આરોગ્ય માટે આશાવંત અને લહેરી સ્વભાવ જરૂરી છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટ્રગલની રંગીની
રંજ ઈસકા નહીં કિ હમ ટૂટે
યે તો અચ્છા હુઆ ભરમ ટૂટે
આઈથી જિસ હિસાબ સે આંધી
ઉસકો સોચો તો પેડ કમ ટૂટે
લોગ ચોટેં તો પી ગએ લેકિન
દર્દ સહન કરતે કરતે હુએ ખૂબ ટૂટે
એક અફવાહથી સભી રિશ્તે
ટૂટના તય થા ઔર હમ ટૂટે
-કવિ સૂર્યભાનુ ગુપ્ત
(કાવ્યસંગ્રહ ‘એક હાથ કી તાલી’ પાનું 122)
‘સક્સેસ’ અને ‘સ્ટ્રગલ’ શબ્દોને માનવીના જીવન માટે કંડારેલા માર્ગમાં ઝાઝું છેટું નથી. તમારે જીવનમાં સક્સેસ-સફળ થવા માટે સતત સ્ટ્રગલ કરવી જ પડે છે. પત્રકાર ડૉ. બાબુરાવ પટેલ તો ગળથૂથીમાં સ્ટ્રગલ કરતાં શીખી ગયા હતા. તેણે મુંબઈના ગોરા ઈન્કમટેક્સ કમિશનરને પૂછ્યું કે મારે અંગ્રેજી સારું કરવું હોય તો શું કરવું? કમિશનરે બાબુરાવ પટેલની ધગશ જોઈને ત્યારે તે સમયે કૉલેજના પ્રોફેસર હેન્રી ડિસોઝાનું નામ સૂચવ્યું. બાબુરાવ પ્રો. ડિસોઝા પાસે ગયા. પ્રોફેસરે બાબુરાવ પટેલને ત્રણ અંગ્રેજી પુસ્તકો આખે આખા વાંચી જવા કહ્યું.

વાચનથી માણસ ખરેખર થોડાક વિદ્વાન બને છે. બાબુરાવ પટેલે તેનું જીવન અને અંગ્રેજી સુધારવા ત્રણ અંગ્રેજી પુસ્તકો વાંચી કાઢ્યાં. પુસ્તકોનાં નામ હતાં: (1) ઈમ્પિચમેન્ટ ઑફ વોરન હેસ્ટિંગ્ઝ (લેખક - મેકોલે), (2) જોન ઑફ આર્ક (લેખક - એન્ડ્રુઝ) અને (3) નેપોલિયનની જીવનકથા (લેખક - જે. એબટ)વાચન થકી બાબુરાવનું જીવન સુધરવા માંડ્યું અને કુદરતી રીતે બને છે તેમ તમે જોશો કે તમે વાંચન કરશો પછી તમને કંઈક મૌલિક લખવાનું મન થશે જ. બાબુરાવ પુસ્તકો વાંચ્યા પછી પોતે મૌલિક લેખો લખવા માંડ્યા. વાચકમાંથી લેખક બન્યા. તંત્રી બન્યા.

કોલકાત્તા, લંડન અને મુંબઈનાં સામયિકોમાં બાબુરાવ પટેલ લેખો લખવા માડ્યા. જે કાંઈ પૈસા બચે તેનાં પુસ્તકો ખરીદે. બાબુરાવ લેખો લખતા પણ તે સમયે લેખના બદલામાં પુરસ્કાર ન મળતો. બાબુરાવને જાપાની પેનના સેલ્સમેન તરીકે સારી રીતે કમાણી થયેલી. એટલે ઠાઠમાઠથી રહેતા. પત્નીને ઠાઠમાઠથી રાખતા. પણ તેની પત્ની ઉપરાંત તેને વધુ નમણા ચહેરાવાળી સુંદર છોકરીઓને જોવાની સતત લાલચ રહેતી! ત્યારે સુંદર ચહેરા જોવા માટે ફિલ્મ ઉદ્યોગ એક શ્રેષ્ઠ મેદાન છે તેમ નક્કી થતાં બાબુરાવ પટેલે કોહિનૂર ફિલ્મ કંપનીની લેબોરેટરીમાં નોકરી મેળવી. આ કંપનીનો માલિક એક ગુજરાતી હતો. કોહિનૂર ફિલ્મ કંપનીને ફિલ્મો માટેની વાર્તાની ખેંચ પડવા માંડી એટલે બાબુરાવ પટેલને ફિલ્મ માટે ફિટ થાય તેવી સ્ટોરી (વાર્તા) લખવા ગુજરાતી માલિકે કહ્યું. અને બાબુરાવને લોટરી લાગી ગઈ.

