તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકસભાના ઘોંઘાટથી મૈયતનાં છાજિયાં આપણે આટલા લાઉડ કેમ છીએ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનોવિશ્લેષણ કહે છે કે અનાવશ્યક અથવા અત્યાધિક પ્રતિક્રિયા આપવી એ બાળકમાં સહજ રીતે આવે છે, કારણ કે બાળકનું સામાજીકરણ હજુ મુક્કમલ થયું નથી. જ્યારે એ પ્રક્રિયા પાક્કી થઇ જાય, અને બાળક મોટું થઇ જાય, ત્યાર પછી તોફાન કરવા, બૂમાબૂમ કરવી કે રાડા-રોડ કરવી એ બધું ઘટી જાય છે અને એમનો વ્યવહાર શાંત અને શિસ્તભર્યો બની જાય છે. આપણી સંસદમાં જ્યારે સાંસદો ઘાંટાઘાંટ કરે છે ત્યારે ઘણીવાર પ્રશ્ન થાય છે કે એમની અંદરના બાળકનું સામાજીકરણ અધૂરું રહી ગયું છે કે શું?
આપણા બોલ અને ચાલ બંને લાઉડ છે, કારણ કે અભિવ્યક્તિના માધ્યમ તરીકે શબ્દોનો ઉપયોગ કરવાનું આપણે બહુ મોડેથી શીખ્યા છીએ

જૂન મહિનામાં અમેરિકાના પ્રતિનિધિ ગૃહમાં ડેમોક્રેટિક પક્ષના સભ્યો ધરણાં પર બેસી ગયા ત્યારે ઉત્તર કેરોલિનાના એક કૉંગ્રેસમેને કહ્યું હતું, ‘આ શું ભારતના રાજકારણીઓની જેમ વર્તન કરો છો? આપણી લોકશાહીને છાજે તેમ જરા સખણા રહો.’ આમાં અતિશયોક્તિ નથી. ભારતનું રાજકારણ સૌથી હિટ ટીવી સિરિયલથી ઓછું નથી. એમાં રોજ નવા અને મૌલિક એપિસોડ આવે છે. તમે ‘યુ ટ્યૂબ’ ઉપર લોકસભા સત્રનાં ફૂટેજ જુઓ તો તમને એવું લાગે કે આ દેશની લોકશાહી ‘વઢકણી વહુ’ કે ‘બિગડેલ બચ્ચા’થી કમ નથી.

લોકસભામાં સાંસદોની ધમાચકડીની સરખામણી તમાશાઇ હિન્દી ફિલ્મો કે સિરિયલો સાથે સાવ અનુચિત પણ નથી. બંને તમારું અને મારું જ પ્રતિબિંબ છે. અસભ્યતા અને ઘટિયાપણું અસ્વીકાર્ય છે એ ખરું, પરંતુ હકીકત એ છે કે મતદારો જ એવી અપેક્ષા રાખે છે કે તેમનો સંસદસભ્ય શિસ્તને છેટી મૂકીને કામની વાતનો કક્કો સાબિત કરી દે. મોટાભાગના લોકોને એમનો પ્રતિનિધિ ભ્રષ્ટાચાર કરે કે કાનૂનનો ભંગ કરે તેની સામે એટલા માટે વાંધો નથી હોતો, કારણ કે એમના માટે એમનો નેતા સરકારી કર્મચારી નહીં, પણ એવો બહારવટિયો છે જે એની જમાતનાં હિતોનું રક્ષણ કરવા રાજકારણમાં ગયો છે.

સાંસદોને એ બરાબર ખબર છે કે એ જો ટીવી ઉપર બૂમાબૂમ અને ઝૂંટાઝૂટ કરતા નજર નહીં આવે તો એમના મતદાર એમને પાણી વગરના ગણાવશે, અને ફરી મત નહીં આપે. ભારતમાં રોજિંદી જિંદગીમાં નિયમો તોડવા એ સહજ વાત છે, અને સંસદમાં જો કોઇ નિયમ પ્રમાણે વર્તે તો એ બેવકૂફમાં ખપી જાય. જે સંસદસભ્ય એના ઘરમાં કે મહોલ્લામાં સખણો વ્યવહાર કરે છે, એ આખી સંસદને માથે લઈ શકે છે, એ બતાવે છે કે એના એ વ્યવહારમાં જનતાજનાર્દનનું કેટલું મૂક સમર્થન હશે.

