તીર્થયાત્રા કે કોઈ પણ યાત્રા જીવનમાં નવા પ્રાણ પૂરે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘તમે યાત્રા-જાત્રામાં શ્રદ્ધા રાખો?’ ‘હું જ્યારે યાત્રા અને ખાસ ધાર્મિકયાત્રા ઉપર લખતો હતો ત્યારે એક વાચકે મને પૂછ્યું?’ મેં કહ્યું, હું તો નાનું જંતુ છું પણ જગતના મહાન બડેખાંઓ, ઉદ્યોગપતિઓ, બુદ્ધિમંતો નાના-મોટા સૌ યાત્રામાં માને છે ‘બિહોલ્ડ યોર લાઈફ’ નામના યાત્રાના પુસ્તકમાં લેખિકા ડો. મેકરીના વીડરકરે (Macrina Wiederkehr) લખ્યું છે કે યાત્રાનું દરેક પગલું એક પ્રાર્થના છે. ઈષ્ટદેવ કે અલ્લાહની આરાધના છે. ઘરની બહાર પગ મૂકો ત્યાં જ યાત્રા શરૂ થઈ જાય છે. યાત્રાના સંકલ્પ કરો ત્યાં જ ઓટામેટિક મન નિર્મળ થવા માંડવું જોઈએ. મેં અને શીલા ભટ્ટે ભલે ઉંમરના તફાવતને કારણે ભાગીને લગ્ન ર્ક્યું પણ અમે મુંબઈ છોડીને કોઈ હોટેલ, ક્લબ કે રિસોર્ટમાં નહોતાં ગયાં. સૌ પ્રથમ અમે પાલિતાણાનાં જૈન દેરાસરોનાં દર્શને ગયેલાં. ત્યાં અમને શેઠ કસ્તુરભાઈ લાલભાઈ મિલમાલિક જિંદગીના છેલ્લા સ્ટેજમાં હતા ત્યારે મળ્યા હતા. તે તેમની છેલ્લી યાત્રા હતી તેમ કહ્યું.
હૃષિકેશના સ્વામી શિવાનંદે ઘણા બૌદ્ધિકોને હૃષિકેશના યાત્રાળુ બનાવ્યા છે. મોરારિ બાપુની તો આધ્યાત્મિકતાની ‘ડબલ બેરલ’ ગન છે. તેઓ તો તમારા યાત્રા-સ્થળે ભક્તોને યાત્રા કરાવે છે અને ડબલ જોટાળી બંદૂકની જેમ ત્યાં સાત કે નવ િદવસની રામકથા પણ થાય છે. બાપુની જેરુસલેમમાં ગુફામાં કથા થઈ છે. યાત્રા થઈ છે. પાકિસ્તાન થયું પણ લાહોરમાં હિન્દુઓના ભૈરવ ટેમ્પલને અને શીખોના ગુરુદ્વારાને અડ્યા નથી. લાહોરમાં દૂધવાલી માતા મંદિર, પ્રહ્્લાદ મંદિર અને અનારકલીની કબર પાસે જૈન મંદિર પણ હતાં. વચ્ચે એક વાત કરી લઉં કે મોહમ્મદ અલી ઝીણા જે પાકિસ્તાનના પિતામહ ગણાય છે તેણે જગન્નાથ આઝાદ નામના કવિને હિન્દુ પાકિસ્તાનનું રાષ્ટ્રીય ગીત ઘડી કાઢવા કહેલું. અને તે પાકિસ્તાન રેડિયો ઉપરથી પ્રસારિત પણ થયેલુ. કાબુલમાં આજે હિન્દુ મંદિર હોય તો ઈન્ડોનેશિયામાં તો ચાર ચાર હિન્દુ મંદિરો છે. બાંગ્લાદેશમાં ઢાકેશ્વરી મંદિર, કાનાજીનું મંદિર અને કાલી મંદિર વગેરે યાત્રાનાં ધામો બન્યો હતાં. હું મલેશિયા હતો ત્યારે પિનાંગમાં શંકરનું મંદિર હતું ત્યાં અમે રવિવારે જતા. હમણાં સાંભળવા મળ્યું કે પાકિસ્તાનના કરાચી ખાતે મનોરામાં શિખરધારી મંદિર છે. હજી પાકિસ્તાનમાં 27 લાખ હિન્દુ છે તો તેમની શ્રદ્ધાના કે મિનિયાત્રાનાં મંદિરો હોવાં જ જોઈએ.
