તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ, મુસ્લિમ કે ક્રિશ્ચિયન કોઈ પણ ધર્મવાળો પોતાનો મંત્ર રટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહામૃત્યુંજય મંત્ર
ઓમ યંબકમ યજા મહે
સુગંધીમ્ પુષ્ટિ વર્ધનમ્
ઉર્વાઋકિમવહ બંધનાત
મૃત્યુ: મોક્ષ્યા મૃતાત્
(મૃત્યુર મુક્ષિય મામૃતાત્)
ઉપરનો મંત્ર સામાન્ય રીતે બીમાર લોકોને સાજા થવા માટે રટવાનો હોય છે. શિવને સંબોધીને બોલાયેલા આ મંત્રનો અર્થ છે ‘હે 3 (ત્રણ) ભુવનના નાથ. અમે આપનું પૂજન કરીએ છીએ. સમગ્ર પૃથ્વીરૂપ સુગંધની વર્ષા કરીએ છીએ. હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. તનમનથી પ્રાર્થીએ છીએ કે આ શરીરરૂપી બંધનમાંથી અમને મુક્તિ આપ. જેથી અમે કદી મૃત્યુના ભયથી ડરીએ નહીં. દરેક ધર્મના દરેક માનવે તેના ધર્મનો મંત્ર રટવો જોઈએ. ઉપર લખ્યો તે વેદોક્ત મંત્ર છે. પૌરાણિક મંત્ર જુદો છે ‘મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ્, જન્મમૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધનેહિ.’ અર્થાત્ ‘હે પ્રભુ! જે દુ:ખ પડવું જોઈએ અને જે દુ:ખ ભોગવવા જેવું છે તે જરૂર ભોગવીએ પણ આજે તારા સ્મરણ થકી એ કર્મબંધનમાંથી અને દુ:ખમાંથી મુક્ત કર-મુક્ત કર.’
દરેક ધર્મના દરેક માનવે તેના ધર્મનો મંત્ર રટવો જોઈએ. મંત્ર થકી ટેલિપથી દ્વારા તમે તમારા મનની વાત બીજા પ્રિયજનને પહોંચાડી શકો છો. અનેક રોગોનું પણ શમન થાય છે

સાઉદીના રાજા કોઈપણ રાજકીય નેતા સાથે વાટાઘાટ કરે છે ત્યારે બાપુની જેમ તેના હાથમાં તસબી હોય છે. મંત્રજાપ કરે છે! એલાન વોટ્સ નામના સર્વધર્મના ચાહક લેખકે પણ કબૂલ્યું છે કે તે પોતે પણ મંત્રજાપ કરે છે! અરે! સીઆઈએ નામની અમેરિકાની જાસૂસી સંસ્થાના ઘણા એજન્ટો પણ મંત્રજાપ કરે છે! સ્વામી શિવાનંદજીના શિષ્ય સ્વામી વિષ્ણુદેવાનંદ જેમનો ન્યૂયૉર્ક અને કેરળમાં આશ્રમ હતો તેમણે ‘મંત્રજાપ’ ઉપર પુસ્તક લખ્યું છે.
તેમણે મને કહેલું કે વારંવાર મંત્ર રટવાથી મંત્રના શબ્દોમાં દિવ્યબળ આવે છે. આપણી અંદરનું દેવત્વ સૂતું હોય તે જાગૃત થાય છે. ઉપરાંત મંત્ર થકી ટેલિપથી દ્વારા તમે તમારા મનની વાત બીજા પ્રિયજનને પહોંચાડી શકો છો. (મેં આ વાતનો સ્વયં અનુભવ કર્યો છે). મન જ્યારે અશાંત હોય ત્યારે જોરથી શ્વાસ બહાર કાઢીને શ્વાસને પાછો અંદર લઈ જઈ રોકવાથી અને મંત્રજાપ કરવાથી મન અદ્્ભુત રીતે શાંત થાય છે. માનો છો?