આ જ તર્ક આપણી ફિલ્મો, સિરિયલો, ટીવીની ચર્ચાઓ અને સોશિયલ મીડિયાને પણ લાગુ પડે છે. આ બધામાં સમજદારીપૂર્વક વિચારો કે શબ્દો કે તર્કના બદલે લાગણીઓના આવેગ વધુ હોય છે. એક સમાજ તરીકે આપણે શબ્દોના બદલે લાગણીથી આપણને વ્યક્ત કરીએ છીએ, એટલા માટે જોરથી બોલવું, ભાવાવેશમાં બોલવું કે ઘાંટા પાડવા એ સ્વાભાવિક રીતે જ આપણને માફક આવે છે. નરેન્દ્ર મોદીની સભામાં બહુ ભીડ આવે છે, અને (પ્રકાંડ વિદ્વાન હોવા છતાં) ડૉ. મનમોહનસિંહને કોઈએ સ્ટાર સ્પીકર ગણ્યા નહીં એનું કારણ આ જ.

આપણે લાઉડ સમાજ છીએ. પશ્ચિમના લોકો જેવી સાદગી કે સંયમ આપણામાં નથી. આપણા દરેક તહેવાર કોલાહલથી ભરેલા છે, ત્યાં સુધી કે આપણે ત્યાં કોઇક મરી જાય ત્યારે છાજિયાં લેવાં કે જોરથી રડવું એ દુ:ખની નૈસર્ગિક અભિવ્યક્તિ ગણાય છે. પશ્ચિમમાં અંતિમ સંસ્કાર વખતે રડવાનો અવાજ કોઇને સંભળાઇ ન જાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જેમ ટ્રેનના ડબ્બામાં પ્રવાસીઓના વર્તન ઉપરથી એ કયા રાજ્ય કે પ્રદેશના હશે એ જાણી શકાય છે તેવી રીતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં શોરગુલ પરથી ખબર પડે કે એ મુસાફરો ભારતના હશે. કેટલીક ટ્રાવેલ એજન્સીઓ તો ભારતના પ્રવાસીઓને એમના શિડ્યુલ સાથે એટિકેટ (શિષ્ટાચાર) કેવી રીતે રાખવી એનું પણ લિસ્ટ પકડાવતી હોય છે.

રિક્ષા કે કાઉન્ટરની લાઇન તોડવી, બીચ ઉપર નહાતી સ્ત્રીઓના ફોટા પાડવા, નાસ્તાની કોથળી રસ્તા પર ફેંકવી, દીવાલ પર થૂંકવું, રેસ્ટોરાંમાં વેઇટરો સાથે ઘાંટાઘાંટ કરવી, ટ્રાફિક સિગ્નલ તોડવાં, ભીડમાં આજુબાજુમાં કોણીઓ મારવી કે વૉશરૂમમાં પાણીના છાંટા ઉડાડવા એ એટલું સહજ છે કે ન તો આપણને એ કરવાનો સંકોચ છે કે ન તો બીજા લોકો તરફથી આપણને એનો અનુભવ થાય એનો વાંધો છે.

આપણા બોલ અને ચાલ બંને લાઉડ છે, કારણ કે અભિવ્યક્તિના માધ્યમ તરીકે શબ્દોનો ઉપયોગ કરવાનું આપણે બહુ મોડેથી શીખ્યા છીએ. બ્રિટિશરાજ (1881)માં ભારતમાં 3 પ્રતિશત લોકો ભણેલા હતા. અંગ્રેજો ગયા ત્યારે એ દર 12 પ્રતિશત હતો. હાવભાવથી અથવા જજબાતથી વાત કહેવી એ આપણા સંસ્કારમાં છે. અમદાવાદ કે મુંબઇ કે કોલકાતામાં તમે આજે પણ કોઇને સ્ટેશનનો રસ્તો પૂછો તો એ ‘આગળથી ડાબે’ એવું બોલીને હાથથી ડાબી બાજુ બતાવશે. રેસ્ટોરાંમાં પાણીનો ગ્લાસ ભરવા જેવી સાદી સૂચના પણ આપણે ગ્લાસ ઉપર આંગળી પછાડીને કરીએ છીએ.

