તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિલિજિયસ યુદ્ધો અને ધર્મની સહિષ્ણુતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિન્દુ ધર્મ એ ધર્મ નથી, પરંતુ જીવન જીવવાની રીત છે એવું આપણે વારંવાર વાંચતા-સાંભળતા રહીએ છીએ. 1995માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે, ‘દુનિયામાં ધર્મોની જે પરંપરાઓ છે તે પ્રમાણે હિન્દુ ધર્મની એ વ્યાખ્યામાં ફિટ થતો નથી. વ્યાપક અર્થમાં એ એક જીવનશૈલીથી વિશેષ કંઇ નથી.’
9/11નો આતંકી હુમલો હવે રહી રહીને ધાર્મિક યુદ્ધ ગણાઈ રહ્યો છે, કારણ કે એ ઘટના પછી જ ISISનો પિંડ બંધાયો, જેણે જેહાદને આધુનિકતા વિરુદ્ધ કટ્ટરવાદના યુદ્ધનું સ્વરૂપ આપ્યું

કહેવા માટે આ બરાબર છે, પરંતુ લગ્નના હકોથી લઇ સેવા સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનોની રચના સુધીની અનેક કાનૂની સ્થિતિમાં હિન્દુવાદની ઓળખાણ એક સ્વીકૃત ધર્મ જેવી જ છે. હિન્દુ ધર્મની શરૂઆત સિંધુ સંસ્કૃતિની ભૌગોલિક ઓળખ તરીકે થઇ હોવા છતાં યહૂદી, ઇસાઇ અને ઇસ્લામ, એ ત્રણ અબ્રાહમિક ધર્મોના તગડા વિસ્તારના કારણે કદાચ એ અનિવાર્ય હતું કે હિન્દુ પણ પોતાને એ જ પરંપરા પ્રમાણે ધર્મ ગણે. હિન્દુ ધર્મ ધર્મ નથી, પરંતુ એક ચિંતન છે અને પ્રત્યેક વ્યક્તિ એની પોતાની આગવી રીતે એને જીવવાનો પ્રયાસ કરે છે એ વાત ભારતના લોકો માટે નવી નથી, પરંતુ 1896માં વિવેકાનંદ અમેરિકામાં અને 200 વર્ષના બ્રિટિશરાજ વખતે અંગ્રેજોએ યુરોપમાં હિન્દુવાદને પ્રચલિત કર્યો ત્યારે પશ્ચિમના લોકો સામે હિન્દુને સર્વસામાન્ય ધર્મના મૉડલમાં ફિટ કરવા સિવાય બીજો રસ્તો ન હતો.

પશ્ચિમના લોકોએ ધર્મનો અંગ્રેજી અનુવાદ રિલિજિયન કર્યો, અને આપણે ત્યાં પણ રિલિજિયનનો સર્વસ્વીકૃત અનુવાદ ધર્મ જ છે. ધર્મ અને રિલિજિયન શબ્દનો આપણે અેકબીજાના પર્યાય તરીકે ઉપયોગ કરીએ છીએ, પરંતુ બંને વચ્ચે ફર્ક છે, અને એ ફર્ક હિન્દુ ધર્મ કેવી રીતે રિલિજિયનથી અલગ પડે છે એને ખૂબસૂરત રીતે બયાં કરે છે એટલું જ નહીં, રિલિજિયનોએ કેવી રીતે માનવજાતને વિભાજન અને સંઘર્ષના માર્ગે ધકેલી દીધી છે તે પણ સમજાવે છે.

રિલિજિયન શબ્દ મૂળ લેટિન ‘લિગો’ પરથી આવે છે જેનો અર્થ થાય છે, બાંધવું, જકડવું અથવા કસવું. કોઇ શપથ, નિયમ કે અનુગ્રહથી બંધાવું તે રિલિજિયન. ધર્મ સંસ્કૃત ‘ધ્રી’ પરથી આવે છે, જેનો મતલબ થાય છે, ધારણ કરવું, કાયમ રાખવું અથવા સુરક્ષિત રાખવું. વૈદિક ‘ધરમણ’ એટલે જે ધારક છે, સહાયક છે તે ધર્મ. અંગ્રેજી કે બીજી કોઇ ભાષામાં ધર્મનો સમકક્ષ શબ્દ નથી.

