા કે તેઓ બંને ચતુરાઈ વાપરી કામવાળીને જ પરણી ગયેલા. અરે તે ભૂતકાળમાં ક્યાં જાઓ છો? ઈગ્લેંડની જગજાહેર વ્યક્તિ વડાપ્રધાન પોતે જ તેની સાથે કામ કરનારીને પરણી ગયા છે. કોઈ જાણે ઈગ્લેંડમાં આવો શિરસ્તો છે. મને યાદ છે કે ૧૯૮૩ની શરૂમાં બ્રિટનથી ખબર આવેલા કે વડાપ્રધાન લોઈડ જ્યોર્જ તેના સંતાનની શિક્ષિકા જે પછી ઘરકામ પણ સંભાળતી હતી અને તેનાં ઘરકામ વગર ચાલે તેમ નહોતું, તેના પ્રેમમાં પડયા હતા ત્યારે ભાગ્યે જ કોઈને ખબર પડેલી કે પછી તે નોકરબાઈને પરણી ગયેલા
આ વાત તો જગજાહેર છે કે અમેરિકન પ્રમુખ થોમસ જેફરસને તેની ગુલામ નોકર કુમારી સેબી હેમિગ્ઝના પ્રેમમાં પડીને ૨પ-૨પ વર્ષ સુધી તેની મિસ્ટ્રેસ તરીકે રાખી હતી. આજે તમે ગાંધીનગર-પાટનગરમાં કે અમદાવાદમાં જોશો તો ઘણા પ્રોફેસરો, સચિવો કે વેપારીઓ ઘરકામ કરનારી બહેનના પ્રેમમાં પડે છે અને બેવડો સંસાર પાળે છે તેમજ ઘરકામની તકલીફ ટાળે છે. ૨૦૧૦માં મુંબઈ શહેરમાં ૨૦ લાખ ઘરનોકરો હતા. આજે કોઈ આંકડા કઢાયા નથી પણ સુપ્રીમ કોર્ટની ભાષાનો પણ ઉપયોગ કરીએ તો આજે સહકુટુંબ રહેતા હોય તેમાં બહુ સંસ્કારી ઘરો સિવાય કેટલી બધી પુત્રવધૂઓ વગર પગારની નોકર છે તે કહેવું મુશ્કેલ છે.
આજે ભણેલી ગણેલી વહુ કે પુત્રવધૂ ખૂબ જ ખુશીથી ગૃહકાર્ય કરતી હોય તે ઓછું બને છે. મારા એક રાજકોટના મિત્રની પત્નીને નોકર જ ગમતા નથી. તમામે તમામ કામ હાથે જ કરે છે-બે નોકરો રાખવા પૈસાય છે તો પણ. આજે મુંબઈ કે કોઈપણ ગુજરાતી કુટુંબવાળા શહેરમાં તમે માર્ક કરજો કે બે-ત્રણ મહિ‌લા નવરી પડે ત્યારે-આજે જોકે ટેલિવિઝન હાજરાહજૂર છે પણ પછી ઘરકામ માટેનો વિષય એકદમ હોટ-ટોપિક હોય છે. સાસરિયાંના ત્રાસનો વિષય ખૂટે પછી પહેલા નંબરનો વિષય ઘરકામ કામ કરનારા નોકરોની સમસ્યા ચર્ચાય છે. ઘરકામના નોકરોએ (મહિ‌લા નોકરોએ ખાસ) એક નવી જ સમસ્યા પેદા કરી છે. અંધેરીમાં એક બેન્ક ઓફિસરની પત્નીએ તેનો પતિ ઘરકામ કરનારી એજ્યુકેટેડ મહિ‌લા સાથે 'સુંવાળો’ સંબંધ રાખવા માંડયો એટલે તેણે છૂટાછેડા લીધા હતા.
આજથી ૩૧ વર્ષ પહેલાં બંને બાજુ હાલત સારી હતી. મુંબઈ અને પરાંઓમાં સાડા ચાર લાખ ઘરકામ કામ કરનારી મહિ‌લા હતી. અરે ગામડામાં સાત-આઠ-દસ વરસના છોકરાના પોરિયા પણ ઘરકામ કરતા. એ સંખ્યા પ૦૦૦૦માંથી (મહિ‌લા સહિ‌ત) લાખની થઈ ગઈ હશે. ગુજરાતીનાં ઘરે મોટેભાગે મરાઠી ભાષી નોકર હોય છે. ગોવામાં દક્ષિણ ભારતના રહેવાસી આવે છે. મારવાડી કે સિંધી કુટુંબો રાજસ્થાન કે બિહાર કે ઉત્તર પ્રદેશના નોકરો રાખતા. આજે તો પ્રાંતનો કોઈ ભેદ નથી. અમદાવાદ એવું કોસ્મોપોલિટન શહેર બની ગયું છે કે ત્યાં બી.એ., બી.કોમ થયેલી છોકરીઓ પણ ઘરકામ કરે, ઓફિસકામ કરે, કોમ્પ્યુટર પણ ચલાવે. પંજાબીઓને ઘરે ગઢવાલના રહેવાસીઓ કામે આવતા. પારસીને ઘરે બૌદ્ધ ધર્મી અને મુસ્લિમ બહેનો કામ કરતી. લંડનમાં આજે મોટેપાયે ગુજરાતી-મારવાડી કુટુંબો નોકર રાખવા માંડયા છે. તેને કોઈ ધર્મનો ભેદ નથી પણ ઊંચા લાખેણા પગાર આપે છે. તેની સાથે સભ્ય વર્તન કે દોસ્તી રાખે છે.
અમે લંડન અને મુંબઈમાં ઘણાં ઘરોમાં જોયું કે શેઠાણી ઘરના કબાટની ચાવીઓ જૂના નોકરને આપે છે. એક શેઠના નોકરની પાસે હંમેશાં તિજોરીની ચાવી રહે છે. ઘરે પણ લઈ જાય છે. એક જમાનામાં 'મિરામાર’ નામના નેપયન્સી રોડના મુંબઈના બિલ્ડિંગમાં ગુજરાતી શેઠ રહેતા. તેનું મુખ્ય ઘર અમદાવાદમાં હતું પણ મુંબઈનો ફ્લેટ તો મરાઠી નોકર જ વાપરતો જ્યારે શેઠ અમદાવાદ હોય ત્યારે.
પુરાણા જમાનામાં ગ્રીસ દેશના સ્પાર્ટા પ્રદેશમાં માત્ર ગુલામો જ વસતા. આ પછી તે ગુલામો ગ્રીક શહેરમાં વેચાઈને જિંદગીભર ગુલામ-ઘરનોકર તરીકે કામ કરતા. રોમન ઘરોમાં નોકર ન હોવો તે એક શરમની વાત લેખાતી. મુંબઈ શહેરમાં ૩૦-૪૦ વર્ષ પહેલાં પ્રથમ નોકરી શોધાય. પછી ઓરડી શોધાય છે અને પછી ત્યારે રત્નાગીરી જિલ્લાથી આવતા ઘરકામ કરનારા નોકરો શોધાતા.
આજે ઘરકામ કરનારા ડોમસ્ટિક વર્કરો ખરેખર વીઆઈપી બન્યા છે અને તે વીઆઈપી હોય તેમાં ખોટું પણ નથી. એક યુવાન કોમ્પ્યુટર નિષ્ણાત કરતાં સારો ઘરનોકર જલદી રૂમ ભાડેથી કે વેચાતો લઈ શકે છે. બુદ્ધિ સાથે શારીરિક શ્રમની કિંમત એટલી જ વધી છે.'
ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