તમે માની શકશો? શ્રાવણ મહિનો બેસે અને અધિક મહિનો જેને સ્ત્રીઓ પુરુષોત્તમ માસ કહે છે તે દિવસે મહુવાના ઘરે ઘરનાં 6થી 16 વર્ષનો દીકરા-દીકરી શંકરને જળ ચઢાવવા જતાં. ખીમેશ્વર મહાદેવથી માલણ નદીને પેલે પાર ભૂતનાથ મહાદેવની મિનિયાત્રાએ શ્રાવણ કે અધિકમાં જતાં. મનોવિજ્ઞાની કાર્લ જંગે પણ મનોચિકિત્સાની દૃષ્ટિએ વરસમાં એક-બે વાર ઘરની બહાર યાત્રાને બહાને નીકળી જવું જોઈએ તેમ કહ્યું છે.
‘કારેલ પોપ્યુલર ડિક્શનરી ઓન હિન્દુઈઝમ’માં લખ્યું છે કે પવિત્ર શહેરો (જેવાં કે બનારસ) કુંભમેળા માટે નાસિક, હિમાલયનાં શહેરો બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી આ ચાર ધામની યાદ શ્રેષ્ઠ ગણાવા માંડી. પુરીમાં (ઓરિસ્સા) વૈષ્ણવોનું જગન્નાથ મંદિર છે ત્યાં રથયાત્રા નીકળે છે. વૈષ્ણવદેવીનું મંદિર હમણાં યાત્રા અને ભજનકીર્તન માટે પ્રસિદ્ધ થઈ રહ્યું છે. શક્તિપીઠો ઊભી થઈ છે. મુક્તાનંદ સ્વામી જેની મારા ઉપર કૃપા હતી તે ઈગતપુરી પણ તેની શિષ્યાને કારણે યાત્રાનું ધામ બની ગયું. હવે તેની શિષ્યા સંભાળે છે.
મુસ્લિમો માટે મક્કા મદીના તો છે જ. મક્કા વિશે બહુ લખાયું છે. ગુરુનાનક પોતે યાત્રામાં બહુ માનતા નહીં. એક શિષ્યે ગુરુનાનકને પૂછ્યું કે ‘હું અમૃતસર જાઉં?’ તો તેણે કહ્યું પરવરદિગારનું નામ લઈને તું કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કરી લે અહીં બેઠા યાત્રા છે. ખરું તો આંતરિક જ્ઞાન છે. આંતરિક શુદ્ધિ એ ઘેરબેઠા યાત્રા છે. પણ અેમ ન માનજો કે કોઈ લાઈટમૂડમાં આ લેખ લખાયો છે. તમે તિરુમાલા તિરુપતિના દર્શને જજો. અગર કપોળોના શ્રીનાથજી બાવાના મંદિરે જજો. અમે બન્ને લગ્ન કરીને એ જગ્યાએ જઈ આવ્યાં છીએ. શિલાએ માથે ઓઢીને જૈન હોવા છતાં તિરુપતિનાં દર્શન ક્યૂમાં ઊભા રહ્યાં પછી વારો આવ્યો ત્યારે કરેલાં. તે પછી શ્રીનાથજી બાવાનાં દર્શન તો મને કપોળ મિત્ર (અવિનાશ) શ્રીનાથજી લઈ જઈને કરાવેલાં. કોણ જાણે હિન્દુ મંદિરો ‘એ ટુ ઝેડ’ ગામોમાં છે. અલ્હાબાદ, આલંદી, અમરાવતી, અમરકંટક અમરનાથ (જમ્મુ-કાશ્મીર), અન્નામલાઈ (અહીં દક્ષિણમાં અન્નામલાઈની યુનિવર્સિટી છે), ઓયાધ્યા (!), બદરીનાથ અને બેલુર મઠ! ઓહ માય ગોડ! તમારે કોલકાતાથી બેલુર મઠ તો જવું જ જોઈએ. એ ધાર્મિક નહીં જ્ઞાન મંદિર છે. ગંગાનાં સાથે દર્શન છે. બેલુર મઠ એ સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામકૃષ્ણના પિયર જેવા છે.
