તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અખંડ હિન્દુસ્તાન! મહર્ષિ અરવિંદની ભવિષ્યવાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહર્ષિ અરવિંદના કહેવા મુજબ યોગ્ય સમયે ભારત-પાકિસ્તાન બન્ને દેશો એક થશે અને ત્યારે જ પંદર-વીસ વર્ષે ગમે ત્યારે અખંડ ભારત થશે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તીઓ વગેરે સંપીને રહેશે
ચંદન ગંધ
છિપ ન સકેગા રંગ પ્યાર કા
ચાહે લાખ છિપાઓ તુમ
ચંદન હૈ તો મહકેગા હી,
આગ મેં હો ચાહે આંચલ મેં
ઘુંઘરું હૈ તો બોલેગા હી,
સેજ મેં હો યા સાંકલ મેં
અપના સદા રહેગા અપના
દુનિયા તો આની જાની
પાની હૈ તો બરસેગા હી,
આંખ મેં હો ચાહે બાદલ મેં!
- કવિ રમાનાથ અવસ્થી
(કાવ્યસંગ્રહ : આકાશ સબકા હૈ)
મહાન ફ્રેંચ ઈતિહાસકાર રોમે રોલાએ સ્વામી રામકૃષ્ણ પરમહંસનું સુંદર જીવનચરિત્ર લખ્યું છે. તેમાં લખ્યું છે ‘જૂના વખતમાં એક દંતકથા હતી કે કોઈ ઈમારતને જો કાયમી ટકે એવી બનાવવી હોય તો તેની દીવાલોમાં જીવતાં શરીર ચણી નાખવાં પડે.’

કેટલાક સમર્થ સ્થપતિઓએ ઈમારતના ચૂનામાં હજારો હૂંફાળા આત્માઓને દાટેલા આરસપહાણની ફરશ અને રોમન સિમેન્ટની તળે દટાયેલા એ આત્માને કોઈ જોઈ શકતું નથી. પણ હું તેનો અવાજ સાંભળું છું. આ અવાજ આપણને શું કહે છે?

આ અવાજો કહે છે કે જેટલું લોહી રેડાવાનું હતું અને જેટલા હિન્દુ-મુસ્લિમ 1947માં મરવાના હતા તે મર્યા હવે મરણનો દેવતા પણ થાક્યો છે ત્યારે કેવા વાસ્તવવાદી ઉચ્ચારણો આજે સંભળાય છે.

- ડિસેમ્બર, 2015માં ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે રામ માધવે કહેલું કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હજી ય માને છે કે ભારત અને પાકિસ્તાની પોપ્યુલર- ગુડવીલ દ્વારા (યુદ્ધ કરીને નહીં) સંયુક્ત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારે લાહોરમાં એકાએક સૌના આશ્ચર્ય વચ્ચે સ્ટોપ લીધો અને વડાપ્રધાન નવાઝ શરીફને મળ્યા. પછી અલજજીરાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ‘ભાજપના જનરલ સેક્રેટરી માને છે કે ભારત-પાકિસ્તાન એક થશે. હું પણ એ મતને ટેકો આપું છું. ભારત-પાકિસ્તાન માટે આ કલ્યાણકારી છે કે બન્ને અખંડ ભારત બને.’

- એ પહેલાં ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ ડો. રામમનોહર લોહિયાની જન્મતિથિ વખતે આવું જ કહેલું. અડવાણી ત્યારે ‘ઓર્ગેનાઈઝર’ નામના આરએસએસના સાપ્તાહિકના તંત્રી હતા ત્યારે પણ ડો. રામમનોહર લોહિયાનો આઈડિયા હતો કે ભારત-પાકિસ્તાન સંયુક્ત થાય. અને તે વિચાર સુંદર હતો.

- દીનદયાળ ઉપાધ્યાય જે જનસંઘ (ભાજપનો અવતાર)ના નેતા હતા તેને ડો. રામમનોહર લોહિયાએ કહ્યું કે ભારતમાં જે રચનાત્મક વાત થાય છે કે ભારત-પાકિસ્તાન એક બને તેનો ઊંધો અર્થ પણ કેટલાક પાકિસ્તાની જુજ તત્ત્વો લે છે કે ભારત પાકિસ્તાનની ઉપર આક્રમણ કરવા માગે છે. દીનદયાળ ઉપાધ્યાયે કહ્યું કે તેવો કોઈ ફોર્સ ભારત કરે નહીં (12 એપ્રિલ, 1964) પણ બન્ને દેશનું ફેડરેશન બને તો બન્ને દેશ ખૂબ સમૃદ્ધ થાય. શસ્ત્રોનો અબજોનો ખર્ચ બચે.