રિલિજિયન શબ્દ ‘એક સત્ય’, ‘એક ઇશ્વર’, ‘એક શાસ્ત્ર’ અને ‘એક ધર્માધ્યક્ષ’નો દ્યોતક છે, જેનાથી ભક્ત બંધાયેલો છે. શરૂઆતમાં રિલિજિયનનો મતલબ ઇસાઇ પાદરીપણું અથવા ઇસાઇમઠ વ્યવસ્થા થતો હતો. ઉપનિવેશ (કોલોનીઅલ)ના સમયમાં રિલિજિયનનો અર્થ ઉપનિવેશકોનો કેથોલિક ધર્મ એવો થતો હતો. એ વખતે કેથોલિક લોકો પ્રોટેસ્ટન્ટ લોકોને વિધર્મી, ઇસ્લામને દુષ્ટ અને યહૂદીને સડી ગયેલા ટેસ્ટામેન્ટ તરીકે ગણતા. મુસ્લિમો ઇસાઇ પંથને જરીપુરાણી, ભ્રષ્ટ રિલિજિયન પરંપરા ગણતા.

20મી સદી સુધીમાં (ખાસ કરીને પ્રથમ મહાયુદ્ધના કારણે) ત્રણેય અબ્રાહમિક ધર્મો (યહૂદી, ઇસાઇ અને ઇસ્લામ) રિલિજિયન તરીકે ઓળખાયા, અને ઉપનિવેશવાદના વિસ્તાર પછી સંસારની તમામ ધાર્મિક પરંપરાઓ માટે રિલિજિયન શબ્દ પ્રચલિત બન્યો. આ ત્રણેય ધર્મોનો સમાન ઇશ્વર અને સમાન પેગમ્બર હોવા છતાં સૌથી વધુ સંઘર્ષ, ખૂનામરકી અને વિભાજન પણ એમની વચ્ચે જ થયાં અને એ યુરોપિયન અવ્યવસ્થા વચ્ચે મિશનરીઓ અને વેપારીઓ 33 કરોડ દેવતાવાળા અને અનેક અનુષ્ઠાન, મંદિરો, પ્રથા અને શાસ્ત્રોવાળા દેશમાં આવીને હક્કાબક્કા રહી ગયા. એમને તો સંગઠિત નિયમો અને વિધિવાળા ધર્મની જ ખબર હતી. હિન્દુવાદમાં એનો જ અસ્વીકાર હતો. બેઝિકલી, ઉપનિવેશકો માટે રિલિજિયન એટલે (બીજા ધર્મો પ્રત્યે) અસહિષ્ણુતા અને હિન્દુ માટે સહિષ્ણુતા.

અસહિષ્ણુતાનો આખો સંબંધ ‘કેવળ એક સત્ય’ (એક જ ઇશ્વર અને એક જ શાસ્ત્ર) સાથે છે. સંસારના તમામ મનુષ્યોએ કેવળ એક જ સત્યને અનુસરવાનું, એ ધાર્મિક અભિગમ થયો, અને એમાંથી જ પરસ્પર હરીફાઇવાળા ધાર્મિક સંઘર્ષ પેદા થયા કારણ કે પ્રત્યેક ધર્મ ‘પોતાના સત્ય’નો ઝંડો ગાઢવા મથતા હતા. નાઇન ઇલેવનનો આતંકી હુમલો હવે રહી રહીને ધાર્મિક યુદ્ધ ગણાઇ રહ્યો છે, કારણ કે એ ઘટના પછી જ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સીરિયાનો પિંડ બંધાયો હતો, જેણે પરંપરાગત ઇસાઇ વિરુદ્ધ ઇસ્લામ જેહાદને આધુનિકતા વિરુદ્ધ કટ્ટરવાદના યુદ્ધનું સ્વરૂપ આપી દીધું છે.

પશ્ચિમના લોકો ભારતમાં આવ્યા ત્યારે એક જ રિલિજિયનના બદલે અનેક ધર્મો (મારો ધર્મ તારો ધર્મ, આપદ ધર્મ, સ્વ-ધર્મ), કેવળ એક સત્યના બદલે પ્રત્યેક અસ્તિત્વનું સત્ય (ઇશ્વર સત્ય છે એમ નહીં, સત્ય ઇશ્વર છે-મહાત્મા ગાંધી), એક શાસ્ત્રને બદલે શ્રૃતિ અને સ્મૃતિના અનેક ગ્રંથ (વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, ભાગવદ પુરાણ, યાજ્ઞવલ્કય સ્મૃતિ, રામાયણ અને મહાભારત) અને કેવળ એક ઇશ્વરના બદલે સજીવ-નિર્જીવ પદાર્થો, મનુષ્યો અને પશુ-પંખીના 33 કરોડ દેવતાના સંદર્ભો જોઇને મૂંઝવણમાં મુકાઇ ગયેલા અને એનું સરળીકરણ કરવા હિન્દુને પણ પશ્ચિમની તર્જ પર રિલિજિયન જ ગણી લીધો.

