તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંચેરી ભેખડનો મોરલો કવિ ઉમાશંકર જોશી - શતાબ્દી વંદના

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોતાની કવિતાના નાયક તરીકે ગાંધીજીને રાખી ‘વિશ્વશાંતિ’ની રચના કરનારા ૨૦ વર્ષના તરુણ કવિ ઉમાશંકરની મુગ્ધ નજરમાં વિશ્વશાંતિનો જે આદર્શ પ્રગટ્યો, તે પછી દ્રઢ થતો રહે છે. ૨૧મી જુલાઇ ૨૦૧૦ એટલે ગુર્જર ગિરાના એક શ્રેષ્ઠ સર્જક ઉમાશંકર જોશીની એક્સોમી જન્મ જયંતીનું ધન્ય પર્વ. ૧૯૧૧ના જુલાઇની ૨૧મીએ નરસિંહ, પ્રેમાનંદ, ગોવર્ધનરામ અને ગાંધી જેવી વિભૂતિએ સેવેલી ગુજરાતીને અધિક સમૃદ્ધ કરનાર કવિ ઉમાશંકરનો જન્મ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ડુંગરાળ પ્રદેશના એક ગામ બામણામાં થયો હતો. એ ડુંગરા તે વિરાટ સુદીર્ઘ અરવલ્લીના પશ્ચિમ છેડાના. એ ડુંગરાઓમાં ખંભેરિયા નામે ડુંગરની ઠીક તળેટીએ જેઠાલાલ જોશી ડુંગરાવાળાના ઘરમાં ઉમાશંકરે જીવનના પ્રથમ શ્વાસ લીધેલા. ગામમાં શરૂઆતનું શિક્ષણ લઇ ઇડર ભણવા ગયા. શરીરે નબળા પણ ભણવામાં તેજસ્વી ઉમાશંકર પર ઇડરના ખડકો ùઊંડી છાપ મૂકી ગયા હતા. ઉમાશંકરે પછી પ્રસિદ્ધ કવિતા રચી ‘અમે ઇડરિયા પથ્થરો.’ જોકે ઉમાશંકરને પ્રથમ કાવ્યદીક્ષા અર્બુદગિરિ (આબુ)એ આપી હતી. આબુના પ્રવાસે ગયેલા ઉમાશંકરન શરદપૂનમની રાતે નખી સરોવર પર ચંદ્રોદયનું અનુપમ સૌંદર્ય નિહાળી કાવ્યપંક્તિ ફૂટી ‘સૌંદર્યોથી ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ એ વર્ષ હતું ૧૯૨૮નું, ઉમાશંકરની વય ત્યારે ૧૭-૧૮ વર્ષની. ‘નખી સરોવર ઉપર શરદપૂર્ણિમા’ તેમની પહેલી કવિતા. પરંતુ તેઓ જાણીતા, તો થયા ૧૯૩૧માં નવજીવને પ્રગટ કરેલી તેમની કવિતા (ખંડકાવ્ય) ‘વિશ્વશાંતિ’થી. આપણે આ દિવસો યાદ કરીએ તો તરત અમદાવાદમાં મહાત્મા ગાંધીજી અને તેમના દેશવ્યાપી અસહકાર અને સત્યાગ્રહ આંદોલનોના ઝંઝાવાતી દિવસો. અનેક નવયુવાનોએ સત્યાગ્રહમાં ઝંપલાવ્યું હતું, જેમાં ઉમાશંકર પણ એક હતા. પોતાની કવિતાના નાયક તરીકે ગાંધીજીને રાખી ‘વિશ્વશાંતિ’ની રચના કરી, જેની પ્રથમ પંક્તિ હતી ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો.’ ૨૦ વર્ષના તરુણ કવિની મુગ્ધ નજરમાં વિશ્વશાંતિનો જે આદર્શ પ્રગટ્યો, તે પછી દ્રઢ થતો રહે છે એની કવિ ચેતનામાં જ નહીં, સમગ્ર જીવનાદર્શમાં. એ મંગલ શબ્દ કયો હતો ? ‘તું પાપ સાથે નવ પાપી મારતો.’ એ પછી ઉમાશંકરને ફરી કારાવાસની સજા મળી. હજારો સત્યાગ્રહીઓએ બ્રિટિશ સરકારની જેલો એવી ભરી દીધી હતી કે તંબુ જેલો ઊભી કરવી પડી હતી. આ જેલવાસ એ જાણે એક યુનિવર્સિટી કેમ્પસ હતો. ત્યાં રાજદ્વારી કેદીઓને વાંચવા લખવાની સુવિધા અપાતી. ગુજરાતી ભાષાનું ઘણું સાહિત્ય આ જેલોમાં લખાયું છે. સુંદરમ્ની જેલ સમયની નોટો, કવિતાથી ભરેલી, પ્રગટ હમણાં થઇ છે. ઉમાશંકરે જેલમાં કવિતા સાથે નાટક-એકાંકી નાટક લખવાની શરૂઆત કરી. એમાં