મારા વિદ્વાન મિત્રએ કહેલું, મૃત્યુંજય મંત્ર આ અશાંત અને હિંસક યુગમાં બહુ જરૂરી છે. આશા ગુમાવી બેઠેલાને આશા આપે છે. ફરી ફરી લખું છું કે મહામૃત્યુંજય મંત્રના અનેકવિધ લાભો છે. આ મંત્રજાપ કે કોઈ પણ તમારા ધર્મ કે પંથ પ્રમાણેના મંત્રના જાપથી (એ મંત્રને તમે જ તમારા આત્માનું બળ આપીને પોષ્યો હોય છે) અનેક રોગોનું પણ શમન થાય છે. શ્રદ્ધા હોવી જોઈએ.

આજના યુગમાં માણસ શરીરથી બીમાર ન હોય પણ મનથી બીમાર એટલે કે ક્રોધ, ઈર્ષ્યા, ખોટી સ્પર્ધા અને ચિંતામાં ઘેરાયેલા હોય છે, તેમને મૃત્યુંજય મંત્ર હળવોફૂલ કરે છે. સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકરે શાસ્ત્રીય રાગમાં ગાયત્રી મંત્રનું અદ્્ભુત રટણ કર્યું છે. અવકાશ વિજ્ઞાની ડૉ. જે. જે. રાવળ, મુંબઈના રાજકારણી રામ બારોટ, કથાકાર રમેશ ઓઝા, કરુણાશંકર ઓઝા, ભૂપેન્દ્ર પંડ્યા અને શેરબજારના ઘણા સટ્ટાદલાલો ગાયત્રી મંત્ર ભણીને જ શેરબજારમાં જાય છે. મુંબઈનાં ત્રણ ગુજરાતી અખબારોના મોટા ભાગના બ્રાહ્મણ- પત્રકારો ગાયત્રીના ઉપાસકો છે.
ડૉ. રાવળે કહ્યું કે સ્વામી દયાનંદ સરસ્વતી ગાયત્રીના પરમ ઉપાસક હતા. આજે તેમના નામની સ્કૂલો ભારતભરમાં છે. તે દયાનંદ એંગ્લો વેદિક સ્કૂલોમાં પનવેલ- મુલુંડથી માંડીને કચ્છ-મંુદ્રા અને અમદાવાદ સુધી વિદ્યાર્થીઓ ક્લાસ શરૂ થતાં પહેલાં ગાયત્રી મંત્ર ભણે છે. હરદ્વારમાં રહીને ગાયત્રી મંત્રનો પ્રસાર કરનારા સ્વ. શ્રી રામ શર્માના કહેવા મુજબ ગાયત્રી મંત્ર એ તો સૂર્યની ઉપાસનાનો મંત્ર છે અને સેક્યુલર છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણે તો એક પ્રણાલિકાની જબ્બર ભૂલ સુધારીને કહેવું પડેલું કે સ્ત્રીઓ ગાયત્રી મંત્ર ભણી ન શકે તે વાત તદ્દન અશાસ્ત્રીય છે. એ પછી શ્રી રામ શર્માના જે જે ગાયત્રી યજ્ઞો થતા તેમાં સ્ત્રીઓને મોખરે રખાતી.