હિન્દુ સંસ્કૃતિમાં ધાર્મિક યુદ્ધો નથી થયાં, અથવા હિન્દુ સીમાઓ તોડીને આક્રમણખોર કે વિસ્તારવાદી નથી બન્યો તેનું મૂળ કારણ એ તમામ આસ્થા (હિન્દુમાં નાસ્તિકવાદ પણ ધર્મ છે) અને તમામ દેવને સંસારના પ્રત્યેક અસ્તિત્વ (સત્)માં જુએ છે અને સ્વીકારે છે. હિન્દુ આક્રમક કે હિંસક નથી કારણ કે હિન્દુ ચિંતન પ્રમાણે પ્રત્યેક આક્રમણ કે હિંસા એ પોતાના પરની જ હિંસા છે. હિન્દુમાં કણ કણ અને પ્રત્યેક જીવમાં આત્મા અને પરમાત્માની વાત છે, જ્યારે પશ્ચિમના રિલિજિયન માત્ર મનુષ્ય જાતિને જ ઓળખે છે. આ કારણથી જ, અહિંસાનો વિચાર માત્ર ભારતમાં જ ઉદ્્ભવી શકે એમ છે કારણ કે એના મતે માત્ર મનુષ્ય જ નહીં, પ્રત્યેક જીવ પરની હિંસા એ ઇશ્વરની હિંસા છે.

હિન્દુ એ આધ્યાત્મિક ચિંતન છે (જે રિલિજિયનથી આગળ જાય છે) અને પ્રત્યેક વ્યક્તિ માટે જીવનનો અર્થ શોધવાની રાહ બતાવે છે, જે અનેકાનેક કથાઓ, પ્રતીકો અને રિવાજોમાં પ્રતિબિંબિત છે. એમાં જ્યારે સિદ્ધાંત અને કાયદો પ્રવેશે ત્યારે ચિંતન સમાપ્ત થાય છે, અને એ રિલિજિયન દાયરામાં પ્રવેશે છે. રિલિજિયસ રસ્મો-રિવાજ તમને ‘સ્વર્ગ’ની અથવા ‘પુણ્ય’ની ગેરંટી આપે છે. 9/11ની ઘટનામાં વિમાનો અને ઇમારતો ઉડાવનાર આતંકીઓને તેમની ‘શહીદી’ના વળતર રૂપે સ્વર્ગમાં 72 અક્ષતયોની પરીઓ મળશે એવા પાઠ ભણાવાયા હતા.

ધર્મમાં આવા ‘સારાં કર્મ’ અને એનાં ‘સારાં ફળ’ એવી ધારણા ગલત છે. ધર્મ એ દરેક વ્યક્તિની એની સામાજિક ભૂમિકા અનુસારની પસંદગી છે. મહાભારતમાં કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવાની સલાહ આપે છે તે સ્વર્ગમાં જવાની કે પુણ્ય કમાવવાના આશયથી નહીં, પણ શસ્ત્ર ઉપાડવું એ અર્જુનનું કર્તવ્ય છે એટલા માટે. એ કર્તવ્યનું પરિણામ સારું આવ્યું કે ખરાબ એ પણ અર્જુને વિચારવાનું નથી. ધર્મ એ સ્પષ્ટ કર્મ છે, એટલા માટે જ એમાં ‘ફળ’ની ઇચ્છા રાખવામાં નથી આવતી. ધર્મમાં સાચો રસ્તો અને ખરાબ રસ્તો નથી, પણ વ્યક્તિગત રસ્તો છે, એટલા માટે જ હિન્દુમાં તમામ રસ્તા, તમામ મોડ, તમામ પડાવ અને તમામ મંઝિલ સ્વીકાર્ય છે, એટલે એ સહિષ્ણુ છે. રિલિજિયનમાં એક જ રસ્તો અને એક જ ગંતવ્ય છે, અને એટલે એ અસહિષ્ણુ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો