તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીડાનું શાસ્ત્ર : હાથે કરીને પીડા વહોરતા માનવીઓ પણ છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેવલોક એલીસે ‘ઓન લાઈફ એન્ડ સેક્સ’માં લખ્યું છે કે ‘પેઈન એન્ડ ડેથ આર પાર્ટ ઑફ લાઈફ.’ પીડા અને મૃત્યુ જીવન સાથે જડાયેલા છે. પીડા ઘણી વખત રચનાત્મક નીવડે છે. તેથી જ સ્ત્રીઓ હાથે કરીને કૌમાર્યાવસ્થામાં છૂંદણાં છુંદાવીને સ્વેચ્છાએ તેની પીડા ભોગવે છે. એક આખી પેઢી હતી, જેણે છૂંદણાં છુંદાવીને પીડા ભોગવી છે.
શેક્સપિયર કે કવિ કીટ્સને જો કોઈ પ્રેમિકાની પ્રેમની પીડા કેવી હોય છે તે વર્ણવવા કહેશે તો એ પીડાનું વર્ણન કરશે પણ જેને ભૌતિક પીડા થાય છે તેને તેની પીડાનું વર્ણન કરવાનું કહેશો તો તેની ભાષા સુકાઈ જશે!

પીડા અને મૃત્યુ જીવન સાથે જડાયેલા છે. માનવીએ એક વખત તો ઘવાવું જોઈએ જ. હૃદય, મન, દિલ અને ભૌતિક પીડા વિશે અઢળક પુસ્તકો પણ લખાયાં છે
માનવીએ એક વખત તો ઘવાવું જોઈએ જ. તમે જોયું હશે કે ઘવાયેલું હરણ ડબલ સ્પીડથી કૂદકા મારીને દોડે છે. માનવીની ચેતના જગાડવા પીડાની જરૂર છે. રશિયન ફિલસૂફ દોસ્તોયવસ્કીએ 1864માં કહેલું કે સફરિંગ એન્ડ પેઈન ઇઝ ધ સોલ, ઓરિજિન ઑફ કોન્શિયસનેસ. અમે ગામડામાં જોતા કે ઘણા બાવા કે અવધૂતો હિમાલયથી આવતા તે હાથે કરીને પોતાની જાતને પીડામાં મૂકતા.
ફકીરો તેના સાથળ ઉપર છરાથી લોહી કાઢીને દયાનું ઝૂંટવણું કરતા. આલ્બર્ટ હુબાર્ડ નામના ફિલોસોફરે કહેલું કે ‘ઈશ્વર તમારા મેડલો, તમે મેળવેલાં ચંદ્રકો કે ડિગ્રી સામે નહીં જુએ. તમારા શરીર ઉપર કે હૈયામાં કેટલા ઘા પડ્યા છે તે જ ઈશ્વર અને બીજા જોશે.’ મારી પાસે ડૉ. મિલ્ટન વોર્ડનું ‘ધ બ્રિલિયન્ટ ફંક્શન ઑફ પેઈન’ નામનું પુસ્તક છે.
માથાના દુખાવાની પીડાથી માંડીને પ્રેમભંગ થયા પછીની પીડાનું તેમાં વર્ણન છે. હૃદય, મન, દિલ અને ભૌતિક પીડા વિશે અઢળક પુસ્તકો લખાયાં છે. પેઈનના- પીડાના સાહિત્યમાં છૂંદણાં-ત્રાજવડાંને ત્રોફાવતી વખતે કુમારિકાઓ અને સ્ત્રીઓ જે સ્વેચ્છાથી પીડા ભોગવે છે તે ફિઝિકલ પેઈન સ્ત્રીઓની જિંદગીમાં આવનારી રિયલ પીડાનું રિહર્સલ છે! એટલે પીડાના શાસ્ત્રને ચૂંથતી વખતે આપણે છૂંદણાં કે ત્રાજવડાંની વાતને પણ ઉખેળીશું.