એમના બચપણના ગામના અનુભવો અને ભાષા જીવતાં થઇ ઊઠ્યાં. ‘સાપના ભારા’ વિધવા નારીની મર્મચ્છેદી વ્યથાનો જીવંત આલેખ છે. કવિતામાં ભાવનાવાદી કવિ અહીં ઘોર યથાર્થવાદી નાટકકાર છે. ગ્રામબોલીનો પ્રયોગ પહેલીવાર કરવાનું તેમણે સાહસ કર્યું હતું. જેલમાંથી બહાર આવ્યા પછી એમનો પહેલો કાવ્યસંગ્રહ ૧૯૩૩માં પ્રગટ થયો. અધૂરું ભણતર પૂરું કરવા ઉમાશંકર મુંબઇ ગયા. આ મહાનગરનો અનુભવ કવિને માટે ફળપ્રદ રહ્યો. જેમના માટે તેમને પછી ૧૯૬૮નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો, તે ‘નિશીથ’ સંગ્રહની ઘણી રચનાઓ મુંબઇમાં, કેટલીક તો તેની લોકલ ટ્રેનોના યાતાયાતના સમયમાં થઇ હતી, જેમાં એક હતી આત્માનાં ખંડેર. આ મુંબઇમાં રચાઇ હતી. ‘ગરબા’ના ઢાળમાં તેમની પ્રસિદ્ધ રચના ‘સાબરનો ગોઠિયા’ જેની પ્રથમ પંક્તિ હતી - ‘મારી સાબરને કાંઠે રમતો હો રાજ વનરા તે વનનો વણઝારો.’ આદિવાસી વિસ્તારોમાંથી સ્થળાંતરિત થતા મુક્ત વિચરતા યુવાનને નગર કેવી રીતે ગ્રસી જાય છે, તેની મર્મસ્પર્શી રચના છે. એ વણઝારો-એ આદિવાસી તરુણ-બબ્બે પાવા વગાડતો ડોલતો. કવિએ એને માટે કહ્યું છે - ‘કાંઇ ઊંચેરી ભેખડનો મોરલો હો રાજ વનરા તે વનનો વણઝારો.’ અમદાવાદમાં આવી કવિએ ગુજરાત વિદ્યાસભામાં ભણાવતાં ‘અખો : એક અધ્યયન’ જેવો ગ્રંથ લખ્યો. ત્યાંથી છુટા થઇ ‘સંસ્કૃતિ’ માસિક કાઢ્યું, જે ગુજરાતની સંસ્કૃતિનું મુખપત્ર બની રહ્યું. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૧૯૫૪માં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનની શરૂઆત ઉમાશંકરની અધ્યક્ષતામાં થઇ. યુનિવર્સિટીમાં રાજકારણ પ્રવેશી ગયું હતું, તેના પ્રતિકારરૂપે કુલપતિની ચૂંટણી લડ્યા, જીત્યા, અને બે સત્ર કુલપતિ રહ્યા. રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા. આ કવિની રાજકારણમાં પણ ઊંડી સમજ. ૧૯૭૫માં કટોકટી લદાતાં તેનો સક્રિય વિરોધ પાર્લામેન્ટમાં અને બહાર કર્યો. ૨૫મી જૂને રાત્રે કટોકટી લદાતાં ૨૬મી જૂને કવિતા રચી ‘કાલે હતો તે તડકો આજે ક્યાં છે ?’ ૧૯૮૧માં તેમનો ૧૦મો કાવ્યસંગ્રહ ‘સપ્તપદી’ પ્રગટ થયો. ઉમાશંકરનું જ નહીં, ગુજરાતની કવિતાનું તે એક શિખર છે. તેમની શબ્દોપાસનાની તે ઉપલબ્ધિ રૂપ છે. એ જ વર્ષે તેમની ‘સમગ્ર કવિતા’ (૧૦ કાવ્યસંગ્રહોનાં સંચય) પણ પ્રગટ થયો. ઉમાશંકરની શબ્દોપાસના તે પછી પણ જીવનના અંત સુધી ચાલતી રહી. ઉત્તર ગુજરાતના એક પહાડી વિસ્તારના ગામડા ગામથી શરૂ થયેલી ગભરુ ઝરણાંની યાત્રા વિરાટ નદરૂપે પ્રવાહિત થઇ, અંતે ૧૯૮૮માં ચિર મૌનના મહાસાગરમાં વિલીન થઇ જાય છે. કવિએ તેમની પંખીલોકની કવિતાની અંતની લીટીમાં કહ્યું છે - ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’ કવિ ઉમાશંકરના જન્મશતાબ્દી પર્વે આપણે સૌ એમની વંદના કરીએ. ભોળાભાઇ પટેલ, સાહિત્ય વિશેષ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો