તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુસ્તાન-પાકિસ્તાન અખંડ ભારત બનશે : મહર્ષિનું જૂનું સ્વપ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુસ્તાન-પાકિસ્તાન અખંડ ભારત બનશે : મહર્ષિનું જૂનું સ્વપ્ન
કેટલાંક સપનાઓ અસંભવિત લાગે પણ સેવ્યા વગર છૂટકો નથી. કદાચ... કદાચ સાચું પડી જાય. મહર્ષિ અરવિંદે એક તો કમાલ કરી કે તે 15 ઓગસ્ટે (1879) બરાબર 135 વર્ષ પહેલાં જન્મ્યા અને પછી છેક 1950માં મહર્ષિ અરવિંદ જેમને ભારતના ભાગલાથી વધુ પીડા થયેલી તેમને મળવા કનૈયાલાલ મુનશી ગયા. ક. મા. મુનશી કોંગ્રેસી ગણાતા હતા. મહર્ષિએ મુનશીને ટોણો માર્યો કે તમારા બ્રહ્મચર્ય અને અહિંસાનો દંભ કરનારા મોહનલાલ કરમચંદ ગાંધીએ તો દેશના ભાગલા સ્વીકાર્યા. 

હવે તમારા અને મારા દર્શન પ્રમાણે ક્યારે બન્ને દેશ એક થશે? મુનશી તો સ્તબ્ધ થઈ ગયા...આજે જ્યારે એક બાજુ ચીનના ભયને નામે પાકિસ્તાન અબજો ડોલરનાં શસ્ત્રો ખરીદે છે. ડીટ્ટો ભારત પણ. અને બીજી બાજુ આપણે ભૂતકાળની વાતો યાદ કરીએ છીએ! આજકાલ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ પણ ભારતને મિત્ર બનાવવા અવાયા થઈને પડે છે. પણ ઘડીભર એ સ્વપ્ન, દુ:સ્વપ્ન કે દિવાસ્વપ્નને ભૂલી જાઓ અને કિરતારને વાત સોંપી દો કે કિરતાર બન્ને દેશને એક કરે! 

અને કેટલાક કહે છે તેમ ‘અરે ભાઈ! જવા દો ને! એ આઘા સારા છે. નહીંતર બિચારું અમેરિકા આજે ભારત-પાક.ને શસ્ત્રો વેચીને ભીખનો ટુકડો ક્યાંથી ખાશે?’ ચાલો માંડીને વાત કરીએ. ફ્રેંચ ઈતિહાસકાર રોમા રોલાએ રામકૃષ્ણ પરમહંસનું સરસ જીવન ચરિત્ર લખ્યું છે તેમાં લખ્યું છે, જૂના વખતમાં એક દંતકથા હતી કે કોઈ જંગી ઈમારત કાયમી ટકે એવી બનાવવી હોય તો તેની દીવાલોમાં એકાદ જીવતું શરીર ચણાઈ જવું જોઈએ. આજે થોડી આડ વાત કરીએ તો મુંબઈમાં 40-45 માળનાં મકાનો બને છે તેમાં કેટલાય બિચારા મજૂરો ડઝનની સખ્યામાં મરે છે કોઈ ભાવ પૂછતું નથી... 

પણ રામકૃષ્ણ પરમહંસની વાત સાચી છે. સમર્થ આર્કિટેક્ટોએ ચૂનામાં હજારો હૂંફાળા આત્માઓને દાટી દીધા છે- મને કે તમને આરસપહાણની ફરસ અને મંદિરો-દેરાસરો અને બીજી ભવ્ય ઈમારતના પાયામાં કે ભારતની અંગ્રેજો સામેની લડાઈમાં કેટલા શહીદો થાય છે તેની બધાને પાકી ગણતરી નથી. ભારત પાસે તો આવા જીવતા આત્મા જે બલિ થવા તૈયાર હોય તે અપરંપાર છે.
ભારતની સંવેદનશીલ પ્રજાને આ દટાયેલા આત્માનું પુણ્ય લાગે છે તેથી આ દેશનું ભાવિ ઊજળું છે. 

2017-2020માં ભારત ટોચે હશે. દરમિયાન મહર્ષિ અરવિંદનાં 65 વર્ષ પહેલાંનાં દર્શન પ્રમાણે ક્યારે અખંડ હિન્દુસ્તાન બને તેની રાહ જોવી રહી. પણ મહર્ષિ અરવિંદના સપનાને ભૂલી જવાય નહીં! અરવિંદે કદી જ પાકિસ્તાનનું અસ્તિત્વ કે ક્રિએશન સ્વીકાર્યું નહોતું. ફ્રસ્ટ્રેશનમાં તેમણે અમારી વડોદરા કોલેજની પ્રોફેસરગીરી છોડી. રાજકારણ છોડ્યું અને મહાત્મા થઈ ગયા! તેઓ તો તમામ ધર્મના લોકોનો સાથ લઈ ‘યુનાઈટેડ સ્ટેટસ ઓફ ઈન્ડિયા’ ઉર્ફે અખંડ હિન્દુસ્તાનનું સપનું જોતા હતા.

રોમા રોલાએ રામકૃષ્ણ પરમહંસની જીવનકથની લખતી વખતે કહેલું કે ‘મેં જે ભવ્ય પુરુષની પ્રતિમા (રામકૃષ્ણ પરમહંસ) આ પુસ્તકમાં ખડી કરી છે તે 30 કરોડ માણસોના ભારતની હતી. (1926માં હિન્દુસ્તાનની વસતિ ત્રીસ કરોડ હતી. આજે ચાર ગણી છે. તે દૃષ્ટિએ પાકિસ્તાન-નોખું ને આઘું સારું છે. જોકે આઘું રહેવાનું નથી. આપણને કનડ્યા કરશે). આજે સવા અબજની વસતિમાંથી બે કરોડ ભારતીઓ વિદેશ વસીને ભારતને સમૃદ્ધ રાખી રહ્યા છે. 