છૂંદણાં કે ત્રાજવડાંની વાત કરતાં પહેલાં આધુનિક વિજ્ઞાનીઓએ નાનકડી પીડા ઘણી વખત વધુ ઊંચી પીડાથી શમી જાય છે તેમ કહ્યું છે. કરોળિયાનું ઝેર પણ પેઈનકિલર છે. ઑસ્ટ્રેલિયામાં લેખક રાશેલ પેનેટના કહેવા મુજબ ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીમાં સ્પાઈડર્સનું (કરોળિયા) ઝેર દવા રૂપે વપરાય છે. ‘જર્નલ ઑફ પેઈન’ના પુસ્તકના કહેવા મુજબ માત્ર કરોળિયાના ઝેર નહીં પણ અમુક સર્પનાં ઝેર પણ દવા રૂપે વપરાય છે,
પણ મહુવાના પીરની જગ્યાના ઓલિયા જે સર્પ કરડાવી પેરેલિસિસ મટાડતા તે મરી ગયા છે. સર્પનું ઝેર મોરફીનની દવાનું કામ કરે છે. સોરિયાસિસના દર્દને મટાડવા પણ સાપના ઝેરના પ્રયોગ થાય છે! આ સૃષ્ટિ સર્જી ત્યારે વિધાતાએ દરેક રચનાને ઝેર અને ઔષધરૂપ- સંયુક્ત ગુણ રૂપે બનાવી છે. ઘેટાં-બકરા ચારનારા ભરવાડોને સર્પ કરડે તો તેના ઘાવ ઉપર એક ‘જાદુઈ’ કાળો પથ્થર ઈલાજ રૂપે મૂકે છે.
આ પથ્થર અંગે લંડનના ‘ઈન્ડિપેન્ડન્ટ’ના લેખક સામ માસ્ટર્સે પણ લેબોરેટરીમાં સંશોધન કરેલું. આપણે પીડાનો જે ભારતીય ગ્રામીણ સંસ્કૃતિમાં સ્વૈચ્છિક અનુભવ લેવાય છે તે છૂંદણાની વાત કરીશું. પરંતુ તે પહેલાં આજે મેંદીને શહેરની બહેનો ભૂલવા લાગી છે તે આયુર્વેદના ઔષધની ગરજ સારતી મેંદીને યાદ કરીએ. મેંદીનાં પાનને વાટીને લગાડવાથી પિત્તને કારણે જે ઘા પડ્યો હોય તેની બળતરા મટાડે છે.
મેંદીના છોડનાં ફૂલ બહુ દુર્લભ હોય છે. તે ફૂલના અર્કમાંથી હીના નામનું અત્તર બને છે. તેનાં પાંદડાં વાટીને બહેનાે હથેળીમાં રંગ ચઢાવવા તેનો મલમ વાપરે છે. પણ મૂળ તો તે ત્વચાની ખોટી ગરમી દૂર કરે છે. છૂંદણાની વાતનો દોર સાધીએ તો ભગવદ્દગોમંડળમાં છૂંદણાનાં ઘણાં વિચિત્ર અર્થો કહ્યા છે.
તાંદળજાની ભાજીનો રસ અને કાજળ ભેગાં કરીને તેનું ટપકું ચામડી ઉપર કરે કાજળને ઘીનો કે દિવેલનો દીવો કરી છાલિયું ઊંધું કરીને મેશ ભેગી કરાતી તે કાજળ છૂંદણાનો કાળા રંગ માટે વપરાતું આ કાળું ટપકું કરે પછી સોયની અણીએ તેને ટોચવામાં આવે. આમ આ છૂંદણાની ક્રિયા હાથે કરીને પેઈનફુલ બનાવાય છે. જ્યારે શરીરના અમુક ભાગ ઉપર છૂંદણું કરવાનું હોય ત્યાં આ ક્રિયા કરી ત્યાં લોહી નીકળે પછી તેના ઉપર હળદર અને મેશ દાબવામાં આવે છે તેનાથી ન ભૂંસાય તેવો કાળો ડાઘ પડે છે.