બાબુરાવ પટેલ મુંબઈના ફૂટપાથ ઉપરથી બબ્બે આનામાં (બાર પૈસા) વેચાતી ગુલેબંકાવલી અને સદાવંત સાવળિંગા વગેરે પુસ્તકો ખરીદીને વાર્તાનાં પુસ્તકો વાંચવા માંડ્યા. એ વાંચનથી તે પોતે ત્રણ દિવસમાં એક ફિલ્મની વાર્તા લખી નાખતા! આમ, ફૂટપાથ ઉપરની ચોપડીઓની વાર્તા ઉપરથી બાબુરાવ પટેલે ત્રણસો જેટલી ફિલ્મી-વાર્તાઓ ઢસડી કાઢી! એક વાર્તા લખવાના તેમને રૂ. 300 મળતા. એ જમાનામાં ‘સિનેમા સમાચાર’ નામનું એક ફિલ્મી મેગેઝિન ત્રણ ભાષામાં પ્રગટ થતું. તેમાં તેમની વાર્તા ગરમ ભજિયાંની જેમ વેચાતી. ઉપરાંત બાબુરાવ પટેલ ‘મોજમજાહ’ નામના ગુજરાતી મેગેઝિનમાં પણ વાર્તા લખતા. લેખો પણ લખતા. તેનો મહિને માંડ રૂ. 50 પુરસ્કાર મળતો. બાબુરાવ જાણે કે સ્ટોરી રાઈટિંગ મશીન જેવા બની ગયા.

બાબુરાવ પટેલને મેં પૂછ્યું, ‘તમે આજે ‘મધર ઇન્ડિયા’ મેગેઝિન ચલાવો છો તેવું મેગેઝિન પ્રગટ કરવાનો આઈડિયા કેમ આવ્યો તે મારા વાચકો માટે કહો.’ બાબુરાવ પટેલે કહ્યું, ‘બી. કે. પાર્કર નામનો મારો મિત્ર હતો. તે મારી જેમ ગરીબીમાંથી સંઘર્ષ કરીને જીવનમાં આગળ વધ્યો હતો. તેણે એક જૂનું પ્રિન્ટિંગ પ્રેસ વેચાતું લીધું. છાપવા માટે કંઈ કામ નહોતું મળતું એટલે છાપવા માટે બાબુરાવના મિત્ર બી. કે. પાર્કરે પોતે જ પોતાનું મેગેઝિન શરૂ ર્ક્યંુ! અને પોતાના પ્રેસમાં વાર્તાનું મેગેઝિન છાપવા માંડ્યું.’ મેં તેમને પૂછ્યું, ‘તે જમાનામાં ફિલ્મજગતના સિતારાઓને ક્યો રોગ વધુ થતો?’ તેમણે કહ્યું, ‘ત્યારે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા લોકોને સિફિલીસનો રોગ વધુ થતો!’

બાબુરાવ પટેલની ધારદાર-ઝમકદાર કલમને કારણે તેણે ઘણો વખત હાથોહાથની મારા-મારીનો પણ સામનો કરવો પડતો. ‘મધર ઈન્ડિયા’નું નામ પહેલાં ‘ફિલ્મ ઈન્ડિયા’ હતું. તેમાં બાબુરાવ પટેલે જાણીતા ફિલ્મ નિર્માતા અને એક્ટર- ડિરેક્ટર વ્હી. શાંતારામની ફિલ્મનું ખરાબ અવલોકન તેના મેગેઝિનમાં બાબુરાવ પટેલે લખ્યું એટલે વ્હી. શાંતારામની ફેવરિટ એક્ટ્રેસ શાંતા આપ્ટેએ બાબુરાવ પટેલના બંગલા ‘ગિરનાર’માં બે પહેલવાનને તેને મેથીપાક જમાડવા મોકલ્યા હતા.

બાબુરાવ 74ની ઉંમરના થયા ત્યારે હું તેમને ગિરનારના બંગલે મળેલો. મેં તેમને સવાલ પૂછ્યો ‘તમારી તબિયત કેમ આ ઉંમરે આવી ફાંકડી છે? દારૂ પીતા નથી? તો બાબુરાવે મને પ્રામાણિકપણે વિવાદાસ્પદ અને પીનારાને ગમે તેવો જવાબ આપ્યો, ‘આરોગ્યને ખાવાપીવા સાથે સંબંધ નથી. હું રોજ બે પેકેટ સિગારેટ પીઉં છું. નિયમિત વ્હિસ્કી પીઉં છું. માનવે મજબૂત અને આશાવંત સ્વભાવ રાખીને જીવવું જોઈએ.’
અન્ય સમાચારો પણ છે...