ત્વચા અને વાળના પોષણ માટે આવશ્યક બાયોટીનની ઊણપ અને તેના ઉપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ત્વચા અને વાળના પોષણ માટે આવશ્યક એવું વિટામિન બી-૭ એટલે કે બાયોટીનની ઊણપ શરીરમાં ન સર્જા‍ય તે અત્યંત જરૂરી છે

બાયોટીન ત્વચા અને વાળનાં પોષણ માટે આવશ્યક વિટામિન છે. તેને વિટામિન બી-૭ અથવા વિટામિન એચ તરીકે પણ ઓળખવામાં આવે છે. છેલ્લાં ૧પ-૨૦ વર્ષોથી વાળ અને ત્વચાની તકલીફો દૂર કરવામાં તેનો બહોળો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાયોટીનની ઊણપ : બાયોટીનની ઊણપનું પ્રમાણ ચોક્કસપણે જાણવા મળ્યું નથી.બાયોટીન આંતરડાંમાં આવેલા બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું હોવાના કારણે વ્યક્તિને તેની ઊણપ જવલ્લે જ સર્જા‍તી હોય છે. ઉપરાંત શાકાહારી અને માંસાહારી એમ બંને પદાર્થોમાં તે સમાયેલું હોવાના કારણે વ્યક્તિને તેના આહારમાંથી જ પૂરતા પ્રમાણમાં બાયોટીન મળી રહેતું હોય છે. પાશ્ચાત્ય દેશોમાં દરેક વ્યક્તિના આહારમાં આશરે ૩પથી ૭૦ માઇક્રોગ્રામ જેટલું બાયોટીન રહેલું હોય છે. લગભગ આટલી માત્રા શરીરની દૈનિક આવશ્યકતા માટે પૂરતી હોય છે.

બાયોટીનની કમી કોને થઇ શકે?

'બાયોટીન’ આહારમાં પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ અમુક સંજોગોના કારણે તેનું આંતરડાં દ્વારા પૂરતું શોષણ થતું ન હોય તો તેની શરીરમાં ઊણપ સર્જા‍ઇ શકતી હોય છે. બાયોટીન આહારમાં અમુક પ્રોટીન તત્ત્વો સાથે જોડાયેલું હોય છે. આંતરડામાં રહેલા અમુક ઉત્સેચકો બાયોટીનને પ્રોટીન વાહકથી છૂટું પાડે તો જ તેનું આંતરડાં દ્વારા શોષણ થઇ શકે છે. જો આ ઉત્સેચકની કમી હોય તો બાયોટીન પ્રોટીનના જોડાણને કારણ કે આંતરડાંમાં પ્રવેશી શકતું નથી અને બાયોટીનની ઊણપ સર્જા‍તી હોય છે. અમુક ખાદ્યપદાર્થોમાં એવિડીન નામનું પ્રોટીન આવેલું હોય છે. એવિડીન બાયોટીન સાથે જોડાઇને એક યુગ્મ બનાવે છે, જે આંતરડાં દ્વારા શોષિત થઇ શકતું નથી. એવિડીન ધરાવતા પદાર્થો, દાખલા તરીકે ઇંડાનો સફેદ ભાગ જો રાંધ્યા વગર લેવામાં આવે તો તે બાયોટીનની ઊણપ સર્જી શકતું હોય છે.

ધૂમ્રપાન અને આલ્કોહોલ પણ બાયોટીનનું આંતરડાંમાંથી શોષણ થતું અટકાવે છે અને બાયોટીનની કમી સર્જી શકે છે. પ્રેગ્નન્સીમાં બાયોટીનની જરૂરિયાત વધી જતી હોય છે. જો બાયોટીનની માત્રા ખોરાકમાં વધારવામાં ના આવે તો બાયોટીનની કમી સર્જા‍ઇ શકે છે. જઠર અને આંતરડાંના ઓપરેશન પછી બાયોટીનનું શોષણ પૂરતા પ્રમાણમાં નહીં થવાના કારણે તેની અછત સર્જા‍તી હોય છે. ખેંચની તકલીફ ધરાવતી વ્યક્તિઓમાં પણ આંતરડાના શોષણની તકલીફના કારણે બાયોટીન શરીરમાં ઘટી જતું હોય છે. એથ્લેટ્સમાં અમુક અજ્ઞાત કારણોસર બાયોટીનની કમી થતી જોવા મળે છે.

મેટાબોલિક કારણો : બાયોટીન પ્રોટીન, ગ્લુકોઝ અને ફેટીએસિડ્સના મેટાબોલીઝમમાં તથા શરીરના કોષોના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. આ મેટાબોલીઝમમાં અનેક રાસાયણિક પ્રક્રિયાઓ ભાગ લેતી હોય છે. આ રાસાયણિક પ્રક્રિયાના અમુક તબક્કામાં આવશ્યક જિનેટિક તત્ત્વની જન્મથી ઊણપના કારણે આ પ્રક્રિયા પૂર્ણ થઇ શકતી નથી. આવા સંજોગોમાં બાયોટીન આહારમાં પૂરતું હોવા છતાંય તેનાં કાર્યો પૂરાં કરી શકતા નથી અને પરિણામે બાયોટીનની ઊણપનાં લક્ષણો જોવા મળતાં હોય છે.