તે કાળો ડાઘ એ છૂંદણું બને છે! સૈનિકોમાં ઓળખ માટે છૂંદણાં છૂંદાતાં. રબારી, કાઠી, દરબારોની અમુક સ્ત્રીઓ હજી પણ ત્રાજવડા ત્રોફાવે છે. મને યાદ છે કે ત્રાજવડાં ત્રોફનારા સાંજે ચાર વાગ્યે તેના કસબનાં સાધનો સાથે બૂમ પાડતા ‘ત્રાજવડાં ત્રોફાવો રે મારાં ભાઈ-બહેન ત્રાજવડાં-રૂપાળાં ત્રોફાવો.’ તેના ગીતો પણ મેઘાણીએ રચેલાં. છૂંદણાંમાં સુંદર કમળનાં ફૂલો, પાંદડી કે પક્ષીઓનાં ચિત્રો છૂંદણગારો છૂંદી આપતા.
અંગ્રેજોએ 21મી સદીમાં માત્ર બેક પેઈન (Back Pain)- પીઠના કે કમરના દુખાવા ઉપર જ ધ્યાન આપ્યું. લંડનમાં તો ‘નેશનલ બેક પેઈન એસોસિયેશન’ પણ રચાયેલી છે. મેડિકલ કોલેજમાં બેક પેઈનના સ્પેશિયલ કોર્સ અને સ્પેશિયલ ડિગ્રી પણ હોય છે. આ બેક પેઈન તો ફિઝિકલ પેઈન છે તે ગમે ત્યારે ચાલ્યું જાય છે. પણ પ્રેમભંગ થતા દિલ દુ:ખે છે તે પેઈન કદી જતું નથી!
ભૌતિક પીડા વિશે જોઆના બર્કએ પુસ્તક લખ્યું છે ‘ધ સ્ટોરી ઑફ પેઈન’ તેમાં લખ્યું છે કે માનવીએ ઈશ્વરની પ્રાર્થનાથી માંડીને પેઈન કિલરનો આશરો પીડા મટાડવા લીધો છે. તેમાં ઓલિયા, ફકીરો અને જાદુટોણા કરનારા પાસે પણ આધાશીશીનો દુખાવો મટાડવા ગયા છે. મારા ગામડામાં ઘણી બહેનો આધાશીશીની પીડા મટાડવા માટે કપાળે ધગધગતા સળિયાથી ડામ દેવરાવતી.

વર્જિનિયા વુલ્ફે લખ્યું છે કે ‘ભૌતિક પીડાની તકલીફ એ છે કે તમે જ્યારે આધાશીશી કે બીજી શારીરિક પીડાથી પીડાઓ છો ત્યારે- યુ આર કન્ડેમ્ડ ટુ આઈસોલેશન- તમે પીડામાં એકલા પડી જાઓ છો. ઈસુ ખ્રિસ્તીને શૂળીએ ચઢતી વખતે શું પીડા થઈ તે આપણે જાણતા નથી.
શેક્સપિયર કે કવિ કીટ્સને જો કોઈ પ્રેમિકાની પ્રેમની પીડા કેવી હોય છે તે વર્ણવવા કહેશે તો એ પીડાનું વર્ણન કરશે પણ જેને ભૌતિક પીડા થાય છે તેને તેની પીડાનું વર્ણન કરવાનું કહેશો તો તેની ભાષા સુકાઈ જશે! આ જગતમાં પેઈન (પીડા) એ સૌથી મહત્ત્વનું એલીમેન્ટ (તત્ત્વ) છે. પીડા વગર સુખ ન મળે.
જીવનમાં મીઝરી આવે- વિપત્તિ આવે, વેદના મળે, સંતાપ ભોગવવો પડે, દીનાવસ્થા આવે કે આફત આવે તો જ જિંદગીનું સૌંદર્ય માણી શકાય- આ બધા સિવાય (કષ્ટો-આપદા વગેરે સિવાય) જીવન એક અંતહીન અને આશાહીન ઢસરડો બની જાય. આ વાત સમજાય ત્યારે તમને હું પુખ્ત વયના ગણું.
અન્ય સમાચારો પણ છે...