ક્રિકેટની રમતમાં (જે બ્રિટિશ સમાજની શોધ છે) જેટલો કોલાહલ ભારતમાં થાય છે એટલો બીજે ક્યાંય થતો નથી. મંદિરમાં અને મસ્જિદમાં ઈશ્વરને જોરથી યાદ કરવામાં આવે છે. ભારતમાં મોટરકારના હોર્ન, બાંધકામના કોલાહલ અને સતત વાતો કરવા લોકોનો સામૂહિક અવાજ વિશ્વમાં ખાસ્સો લાઉડ છે. હમણાં એક પરિવાર સાથે વાત થઇ તો એમની સૌથી મોટી સમસ્યા ન્યૂઝ ચેનલો પર જોર જોરથી ચાલતા કાર્યક્રમોની હતી. દેશના ડ્રોઇંગ રૂમોમાં સૌથી વધુ (ઊંચો) સંભળાતો અવાજ અર્નબ ગોસ્વામીનો છે. એની ચર્ચામાં એન્કર સહિત બધા જ લાગણીના તાર સપ્તક પરથી બોલે છે. કોણે શું કહ્યું અને એનો શું અર્થ થાય એ બાજુમાં રહી જાય છે, પણ શ્રોતાઓ સહિત દરેકને કેથાર્સીસનો દિવ્ય અનુભવ થઇ જાય છે.

સંસદમાં જે નેતાઓની પાસે આ ‘કળા’ હોય છે, તે ટીવીની ચર્ચાસભામાં જીતી જાય છે. ટીવીની ચર્ચા અને સંસદની બેઠક બંને એકબીજાનો જ વિસ્તૃત આયામ છે. 2013માં ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ લોકસભામાં આદબ અને અંદાજની ગેરહાજરીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ‘એક વિધાયક કેટલો કારગત છે એનો આધાર એ કેટલો ઘોંઘાટ કરે છે અને કેટલી અવ્યવસ્થા સર્જે છે તેના પરથી નક્કી થાય છે એ શરમની વાત છે. બૂમાબૂમ કરવી એને સાંસદો એકાધિકાર ગણે છે.’

એક સંતે એના અનુયાયીને પૂછ્યું ‘લોકો જ્યારે ગુસ્સે થાય ત્યારે એક બીજા સામે બૂમાબૂમ કેમ કરે છે?’
અનુયાયીએ કહ્યું, ‘આપણે જ્યારે ધીરજ ગુમાવી દઇએ ત્યારે જોરથી બોલીએ છીએ.’
સંતે પૂછ્યું, ‘પરંતુ બીજી વ્યક્તિ સાવ પાસે જ હોય છે, છતાં બૂમો પાડીને કેમ બોલવું પડે છે?’
અનુયાયીએ જાત-ભાતના તર્ક આપ્યા પણ સંતને સંતોષ ન થયો. આખરે સંતે જ સમજાવ્યું.

‘બે માણસો ગુસ્સામાં હોય ત્યારે બંનેના મન વચ્ચે અંતર આવી જાય છે. એ અંતરને ઓછું કરવા એ જોરથી બોલે છે. એ જેટલા ગુસ્સામાં હશે તેમણે એટલા જોરથી બોલીને એ અંતર ઓછું કરવું પડશે.’
એક લોકશાહી તરીકે આપણે બૂમો પણ પાડીએ છીએ અને ગુસ્સો પણ કરીએ છીએ, કારણ કે આપણે હજુ એના સામાજીકરણને મુક્કમલ કરી શક્યા નથી. અભી ઇશ્ક કે ઇમ્તીહાં ઔર ભી હૈ.
અન્ય સમાચારો પણ છે...