હરિદ્વારવાળા સ્વામી શિવાનંદે કહેલું કે તમામ મંત્રોમાં ગાયત્રી મંત્ર સુપ્રીમ છે અને તેનો પોટેન્ટ પાવર છે. ભારત દેશ કે જ્યાં ગાયત્રી મંત્રનો ઉદ્્ગમ થયો છે તેના નાગરિકોએ અણુબૉમ્બ, ટેરરિસ્ટો કે કોઈ પણ આર્થિક આપદાથી મૂંઝાવું નહીં. તેની પાસે અમોઘ શસ્ત્ર છે. અને તે ‘ગ્લોરિયસ ગાયત્રી મંત્ર છે.’ સ્વામીજીએ કહ્યું કે જે જે સત્યના ઉપાસકો છે તેણે ગાયત્રી મંત્ર તો રટવો જ જોઈએ. અમેરિકામાં 13-4-1851ના રોજ 171 વર્ષ પહેલાં જન્મેલા ડૉ. વિલિયમ ક્વાન જજ નામના મિસ્ટિક અને થિયોસોફિકલ સોસાયટીના સ્થાપકો પૈકીના એક એવા મહાનુભવે કહેલું કે ગાયત્રી મંત્રમાં છૂપી શક્તિ રહેલી છે.
તે તમારું આપદામાં રક્ષણ કરે છે. તમારાં કૌટુંબક કે આર્થિક સંકટોમાં ભલે ગાયત્રી મંત્ર નાણાંનો દલ્લો ન આપે પણ જે કોઈ હાલત આવી પડે તેને હસતે મોઢે સહન કરવાની ગુપ્ત શક્તિ ગાયત્રી આપે છે. કેનેડા અને બ્રિટન તેમ જ ફ્રાંસમાં પણ ગાયત્રી મંત્ર રટનારા ગોરાઓ છે.

ભગવદ્્ગીતા અને મનુસ્મૃતિમાં ગાયત્રીનો મહિમા ગવાયો છે. સત્ય સાંઈબાબાના ટીકાકારો ઘણા હતા. પણ તેના ભક્ત-ચાહકોમાં આપણો ક્રિકેટર સચિન તેંડુલકર છે, તે સત્ય સાઈબાબા ગાયત્રી ઉપાસક હતા. એક વાત સ્પષ્ટ જાણજો કે સત્યસાઈને જે અદ્્ભુત આધ્યાત્મ શક્તિ પ્રાપ્ત થઈ તે માત્ર અને માત્ર ગાયત્રી મંત્ર થકી હતી.

સર વિલિયમ જોન્સ અને બ્રહ્મો સમાજના શિવનાથ શાસ્ત્રી ગાયત્રીના પરમ ઉપાસક હતા. સર વિલિયમ જોન્સને પશ્ચિમના લોકોએ પૂછ્યું (1807) કે એવું તે ગાયત્રી મંત્રમાં શું છે કે તમે તેના ભક્ત બન્યા છો? તેમણે કહ્યું કે એ સૂર્યની ઉપાસના છે. સવારે તમારે આ મંત્ર ભણી સૂર્ય પાસેથી શક્તિ મેળવીને પ્રકાશમય થવાનું છે. તમારી તમામ શક્તિ જગતના કલ્યાણ માટે વાપરવાની છે. અમદાવાદી- મુંબઈગરી બહેનો પ્લીઝ સાંભળો, તે મૂલ્યવાન વાત ડૉ. રાધાકૃષ્ણને કહી છે ‘હું શું કામ ગાયત્રી ભણું છું? ગાયત્રી મંત્ર મારી બુદ્ધિ વધારે છે. આઈ મેડિટેટ ઓન ધ એડોરેબલ ગ્લોરી ઑફ ધ રેડિયન્ટ સન, મે હી ઈન્સ્પાયર અવર ઈન્ટેલિજન્ટ.’ ટૂંકમાં બુદ્ધિને સાત્ત્વિક અને તીક્ષ્ણ બનાવી શકે તેવી ગાયત્રી મંત્રમાં શક્તિ છે. છેલ્લે મૂળ મંત્ર સાંભળો:

ઓમ ભૂર્ભવ: સ્વ:
તત્સવિતુર્વેરેણ્યં
ભર્ગો દેવસ્ય ધીમહિ
ધિયો યોન: પ્રચોદયાત્.

છેલ્લું વાક્ય હૃદયમાં ઉતારી લો કે ગાયત્રી મંત્રને શ્રદ્ધાપૂર્વક રટો તો તમારી અંદર કોઈ ભયની લાગણી નહીં રહે. આર્થિક, સામાજિક કે રાજકીય સંકટને પાર કરી શકશો.
અન્ય સમાચારો પણ છે...