બાયોટીનની ઊણપનાં લક્ષણો: બાયોટીનની કમી ખૂબ ઓછી માત્રામાં જ જોવા મળતી હોય છે. તેનાં મુખ્ય લક્ષણો ત્વચા સંબંધિત હોય છે. બાયોટીનની ઊણપના કારણે ત્વચામાં સોજો આવી જતો હોય છે. ત્વચા રુક્ષ થઇ જતી હોય છે. આંખો, નાક, ચહેરા અને ગુપ્તાંગોની પાસે લાલ રંગના ધબ્બા પડી જતા હોય છે. વાળ ખરવાના કારણે ટાલ પડવાની શક્યતા રહેતી હોય છે. આંખો લાલ થઇ જતી હોય છે અને તેમાંથી પાણી પડતું હોય છે.

વધારે પડતી બાયોટીનની કમી જો લાંબા સમય માટે રહે તો ચેતાતંત્ર ઉપર તેની આડઅસરો સર્જા‍તી હોય છે. વ્યક્તિને ડિપ્રેશન, થાક, હાથ, પગમાં ખાલી ચઢવી જેવાં ચિહ્નો સર્જા‍તાં હોય છે. બાયોટીન ઇમ્યુન સિસ્ટમ ઉપર પણ અસર કરતું હોય છે. બાયોટીનની ઊણપના કારણે રોગપ્રતિકારની શક્તિ ઘટી જતી હોય છે અને વ્યક્તિને બેક્ટેરિયલ તથા ફંગલ ઇન્ફેકશન થવાની શક્યતા વધી જતી હોય છે.

પ્રેગ્નન્સીમાં પ૦ ટકા જેટલી વ્યક્તિઓને સામાન્ય માત્રામાં બાયોટીનની ઊણપ સર્જા‍તી હોય છે. તીવ્ર બાયોટીનની અસર નવજાત શિશુ ઉપર આડઅસર કરી શકતું હોય છે. પ્રેગ્નન્સીમાં બાયોટીનની તીવ્ર ઊણપ નવજાત શિશુના વિકાસ અને વૃદ્ધિ પર અસર કરી શકે છે. આવાં બાળકો ઓછું વજન ધરાવતાં હોય છે અને તેમનામાં ચેતાતંત્રની મુશ્કેલીઓ સર્જા‍તી હોય છે.

બાયોટીનની ઊણપનું નિદાન: શરીરમાં બાયોટીનની માત્રા જાણવા માટે સામાન્ય લેબોરેટરીમાં પરીક્ષણ સંભવ નથી. બાયોટીનની કમીનું નિદાન અમુક વિશષ્ટિ લેબોરેટરીમાં જ થઇ શકતું હોય છે, પરંતુ આ સમસ્યા જવલ્લે જ જોવા મળતી હોવાના કારણે તથા તેનાં બાહ્ય ચિહ્નો દ્વારા સરળતાથી જાણી શકાતી હોવાના કારણે આવા લેબોરેટરી પરીક્ષણની જરૂર પડતી નથી. અમુક રિસર્ચ હેતુ માટે અમુક વિશષ્ટિ લેબોરેટરીમાં જ આ ટેસ્ટ કરાવવાની જરૂર પડતી હોય છે.

જન્મથી બાયોટીનની કમી: જન્મથી બાયોટીન અથવા તેના મેટાબોલીઝમમાં જરૂરી એન્ઝાઇમની કમી ધરાવતાં બાળકોમાં ચામડી, વાળ, ચેતાતંત્રનાં લક્ષણો સર્જા‍ય છે. આવાં બાળકોને ભૂખ ઓછી લાગે છે અને તેઓ ઓછું વજન ધરાવતાં હોય છે. તેમના વાળ ભૂખરા થઇ જતા હોય છે. તેમની ચામડી શુષ્ક પડી જતી હોય છે. આવાં બાળકોના સ્નાયુઓ ઢીલા પડી જતા હોય છે. ખેંચ આવતી હોય છે. બુદ્ધિનો વિકાસ થતો નથી અને અમુક તીવ્ર મેટાબોલીઝમની તકલીફ ધરાવતી વ્યક્તિઓ અકાળે મૃત્યુ પામતી હોય છે. આવી પરિસ્થિતિ જવલ્લે જ જોવા મળતી હોય છે.

જઠર, આંતરડાંની તકલીફ ધરાવતી વ્યક્તિઓ અને જન્મથી બાયોટીનની ઊણપ ધરાવતી વ્યક્તિઓને બાયોટીન વિશેષ માત્રામાં જરૂરી હોય છે. બાયોટીન ટેબ્લેટ, પાઉડર તથા અનેક વિટામિન સપ્લિમેન્ટમાં મળી શકતું હોય છે. યોગ્ય તબીબી સલાહ મુજબ વ્યક્તિએ આ સપ્લિમેન્ટ તરીકે બાયોટીન લેવું જોઇએ. આમ બાયોટીન અથવા વિટામિન બી-૭માં ત્વચા, વાળ, તથા શરીરની અનેક મેટાબોલીઝમ પ્રક્રિયા માટે જરૂરી વિટામિન છે. યોગ્ય આહારમાં અને જરૂર હોય તો સપ્લિમેન્ટ દ્વારા આ વિટામિન લેવાથી આરોગ્ય સુધરે છે.'
tiven.marwah@gmail.com