ગુપ્ત વંશ વખતે ભારતમાં ઉત્તમ કારીગરીવાળાં હિન્દુ મંદિરો બંધાવા માડ્યાં. ડો. ફિલિપ રોસન કહે છે કે ‘જગતભરનું ઋણી છે કારણ કે ભારતની બાંધકામની કળા, મિસ્ત્રીગીરી અને આર્કિટેક્ચર (અસલ) ભારતે ચીન, કોરિયા, તિબેટ, કંબોડિયા અને છેક જાપાન સુધી ફેલાવ્યું છે. આ દરેક દેશોમાં હિન્દુ કલ્ચરવાળા અને આર્કિટેક્ચરવાળા મંદિર છે. અમુક લોકો માને છે કે પ્રમુખ સ્વામી ઠેર ઠેર જગતને ખૂણે ખૂણે સ્વામિનારાયણ મંદિરો સ્થપાવતા તેમાં તેમની બુદ્ધિ હતી. તે બહાને કોઈ જાપાની, અમેરિકન કે કોરિયન ટેરરિસ્ટ 286 મંદિરો પૈકી એકમાં જઈ ચડે અને દર્શન કરી તેનું પરિવર્તન થાય તો ય ઘણું છે. આર્કિટેકચર જ્હોન કીએ નોંધ લીધી છે કે માઉન્ટ કૈલાસ એ હિમાલય ઉપર કુદરતે રચેલું મંદિર અને યાત્રાધામ છે.
દક્ષિણના ચૌલા વંશના રાજાને કેમ ભુલાય. કાવેરીને કાંઠે તાંજોરમાં અને બીજે રાજા રાજરાજાએ 80 ટન પથ્થરનો ગુંબજ બનાવીને 200 ફૂટ ઊંચું મંદિર બનાવેલું. નજીકમાં શિવનું મોટું લિંગ છે. અહીં સેંકડો બ્રાહ્મણો (તાંજોર) રહે છે અને એટલા જ નંબરના સંગીતકારો તેમ જ નર્તકીઓ છે. છેલ્લે વેરાવળ નજીકના સોમનાથના મંદિરને થોડીક પીડા પણ અંતે આનંદ સાથે યાદ કરું છું જે ખરેખર પ્રથમ યાદ કરવું જોઈએ. સોમનાથને અમર યાત્રાધામ કહે છે. હું જ્યારે ફર્સ્ટયરમાં 1947માં હતો ત્યારે વલ્લભભાઈ પટેલે આ મંદિરનું ઉદ્્ઘાટન કરેલું. એવું મનાય છે કે સોમનાથ એ જ સ્થળે છે જ્યાં કૃષ્ણે તેની લીલા સંકેલી લીધી હતી. સોમનાથ મંદિર રોજ સવારે 6થી રાતના 9 સુધી ખુલ્લું રહે છે. દિવસના ત્રણ આરતી થાય છે. જરૂર જરૂર એક આરતીમાં જઈ પાવન થજો.
કાંતિ ભટ્ટ
અન્ય સમાચારો પણ છે...