સંતાનનું બદલાયેલું વર્તન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હું મારી એક બહેનપણી સાથે બેઠી હતી. એ સતત પોતાનાં સંતાનો વિશે ફરિયાદ કરતી હતી કે તેઓ મોટાં થયાં પછી પોતપોતાનાં જીવનમાં વ્યસ્ત થઇ ગયાં છે, માતા-પિતાની ચિંતા નથી કરતાં. તેમને કશાની પરવા નથી. એમણે તેમને કેટલો બધો પ્રેમ આપ્યો, પણ તેઓ એમની જરાય કદર નથી કરતાં વગેરે... ત્યાં આ વાત એક વડીલ પણ બેઠાં બેઠાં સાંભળતા હતા. એમણે એક જ વાત કહી, ‘માયા જ આગળ હોય.’ અને પછી ઊભા થઇને જતા રહ્યા. એમણે એક જ વાક્યમાં આખા જીવનનો સાર સમજાવી દીધો. જેમ પાણી ઢાળ તરફ જ વહે એ જ રીતે માતા-પિતાનો પ્રેમ પણ બાળકો પ્રતિ વહે છે. આ જૈવિક છે, કુદરતી વ્યવસ્થા છે, જે પશુ-પક્ષી, મનુષ્ય દરેક જાતિમાં જોવા મળે છે. એ શીખવવું પડતું નથી. એ દરેક પ્રાણીના ડીએનએમાં સામેલ છે. જો સંતાનો પોતાનાં માતા-પિતાને માન આપે, એને પ્રેમ કરે તો તે પ્રવાહને બીજી દિશામાં વાળવા સમાન છે. આમાં મનુષ્યનો જ મહિમા છે કેમ કે એ નિરપેક્ષ પ્રેમ હશે. આ વાતને ઊંડાણથી સમજવાની જરૂર છે કે માતા-પિતા વિચારે છે કે એમણે પોતાનાં સંતાનોને અપાર પ્રેમ આપ્યો, પણ બાળકોના મન પર બાળપણમાં ઉછેરના અનેક ઘા હોય છે, એમને પોતાનાં માતા-પિતા પ્રત્યે ફરિયાદ હોય છે. માતા-પિતા સંતાનોને ઉછેરે છે, તો એમની અનેક અપેક્ષાઓ હોય છે, તેઓ કહેતાં નથી પણ ઇચ્છે છે ખરાં કે સંતાનો એમનાં આભારી રહે. આ ભાવના, આ લાગણી જ માયા અને મોહ છે. આ પ્રેમ નથી, ઇન્વેસ્ટમેન્ટ છે જે વૃદ્ધાવસ્થામાં ઉપયોગી થશે. જો આ પ્રેમ સાચો હોય તો વૃદ્ધાવસ્થામાં માતા-પિતા કેમ ઉદાસ જણાય છે? એકલાં અને ઉપેક્ષિત થતાં હોવાનંુ શા માટે અનુભવે છે?  આવું પેઢી દર પેઢી ચાલતું આવ્યું છે, જો આપણે સજાગતામાં પરિવર્તન ન લાવીએ તો ભવિષ્યમાં પણ આવું જ ચાલ્યા કરશે. 
અન્ય સમાચારો પણ છે...