તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇ-સિટીઝનની જવાબદારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોટ્સએપ પર આવતા બધા મેસેજ સાચા માનીને તમે આંખ મીંચીને બીજાને ફોરવર્ડ કરી દેતા હો, તો મુંબઈના એક વાચકમિત્ર ધર્મેન્દ્રભાઈ શુક્લાએ હમણાં તેમનો અનુભવ જણાવ્યો એ ખાસ ધ્યાનથી વાંચશો.

ધર્મેન્દ્રભાઈ પર એક વોટ્સએપ મેસેજ આવ્યો, જેમાં ગુજરાતીમાં લખ્યું હતું કે, ‘કેન્સરના દર્દીને એક રૂપિયો પણ ભર્યા વગર 20,00,000 સુધીનો વીમો ઊતરાવો, ઉંમર 18થી 50.’ સાથે સંપર્ક કરવા માટે એક વ્યક્તિનું નામ અને તેમનો ફોનનંબર હતો. છોગામાં, આ મેસેજ દરેક ગ્રૂપમાં ફોરવર્ડ કરવાની સલાહ પણ હતી, ‘જેથી કેન્સર પીડિત દર્દીને આ સેવાનો લાભ મળે.’

કેન્સર જેવી ખર્ચાળ સારવારવાળી બીમારીની વાત હોય અને તેમાં એક રૂપિયો ભર્યા વગર વીસ લાખ રૂપિયાનો વીમો મળવાની વાત હોય તો કોઈ પણ વ્યક્તિને આશાનું કિરણ દેખાય. પછી બીમારીનું નિદાન થઈ ગયા બાદ વીમો ન મળે એવી કોમનસેન્સનું કંઈ ચાલે નહીં. 

ધર્મેન્દ્રભાઈની કોમનસેન્સ સાબૂત હતી, છતાં માત્ર મેસેજની ખરાઈ માટે તેમણે મેસેજમાંના નંબર પર કોલ કર્યો. એક ભાઈએ કોલ ઉપાડ્યો, પહેલાં તો એ રીતસર ગુસ્સે થયા અને કહ્યું કે, ‘કેન્સરના વીમાવાળી વાત હોય તો મારે વાત જ નથી કરવી. અત્યાર સુધીમાં સાડા ત્રણસો લોકોને હું ના પાડી ચૂક્યો છું.’ પણ વ્યક્તિ સજ્જન હતી. અકળામણ ઓસર્યા પછી તેમણે કહ્યું કે કોઈએ તેમના નામે માત્ર મજાક કરી છે, તેઓ આવો કોઈ વીમો અપાવતા નથી.

એ વ્યક્તિ સાથે આવી મજાક થઈ હોવા છતાં એ વ્યક્તિની સજ્જનતા જુઓ. એમણે કહ્યું કે, ‘અફસોસ એ વાતનો છે કે ગુજરાતના ખૂણે ખાંચરેથી લોકો એકદમ આશા સાથે મને ફોન કરે છે અને એમની આશા પર મારે પાણી ફેરવવું પડે છે. પહેલેથી તકલીફમાં મુકાયેલો પરિવાર આ રીતે વધુ તકલીફમાં મુકાય છે એ જોઈને દુઃખ થાય છે.’

પછી ધર્મેન્દ્રભાઈએ પોતાના ગ્રૂપ્સમાં મેસેજ મોકલ્યા કે મહેરબાની કરીને, પોતે ખરાઈ કર્યા વિના આવા મેસેજ ફોરવર્ડ કરશો નહીં ને કોઈની સંવેદના સાથે રમત કરશો નહીં. 

આ આખી વાતમાં આવી મજાક કરનાર પોતે તો મુશ્કેલીમાં મુકાઈ જ શકે છે (મેસેજ સાથે વીમાકંપનીને નામે લખેલો કોરો ચેક, ખાતા નંબર, એકાઉન્ટધારકનું નામ, સહી, તારીખ (2014ની!) વગેરે બધું છે. આ ચેક પણ કોઈને તફડાવેલો હોઈ શકે છે, પણ પોલીસ મેસેજ ફરતો કરનાર સુધી પહોંચી શકે છે), પણ એ મૂળ વ્યક્તિ જેટલા જ જવાબદાર, આ મેસેજને વિચાર્યા વગર ફોરવર્ડ કરનારા લોકો પણ છે.

આમાં બે વાતનું નુકસાન છે. એક તો ગંભીર મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને આપણે વધુ પીડા આપીએ છીએ અને બીજું, બિલકુલ જેન્યુઇનલી, ખરેખર સારું કામ કરતી સંસ્થાઓ પણ છે અને તેમની સેવાનો લાભ લેવા સંબંધિત મેસેજ પણ વોટ્સએપ પર મોકલાતા હોય છે, જે આવા મજાકિયા, તદ્દન ખોટા મેસેજને કારણે શંકાના વર્તુળમાં આવી જાય છે.

વોટ્સએપ કે ફેસબુક કે ઈ-મેઇલ જેવી અત્યંત ઉપયોગી સુવિધાને આપણે પોતે સંવેદનહીન રમતનું સાધન કેમ બનાવી દઈએ છીએ અને આવી રમતને, તેની અસર વિશે કંઈ વિચાર્યા વિના ફોરવર્ડ કરીને પ્રોત્સાહન શા માટે આપીએ છીએ?

આપણે એક જવાબદાર ઇ-સિટીઝન ન બની શકીએ?
 
www.cybersafar.com
અન્ય સમાચારો પણ છે...