ગાંધીજી અને જવાહરલાલ નહેરુની ખોટી ઉતાવળ અને ખોટા દૃષ્ટિકોણ થકી દેશના ભાગલા થયા. 15મી ઓગસ્ટ, 1947ના રોજ આપણને લંગડી (ભાગલાવાળી) આઝાદી મળી. તે દિવસે મહર્ષિ અરવિંદ લખેલું કે ‘આજે આપણને સ્વતંત્રતાની ગૂંચવણવાળા પેકેટમાં ભેટ મળે છે. બન્ને દેશને જુદા જુદા હિન્દુસ્તાનના તૂટેલા ભાગ મળ્યા છે! બ્રિટનની આવી લુચ્ચી ઉદારતા મને ખપતી નથી. મને તો એવું સ્વતંત્ર હિન્દુસ્તાન ખપતું હતું જે અખંડ હોય. એ પછી 1950 ફરી મહર્ષિ અરવિંદે એક રચનાત્મક મત જણાવેલો:

‘દેશના ભાગલાને કારણે બન્ને દેશોએ ખૂબ જ કષ્ટ સહન કરવું પડશે. પણ કાળાંતરે આપણે કષ્ટને પાર કરીશું. દરમિયાન તકલીફો વધશે.
તકલીફોને પાર કરીશું. ખાસ કરીને પાકિસ્તાન જ તકલીફો ઊભી ર્ક્યા કરશે (આ વાત 1950માં મહર્ષિએ કહેલી). આ બધી તકલીફોને આપણે પાર કરી છે. હવે પછી ભારત-પાકિસ્તાનને એક કરવા ઈશ્વરીય શક્તિ કામ કરશે! આપણા આધ્યાત્મિક બળ વડે આપણું અખંડ હિન્દુસ્તાનનું સપનું સાકાર થશે.’

એ પછી ડિસેમ્બર, 1950મા મહર્ષિ અરવિંદ સ્વર્ગવાસી થયા. ચમનલાલ ગુપ્તા નામના રાજપુરુષ પોંડિચેરીના આશ્રમમાં આવ્યા. તેમની સાથે મહર્ષિ અરવિંદનાં શિષ્યા માતાજીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘મહર્ષિ અરવિંદે મને કહેલું કે કાળાંતરે 10-15-20 વર્ષો પછી પાકિસ્તાન-હિન્દુસ્તાનના ભાગલા થશે... લાલ બહાદુર શાસ્ત્રીના વખતમાં આપણું લશ્કર લાહોર સુધી પહોંચી ગયેલું...’ પણ એ રીતે નહીં આપણે શાંતિથી એક થશું.

મહાત્મા ઠરી ચૂકેલા ગાંધીજીએ તેનું મહાત્માપણું રાજકારણમાં વધુ ને વધુ વાપરવા માંડ્યું. ગાંધીજીએ તેની મહાત્માગીરીમાં 4-7-1940ના રોજ ઈંગ્લેન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલને એક પત્ર લખ્યો તે પત્ર તમને મૂર્ખાઈ ભરેલો લાગે. ગાંધીજીએ લખેલું કે ‘હું જર્મનીના નાઝીઓ અને બ્રિટિશરો વચ્ચેની દુશ્મનાવટનો અંત આણવા માગું છું. હું બ્રિટિશરોને અપીલ કરું છું કે આ દુશ્મનાવટનો અંત આણે. હું અપીલ કરું છું કે નાઝીવાદ (જર્મનો)નો સામનો શસ્ત્રોથી કરવાને બદલે અહિંસક રીતે કરો!’
ગાંધીજીએ આટલું નહીં વિશેષ માયાળુપણું બતાવેલું. લખેલું ‘માનવતાને બચાવવા શસ્ત્રો નકામાં છે એટલે શસ્ત્રો હેઠાં મૂકવા કહું છું. સૂચવું છું કે હિટલર અને ઈટાલીના સરમુખત્યારને બ્રિટનમાં આવવા આમંત્રણ આપે. તમારો દેશ હિટલરને સોંપી દે... તમારા બિલ્ડિંગો હિટલર લેશે પણ તમારો આત્મા અને મન તો તમારી પાસે જ રહેશે!!!’

આજે 2016માં કોઈ 6 વર્ષનું સમજદાર બાળક પણ કહી શકે કે ગાંધીજીએ કેવી વધુ પડતી ઉદારતા કહેલી. પછીથી પંડિત નહેરુની ઉતાવળ અને ગાંધીજીની ખોટી દૃષ્ટિથી દેશના ભાગલા સ્વીકાર્યા. જૂન, 1947માં ભાગલાનો નિર્ણય ગાંધીજીએ સ્વીકાર્યો.

બ્રિટનને બીજા યુદ્ધમાં મદદ કરવામાં તે સમયના અમેરિકન પ્રમુખ રુઝવેલ્ટે શરત મૂકેલી કે ભારતને ધીરે ધીરે આઝાદી આપે. પણ ગાંધીજી અને નહેરુએ આ વાત ન સ્વીકારી. બન્નેએ ઉતાવળ કરીને દેશના ભાગલા સ્વીકાર્યા. આપણને લંગડી આઝાદી મળી.

એ વાતને લગભગ 70 વર્ષ પૂરાં થવા આવ્યાં છે કે જ્યારે મહર્ષિ અરવિંદે કહેલું કે મને આવી લંગડી- ભાગલાવાળી આઝાદી નથી ખપતી. પણ હું હજી આશા રાખું છું કે યોગ્ય સમયે ભારત-પાકિસ્તાન બન્ને દેશો એક થશે અને ત્યારે જ પંદર-વીસ વર્ષે ગમે ત્યારે અખંડ ભારત થશે અને હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તીઓ વગેરે સંપીને રહેશે.
અન્ય સમાચારો પણ છે...