આજે તમામ ભૌતિક સિદ્ધિ છતાં આ ભારત દેશમાં ધર્મ અડીખમ રહ્યો છે. ‘રિલિજિયન્સ ઓફ 1879’માં એ. બાર્થ નામના ઈતિહાસકારે લખેલું કે હિન્દુસ્તાન તો યુરોપની ગ્રેટ સિસ્ટર છે- બડી બહેન છે. હિન્દુસ્તાનનો ભૌતિક વિકાસ સાથે સાથે આધ્યાત્મિક વિકાસ સ્વમેળે થતો આવ્યો છે! હજી થશે.  હિન્દુસ્તાનની ફિલસૂફી- હિન્દુસ્તાનનું દર્શન સહસ્ત્ર શાખાવાળા વૃક્ષની જેમ જગતમાં ચારેકોર વિકસી રહ્યું છે.આજે 90 દેશમાં ક્યાં ક્યાં ભારતનો હિન્દુ કે મુસ્લિમ નથી તે મને કહો! આમાં ક્યાંય બીગાડ દેખાતો નથી. 

અમેરિકા વંઠી ગયું છે. યુરોપમાં વગર લગ્ને રહેવાનો નાદ છે. ત્રણ મા-બાપ વચ્ચે એક બાળક પ્રેક્ટિકલ ગણાય છે! ત્યારે શુદ્ધ સંસ્કૃતિ હિન્દુસ્તાનમાં જળવાઈ છે. સ્પિરિચ્યુઆલિટી કે આધ્યાત્મિકતાને નામે અમેરિકા-યુરોપે ઘણા ઢોંગધતૂરા ર્ક્યા પણ તે મહર્ષિ મહેશ યોગી કે રજનીશ કે જે. કૃષ્ણમૂર્તિ કે યુ. જી. કૃષ્ણમૂર્તિને પચાવી શકયા નથી. આપણી આધ્યાત્મિકતાનું દેશી સ્વરૂપ છે- રામકથા, હનુમાન કથા, ભાગવત પુરાણ, ભજનકીર્તન અને રાસમંડળી વગેરે વગેરે. આજે યુવા પ્રજાજનોને ભારતની સ્વતંત્રતાનો ઈતિહાસ જોવાની ખેવના નથી. 

મહર્ષિ અરવિંદનું જીવન દર્શન (ફિલસૂફી) સ્પષ્ટ હતું. તે ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. અખંડ હિન્દુસ્તાનનું સપનું જોનારા તે એક જ માત્ર રાજકીય દૃષ્ટિવાળા મહર્ષિ હતા. પણ 15મી ઓગસ્ટ 1947 અને તે પછી આજ સુધીમાં તો જગતભરનું અને ખાસ કરીને ભારતના રાજકારણે ઘણું ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. સવા અબજ ભારતીય લોકો બુદ્ધિબળે દુનિયામાં ફેલાઈને જગતને પડકાર્યું છે. અમેરિકનો સાયન્સ અને ટેક્નોલોજીની ઉપલબ્ધિનાં ફળ ચાખી ચાખીને વંઠી ગયા છે. 

યુવા-લોહી ઓછું થતું જાય છે અને નવી બુદ્ધિશાળી પ્રજા જ પેદા થતી નથી. બીજી બાજુ ભારતની સવા અબજની વસતિમાં આજે જગતમાં સૌથી અધિક બુદ્ધિબળ અને સૌથી વધુ મધ્યમ વર્ગ (કમાતો ને ધમાતો) ભારત પાસે છે. છતાંય પાકિસ્તાનના વાનરવેડા કે અટકચાળા આપણે સહન કરવા પડે છે. આ વાતની પણ મહર્ષિ અરવિંદને પાકી અટકણ-જાણ હતી. તેમણે 15 ઓગસ્ટ, 47ના કહેલું ‘મને સ્વતંત્ર ભારતની ભેટ મળી છે પણ તે ભેટ ગૂંચવણવાળા પેકેટમાં મળેલી ભયનક ભેટ છે. 

હિન્દુસ્તાનના બે કટકા થયા છે. બ્રિટનની આ ‘ઉદારતા’ મને ખપતી નથી. મને તો 1947 પહેલાં હતું તેવું અખંડ હિન્દુસ્તાન ખપે છે.’ 1950માં જ મહર્ષિ અરવિંદે ભાવિ ભાખેલું કે- આ ભાગલા થકી ભારતે ખૂબ જ કષ્ટને પાર કરવા પડશે. પાકિસ્તાન વારંવાર સતત આપણે માટે અને એ પ્રક્રિયામાં પોતાને માટે પણ તકલીફો ઊભી કર્યા કરશે. પણ પણ એ તકલીફને પણ આપણે પાર કરીશું જ્યારે પાકિસ્તાન નષ્ટ થશે.- તેનું ‘ભૌતિક અસ્તિત્વ’ નષ્ટ થશે! 

મહર્ષિજી, 74 વર્ષ પહેલાં વાત જુદી હતી. આજે અડકતરી રીતે અમેરિકા નામનો વિલન ખાબક્યો છે. હવે તો એક નવા ધર્મયુદ્ધની રાહ જોઈએ. તમને શું લાગે છે? ધર્મયુદ્ધ કે ભારત-પાકિસ્તાન એક બનશે? 
અન્ય સમાચારો પણ છે...